Tuesday, 25 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આંસુનો પણ ઈતિહાસ હોય (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આંસુનો પણ ઈતિહાસ હોય!
વરણાગી રાજા-દિવ્યાશા દોશી

તાજેતરમાં રજૂ થયેલી સ્ત્રી નામની ફિલ્મની અખબારી જાહેરાતમાં ટેગ લાઈન હતી કે મર્દ કો દર્દ હોગા તો થોડો સમય પહેલાંની ફ્લોપ ફિલ્મ કંગના રાણાવત અભિનિત 'રિવોલ્વર રાની' ફિલ્મની ટેગ લાઈન છે: અબ મર્દ કો ભી દર્દ હોગા... આ વાંચીને વિચાર આવ્યો કે પુરુષને પીડા નથી થતી એ માન્યતા કેવી પૌરુષને તોડી રહી છે. સાથે જ યાદ આવે અમિતાભની 'મર્દ' ફિલ્મનો એક ડાયલોગ જે ખૂબ ફેમસ થયો હતો: 'મર્દ કો કભી દર્દ નહીં હોતા.' હકીકતમાં આ માન્યતા આજેય સમાજના મનના કોઇ ખૂણેખાંચરે છે કે પીડા કે દર્દ દર્શાવવું એ સ્ત્રીઓનું ક્ષેત્રે ગણાય. પુરુષ ક્યારેય નબળો પડે નહીં કે નબળાઈ દર્શાવી શકે નહીં. ફિલ્મોમાં મર્દના દર્દનો અર્થ જે હોય તે પણ આજે જમાનો બદલાઈ રહ્યો છે. સ્ત્રીઓની જેમ પુરુષો પણ બદલાયા જ છે.

 

આજે જમાનો મેટ્રોસેક્સ્યુઅલ ઇમેજનો છે. અર્થાત્ પુરુષો પોતાની ઇમેજ બદલી રહ્યા છે. કઠોર કાળજી વગરના, બેફિકરાઈ જેવા મર્દાના ગણાતા ગુણોની સામે ઋજુ, સંવેદનશીલ, કાળજીભર્યો સ્વભાવ એ આજના આધુનિક પુરુષની નવી ઓળખ છે. એટલે જ જ્યારે પોતે દુભાય કે દુખી થાય ત્યારે જાહેરમાંય રડતાં ગભરાતા નથી કે ન તો પોતાની પીડાને, દુખને કબૂલતાં અચકાતાં. સલામ નમસ્તે ફિલ્મમાં સૈફ અલી ખાનને ફિલ્મ જોતી સમયે રડતાં દર્શાવ્યો છે.

 

ડૉ. જેડ ડાયમંડ જેમણે ઇન્ટરનેશલ હેલ્થ વિષયે પીએચડી કર્યું છે, માનવીય માનસિકતા વિષયે પણ અભ્યાસપૂર્ણ પુસ્તકો લખ્યાં છે, પોતાના એક લેખમાં તેમણે અનુભવેલાં માનસિક પીડા, દર્દ અંગે વિવરણ કર્યું છે. તેમને પત્ની સાથેના સંબંધમાં હતાશા, ગુસ્સો, ભય, પીડા અનુભવાતાં. તેઓ જાણતા હતા કે તેમની અપેક્ષા અને ગુસ્સો જ પીડા આપે છે તેમની પત્નીનો કોઇ વાંક ન હતો. એટલે તેમણે પોતાનો ઇલાજ પણ કરાવ્યો હતો. પોતાના આ સંવેદનોને તેઓ સાક્ષીભાવે જોતા અને તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતા.

 

પીડા, દર્દ માણસની આંખમાં ભીનાશ ભરી દે છે. આ ભીનાશ રુદન રૂપે જ્યારે વહે છે તો તે દર્દના અહેસાસ પર મલમ જેવું કામ કરે છે. છતાં રડવાને લોકો નબળાઈ માને છે. જો કેટલાકને યાદ હોય તો સ્વ. ઇન્દિરા ગાંધી જેવાં લોખંડી સ્વભાવનાં મહિલા જ્યારે પોતાનો જુવાનજોધ દીકરો સંજય મૃત્યુ પામે છે ત્યારે જાહેરમાં રડવાનું મુનાસિબ નથી સમજતાં. તો ગાંધીજીનું મૃત્યુ થયું ત્યારે જવાહરલાલ નેહરુ જાહેરમાં રડી પડ્યા હતા.

 

બીજી વાર જવાહરલાલ નેહરુ લાલ કિલ્લા પર જ્યારે લતા મંગેશકરે 'અય મેરે વતન કે લોગોં...' ગાયું હતું ત્યારે રડી પડ્યા હતા.

 

કપિલ દેવ પર જ્યારે મેચ ફિક્સિંગનો આરોપ થયો ત્યારે ટીવી પર કરણ થાપરને ઇન્ટરવ્યૂ આપતાં ચોધાર આંસુએ રડી પડ્યો હતો અને રડવાને કારણે તેની ઇમેજ ખરડાવાને બદલે લોકોને તેના પ્રત્યે સહાનુભૂતિ થઈ હતી.

 

માનસશાસ્ત્રીઓ કહે છે કે રડવાથી મન હળવું થઈ જાય છે અને માનસિક રાહત થાય છે. જો કોઇ સ્વજન મૃત્યુ પામે અથવા કોઇ જબ્બર આઘાત લાગે ત્યારે કોઇ વ્યક્તિ ન રડે તો તે માનસિક સ્થિરતા ગુમાવે છે. રંગભૂમિના કલાકાર અરવિંદ જોષીએ વરસો પહેલાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે, 'રડવું એ સૌથી સુંદર વસ્તુ છે અને જે માણસ સહજતાથી રડી નથી શકતો તે જીવનમાં ઘણું ગુમાવે છે.' તેમનું નાટક 'બાણશૈયા' અને 'એની સુગંધનો દરિયો' લોકોની આંખમાં આંસુ લાવી દેતાં અને રડતી આંખે પ્રેક્ષકો અરવિંદ જોષીને અભિનય બદલ અભિનંદન આપતા મેં જોયા છે.

 

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનનું મોનિકા સાથેનો સંબંધ (એકસ્ટ્રા મેરિટલ અફેર-લફરું) પકડાયો હતો ત્યાર બાદ તેમણે ટીવી પર જાહેરમાં જનતા સમક્ષ કબૂલાત કરી અને માફી માગી ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયા હતા. તેમણે પોતાની નબળાઈ દુખ સાથે દુનિયા સમક્ષ કબૂલ કરી હતી. આયુર્વેદમાં પણ કહ્યું છે કે કોઇ પણ જાતના વેગને રોકવો નહીં, જો વહેતા વેગને રોકવામાં આવે તો બીજી બાજુ ભરાવો થાય છે. નદીના બંધ પણ ભરાઈ જાય તો તેમાંથી પાણી છોડવામાં આવે છે. નહીં તો બંધ નબળો થઈને તૂટી જાય અથવા છલકાઈ જાય છે, પણ રુદન સાથે અનેક માન્યતાઓ સંકળાયેલી છે, જાહેરમાં રડવું નામર્દગી ગણાય... વગેરે બદલાતા સમયે આ ખોખલી માન્યતાઓનેય બદલી છે. હવે તો જાહેરમાં રડવાનુંય પોતાને સારા સાચા સાબિત કરવા માટે ઉત્તમ સાધન બની રહે છે. પણ આવી ખોખલી માન્યતા સદીઓ પહેલાં નહોતી.

 

વિકાસની સાથે કેટલીક માન્યતાઓ સમાજની સાથે ઘડાઈ છે. એરિસ્ટોટલે ૨૦૦૦ વરસ અગાઉ કહ્યું છે કે તમારી વૃત્તિઓ આંસુ અને હાસ્ય દ્વારા વ્યક્ત થઈ જાય છે, જેથી જગતમાં તમે સારી રીતે રહી શકો છો.'

 

આપણા ધર્મગ્રંથોમાં અને સાહિત્યમાં કેટલાક વિલાપ જાણીતા છે. કાલિદાસે આલેખેલા રઘુવંશમાં દશરથ રાજાના પિતા અજ રાજાએ તેમની પત્ની ઇન્દુમતીના મૃત્યુ પર જે રુદન અને વિલાપ કર્યાં હતાં તેનું વર્ણન અજવિલાપ તરીકે જાણીતું છે. રામાયણમાં પુરુષ વિલાપના, રુદનના અનેક પ્રસંગો છે. રામના વનવાસ બાદ પિતા દશરથનો વિલાપ, ભાઈ ભરતનો વિલાપ, સીતાહરણ બાદ રામનો હૃદયદ્રાવક વિલાપ.

 

જો તમે નાટક કે ફિલ્મ જોતાં હસો છો કે રડો છો ત્યારે એ તમારી અંદર રહેલ સૂક્ષ્મ લાગણીઓને સાફ કરે છે. આ તો આપણા દરેકનો અનુભવ રહ્યો છે કે જ્યારે ફિલ્મનાં ઇમોશનલ દૃશ્યો જોઇએ છીએ ત્યારે રડી પડીએ પછી આપણને હસવું આવે કે આપણે શું કામ રડ્યા? આ બધું તો ખોટું હતું, પણ સાવ એવું નથી સાયકોલોજિસ્ટ કહે છે કે તમારા અનકોન્શિયસ માઈન્ડમાં કેટલીય સંવેદનાઓ વ્યક્ત થયા વગરની પડી હોય છે, જેમ કે ગુસ્સો, ચિંતા, ઇર્ષ્યા વગેરે. આ અવ્યક્ત સંવેદનાઓ જુદી જુદી રીતે આપણા વર્તનમાં વ્યક્ત થાય છે. અને જ્યારે આપણે કરુણ ફિલ્મ કે નાટક જોઇને રડીએ છીએ ત્યાર બાદ હળવાફુલ થઈ જઈએ છીએ અને એટલે જ કરુણ ફિલ્મો પણ આપણે મનોરંજન માટે જોઇએ છીએ. વિદેશી સંશોધનકાર હર્બટ વેઇનરે કેટલીક વ્યક્તિઓ પર રુદનના પ્રયોગ કર્યા બાદ શોધ્યું હતું કે રડવાના ઘણા ફાયદા છે. તેમાંય રડવાથી અસ્થમાના દરદીઓને ઘણી રાહત જણાય છે. સંવેદનાપૂર્વક રડવું અને કાંદા કાપવાને કારણે કે બીજા કેમિકલ રિએક્શનને લીધે રડવું એ બેમાં ફરક છે.

 

કેમિકલ રિએક્શન દ્વારા આવતા રુદન કરતાં સંવેદનાના આવેગથી આવતા રુદનમાં વધારે પ્રોટીન હોય છે, જ્યારે વિલયમ ફ્રે જણાવે છે કે રડવાથી શરીરમાંથી ટોક્સિક ઓછા થાય છે જે તાણ(સ્ટ્રેસ)ને કારણે આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. રડવું એ કરુણતા નથી પણ કરુણ કે પીડાદાયક પ્રસંગોની જે આપણા મન અને શરીર પર અસર થાય છે તેને રુદન દૂર કરે છે, જ્યારે આપણે તાણ મહેસૂસ કરીએ છીએ અથવા સ્વજનને ગુમાવીએ છીએ કે પીડા મહેસૂસ કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં એનર્જી ઉત્પન્ન થાય છે અને જો રુદન દ્વારા તેને વહાવી નથી દેતાં તો તે શરીરને નુકસાન પહોંચાડે છે, પરંતુ પુરુષસમોવડી બનવામાં આજે આધુનિક કાળમાં સ્ત્રીઓ પણ જાહેરમાં રડવાનું ટાળે છે. સ્પર્ધાના યુગમાં તમે રડો તો લોકો તમને નબળા માનવાની પણ ભૂલ કરે તેવું મોટા ભાગના લોકોનું માનવું હોય છે.

 

કદીય ન રડતો માણસ કઠોર જેવો દેખાય છે. તે હંમેશ તંગ મન:સ્થિતિ ધરાવે છે. ક્યારેય તે રિલેક્સ નથી થઈ શકતો. આંસુ આંખની સાથે મનને પણ સાફ કરે છે એટલે આઘાત લાગે કે અકળામણ થાય ત્યારે કેટલીક વ્યક્તિઓને રડવાથી માર્ગ સૂઝે છે.

 

આંસુ એ દર્દ અને પીડાના અહેસાસની અનુભૂતિના સાક્ષી બનીને વહે છે. આપણા આખાબોલા ગણાતા સાહિત્યકાર સ્વ. ચંદ્રકાંત બક્ષી ગાંધીજી વિશે વાત કરતાં જાણીતા પત્રકાર સામે રડ્યા હતા. છેલ્લે મર્દ કો દર્દ પહેલે ભી હોતા થા ઔર આજ ભી હોતા હૈ. તેમાં નાનપ અનુભવવાની કોઇ જરૂર નથી. આંસુ તે નબળાઈની નિશાની નથી, પણ તે સંવેદનશીલતાને પ્રગટ કરે છે.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov_g0okQmC-a0ALMcMfZGEJeCqiZ37PVAX47DtHSi93zQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment