Monday, 3 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ નિશાન ચૂકે તો પણ માફ નહીં અને નિશાન પણ નીચું નહીં (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નિશાન ચૂકે તો પણ માફ નહીં અને નિશાન પણ નીચું નહીં!
ભવેન કચ્છી

 

 

એશિયન ગેમ્સમાં ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌરભ ચૌધરી માત્ર ૧૬ વર્ષની વયનો છે. સૌરભના માતા-પિતા મેરઠના કાલિના ગામમાં શેરડીની ખેતી કરી ગુજરાન ચલાવે છે.

 

બે વર્ષ પહેલા જ તેને શૂટિંગમાં દિલચશ્પી જાગી હતી. મેરઠથી ૫૩ કિલોમીટર દૂર બાધપતમાં આવેલી વીર શાહમલ રાઇફલ એકેડમી તેને સૌથી નજીક પડતી હોઈ તેમાં તે જોડાઈ ગયો. એકેડમીમાં કોચ તરીકે અમીત શીઓરનને તેનું શુટિંગમાં મેડલ જીતવાનું અધુરૃ રહેલું સ્વપ્ન કોઈ તેનો શિષ્ય મેડલ જીતી પાર પાડે તે જ જોવાનું હતું.

 

ત્રણ વર્ષ પહેલા અમીતને તેના સંબંધીએ ૧૫૦ વાર જેટલી જમીન આપી હતી. જમીનની આજુબાજુ કોઈ વસ્તી નહીં હોઈ દૂર નિશાન માટેનું બોર્ડ ગોઠવી શકાય તેમ હતું. ગજવા ખાલી હોઈ એક રાઇફલ અને એક પિસ્તોલ ખરીદીને શૂટિંગ ટ્રેનિંગનું પાટિયું લગાવી દીધું.

 

હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં શૂટિંગ સ્પોર્ટસનું કલ્ચર છે. દિલ્હીની ડો.કરની શૂટિંગ રેન્જ દૂર પડે અને આર્થિક રીતે પરવડે પણ નહીં એટલે બાધપત જેવા સેન્ટરોમાં શોખ પૂરો કરી શકાય તેવી રેન્જ છે તેવું માનીને સૌરભને તેના માતાપિતાએ ત્યાં પ્રવેશ અપાવ્યો.

 

અમિતને આર્થિક રીતે સહકાર મળતો રહ્યો અને વીર શાહમલ શૂટિંગ એકેડમી આકાર પામી. જો કે આજે પણ તે આંતરરાષ્ટ્રીય સ્તરની તો ઠીક દિલ્હીના સ્તરની પણ નથી. તેમાં પણ અમિત શિઓરન તો દેશી કોચ છે. તેમણે કોઈ આંતરરાષ્ટ્રીય કોચિંગ તાલીમ કે વિદેશ પ્રવાસો ખેડીને ત્યાંની શૂટિંગ ટ્રેનિંગ રેન્જ નહોતી જોઈ.

 

સૌરભ ચૌધરી જેવો ખંતીલો અને જાણે જન્મજાત ટેલેન્ટ ધરાવતો હોય તેવો શિષ્ય મળ્યો તેથી અમિત શિઓરને જનમનો ફેરો સફળ થયો તેવો સંતોષ અનુભવ્યો. ૧૪ વર્ષ સુધી માતા-પિતાને ખેતીમાં મદદ કરતો  સૌરભ હવે બાધપત ટ્રેનિંગ સેન્ટરમાં જ રહેવા લાગ્યો. ત્યાં જ શાળામાં પ્રવેશ લીધો. સમય મળે ત્યારે મેરઠ જાય અને ખેતીમાં માતા-પિતા જોડે હાથ મિલાવે.

 

જેમ 'દંગલ' ફિલ્મમાં કોચ મહાવીર પ્રસાદ (આમીરખાન) તેની પુત્રીને આગવી દેશી ટેકનિક અપનાવવા પ્રેરિત કરીને ચેમ્પિયન બનાવે છે તેમ અમિત શિઓરનના ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત કોઈ વિદેશી કોચ લે તો તેને દેશી પધ્ધતિથી અપાતી તાલીમ જોઇને ચક્કર આવી જાય.

 

અમિત શિઓરન તેના સૌરભ સહિતના શિષ્યોને જાણે નિશાન માટે એર પિસ્તોલ પકડી હોય તે રીતે હાથ લાંબા કરીને ઉભા રાખે છે. તે પછી શિષ્યની વય, વજન અને સ્નાયુબધ્ધતા પ્રમાણે તેના કાંડા ફરતે પ્લાસ્ટિકની દોરી એવી રીતે બાંધે કે ઇંટ લટકતી હોય. તાલીમાર્થીએ કેટલીક મિનિટો આ રીતે ઉભા રહેવાનું અને તેનો લંબાયેલો હાથ ધૂ્રજે કે હાલે નહીં તેનું ધ્યાન રાખવાનું. શૂટરના હાથમાં ગન કે   રાઈફલ હોય ત્યારે નિશાન વખતે સેન્ટીમીટરના ૧૦૦માં ભાગનો હાથ ખભાથી કે કાંડાથી હલે તો નિશાન ચૂકી જવાતુ હોય છે. માત્ર એકાગ્રતા જ નહીં પણ લંબાવેલા હાથ પર વજન સાથે આ સમતુલા રાખવી જરૃરી છે.

 

વાચકોને કદાચ ખબર ના હોય પણ શૂટરની છાતીના ધબકારા કે શ્વાસોચ્છવાસનું માઈક્રો હલનચલન પણ નિશાન ચૂકવવા માટે નિમિત્ત બને છે તેના પર પણ કાબુ જરૃરી છે. અમિત શિઓરન કહે છે કે ઘણા મને પૂછે છે કે ઇંટને આ રીતે કાંડા ફરતે પ્લાસ્ટીકની દોરી બાંધી લટકાવવાનું તારા વિદ્યાર્થીઓને કહે છે તેની જગાએ લંબાયેલા હાથની મુદ્રા સાથે ઇંટને પકડવાનું કેમ નથી કહેતો ? અમિત માને છે કે શૂટરની આંગળીઓ અને હથેળી કડક કે બરડ ના હોવી જોઇએ. આ જ કારણે ઇંટને હાથથી પકડી ગ્રીપ આપવાનું પસંદ નથી કરતો.

 

અમિતનો બીજો જુગાડ પણ વિદેશી કોચને ભેજામાં ઉતરે નહીં તેવો છે.

 

તે સૌરભ જેવા શિષ્યોને અંધારા ઓરડામાં આંખો બંધ કરીને ઉભા રહેવાનું કહે છે અને જણાવે છે કે આ સ્થિતિમાં તમાર શરીરના અંગો-ઉપાંગોની સમતુલા કેવી રહે છે તેનું બારીક નિરીક્ષણ  કરો.

 

તમે જ્યારે એક આંખ બંધ કરીને કે ગરદન આકાશ તરફ કરીને હવામાં ટાર્ગેટ વિંધો છો ત્યારે હાથ, પગ અને મસ્તિષ્કની સમતુલા જળવાઈ રહેવી જોઇએ.

 

૦.૨૫ સેન્ટીમીટરની હાલક ડોલક કે  બોડી મૂવમેન્ટ તમને મેડલથી દૂર કરી શકે છે. અમિત શિઓરન માને છે કે વિશ્વસ્તરીય સાધનો કે તેવા ટ્રેનિંગ સેન્ટરથી મેડલ નથી જીતી શકાતા. સખ્ત મહેનત અને તમારૃ સ્વપ્ન કેટલું તીવ્ર છે તે જ સફળતા અપાવે છે. તેવી જ રીતે વિદેશની ભૂમિ, વિદેશી ખેલાડીઓ તેમના કદ અને રંગથી પણ પ્રભાવિત નહીં થતા તે રીતની તાલીમ ટીનએજથી જ તાલીમાર્થીઓને આપવામાં આવે છે.

 

તહેરાનમાં ઇન્ટરનેશનલ શૂટિંગ ફેડરેશનની એશિયન ચેમ્પીયનમાં સૌરભે ૧૪ વર્ષની વયે ભાગ લીધો હતો. તે પછી જર્મનીમાં ૨૪૩.૭ પોઇન્ટ સાથે તેણે જૂનિયર વર્લ્ડ રેકોર્ડ તેના નામે કર્યો હતો.

 

૧૬ વર્ષના સૌરભે એશિયન ગેમ્સની ફાઈનલમાં તેના પિતાજીની ઉંમરના ૨૦૧૦ના વર્લ્ડ ચેમ્પિયન માત્સુકાને તેમજ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવીને આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો છે.

 

સૌરભે આ દરમ્યાન ૨૪૦.૭ પોઇન્ટ સાથે એશિયન રેકોર્ડ પણ તેના નામે કર્યો છે સૌરભ અને તેના કોચ અમિત શિઓરનના હવે પછીનો ધ્યેય છે... મિશન ઓલિમ્પિક!

 

૧૬ વર્ષીય સૌરભ ચૌધરીએ ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો તેની પ્રેરણા લઇને ૧૫ વર્ષનો શાર્દુલ વિહાન સ્હેજ માટે ગોલ્ડ ચૂક્યો અને સિલ્વર મેડલનું નિશાન તેણે પાર પાડયું. સૌરભની જેમ શાર્દુલ પણ દેશના નાના સેન્ટર અને સાવ સામાન્ય આર્થિક કુટુંબનું સંતાન છે. ભારતના આવા સ્પોર્ટસ સ્ટારની પાસે એક જ મુડી છે અને તે છે સખ્ત મહેનત, તીવ્ર તલબ, અને કોઈપણ ગ્રંથિથી પીડાયા વગર ઉંચું ધ્યેય-સ્વપ્ન જોવાનો મિજાજ.

 

યાદ રહે આ શૂટરો અંડર-૧૬ જેવી કેટગરીમાં નથી જીત્યા પણ એશિયાડ જેવી સ્પર્ધાના મેઇન ઇવેન્ટમાં ઝળક્યા છે. જેમાં તેમના પપ્પાની વયના અને વધુ સિધ્ધી મેળવી ચૂકેલા હરિફો પણ હતા.

 

શાર્દુલ વિહાન પણ મેરઠનો છે. ૧૦-૧૨ વર્ષની વયે તેને ક્રિકેટ અને બેડમિંટનમાં રસ હતો. ૧૨ વર્ષ સુધી પ્રેક્ટિસ કે શૂટિંગ સ્પોર્ટસમાં માટે પણ ગન કાયદેસર નથી મનાતી. ૧૨ વર્ષ પુરા થતા જ તેણે નજીકની શૂટિંગ રેન્જમાં પિસ્તોલ પર હાથ અજમાવ્યો.

 

આંતરરાષ્ટ્રીય શૂટર બનવા માટે તેને દિલ્હીના શૂટિંગ રેન્જમાં અનવર સુલતાનના હાથ નીચે કોચિંગ લેવાનું જાણકારોએ સૂચન કર્યું. સૌરભ ચૌધરીના કોચ અમિત શિઓરનની જેમ અનવર પણ એક જમાનામાં મેડલ જીતી શકે તેવો શૂટર મનાતો હતો.વર્ષ ૨૦૦૦ની સિડની ઓલિમ્પિકમાં તેણે ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. પોતે મેડલ જીતી ના શક્યો તો કંઇ નહીં કોઈ ટેલેન્ટેડના સપનાનું વાવેતર કરવાનો મનસુબો તેણે કેળવ્યો. શાર્દુલ વિહાન જેવો ૧૫ વર્ષનો ચેલો જોઈ તેની આંખો ચમકી ઉઠી હતી.

 

અનવર કહે છે કે તમે કોરી સ્લેટ પર લખો તો જ કંઇક ઉતારી શકો. ટીન એજરોને તમે ધારો તે દિશામાં લઇ જઇ શકો. તેનું પાત્ર ખાલી હોઈ તેમાં કંઇક ભરી શકો.

 

અનવરે શાર્દુલને ટેબલ ટેનિસ અને બેડમિંટન થોડા મહિના રમવાનું કહ્યું. તે પછી અનવરે શાર્દુલના આ રમત વખતના હાથ અને પગની તેમજ આંખોની મુવમેન્ટ તેમજ તેના તાલમેલ જોયા. અનવરે શાર્દુલને શૂટિંગના ડબલ ટ્રેપ ઇવન્ટમાં તૈયાર કરવાનું નક્કી કર્યું. જેમાં શુટરે ક્લેબર્ડને નિશાન હવામાં ઉડતા બનાવવાના હોય છે. શાર્દુલ માતા-પિતા જોડે જ રહેવા માંગતો હતો. દિલ્હીમાં રહીને ટ્રેનિંગ લેવાનું આર્થિક રીતે પણ પરવડે તેમ નહતું અને તેની વય, શાળા વગેરે પણ બાધક બને તેમ હતું.

 

શાર્દુલ માટે હવે એ જ વિકલ્પ હતો કે તે રોજ નવી દિલ્હી ડૉ. કરનીસિંઘ શૂટિંગ સ્કુલ રેન્જમાં અનવર પાસે તાલીમ લેવા જાય. શાર્દુલને અસાધારણ ધગશ હતી.

 

તે રોજ સવારે ૪ વાગે ઉઠી જાય. તેના કાકા કાર હંકારી તેને રોજ અઢી કલાક ડ્રાઈવ કરીને દિલ્હી લઇ જાય. શાર્દુલ ઠંડી, ગરમી, વરસાદ છતા એક દિવસ પાડે નહીં. તેના કાકા તેને પ્રેક્ટિસ બાદ ફરી અઢી કલાક દિલ્હીથી ડ્રાઈવ કરીને મેરઠ પરત લાવે. આપણા વિકેટ કિપર બેટ્સમેન પાર્થિવ પટેલના કાકા જગત પટેલ પણ આ જ રીતે પાર્થિવને બાળ વયથી પ્રેક્ટિસ કરાવવા લઇ જતા. શાર્દુલ છેલ્લા વર્ષથી જ ડો. કરની શૂટિંગ રેન્જની નજીક રહેવા માંડયો હતો.

 

હજુ પણ તેનું ઘણી વખત આ રીતે અપ ડાઉન જારી જ છે. શાળાએ તેની શૂટિંગ પ્રતિભા પામી જઇને હાજરી રીતે છૂટ આપી હતી. સૌરભ ચૌધરી અને શાર્દુલ જેવી જુદી જુદી રમતોની ટીન એજ પ્રતિભાઓ અભ્યાસમાં પણ આગેકૂચ કરે જ છે. ૧૪ વર્ષની વયે શાર્દુલે જુનિયર અને સિનિયર બંને કેટગરીમાં નેશનલ ચેમ્પીયનશીપ મેળવી ત્યારે દેશભરના શુટરો અને કોચ દંગ થઇ ગયા હતા.

 

એશિયન ગેમ્સમાં છ ફાઈનલિસ્ટો હતા. શાર્દુલ માત્ર એક જ પોઇન્ટથી ગોલ્ડ મેડલ ચૂકી ગયો હતો.

 

શાર્દુલનો ડબલ ટ્રેપ ઇવેન્ટ ૨૦૨૦ની ટોકિયોમાં રમાનારી ઓલિમ્પિકમાં નથી તેથી તેના કોચ અનવર સુલતાન તેને સિંગલ ટ્રેપ માટે તૈયાર કરશે જે પડકાર કઠીન છે.

 

આસામની ૧૮ વર્ષીય હિમા દાસ ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક્સ ફેડરેશન આયોજીત વર્લ્ડ અંડર-૨૦માં મીટર દોડમાં ચેમ્પિયન છે. તેણે ૫૧.૪૬ સેકંડમાં આ સિધ્ધી પાર પાડી હતી.

 

ફિનલેન્ડના ટેમ્પરેમાં આ સ્પર્ધા યોજાઈ હતી. ભારતના ઇતિહાસની એથ્લેટિક્સમાં મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બની હતી. શૂટર રાહુલ ચૌધરીના માતા-પિતા મેરઠમાં શેરડીની ખેતી તો હિમા દાસ અને તેના માતા-પિતા આસામના કાંધુલીમારી ગામડામાં ચોખાની ખેતી કરે છે. હિમા દાસ પર વિસ્તૃત અલાયદો લેખ આ કોલમમાં તેણે વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિધ્ધી મેળવી હતી ત્યારે લખી ચૂક્યા છીએ.

 

ભારતમાં જુદી જુદી રમતોમાં ટીન એજરો આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી રહ્યા છે.

 

આ ચેમ્પિયનો અમેરિકા, ચીન, રશિયા, બ્રિટન જેવી રમતગમતની સિસ્ટમ કે કોચિંગની દેનથી નહીં પણ માત્ર તેમની ધગશ, સ્વપ્ન અને સખ્ત મહેનત અને કોચની સહાયથી વિનર બન્યા છે.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtYLNC481Jcy7%2BXrq0ekeEGU%3D%2B10fj0hxkqmryxDaQeKQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment