મારી આસપાસમાં રહેતા લોકોને વારંવાર માઠુંં લાગી જતું હશે અને તમે નવરા હોવાના પરિણામે તે નોંધ્યું પણ હશે. પણ જ્યારથી ઇન્ટરનેટનો યુગ આવ્યો છે માઠુંં પણ મોંહે જો દરોની જેમ ખોવાઇ ગયું હોય તેમ લાગે છે, કારણ કે કોઇને માઠુંં લાગી જ નથી રહ્યું. ઘણાને માઠુંં લાગે અને પછી મનાવવા જવું પડે તેવા પ્રયાસો મેં ઘણીવાર કર્યા. જે વખતે મારા પ્રયાસો ખૂટી ગયા તો મેં બીજા લોકોને ધંધે લગાવ્યા, જેના કારણે કોઇને તો માઠુંં લાગે. આપણે તેને મનાવવા જઇએ અને મફત ચા પીએ. આ સિવાય મારો કોઇ ખરાબ ઇરાદો નથી. જોકે આ જમાનામાં કોઇને માઠુંં લાગવાનું જ નથી, બની શકે કે તમે તેના મોબાઇલને તોડી અને ફેંકી દો તો પણ કદાચ માઠુંં ન લાગે, કારણ કે તે નવો મોબાઇલ લેવાની તાકમાં જ બેઠો હોય. અને જો તે પુરૂષ હોય અને તમને ચુંબન કરી લે તો સમજવું કે 377ની કલમ હટી ગઇ છે. આ માટે તે તમારો ફાયદો ઉઠાવી રહ્યો છે. આમ તો માઠુંં લાગવું એટલે ખોટું લાગી જવું, કોઇનું દિલ દુભાઇ જવું. હાસ્યનો એક તીખો અને તણતણતો પ્રકાર છે, જેને હુલામણા નામે બ્લેક હ્યુમર તરીકે ઓળખવામાં આવે છે. એટલું બધું બ્લેક છે કે કાળા જાદુને પણ તેના પર શરમ આવે. કહેવાય કે માણસને મારી નાખવો હોય તો તેના પર સૌની હાજરીમાં કટાક્ષ કરવો, જેનાથી કાં તો એ માણસને માઠુંં લાગશે અથવા તો તમારી હત્યા કરી નાખશે. ક્લિયોપેટ્રા સુંદર હતી એટલે તેને વારંવાર માઠુંં લાગી જતું હતું. માત્ર ક્લિયોપેટ્રા માટે નહીં, પરંતુ દુનિયાની સુંદર સ્ત્રીઓ આમ તો પુરૂષોને હેરાનપરેશાન કરનારી સ્ત્રીઓને વારંવાર માઠુંં લાગી જતું હોય છે. એક વાર ખેમડુના બાપુજી મારી પાસે આવ્યા. મને કહે, 'ખેમડુને માઠુંં લાગી ગયું છે.' મને પૂછવાનું મન થયું, કારણ કે ખેમડુને કોઇ વાતે માઠુંં લાગે તેવી સ્થિતિનું આ દુનિયામાં સર્જન થવું અસંભવ હતું, 'શું કારણ છે કે તેને માઠુંં લાગ્યું?' તેના પિતાશ્રી ભોળા સ્વભાવના એટલે બોલી બેઠા, ખેમડુ કહે છે કે 'મારે સ્ત્રી બદલવી છે. હમણાં જ નવીનક્કોર લઇ આવ્યા છીએ.' મને હૈયામાં ફાળ પડી. હમણાં થોડા સમય પહેલા જ તેના લગ્ન થયા હતા. હજુ તો સુખી સંસાર માણવાની તેણે શરૂઆત પણ નહોતી કરી ત્યાં તેને સ્ત્રી બદલવી હતી. મારા ભવાં ઊંચકાયા. તાત્કાલિક મેં ગામ વચ્ચે દોડ લગાવી અને ખેમડુના નિવાસસ્થાન ઢોર ગલીમાં પહોંચી ગયો. ખેમડુ ઢોલીયા પર બેઠો હતો. અલમસ્ત કાયા તેની ખાટલાની સીંદડીને દબાવી રહી હતી. અને સીંદડીની ઉંમરેય ખેમડુના ઉંમર જેટલી જ માની લો. જઇને મેં તેના પગને ખેંચ્યો અને પછી પૂછ્યું, 'આ તારા બાપુજી શું કહે છે?' 'મારા બાપુજી છે તે કંઇક તો કહેતા હોયને?' તે કોઇ વાતની પરવા કર્યા વગર બોલ્યો. 'એલા આ તારે સ્ત્રી બદલવી છે, પણ તારા બાપુજી ના પાડે એટલે તને માઠુંં લાગ્યું છે.' મેં એક એક અક્ષર છુટા પાડીને કહ્યું. તેણે હોકારો ભણ્યો. મેં તેને આ પાછળનું કારણ પૂછ્યું. ખાટલાની સીંદડી દબાવીને ખેમડુ ઊભો થયો અને બોલ્યો, 'એમાં શું છે? ગરમ બોવ થઇ જાય છે.' 'હા, એ તો સ્ત્રીજાતનો સ્વભાવ રહ્યો, ગરમ ન થાય તો શું થાય? આ મારા ઘરના મારા ઉપર તપેલીનો રોજ ઘા કરે છે તે મારે એને ઘરમાંથી કાઢી થોડી મુકાય?' 'પાછી અડવાય નથી દેતી.' ખેમડુ આ વાત બોલ્યો એટલે મને નવાઇ લાગી. હજુ હમણાં બે મહિના પહેલા તેના લગ્ન થયા હતા. એવામાં પત્ની સાથેનો સંગાથ તેને માણવા ન મળે તો ખેમડુ અને અમારા ભગા દરજીમાં ફરક શું? એક આડવાત એ કે ભગા દરજી એ બીજો કોઇ નહીં પણ અમારા ગામનો ગધેડો છે. એક વાર વરરાજાનું પેન્ટ ખાઇ ગયો હતો અને સવારે કાઢ્યું ત્યારે સીવાયેલું નીકળ્યું ત્યારથી અમે તેને ભગા દરજીની ઉપમાથી બોલાવીએ છીએ. એટલે ભગા દરજી અને ખેમડુ વચ્ચે ફર્ક શો? 'અડકવા નથી દેતી? તો પછી આવી સ્ત્રીનું કામ શું?' હું આટલું બોલ્યો ત્યાં ખેમડુના ઘરના પાણી લઇ આવ્યા. ખેમડુએ પત્નીનો હાથ પકડી ખાટલા પાસે બેસાડી. બન્ને હસવા લાગ્યા. તેમના મુખારવિંદોને જોઇ બિલ્કુલ નહોતું લાગતું કે એકબીજાને ભળતું નહીં હોય. મેં તેમના પ્રેમમાં ખલેલ પહોંચાડી અને ખેમડુને ઉઠાડી ભેંસના વાડાની બાજુમાં લઇ ગયો. રોષમાં આવી ખેમડુ બોલ્યો, 'છે શું? આમ મારો હાથ પકડીને લઇ ન જવો. ખબર છે ને જ્યારથી 377ની કલમ નાબૂદ થઇ છે ત્યારથી મારા પત્ની મારા પર વધારે જ ધ્યાન રાખે છે.' મેં તેને ગાલમાં હળવી ટપલી મારી પણ મારા ચહેરાના ગુસ્સાને તે કળી ગયો અને પછી ગળીને બોલ્યો, 'શું છે?' 'તારા બાપુજી કહેતા હતા કે તારે અને તારી સ્ત્રીને કોઇ મેળ નથી ખાતો.' મને કહે, 'હા.' 'પણ તમે તો બન્ને સુખી છો.' મેં તેમના સુખી લગ્નજીવનની થોડી ઘણી ઇર્ષ્યા મારા ચહેરા પર પ્રગટ કરી અને પૂછ્યું. મને કહે, 'અમારાં સ્ત્રી એટલે પેલી. કપડાં ગરમ કરવાની...' 'તો એને ઇસ્ત્રી કહેવાય.' મને કહે, 'મારા બાપુજીને બોલવામાં અને તમારે સાંભળવામાં ભૂલચૂક થઇ હશે. બાકી અમારું લગ્નજીવન તો સ્વસ્થ છે જ્યારે પમકીનું દૂધ હોય.' 'આ પમકીન કોણ?' 'મારી ભેંસ....' ખેમડુના પુરાણમાં વધારે પડ્યા વિના મેં ત્યાંથી ચાલતી પકડી. એક શબ્દથી માઠુંં લાગવું અને ન લાગવુંના ઘણા તર્કવિતર્કો થઇ જતા હોય છે. પક્ષ અને પત્ની આ બન્નેમાં ઘણી સામ્યતા છે. રાજકારણી પોતાના પક્ષથી વારેઘડીએ રિસાઇ જતો હોય અને પત્ની પણ ઘડી બે ઘડીમાં રિસાઇ જતી હોય છે. આ બન્નેની ગાંઠ ક્યાંક તો ભેગી થયેલી હશે, બાકી આમ રિસામણાં-મનામણાં ન ચાલે. વચ્ચે મારે એક લગ્નપ્રસંગમાં જવાનું થયું. ધોમ તડકામાં લગ્ન રાખવામાં આવ્યા હતા. ત્યાં વરરાજા રિસાઇ ગયા. વરરાજાના બાપા મારા અને જેઠા પાસે આવી કહે, 'તમે જાઓ અને મારા સુપુત્રને શોધી આવો.' લગ્નના દિવસે કોઇ પણ દીકરો પોતાના પિતા માટે સુપુત્ર બની જ જતો હોય છે. હું અને જેઠો વરરાજાને શોધવા નીકળ્યા. જેઠો અડધે રસ્તે બોલ્યો જતો હતો, 'નક્કી વરરાજાને ક્ધયા પસંદ નહીં આવી હોય, કારણ કે ક્ધયા તેના બાપા જોવા ગયા હતા, આ બચારાને તો ક્યાં બતાવી પણ હતી.' મને વરરાજા કેશવની આ દુખભરી કહાની સાંભળી બળતરા થઇ, પણ હવે બીજું શું કરી શકીએ. વરરાજા કેશવને માઠુંં લાગ્યું તે લાગ્યું. હવે શોધવો તો પડશે. જૂનાગઢની ઊભી બજારે, પંચાટળી ચોક, કાળવા ચોક, સરદાર પટેલનું બાવલું ત્યાં સુધી કે ખેમડુને અમે મકરબા બાજુ શોધવા મોકલેલો તો તે ત્યાં મકરબાની અંદર બે આંટા મારી આવ્યો, પણ વરરાજો ન મળ્યો. જાન આખી તૈયાર હતી અને હવે બસ વરરાજા આવે તો ક્ધયા પધરાવો સાવધાનની મુદ્રામાં આવી જઇએ તેની તત્ક્ષણ રાહ જોવાઇ રહી હતી, પણ વરરાજા મળ્યા નહીં. છેલ્લે મેં અને જેઠાએ ચા પીવાનું નક્કી કર્યું. આઝાદ ચોકની સામે આવેલી લાઇબ્રેરીએ બેઠાં બેઠાં ચા પીતા હતા ત્યાં જેઠો બોલ્યો, 'આ ભાઇ કોણ છે? વરરાજાના ડ્રેસમાં ચા પીવા આવ્યો છે, માંડવે ચા નથી લાગતી.' મેં કહ્યું, 'આ તો કેશવજી છે, આપણો મુરતિયો.' અમે ખુશ થઇ તેની પાસે ગયા. પણ એટલામાં જેઠાએ કૂદકો મારી તેનું ગળું પકડી લીધું, 'માંડ માંડ મળ્યો હવે તો અગ્નિના ચાર ફેરા ફેરવીને જ લઇ જઇશું.' એ બન્નેની કુસ્તીમુદ્રા જોઇ હું પણ થોડો વિમાસણમાં પડ્યો, પણ પછી મેં જેઠાને તેની પીઠ પરથી ઉતાર્યો અને વરરાજાને ઊભો કર્યો. કારણ 377ની કલમ....!! બીજુ તો શું? એમાં પાછા વરરાજાના ડ્રેસમાં કેશવજી ભાગેલો હતો. ક્યાંક ચાવાળો શકની નજરે ન જુએ એ બીકે જેઠો નીચે ઊતર્યો અને મેં કેશવજીને પૂછ્યું, 'થયું શું ? આમ કંઇ ચાલુ લગ્ને ભગાય થોડું, તારી આબરૂ તો કંઇ નથી..' ત્યાં જેઠો બોલ્યો, 'હા પણ અમારી આબરૂનું તો કંઇ વિચારો....' જોકે જેઠો તલાટીમાં દસ વાર ફેલ અને અગિયારમી વાર તૈયારી કરતો હતો એટલે એની આબરૂ ગામમાં કેટલી હોય તેના પર મને પ્રશ્ર્ન થયો. પણ આ અવસર પ્રશ્ર્નનો નહીં વરરાજાને લગ્નના માંડવે લઇ જવાનો હતો. આખરે કેશવજી બોલ્યા, 'મારી આંખ ફાંગી છે, એમાં ચશ્મા તૂટી ગયા, બાપુજીને કહ્યું નવા લઇ આપો, પણ એ માનતા નહોતા, કહેતા હતા, તારે વળી ચશ્માની શું જરૂર? ફાંગો પેદા થયો હતો અને ફાંગો જ રહેવાનો. એમાં વિધાતા તારા માટે આજનો દિવસ કંઇ નવું નહીં લખે.' નિરાશ વદને કેશવજી બેઠા હતા. તેને ખોટું ન લાગી જાય એટલે મેં 200ના નવા ચશ્મા પંચાટળી ચોકેથી લઇ આપ્યા ત્યારે તે ખુશ થયો. માઠુંં તેને લાગ્યું હતું, પણ પૈસાની ભરપાઇ મારે કરવી પડે. આજે પણ હું ફોન કરીને કે ગામડે જાઉં ત્યારે કેશવજીના બાપાને પૂછું, પછી પૈસાનું શું થયું? મને કહે, 'એ તો માઠુંં લાગવાના હતા, તમારે ક્યાં દેવાની જરૂર હતી.' |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou7hcNeo_h68r3SuDv4rxgTUYJfeJUr%2BNsVoqV582bQGg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment