ચંગુ કહે, 'યાર મંગુ, હું જ્યારે ચાલું છું ત્યારે પગમાં લોહી નથી ભરાતું, પણ હું જ્યારે શીર્ષાસન કરું છું ત્યારે માથું ભારે-ભારે થઈ જાય છે, ત્યાં લોહી ભરાઈ જાય છે. આવું કેમ?' મંગુ ઉવાચઃ 'સિમ્પલ. જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં લોહી ભરાય.' ચંગુને થોડી વારે બત્તી થઈ કે મંગુએ એને 'ખાલી મગજનો' કહ્યો. આ તો એક જોક છે, પણ મુદ્દો સાચો છે. જગ્યા ખાલી હોય તો ભરાય. આખા ભરાયેલા ગ્લાસને વધુ ભરી શકાતો નથી. જે એમ માને છે કે પોતે બધું સમજે છે એને પછી સમજાવી શકાતો નથી. મગજમાં બિનજરૂરી કચરો ખદબદી રહ્યો હોય ત્યારે એમાં કામની બાબતો ઉમેરાતી નથી. બાળકો આ મામલે વધુ સ્વસ્થ હોય છે. બાળકોમાં 'મને બધી ખબર છે' એવી વૃત્તિ ઓછામાં ઓછી હોય છે. તેઓ ભૂત-ભાવિમાં બહુ રાચતા નથી. જૂની વાતો બાળકના મનમાં લાંબા સમય સુધી સળવળ્યા કરતી નથી. તો શું આ બધાં કારણોસર બાળકોની ગ્રહણશક્તિ બહુ સારી હોય છે? રામ જાણે અને વિજ્ઞાાનીઓ જાણે. આપણે તો એટલું જાણીએ કે કોઈ વાતે ખૂબ વ્યથિત થયેલું બાળક એકદમ જોરથી ભેંકડો તાણે ત્યારે પણ એને એમ કહેવામાં આવે કે 'જો, જો, કીડીની મા મરી ગઈ' તો એ પોતાની વ્યથાને ભૂલીને, આંસુભીની આંખો દ્વારા કીડીની મા શોધવામાં ડૂબી જાય છે. પછી કીડીની મા તો જડે નહીં, પણ કીડીની માની પળોજણમાં બાળક પેલી રડાવનારી વ્યથાને ભૂલી જાય અને ફ્રી વર્તમાનમાં પરોવાઈ જાય. એની સરખામણીમાં પુખ્ત વ્યક્તિની વાત કરીએ તો, અપમાન કે નિષ્ફ્ળતા કે ઇવન બહુમાન કે સફ્ળતા જેવી અસંખ્ય બાબતો માણસ લાંબા સમય સુધી વાગોળ્યા કરે. અસલમાં આવી રીતે ભૂતકાળમાં રાચવાની જરૂર નથી હોતી. ગયા લેખમાં નોંધ્યું તેમ, 'ભૂતકાળને ખિસ્સામાંના પૈસાની જેમ વાપરવો. જરૂર પડે ત્યારે ખિસ્સામાંથી કાઢવાનો. બાકી, આખો દિવસ, જરૂર ન હોય ત્યારે પણ, ખિસ્સામાંના પૈસા કાઢીને ગણ-ગણ નહીં કરવાના.' પણ આપણે ભૂતકાળને વારંવાર ગણ્યા કરીએ છીએ. એમાં પણ જીવનની કેટલીક 'મોટી' ઘટના તો પછી દિવસો કે મહિનાઓ કે વર્ષો કે ઇવન દાયકાઓ સુધી આપણા મનમાં ખદબદતી રહેતી હોય છે. દાખલા સાથે વાત કરીએ. માની લો કે એક છોકરી એક છોકરાને છોડી જાય છે. છોકરી એકદમ સ્પષ્ટ છેઃ 'સંબંધ પૂરો એટલે પૂરો.' પણ પછી છોકરાને ચેન નથી પડતું. એનો ઇગો ઘવાય છે. એના મનમાં જાતજાતના વિચારો ચાલે… કઈ રીતે છોકરીને પાછી મેળવું? કઈ રીતે એને સીધીદોર કરું? શું એના મારા પરના અંગત-પ્રેમાળ મેસેજિસ સોશિયલ મીડિયા પર જાહેર કરી દઉં? એના ચહેરા પર એસિડ રેડી દઉં? દેવદાસની જેમ શરાબી બની જાઉં? આપઘાત કરી લઉં? આવા મોટા ભાગના કિસ્સામાં છોકરાને બેઝિકલી જોઈતું હોય છે 'મનગમતું ક્લોઝર'. અર્થાત્, સંબંધનો અંત આવ્યો તો ભલે આવ્યો, પરંતુ એ અંત મને ગમે એ રીતે આવવો જોઈએ, અંત લાવવાનો નિર્ણય મારો હોવો જોઈએ. આવામાં, હકીકત (છોકરી છોડીને જતી રહી એ સચ્ચાઈ) તો બદલી શકાતી નથી, પરંતુ આ અણગમતી હકીકતને ગમતું રૂપ આપવા માટે છોકરો ખૂબ બધું મનોમંથન કરે. આ જ તો વેર છે. વેર એટલે શું? વેર એટલે એવી એક જીદ કે 'છેલ્લો ઘા તારો ન હોવો જોઈએ. એ તો મારો જ હોવો જોઈએ. છેલ્લી જીત તો મારી જ થવી જોઈએ.' છેલ્લી જીતનું ઝનૂન માણસને વેર લેવા માટે, વેરના વિચારોમાં રાચવા માટે પ્રેરતું હોય છે. પછી ભૂલેચૂકે એ વેર લે, પ્રહાર કરે ત્યાર બાદ સામેની પાર્ટી પણ વિચાર ચડેઃ 'ના, એણે મને ઘા માર્યો ત્યાં વાત પૂરી ન થવી જોઈએ. છેલ્લો ઘા તો હું જ મારીશ. એટલે હવે હું લાગની રાહ જોઈશ અને મોકો મળશે ત્યારે હું એના પર પ્રહાર કરીને, મારી જીત સાથે વાતનો અંત લાવીશ.' આમ ને આમ તો ક્યારેય અંત આવવાનો જ નથી. એટલે જ તો શાણા માણસો કહે છેઃ શમે ના વેરથી વેર. વેરથી ઉપર ઉઠવા માટે બુદ્ધિ જોઈએ. બીજી રીતે કહીએ તો વેરમાં રાચવા માટે મૂર્ખામી જોઈએ. મૂરખ માણસ યાદ રાખીને અટકી પડે છે, જ્યારે બુદ્ધિશાળી માણસ ભૂલીને આગળ વધે છે. જે ભૂલે એ બુદ્ધિશાળી. વાત વિચિત્ર અને વિરોધાભાસી લાગે એવી છે, છતાં એના વિશે વિચારજો, કારણ કે વાત છે બહુ કામની. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvXoYja4CkmRKoSwfQuowiR1STSbF61Uz_p_5B-4H7anw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment