હાલમાં ઇન્ડોનેશિયામાં રમાયેલી એશિયન ગેમ્સમાં ભારતીયોનો દેખાવ અગાઉના વર્ષોની સરખામણીમાં નોંધપાત્ર રહ્યો. આનંદની વાત તોે એ છે કે દેશના આર્થિક રીતે નબળા વર્ગના ભારતીયોએ મૂળભૂત સુવિધાઓના અભાવ અને મર્યાદિત સગવડો વચ્ચે પણ સબળો દેખાવ કરી બતાવ્યો અને ભારતનું નામ રોશન કર્યું. વોટ્સ અપ પર તો ભાત ભાતની જોક્સ પણ ફરતી હતી. રિક્ષાવાળાઓના સંતાન જે રીતે ભણવાથી માંડીને વિવિધ રમતગમત ક્ષેત્રે કાઠું કાઢી રહ્યા છે એ જોઇને એક દીકરી એના પિતાને કહે છે,'પપ્પા, તમે પણ રિક્ષા લઇ લો ને? ચાલો, આજે આપણે એવા એશિયન ગેમ્સ વિજેતાને મળીએ જેના પિતા ભાડાની રિક્ષા ચલાવે છે અને પોતે પણ ફુરસદના સમયમાં તેના ભાઇના ચાના ધંધામાં મદદ કરે છે. દિલ્હીના હરીશકુમારે એશિયન ગેમ્સ ૨૦૧૮માં રમાયેલી સૅપાક ટેક્રૉ નામની રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ રમતનું નામ ઘણા ભારતીયો માટે આજે પણ નવું જ છે અને તે હજી પણ અજાણ્યું જ રહેત જો હરીશકુમારની ટીમે આ રમતમાં કાંસ્ય પદક હાંસલ ન કર્યો હોત તો. પહેલાં જાણીએ આ રમત સૅપાક ટેક્રૉ વિશે. આમ જોવા જાવ તો બે ટીમ વચ્ચે નેટ બાંધીને રમાતી વોલીબોલ જેવી જ આ ગેમ. પણ આમાં બોલને ફૂટબોલની રમતની જેમ જ હાથ લગાડવામાં નથી આવતો. માત્ર માથું, છાતી, ઘૂંટણે કે પગ વડે જ સામે વાળાની ટીમમાં બોલ ધકેલવામાં આવે છે. એમાં સફળ જાય તો પોઇન્ટ્સ મળે છે અને નિષ્ફળ જાય તો પોઇન્ટ્સ ગુમાવે છે. આમ હારજીતનો ફેંસલો થાય છે. આ રમતમાં ભારત ત્રીજા સ્થાને રહેતાં ભારતની ચંદ્રકોની યાદીમાં એકનો વધારો થયો. જોકે, મૅડલ મેળવ્યા બાદ પણ આપણા હીરો હરીશની જિંદગીમાં કશું જ બદલાયું નથી. એ તો પાછો પહોંચી ગયો છે નવી દિલ્હીના મજનૂકા ટિલ્લા વિસ્તારમાં આવેલા ભાઇના ચાના સ્ટોલ પર, કારણ કે પિતા રિક્ષા ચલાવે અને ભાઇ ચાનો સ્ટોલ ચલાવે ત્યારે ઘરનું ગાડું ચાલે છે. હરીશ કહે છે, 'અમારું કુટુંબ બહુ મોટું છે અને જોવા જેવી વાત તો એ છે કે કુટુંબ જેટલું મોટું છે આવક એટલી જ નાની છે. બે છેડા ભેગા કરતાં નાકે દમ આવી જાય છે. પિતાજી ભાડાની રિક્ષા ચલાવે છે અને ભાઈ ચાનો સ્ટૉલ. હું પણ ખાલી સમયમાં ભાઈને થોડી રાહત થાય એટલે ચાના સ્ટૉલ પર કામ કરવા પહોંચી જાઉં છું. પણ જોકે આ બધા વચ્ચે પણ હું પ્રૅક્ટિસને ભૂલ્યો નથી અને બપોરે ૨ થી ૬ વાગ્યા સુધી એમ કુલ ચાર કલાક નિયમિત પ્રેક્ટિસ કરવા જાઉં છું. ૨૦૧૧થી મને આ રમતમાં રસ જાગ્યો અને મેં રમવાનું શરૂ કર્યું. મારા કોચ હેમરાજ મને આ રમતમાં લઇ આવ્યા. તેમણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં મારી ઓળખાણ કરાવી. ત્યાર બાદ મને નિયમિત આર્થિક ફંડ મળવા લાગ્યું. રોજની સખત પ્રેક્ટિસ હું કરતો રહ્યો છું અને ભવિષ્યમાં પણ કરતો રહીશ, કારણ કે મારે હજું દેશને ઘણા ચંદ્રક અપાવવા છે. ' હરીશની માતા ઇન્દિરાદેવી પણ દીકરાની આ સિધ્ધિથી હરખઘેલાં થઈ ગયા છે અને ગર્વથી કહે છે કે, 'મેં મારા બાળકોને ભારે સંઘર્ષ વચ્ચે ઉછેર્યા છે. હરીશના પિતા રિક્ષા ચલાવે છે અને એક નાનકડો ચાનો સ્ટોલ ખોલ્યો છે જે મારા બીજા બે દીકરા સંભાળે છે. હું સરકારને પણ ધન્યવાદ આપવા માગુ છે જેમણે હરીશને ખોરાક-રહેઠાણ સહિત તમામ પ્રોત્સાહન પૂરા પાડ્યા છે. તેના કોચ હેમરાજનો પણ આભાર માનું છું. હરીશને જે સફળતા મળી છે એમાં એમનો પણ ખૂબ મોટો ફાળો છે. ' ચાનો સ્ટોલ સંભાળતો હરીશનો ભાઇ તો ભાવુક થઇને ભૂતકાળમાં સરી જતાં કહે છે,' એક સમય એવો પણ હતો જ્યારે અમારી પાસે ઘરનું ભાડું ચૂકવવા પૈસા ન હતાં. આ તો કોચ હેમરાજે હરીશને તાલીમ આપીને યોગ્ય બનાવ્યો. સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પણ આર્થિક મદદ કરી. રમવાના સાધનો પૂરા પાડ્યા. હું તો સરકારને વિનંતી કરું છું કે એને ક્યાંક સરકારી નોકરી અપાવે જેથી અમારા કુટુંબને થોડો આર્થિક ટેકો મળી જાય.' હાલમાં ઇન્ડોનેશિયામાં રમાયેલી એશિયન ગેમ્સમાં ભારતે પ્રીલીમીનરી ગ્રુપ બી મેચમાં ઇરાનને ૨-૧થી હરાવેલું, પણ દ્વિતીય ગ્રુપ બી મેચમાં ઇન્ડોનેશિયા સામે ૦-૩થી હારી ગયું હતું. ત્યાર બાદ સેમિફાઇનલમાં મલયેશિયા સામે ૦-૨ થી હારી જતાં ભારતે કાંસ્ય ચંદ્રક મેળવીને સંતોષ માનવો પડ્યો હતો. જોકે, આ પણ એક ઐતિહાસિક સિદ્ધિ કહેવાય, કારણ કે આ રમતમાં આટલા વર્ષોમાં ભારત પહેલી વાર ત્રીજા સ્થાન સુધી પહોંચી શક્યું હતું. હાલમાં ભારતના પ્રધાનમંત્રી વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે અને તેઓ પણ નાનપણમાં ચા વેચી ચૂક્યા છે. સાચી લગન અને મહેનત તેમ જ દેશ માટે કંઇક કરી છૂટવાની ભાવના હોય તો માનવીને કોઇ પણ અસુવિધા કે મુશ્કેલીઓ નડતી નથી. એક ગરીબ વ્યક્તિ પણ વડા પ્રધાનપદ પામી શકે છે. આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં પણ ચંદ્રકો મેળવી શકે છે. આ વખતના એશિયન ગેમ્સમાં ઘણા સફળ ભારતીય રમતવીરોનો ભૂતકાળ તપાસશો તો માલૂમ પડશે કે મહદંશે એ લોકો ગરીબી અને સંઘર્ષ વેઠીને આગળ આવ્યા છે. તેમને જે જે પડકારરૂપી પત્થર મળ્યા છે તેનો જ ઊપયોગ તેમણે સફળતાની સીડી બનાવવા માટે કર્યો છે. આ લોકોએ સાબિત કર્યું છે કે સફળતા મેળવવા સગવડ કે સાધન કરતાં પણ વધુ તો ધગશ, મહેનત અને હિંમતની જરૂર પડે છે. હરીશકુમારને બીજા બે ભાઇ છે જે માનસિક રીતે વિકલાંગ છે, આમ કુલ પાંચ ભાઇ અને મા-બાપ સાત જણનો ખર્ચ કાઢવા હરીશ ચાના ગલ્લે તો જાય જ છે, સાથે ક્યારેક ક્યારેક પિતાની રિક્ષા પણ ચલાવી લે છે. હરીશકુમાર અને તેની ટીમને કેન્દ્ર સરકાર અને દિલ્હીની સરકાર તરફથી માન અકરામ તો મળ્યા જ છે, પણ હરીશને કોઇ સારી નોકરી મળી જાય એવી ઇચ્છા છે. હરીશકુમારની આ ઇચ્છા ઝડપથી પૂર્ણ થાય એવી શુભેચ્છા. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou-G%3D8YAssrS2ZiOc8q_MUv%3DfVuyx%3D-Cin1YoDVsJSokw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment