Wednesday, 26 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પર્વતોના પ્રેમમાં પડેલી છોકરી (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પર્વતોના પ્રેમમાં પડેલી છોકરી!
કવર સ્ટોરી-દર્શના વિસરીયા

૧૭ વર્ષની ઉંમરે ૧૦૦ દિવસમાં વિશ્ર્વની સાત હાઈએસ્ટ પીકમાંથી ત્રણ પીક પર તિરંગો લહેરાવનારી હરિયાણાના હિસારની દીકરીનું ઝનૂન આશ્ર્ચર્યચકિત કરી દેનારું છે. ૧૮ વર્ષની થાય એ પહેલાં બાકીનાં ચાર ઊંચાં શિખરો સર કરવાની તમન્ના શિવાંગી પાઠકની છે.
 

ઉંમરે તમે કે હું રમત-ગમત અને કૉલેજ કેન્ટીનની મસ્તીમાં વ્યસ્ત હતાં એ ઉંમરે કોઈ છોકરી ઊંચા વિશાળકાય પર્વતના પ્રેમમાં પડી અને એ પ્રેમને હાંસિલ કરવાનું તેનું ઝનૂન પણ કેવું? તમને ને મને ક્યાં પાછા મૂકી દે એવું...જી હાં, અહીં વાત થઈ રહી છે ૧૭ વર્ષની શિવાંગી પાઠકની.

મૂળ હરિયાણાના હિસારની રહેવાસી શિવાંગી પાઠકે ચોથી સપ્ટેમ્બરના યુરોપના સૌથી ઊંચા માઉન્ટ એલ્બ્રુસ (ઊંચાઈ ૫૬૪૨ મીટર) સર કરીને ત્યાં તિરંગો લહેરાવ્યો એટલું જ નહીં તેણે ત્યાંથી દુનિયાને 'બેટી બચાઓ, બેટી પઢાઓ' અને 'પર્યાવરણ બચાઓ'નો સંદેશ પણ આપ્યો. બીજી સપ્ટેમ્બરે તેણે ચઢવાનું શરૂ કર્યું હતું અને ચોથી સપ્ટેમ્બરે સવારે ચાર વાગ્યે તેણે યુરોપનું આ સૌથી ઊંચું અને ૧૦૦ દિવસમાં ત્રીજું હાઈએસ્ટ શિખર સર કરી લીધું. જરા વિચાર તો કરો એ વખતે તેનો આનંદ કેટલી ઊંચાઈએ હશે!

પોતાની આ સફરની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ એ વિશે વાત કરતાં જણાવે છે કે, 'મારા ઘરમાં કોઈને આ ઍડવેન્ચર સ્પોર્ટ્સનો શોખ નથી. એક વખત હું અને મારી મમ્મી એક સેમિનારમાં ગયાં હતાં. જ્યાં અમે માઉન્ટ એવરેસ્ટ કઈ રીતે સર કરાય છે, કેવા પ્રકારની મુશ્કેલીઓ આવે છે જેવી અનેક બાબતોને સાંકળી લેવામાં આવી હતી. સેમિનારમાંથી નીકળીને મમ્મીએ મને મજાકમાં જ કહ્યું શિવાંગી તું એવરેસ્ટ સર કરી લે, નેમ અને ફેમ મેળવવાનો આ સૌથી સહેલો રસ્તો છે. પણ મેં એ વાતને ખૂબ જ ગંભીરતાથી લીધી અને એ જ દિવસથી મેં આ વિશે રિસર્ચ શરૂ કરી દીધું.'

અચાનક જ એક દિવસ શિવાંગીએ તેની મમ્મીને જઈને તેને એવરેસ્ટ સર કરવાની ઈચ્છા વ્યક્ત કરી. મમ્મીએ પપ્પાને વાત કરી અને આખરે બંનેએ લાડકવાયી દીકરીના સપનાંને પૂરું કરવાનું વિચાર્યું, એ પણ આખા પરિવારથી છુપાવીને. 'અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. મમ્મી-પપ્પાએ માઉન્ટ એવરેસ્ટ સર કરવાની પરવાનગી તો આપી દીધી પણ આ વાત આખા પરિવારથી ખાનગી રાખવાનું પ્રોમિસ લઈ લીધું. જોકે આ પાછળ પણ તેમની ભાવના સારી જ હતી. અલબત્ત બાદમાં જ્યારે પરિવારને ખબર પડી ત્યારે એમણે પણ મને સાથ આપ્યો અને મને આ રસ્તે આગળ વધવાની પરવાનગી આપી.' કહે છે શિવાંગી.

જોકે શિવાંગીની આ સફર એટલી સહેલી નહોતી. એવરેસ્ટ સર કરવા માટે તો સૌથી પહેલાં તેણે શારીરિક અને માનસિર રીતે ફિટ થવું આવશ્યક હતું. શિવાંગી થોડી ઓવરવૅઈટ હતી. દોઢ-બે મહિનામાં તેણે ડાયેટ અને કૉચની મદદથી ૧૫-૧૭ કિલો વજન ઘટાડ્યું અને તેને માનસિક તૈયારી પણ કરવી પડી હતી.

શિવાંગીની માતા આરતી પાઠક દીકરીની તૈયારી વિશે વાત કરતાં કહે છે કે 'શિવાંગીએ તેના સપનાને સાકાર કરવા માટે સખત પરિશ્રમ કર્યો છે. મોટા મોટા અનુભવીઓ જે નથી કરી શકતા એ મારી દીકરીએ કરી બતાવ્યું છે. છ મહિનાના ટૂંકા ગાળામાં એક બેઝિક અને બે એડવાન્સ કૉર્સ પૂરા કરી લીધા હતા અને તેની આ લગન જ તે તેના સપનાને લઈને કેટલી ગંભીર છે એ સાબિતી કરી બતાવ્યું છે.'

૨૮મી માર્ચ, ૨૦૧૮ના શિવાંગીએ બારમા ધોરણનું છેલ્લું પેપર આપ્યું અને ૨૯મી માર્ચના તો તેણે તેના જીવનની પરીક્ષા આપવા માટે કાઠમાંડુની ફ્લાઈટ પકડી. જોકે એ વખતે સહેલી લાગી રહેલી આ સફર હકીકતમાં શિવાંગી માટે ખૂબ જ નિર્ણાત્મક પુરવાર થવાની હતી, જેની શિવાંગીને કે તેના પરિવારને જાણ નહોતી.

'મને જે કંપની સ્પૉન્સર કરવાની હતી એ કંપનીએ છેલ્લી ઘડીએ મારી ઉંમર નાની છે અને જો હું એવરેસ્ટ સર ન કરી શકી તેના ભયને કારણે મને સ્પૉન્સર કરવાની ના પાડી દીધી. પણ મારા મમ્મી-પપ્પાએ હિંમત નહીં હારી અને ઘરે આખી ઘટનાની જાણ કરી. પરિવારે પણ મારો સાથ આપવાનું નક્કી કર્યું અને ઘરને ગિરવે મૂકીને મને ઍવરેસ્ટ પર મોકલવાનો નિર્ણય કર્યો. એ જ વખતે મેં પણ મમ્મી-પપ્પાને કહી દીધું કે હવે તો હું એવરેસ્ટ પર તિરંગો લહેરાવીને જ પાછી આવીશ અને તમે લોકોએ મારામાં દેખાડેલા વિશ્ર્વાસને હું તૂટવા નહીં દઉં.' કહે છે શિવાંગી.

૧૬મી મે, ૨૦૧૮ના શિવાંગીએ જ્યારે માઉન્ટ એવરેસ્ટ (૨૯,૦૦૦ મીટર) સર કર્યું ત્યારે તે માત્ર ૧૬ વર્ષની હતી અને એ વખતે તેણે આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે 'હું અહીં આવી છું મારું સપનું પૂરું કરવા અને મારા પરિવારના વિશ્ર્વાસને સાચો પુરવાર કરવા માટે. મારે મારા જીવનમાં પૃથ્વી પરના સુંદર અને સૌથી ઊંચાં ઊંચાં શિખર સર કરી લેવા છે.'

દરમિયાન શિવાંગીના ભણતર વિશેના સવાલના જવાબમાં આરતી પાઠક કહે છે કે 'શિવાંગીને જે પરિવારનો સપોર્ટ મળ્યો છે એ જ રીતે તેને એજ્યુકેશનમાં પણ શાળા-કૉલેજ તરફથી પૂરતો સહકાર મળ્યો છે. બારમા ધોરણમાં શિવાંગી ૭૦ ટકા સાથે પાસ થઈ હતી. શિવાંગી માત્ર પરીક્ષા આપવા માટે જ કૉલેજમાં જાય છે. બાકીનો અભ્યાસ તે ઘરે રહીને અને શનિ-રવિમાં ઍક્સ્ટ્રા ક્લાસીસમાં કરી લે છે.'

ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ ટ્વીટ કરીને નાની ઉંમરે એવરેસ્ટ સર કરનારી ભારતની આ દીકરીને શુભેચ્છાઓ આપી હતી. માઉન્ટ એવરેસ્ટ સર કરીને શાંત બેસી રહેવાનું શિવાંગીના પ્લાનિંગમાં જ નહોતું અને તે મચી પડી પોતાના આગળના ટાર્ગેટ તરફ. એવરેસ્ટ બાદ તેણે માઉન્ટ કિલીમાંજરો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને ૨૩મી જુલાઈના તો તેણે પોતાનો બીજો ટાર્ગેટ પણ પૂરો કરી લીધો, પણ આમ શાંત બેસી રહે તો શિવાંગી કોણે કીધી.

હવે શિવાંગીએ તેનો ત્રીજો ટાર્ગેટ સેટ કર્યો અને આ ટાર્ગેટ હતો યુરોપનું માઉન્ટ એલ્બ્રુસ. ચોથી સપ્ટેમ્બરના શિવાંગી ત્રીજા ટાર્ગેટને પૂરું કરીને ૧૦૦ દિવસમાં ત્રણ ઊંચા શિખર સર કરીને એક અલગ જ રૅકૉર્ડ પોતાના નામે કરી લીધો છે. વૉટ નૅક્સ્ટ સવાલના જવાબમાં શિવાંગી કહે છે કે 'જ્યાં સુધી હું ૧૮ વર્ષ પૂરી કરીશ ત્યાં સુધીમાં મારે દુનિયાના સાતે સાતે ઊંચા શિખર સર કરી લેવા છે.'

નાનકડી શિવાંગીના વિચારો અને લક્ષ્યાંક ખૂબ જ ઊંચા છે. તે કહે છે કે 'મારે લોકોને બતાવી દેવું છે કે જો એક દીકરીને તમે તક આપો છો તો તે શું-શું કરી શકે છે. એક દીકરી તેના પરિવારનું નામ કેટલી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. મારા પરિવારે પણ મને જે પણ ટેકો આપ્યો છે જો દુનિયાની દરેક દીકરીને મળે તો દરેક ઊંચાઈ પર એક દીકરીનું નામ જોવા મળશે.'

શિવાંગીએ તે અઢાર વર્ષની થાય એ પહેલાં માઉન્ટ વિનસન (૪૮૯૭ મીટર)-એન્ટાર્કટિકા, માઉન્ટ ડેનાલી (૬૧૯૪ મીટર)-નૉર્થ અમેરિકા, માઉન્ટ ઍકોન્કાગુઆ (૬૯૯૨ મીટર)-સાઉથ અમેરિકા અને કારસ્ટેન્ઝ પિરામિડ (૪૮૮૪ મીટર)-ઑસ્ટ્રેલેસિયા પર પણ તિરંગો લહેરાવવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. ભારતની આ નાનકડી દીકરી તેના નક્કી કરેલા તેનાં લક્ષ્યાંકો પૂરાં કરે અને દેશનું અને તેના પરિવારનું ગૌરવ વધારે એવી શુભેચ્છા!




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov4fiar8%3DWvZHG0vYYqqgw7C-Q5W9rT%3DwQU4wy5-qdTNA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment