જરાતી પુસ્તકોમાં ત્રણ વખત આગગાડીના અનુભવો માણ્યા. ભદ્રંભદ્ર નવલકથાનું બીજુ પ્રકરણ આગગાડીના અનુભવો જેમાં ભદ્રંભદ્ર અને ટિકિટ માસ્તર વચ્ચેની રકઝક થાય છે. બીજુ શાહબુદ્દીન રાઠોડના જોક્સ પરથી બાદમાં બનેલો હાસ્યસલેખ. જેમાં ભીડ હોવાથી ડબ્બામાં સાપ નીકળ્યોની વાત કરી નાયક અને બીજા મિત્રો આરામથી બીરાજ્યા હોય છે. એક ભાઇને પૂછે ત્યારે ખબર પડે છે કે, ડબ્બામાંથી સાપ નીકળ્યો એટલે ડબ્બો કટ કરી રેલ આગળ નીકળી ગઇ. અને ત્રીજુ હાલમાં ટ્રેન પર જ આધારિત પુસ્તક ટ્રેન ટેલ્સ આવ્યું તે. આગગાડી અને સ્ત્રીમાં ઘણી સામ્યતા છે. આગગાડીમાં આગળનું એકલું એન્જીન ચાલે તો સારું ન લાગે, તેની સાથે બીજા ડબ્બા હોવા જોઇએ. તેમ સ્ત્રી ઓટલે બેસી એકલી લસણ ફોલે તો સારું ન લાગે તેની સાથે બે ચાર સ્ત્રીઓ તો હોવી જ જોઇએ. આગગાડી પૂરપાટ વેગે ચાલતી હોય, સ્ત્રી પણ લગ્ન બાદ પૂરપાટ વેગે ચાલે. આગગાડી અને સ્ત્રી સાથે અથડાવ ત્યારે સામે વાળાનું પૂરું જ પૂરું થઇ જાય. સ્ટેશને પહોંચતા આગગાડી ધીમી હોય, સ્ત્રી પણ દેખાવે શાંત જ લાગે પણ જ્યારે આગગાડી ઉપડે ત્યારે અવાજ કરે તેમ સ્ત્રી પણ અવાજ કરે. મારા આગગાડીના અનુભવો તો અનેરા છે. અમારા ખેમડુ આગગાડીમાં બેસવાના ભારે શોખીન. કારણ કે બસની ટિકિટ ખરીદવાના તો તેમની પાસે રૂપિયા હોતા નથી. જ્યારે પણ ગાડીમાં બેસવાનું મન થાય ત્યારે આગગાડીમાં બેસે. હજુ તે ટ્રેનને આગગાડી જ કહે છે. ઉપર આપણે જે વાત કરી તેમ શાહબુદ્દીન રાઠોડનો જોક્સ તે સાંભળી ચૂકયો હતો એટલે ભરચક ગાડીમાં તેણે જગ્યા મેળવવાની લાલસાએ રાડ નાખી, ટ્રેનના ડબ્બામાં સાપ નીકળ્યો છે.' કોઇ ભાગદોડ થઇ નહીં. ખેમડુને એમ કે જમાનો કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાવવાનો આવ્યો છે, તે લોકોને સંભાળાયું નહીં હોય. તેણે ફરી જોરથી અવાજ કર્યો, તે બે લોકો આવી ખેમડુને ગાડીમાંથી ઉતારી ગયા. ગાડી ચાલતી થઇ ગઇ એટલે પેલા બંન્ને લોકોમાંથી એકે કહ્યું, તે શાહબુદ્દીન રાઠોડનો જોક્સ સાંભળ્યો હોય તો અમે ન સાંભળ્યો હોય ?' પછી ખેમડુએ જશાપર ગામ સુધીનું દસ કિલોમીટરનું અંતર ચાલીને કાપ્યું.ગામમાં ટ્રેન પણ પાછી બીજા દિવસે સવારે આવે એટલે તેના સિવાય કોઇ ઉપાય નહોતો. થોડા સમય પછી ખેમડુને ખોટું ન લાગે આ માટે તેણે મને સાથે લીધો. ટ્રેન ભરચક હતી. હું અને ખેમડુ ઊભા હતા. જગ્યા આપે તેવા સારા માણસો તો દુનિયામાં ક્યાં રહ્યા ? પણ ટ્રેનમાં ખેમડુને જગ્યા મળી ગયેલી જે તેણે એક સુંદર છોકરીને આપી દીધી હતી. ખેમડુની આ ગણતરીના આંકડા મને કોઇ દિવસ સમજાયા નહીં. ઊલટાનું તેને બે ધ્રોલ મારવાનું મને મન થતું હતું. અમે જગ્યાની લાલસામાં અતૃપ્ત થઇ જોતા હતા ત્યાં ટ્રેનમાંથી ચીચીયારીઓનો અવાજ આવવા લાગ્યો. ખેમડુ સાવધ થઇ ગયો. આમ તો ખેમડુની ઉંચાઇ માંડ મારી કોણીએ પહોંચે અને મારી ઉંચાઇ પાંચ ફુટની તો અનુમાન કરી લો ખેમ઼ડુ કેટલો ઊંચો હશે ? છતા તેને એ વાતનું અભિમાન હતું કે મારી ઊંચાઇ બાળકમાં ખપી જાય તેટલા પૂરતી તો સિમિત નથી રહી. અવાજ આવવા લાગ્યો એટલે ખેમડુ મારા અને મારી બાજુમાં ઉભેલા વ્યક્તિના ખભે હાથ રાખી ચડી ગયો. કોઇની માથાકૂટમાં પડવું તેને ખૂબ ગમતું હતું. પેલા બેન રાડો નાખતા હતા કે,મારો રોયો મારા ગળાની ચેન લઇ ગયો.' આવા સમયે ખેમડુનું લોહી ઉકળી ઉઠતું અને તે ગમે તેમ કરી લોકોની મદદ કરતો હતો. પારકી પંચાયતમાં તેને તેના પિતાશ્રીની માફક જ પડવાની ટેવ હતી. આમ કહો તો ખાનદાની રિવાજ. ખેમડુ ટ્રેનમાંથી ઊતર્યો. મિત્રભાવે મારે પણ તેની પાછળ દોડવાનું હતું. ચોર અમારી નજરકેદમાં આવી ગયો હતો. હવે ખાલી તેને પકડવાનો હતો. જોયું તો ટ્રેન ઉપડી રહી હતી. મેં ખેમડુને બુમ પાડી પણ તે જનતાની મદદમાંથી ઊંચો આવે તોને? પેલી સ્ત્રી કંઇક જણાવવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ ટ્રેનની વ્હીસલ વાગ્યા વાગ હોવાથી અમારા કાને તેની કોઇ વાત પડી નહોતી રહી. જ્યારે ટ્રેન અને પેલા બેન ખેમડુની બાજુમાં આવ્યા તો ખેમડુએ તેમને બોલવા જ ન દીધા, હમણે હાર લઇ આવ્યે.' આટલું બોલી ખેમડુએ વિરાટ પગલું ભર્યું અને સામે પડેલા થેલાને કુદી ગયો. જેમાં પણ તેનો ટાંટિયો તો ભરાઇ જ ગયેલો હતો. દોડ લગાવવામાં પણ ખેમડુને કોઇ ન પહોંચે. થોડીવારમાં તો હું ખેમડુની આગળ નીકળી ગયો અને રેલવેના પાટાથી કૂદકો મારવા જતા ચોરને પકડી લીધો. મેં ખાલી ચોરને પકડ્યો હતો, પણ ખેમડુએ તેને મારવાની શરૂઆત કરી દીધી, સાલા બદમાશ. તને ખબર નથી પડતી બાય માણાની વસ્તુઓ ચોરી કરે છે તે, એ બચારી સાડી પહેરી ક્યાં મારા જેટલું ભાગવાની.' ખેમડુ મારતો હતો અને ચોર કંઇક બોલવાની કોશિશ કરતો હતો, પણ ખેમડુ મારો બટ્ટો બોલવા દે તોને? મેં ખેમડુના બે વાર હાથ પકડ્યા. તેમાં મને પણ બે ઘુસ્તા મારી દીધા. આખરે ખેમડુ હાથમાં આવ્યો અને તેણે પેલાની વાત સાંભળી, ચોર બોલતો હતો, અરે ભલા માણસ, મારે તો હાર જ ચોરવો હતો, પણ પેલી મહિલાએ ગળામાં હેન્ડ્સ ફ્રી વીંટાળેલી હતી તે હાથમાં આવી ગઇ.' ખેમડુ જોતો રહી ગયો. તેણે મારી સામે જોયું અને આંખો ચકળવિકળ ઘુમવા લાગી. અત્યારે કોઇ સાચા સોનાના હાર તો નથી પહેરતું પણ હેન્ડ્સ ફ્રી પહેરે છે, તેવી ખેમડુને ખબર પડી ગઇ. ઉપરથી ટ્રેન ગઇ તે ખોટમાં પડ્યું. ખેમડુએ તેને ફરી માર્યો અને તેના હાથમાં રહેલી હેન્ડ્સ ફ્રી લઇ ચાલવા માંડ્યો. ટ્રેન તો ઉપડી ગઇ હતી, જે આગલા દિવસે મળવાની હતી, પણ મારા માટે ચોર કોણ તે યક્ષ પ્રશ્ર્ન હતો. એ પછી તો જ્યારે પણ ટ્રેનમાં જવાનું થતું ત્યારે ખેમડુને હું મારી બાજુમાં દબાવીને બસતો. તેના મોઢે દાટો મારી દેતો. અથવા તો ઘરેથી ટેપ લઇ તેનો ઇન્તેજામ કરી ને રાખતો. કોઇ જગ્યા માગે તો બોલી પણ દેતો, મારો ભત્રીજો ખેમડુ બીમાર છે તેને બેસવાની તાતી જરૂરીયાત છે. હું તેની બાજુમાં નહીં બેસાડુ તો તે ડરીને રડવા માંડશે.' ખેમડુ ઉંહકારા કરતો, પણ તેના મોંએ ટેપ બાંધેલી હોવાથી કંઇ થઇ નહોતું શકતું. આમ તેનાથી કંઇ ન થાય એ જ યોગ્ય હતું. સ્ટેશને પહોંચ્યા પછી ટેપ ખોલુ એટલે ખેમડુ બોલે, તમે યાર ક્યાં મને ભત્રીજો બનાવો છો, આમેય મારા કાકાની સંખ્યા તેત્રીસ તો છે તેમાં તમે ચોત્રીસ થયા !' ટ્રેનમાં તો ભિખારીથી લઇને વડાંપાઉં વેચવાવાળા સુધીની લાઇનો લાગી હોય. આવનજાવન થયા કરે. તેમાં જેતલસર રેલવે સ્ટેશનમાં તો ખેમડુને ગમે તેમ કરી ભજીયા ખાવા જોઇએ. ઉપરથી ચોમાસાની સિઝનમાં તો ખેમડુ પરાણે કંઇ કામ ન હોય તો પણ રેલવેમાં મુસાફરી કરાવે. પાછો ટ્રેન ઉપડવાના સમયે જ ખેમડુ ભજીયા લે જેથી રૂપિયા આપવામાં આનાકાની થાય ત્યાં ટ્રેન ઉપડી જાય અને મફતના ભજીયા ખાધાનો ખેમડુ ઓડકાર લે. ગાડી જેતલસર પહોંચી અને ભજીયા લીધેલા. ખેમડુ રાહ જોતો હતો ટ્રેન ઉપડે, તેની પ્રાર્થના ફળીભૂત થઇ અને ઇશ્ર્વરે તેનું વેણ માની લીધું. ટ્રેન ઉપડી ખેમડુને લાગ્યું હવે રૂપિયા નહીં દેવા પડે. ત્યાં બારીમાંથી પૈસા આપનારો ભાઇ બોલેલો, પાછળ પેલા ભાઇ ઉભા છેને તેને રૂપિયા આપી દેજો.' ખેમડુ અને મેં પાછળ જોયું તો તેનો એક માણસ ટ્રેનમાં જ હતો. અમને જોઇ તે બોલ્યો, કેટલી વખત મફતમાં ખાશો ?' એ દિવસ અમારી સાથે બધા પ્રસંગો બનવાના માટે જ બન્યો હતો. એક ભિખારી આવ્યો અને મારી બાજુમાં ઊભો. ભીખ માગી રહ્યો હતો. મને દસ રૂપિયા દેવાનું મન થયું. દયા આવી કે બીચારો અંધ છે. કંઇ દેખાતું નથી. મે ખિસ્સામાં હાથ નાખ્યો ત્યાં ખેમડુ બોલ્યો, ઊભા રહો.' આમ કરી તેણે પેલાના વાટકામાં રહેલા દસ રૂપિયા લઇ લીધા. આજુબાજુના લોકો આ જોઇ ખેમડુને મેણા મારવા લાગ્યા. ખેમડુએ તેના દસ પાછા મુકી દીધા, મારા પણ મુકી દીધા અને તેના ખિસ્સામાં રહેલા દસ રૂપિયા પણ મુકી દીધા. મેં પૂછ્યું, આવું તે શું કામ કર્યું?' મને કહે, ભિખારી ક્યાંક ખોટો અંધ નથીને એટલા માટે, અત્યારના ભિખારીઓ ચબરાક બની ગયા છે.' તેની વાત પર મેં તેના ચહેરાને તાકવાની શરૂઆત કરી. મને દેખાતું હતું કે ભિખારી બહાર નીકળી ગયો છે. મેં બારી બહાર જોયું તો ભિખારી હાથમાં મોબાઇલ લઇ તેમાં જોતો હતો, ખેમડુને મેં કહ્યું, આમ જોતો પેલો ભિખારી.....' ખેમડુએ તે દિશામાં નજર દોડાવી. સામેનું દૃશ્ય જોઇ તેના ભવાં ઉંચકાયા, આ તો આદર્શ ભિખારી નીકળ્યો. આપણી જનતા ભોળી છે અને અવળી પણ બાકી આજે એ ભિખારીના દસ રૂપિયાથી જેતલસર રેલવે સ્ટેશન પર વળતા આપણે મોજ કરતા હોત.' ખેમડુ સાથે રેલવેની મુસાફરી કરવી તે મુશ્કેલ કામ છે. કહો તો દુર્ઘટના છે. એકવાર તો એક વ્યક્તિને પાણીમાં ડુબાડી દીધેલો. જગ્યા નહોતી એટલે ખેમડુ સાથે દરવાજા પાસે ઊભવાનો વારો આવેલો. અમારી આગળ એક ભાઇ હતા. ભાદર નદી વરસાદ બાદ ભરચક હતી. પેલા ભાઇને બોલવું, પડી ગયા હોઇએ તો કેવું લાગે ?' ખેમડુ તો સામેવાળો બોલે તેની રાહ જ જોતો હોય, આ લ્યો..' ખેમડુએ ધક્કો મારી દીધો. પેલો ભાઇ પડ્યો પણ ત્યાં પાણી છીછરું હતું એટલે બચી ગયો. તરીને સામે કાંઠે આવી ગયો અને ખેમડુને દરવાજા પાસે જગ્યા મળી ગઇ. બોલતો હતો, જગ્યા મેળવવા માટે પણ કેવા ધમપછાડા કરવા પડે છે નહીં ? હું વીલા મોઢે તેને જોયા કરતો હતો. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou_O3Nk%2BYP8yNyMNFhC%3DEOLTyVNvtj%2Bo0AQPCoso%2BvtGw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment