Wednesday, 26 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વાસી રોટલા કે રોટલી હેલ્ધી કહેવાય? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વાસી રોટલા કે રોટલી હેલ્ધી કહેવાય?
જિગીષા જૈન
 


 

વાસી ખોરાકને હંમેશાં દરેક જગ્યાએ અનહેલ્ધી જ માનવામાં આવ્યો છે. પરંતુ જો આપણે ધ્યાનથી જોઈએ તો આપણાં દાદા-દાદી સવારે ઊઠીને હંમેશાં પાછલા દિવસની રોટલી કે રોટલાને દૂધ સાથે ખાતાં હતાં. આજે પણ ઘણાં ઘરોમાં આ ચલણ છે. હકીકત એ છે કે આ વાસી રોટલા-રોટલી પાચન માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. એ કઈ રીતે એ આજે જાણીએ...

 

આજની તારીખે આપણે બધા જાણીએ છીએ કે સવારે ઊઠીને બ્રેકફાસ્ટ કરવો અત્યંત જરૂરી છે. પરંતુ સવારે ઊઠીને જે બાળકો સ્કૂલમાં ભાગે છે, જે સ્ત્રીઓ ઘરકામમાં લાગી જાય છે, જે સ્ત્રી કે પુરુષ ઑફિસ ભાગે છે, જે ધંધામાં વ્યસ્ત રહેતા લોકો જલદી દુકાન ખોલવાની લાયમાં હોય છે તેમને બ્રેકફાસ્ટ કરવાનો સમય નથી હોતો. જો કરવાનો સમય કાઢી પણ લે તો ગરમ નાસ્તો બનાવવાનો સમય નથી હોતો. એટલે જ લોકો આજકાલ કૉર્ન ફ્લેક્સ, સિરિયલ્સ અને રેડી ટુ મેક ઉપમા-પૌંઆ ખાવા લાગ્યા છે. નાસ્તો કર્યો છે એમ કહેવાઈ પણ જાય અને બનાવવામાં સમય પણ ન જાય. ઘણા આ બધું ન ખાતા હોય તો રસ્તામાં બહારના નાસ્તા ઘણા મળતા હોય છે.

જગ્યાએ-જગ્યાએ સ્ટૉલ્સ નાખીને લોકો ઊભા હોય છે તો લોકો તેમની પાસેથી નાસ્તાઓ લઈ લેતા હોય છે. ભલે તમે બહારના પૌંઆ, ઉપમા કે ઈડલી જ ખાધાં હોય; પરંતુ દરરોજ બહારનો નાસ્તો ખાવો એ હેલ્ધી ઑપ્શન તો નથી જ. તો શું ખાવું? એવું શું કરવું જેથી સમય પણ બચે, પોષણ પણ મળે અને નાસ્તો કર્યાનો સંતોષ પણ?

 

વાસી રોટલા-રોટલી
આ સવાલનો જવાબ આપણા વડવાઓ જ આપણને આપી શકે. આપણને એવી ભ્રમણા છે કે અપને આજકાલ ખૂબ બિઝી રહીએ છીએ. આપણા જેટલું જ કદાચ આપણા કરતાં પણ વધુ કામ આપણા વડીલો કરતા; પરંતુ તેમનામાં કામ કરવાનો ઉત્સાહ, હિંમત અને તાકાત બધું જ રહેતું. ઘરમાં જો તમારાં દાદા-દાદી કે નાના-નાની હોય તો ચકાસો તે શું નાસ્તો કરે છે કે શું નાસ્તો કરતાં હતાં. મોટા ભાગના લોકોનો જવાબ હશે વાસી રોટલી કે રોટલો. સાંજે બનાવેલાં રોટલી-રોટલા વધ્યાં હોય અથવા ખાસ વધારે જ બનાવ્યાં હોય કે સવારે થઈ રહેશે. પહેલાંના સમયમાં આ જ નાસ્તો ગણાતો. થોડુંક તાજું દૂધ અને રોટલી કે રોટલો લઈ લીધો. બસ, થઈ ગયો નાસ્તો. એનાથી વધુ કંઈ જોઈએ નહીં. આજે આપણે ગરમ નાસ્તાનો આગ્રહ રાખીએ છીએ. પહેલાંના સમયમાં ચૂલો કે ગૅસ એટલો સવાર-સવારમાં ચાલુ કરવામાં નહોતો આવતો. સવારે બીજાં ઘણાં કામ રહેતાં. ઘરની સફાઈ, પાણી ભરવા જવાનું, કપડાં ધોવાનાં વગેરે. એટલે સવાર-સવારમાં ચૂલો શરૂ ન થાય. આ બધાં કામમાંથી પરવારીને પછી સ્ત્રીઓ જમવાનું બનાવતી. ત્યાં સુધી ભૂખી થોડી રહે? એટલે ગઈ કાલનો પડેલો રોટલી કે રોટલો ખાઈ લેતી દૂધ સાથે. પરંતુ હકીકત એ છે કે આ નાસ્તો જેટલો સરળ છે એટલો જ પૌષ્ટિક પણ.

 

વાસી ખોરાક અનહેલ્ધી
સામાન્ય રીતે તો વાસી ખોરાક બિલકુલ હેલ્ધી માનવામાં આવતો નથી. આયુર્વેદ કહે છે કે કોઈ પણ ખોરાક પકવીને બે કલાકની અંદર ખાઈ લેવો જોઈએ. તો આપણને એનો સૌથી વધુ ફાયદો થાય છે. વાસી ખોરાકને આપણે ક્યારેય હેલ્ધી માનતા નથી. સવારનું સાંજે ખાવાનું પણ અનહેલ્ધી ગણાય છે ત્યાં બીજા દિવસે ખાવાનું તો યોગ્ય ગણાય જ કઈ રીતે? નિષ્ણાતો તો ફ્રિજમાં રાખેલો ખોરાક પણ બીજા દિવસે ખાવાની મનાઈ કરે છે, કારણ કે એ ખોરાક ભલે બગડ્યો ન હોય; પરંતુ એનો પ્રાણ કે એનર્જી‍ કે સત્વ બધું જતું રહ્યું હોય છે. આવા સંજોગોમાં વાસી રોટલી કે રોટલાને ખાવાની વાત કઈ રીતે હેલ્ધી માની શકાય? આ પ્રશ્નનો જવાબ આપતાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, 'વાસી ખોરાક અનહેલ્ધી છે એ વાત સાચી, કારણ કે જેમ ખોરાક વાસી થાય એમાં બૅક્ટેરિયાનો વિકાસ થાય છે જે બૅક્ટેરિયા પાચનને નુકસાન કરે એવા બૅક્ટેરિયા હોય છે. પરંતુ આ વાત શાકભાજી, દાળ કે ખીચડી જેવા બીજા ખોરાક પર લાગુ પડે છે; રોટલી કે રોટલા પર નહીં. પહેલી વાત એ કે ધાન્ય અને પાણીથી બનાવવામાં આવતા આપણી ભારતીય રોટલી કે રોટલા લાંબો સમય સુધી સામાન્ય તાપમાન પર પણ બગડતાં નથી. શાક બનાવીને સવારથી સાંજ બહાર રાખ્યું હોય તો એનો સ્વાદ બદલાઈ જાય છે, પરંતુ રોટલી-રોટલા માટે એવું નથી થતું. ઊલટું ઘણાં ઘરોમાં તો સવારે આખા દિવસની રોટલીઓ બની જાય. સાંજે અલગથી રોટલી નથી બનાવાતી, ફક્ત શાક જ બનાવાય છે. આ ટ્રેડિશન્સ પાછળ ફક્ત સહુલિયત નથી, પરંતુ વિજ્ઞાન છે. જોકે આ વિજ્ઞાન પાછળ ખાસ રિસર્ચ થયું નથી.'

 

કઈ રીતે હેલ્ધી?
વાસી રોટલી કઈ રીતે હેલ્ધી ગણાય છે? એ પ્રશ્નનો જવાબ આપતાં ધ્વનિ શાહ કહે છે, 'મૂળભૂત રીતે કોઈ પણ ધાન્ય એટલે કે ઘઉં, ચોખા, બાજરો, નાચણી કે જુવાર એ એવાં ધાન્યો છે જેના રોટલા કે રોટલી બનાવવામાં આવે અને એને ૧૨ કલાક રાખી મૂકવામાં આવે તો એની અંદર પણ બૅક્ટેરિયા વધે છે. પરંતુ આ બૅક્ટેરિયા ખરાબ હોતા નથી, ખૂબ ફાયદાકારક બૅક્ટેરિયા હોય છે જે પાચનને બળ આપે છે. એનો અર્થ એ થયો કે ગરમ રોટલી ખાઓ એ જેટલું પોષણ આપે એના કરતાં ઠંડી રાખી મૂકેલી રોટલી વધુ પોષણ આપે છે. જોકે એનો અર્થ એ પણ નથી થતો કે ગરમ ન ખાવું. ગરમ ખોરાક અને એના પોષણનું મહત્વ પણ ઓછું નથી. પરંતુ જો તમારે નાસ્તા માટે વાસી રોટલી કે રોટલો ખાવો હોય તો એ ઘણો જ હેલ્ધી ઑપ્શન ગણાશે, જેને દૂધ સાથે લેવું.'

 

શું ચાલે અને શું નહીં
વાસી રોટલી ખાઈ શકાય એ વાત સાચી, પરંતુ કોશિશ કરો કે આ વાસી રોટલી ૧૨ કલાકથી વધુ વાસી ન હોય. આ સિવાયની બાબતો વિશે સ્પક્ટતા કરતાં ધ્વનિ શાહ કહે છે, 'થેપલાં-પરોઠાં-ભાખરી-રોટલા-રોટલી આ બધું જ વાસી ખાઈ શકાય છે. પરંતુ શરત ફક્ત એટલી છે કે એમાં ફલત: એ ધાન્યનો લોટ અને તેલ-પાણી જ વાપરવામાં આવે. મીઠું, મરચું, હળદર જેવા સૂકા મસાલાઓ ચાલે; પરંતુ જો તમે વિચારો કે મેથીનાં થેપલાં વાસી ખાઈ લીધાં તો એ આદત હેલ્ધી નથી. આલૂ પરાઠાં રાત્રે બનાવેલાં હોય અને એકાદ વધેલું તમે સવારે ખાઓ તો એ હેલ્ધી નથી, કારણ કે એમાં શાકભાજી છે જે લાંબો સમય ટકતાં નથી અને પોષણ આપવાને બદલે એ બીમાર કરે છે. આમ સાદાં રોટલા-રોટલી ખાઈ શકાય છે.'

 

પૅકેટ નાસ્તા અને વાસી રોટલી
એક વસ્તુ સ્પક્ટ છે. સવારે ઊઠીને જો તમે બ્રેડ, ઓટ્સ, સિરિયલ્સ કે કૉર્ન ફ્લેક્સ ખાતા હો નહીં તો રેડી ટુ મેક ઉપમા-પૌંઆ કે ઈડલી ખાતા હો કે પછી બહારનો નાસ્તો કરતા હો એ બધા જ ઑપ્શન કરતાં વાસી રોટલી સૌથી હેલ્ધી ઑપ્શન છે. ગરમ નાસ્તો બનાવવાનો તમને સમય ન હોય તો કંઈ નહીં, પરંતુ નાસ્તો મિસ ન કરો. વાસી રોટલી બેસ્ટ છે. એને દૂધ સાથે ખાઓ. જો તમને ગરમ નાસ્તો બનાવવાનો સમય હોય તો ચોક્કસ ગરમ જ બનાવો, પણ સમય નથી તો વાસી રોટલી-રોટલાનો બેસ્ટ ઑપ્શન જ અપનાવો.

 

શેમાં મદદરૂપ?
વાસી રોટલા-રોટલીનો સૌથી મોટો ફાયદો પેટને થાય છે એટલે કે પાચનને. જેમને પાચન સંબંધિત કોઈ પણ તકલીફ હોય જેમ કે ઍસિડિટી, ગૅસ, અપચો વગેરે તેમના માટે વાસી રોટલીનો નાસ્તો બેસ્ટ ગણાશે. પાચન સંબંધિત દરેક પ્રૉબ્લેમ એ સૉલ્વ કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

 

વાસી રોટલીનો નાસ્તો બ્લડ-પ્રેશરને કન્ટ્રોલ કરે છે. જેમને આ રોગ છે તે વાસી રોટલીનો નાસ્તો કરી શકે છે. જેમને નથી તે પણ આ નાસ્તો કરે તો તેમનું પ્રેશર હંમેશાં કન્ટ્રોલમાં રહી શકે છે.

 

વાસી રોટલી બ્લડ-શુગર કન્ટ્રોલમાં રાખવામાં પણ મદદરૂપ છે. જેમને ડાયાબિટીઝ છે તે એવું વિચારે છે કે રોટલી ન ખવાય, એમાં શુગર હોય. પરંતુ એવું બિલકુલ નથી. વાસી રોટલા-રોટલી ખાઈ શકાય છે. એ ઘણાં મદદરૂપ થાય છે.

 

વાસી રોટલી શરીરનું તાપમાન પ્રમાણમાં રાખવામાં મદદરૂપ છે. એ તાપમાનને કન્ટ્રોલ કરે છે. ખાસ કરીને ઉનાળામાં એનો આ ગુણ ઘણી રીતે મદદરૂપ થાય છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov4emScc_sQdq-Xz7K23Be9EhOH7qsKPu3azLE3P5eiVg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment