સવાલ: મારા દીકરાની છ મહિના પહેલાં ધામધૂમથી સગાઈ કરી છે. ખૂબ સારી વહુ છે, જાણે સર્વગુણસંપન્ન. લગ્ન આવતા ડિસેમ્બરમાં લેવાના જ હતા, પણ અઠવાડિયા પહેલાં જ ખબર પડી કે થનારી વહુને કૅન્સર થયું છે. મારું મન સુન્ન થઈ ગયું છે. શું કરવું શું ના કરવું? લગ્ન રોકવા? દીકરો ખૂબ પ્રેમ કરે છે તેને, કેમ કરી સમજાવું? 'ના' કેમ કરીને કહેવી તે લોકોને? સૌપ્રથમ તો તમારે નક્કી કરવાનું કે તમે શું કરવા માગો છો. વિચારો કે થનારી વહુને બદલે તમારી દીકરી હોત, તો તમારી મનોસ્થિતિ કેવી હોત? વહુને બદલે દીકરાને કૅન્સર ડીટેક્ટ થયું હોત તો તમે શું વિચારત હમણાં? હું જાણું છું ખૂબ ખૂબ મુશ્કેલ છે પોતાના જ લોકો માટે આવો વિચાર માત્ર પણ. કૅન્સર ડીટેક્ટ થવું એ ઘટના સગાઈ બાદ બની પણ લગ્ન બાદ થઈ હોત તો? અરે, કૅન્સર ડીટેક્ટ થયું તે કહ્યા વગર જ વહુના પિયર પક્ષનાઓએ લગ્ન થવા દીધા હોત તો? કૅન્સર જેવા રોગ માટે માત્ર ચાર મહિના ઈલાજ મુલતવી રાખવો હોય તો કદાચ ડૉક્ટર પણ તેમને સહયોગ આપત. તમે એ વિચારો કે તેમણે આવું કંઈ ના કર્યું. તમને જણાવી દીધું. તમે જ કહ્યું છે કે વહુ સર્વગુણસંપન્ન છે. તો માત્ર આવા કારણસર લગ્ન રોકવાનો વિચાર કરી તમે ઉતાવળ કરી રહ્યા છો તેમ લાગે છે. આજે 'કૅન્સર એટલે કેન્સલ' તે સમીકરણનો સદંતર છેદ ઊડી ગયો છે. કૅન્સર સાથે સ્વસ્થ રહી ચિરાયુ જીવતા ઘણાં લોકો છે સમાજમાં. દીકરો તેને ખૂબ પ્રેમ કરે છે તે ઘણી જ પોઝિટિવ વાત છે. લગ્ન બાદ નિયમિત ડૉક્ટરની સલાહ મુજબ આહાર-વિહાર સહિત પ્રેમપૂર્ણ કાળજી કદાચ તેનું કૅન્સર જડમૂળથી મટાડી દેશે તેવું તમે વિચારો, 'ના' પાડવાના કારણ વિશે નહિ. આ સંજોગોમાં તમે ના પાડશો તો તે દીકરી માનસિક રીતે ભાંગી પડશે અને કદાચ કૅન્સર સામે જીતી જશે, પણ આ સંજોગો સામે હારી જશે. આપ જ નહિ પણ દુનિયામાં કોઈ નથી જાણતું કે બે-ચાર પળ બાદ શું થવાનું છે? આજે આપણી વહુ મુશ્કેલીમાં છે, કાલે આપણી સાથે પણ કંઈક ન થવા જેવું થઈ શકે છે. તે સમયે લોકોનો તિરસ્કાર આપણને ગમશે? હું માનું છું કે મન ઉદાર રાખી અને પોઝિટિવ વલણ રાખી દીકરાના લગ્ન તે જ યુવતી સાથે કરાવો. આનાથી તે યુવતી કે તમારા દીકરાની નજરમાં જ નહીં, તમે તમારી નજરમાં પણ એક વેંત ઊંચા થઈ જશો. દુનિયાદારીમાં દરેક માણસ પોતા વિશે વિચારતો હોય છે અને તે સ્વાભાવિક પણ છે, છતાંય ક્યારેક જીવનમાં એવી ઘડીઓ આવે છે, જેમાં એક માણસ તરીકે આપણી માણસાઈ/માનવતા સાબિત કરવાની હોય છે. તમારી પાસે એ સમય સામેથી ચાલીને આવ્યો છે. માટે 'ના' પાડવા માટેનું કોઈ બહાનું શોધ્યા વગર દીકરાના લગ્ન કરવા વિશે વિચારો, સૌ સારા વાના થશે. આ મારો મત છે બહેન, આગળ જેવી આપની ઈચ્છા. ભગવાન તમને યોગ્ય નિર્ણય લેવામાં સહાય કરે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsAxAg3uOsK16Eg2cX7xcQ4nHoc2wKCXTERAOoh5phiJA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment