Wednesday, 5 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કૈલાસયાત્રાએ ન જઈ શક્યો તેમાં ઈશ્વરનો જ સંકેત હતો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કૈલાસયાત્રાએ ન જઈ શક્યો તેમાં  ઈશ્વરનો જ સંકેત હતો!
લતિકા સુમન
 

 

– વાટવાણી
મનોરોગીઓની સેવા-ચાકરી સાથે સમાજમાં ઉમદા કાર્યની શરુઆત કરી...

 

ટ્રેનોમાં કે રસ્તાઓ પર ભટકતા મનોરોગીઓને જોઈને આપણામાંના મોટા ભાગના લગભગ મોઢું બગાડતા હોય છે. તેના શરીર પર ઈજાના ઘા લૂછવાનો આપણામાંથી કોઈની પાસે સમય નથી હોતો, પરંતુ દુનિયામાં એવા કેટલાક પરોપકારી લોકો પણ છે, જેઓ આ મનોરોગીઓની વ્યથા સમજે છે. તાજેતરમાં મુંબઈના ડૉ. ભરત વાટવાણીને આવા જ મનોરોગીઓની સેવા-ચાકરી કરવા બદલ મેગ્સેસે ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સમાજમાં તિરસ્કૃત એવા મનોરોગીઓ માટે દિવસ-રાત કામ કરનારા ડૉ.વાટવાણી સાથે અભિયાને ખાસ વાતચીત કરી હતી.

 

ઘણીવાર આપણે ટ્રેનોમાં કે રસ્તાઓ પર એવા મનોરોગીઓને જોઈએ છીએ, જેઓ ખૂબ જ ગંદી હાલતમાં ફરતા હોય છે. કેટલાય દિવસોથી ખાધું ન હોય, નહાયા ન હોય અને શરીર પર કોઈ જગ્યાએ જખમ હોય અને કોઈ કોઈ વાર તો એ જખમની સારવાર ન થવાને કારણે એમાંથી કીડા પણ નીકળતા હોય. એમના શરીરમાંથી આવતી ખરાબ બદબૂના કારણે આપણને

 

ઘૃણા થઈ રહી હોય અને એક ડર લાગી રહ્યો હોય કે તે વ્યક્તિ ક્યાંક આપણી પાસે ન આવી જાય. આવામાં આપણે ટ્રેનમાંથી ઊતરીને બાજુના કમ્પાર્ટમેન્ટમાં જતા રહેતા હોઈએ છીએ. જો રસ્તા પર હોઈએ તો ત્યાંથી વળી જઈને બીજી તરફ નીકળી જઈએ છીએ. આ રીતે આપણે ત્યાંથી બચીને તો નીકળી જઈએ છીએ, પરંતુ એ વ્યક્તિ વિશે બિલકુલ વિચારતા નથી કે તે કોણ છે? ક્યાંથી આવ્યો છે? તે આ હાલતમાં કેમ જીવી રહ્યો છે? કેમ ભટકી રહ્યો છે? તેનાં મા-બાપ કોણ છે? આવા સવાલો માટે આપણી પાસે સમય જ નથી, કેમ કે એ મનોરોગીથી આપણને તો છુટકારો મળી ગયો હોય છે, પરંતુ બધા આપણા જેવા નથી હોતા. એવા કેટલાક ઈશ્વરના દૂત પૃથ્વી પર આજે પણ છે જેઓ આ લોકો વિશે વિચારે છે અને તેમને સ્વસ્થ કરી તેમની મંજિલ સુધી પહોંચાડતા હોય છે. આવી વ્યક્તિ વિશે જાણવા અને મળવા માટે કોણ ઉત્સુક ન થાય? એ વ્યક્તિ છે ડૉ.ભરત વાટવાણી. જેમના કામોની ચર્ચા આજે આખી દુનિયા કરી રહી છે. તેમને હમણાં જ મેગ્સેસે ઍવૉર્ડ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે.

 

૨૬ જુલાઈ, ૨૦૧૮ના રોજ ડૉ.ભરત વાટવાણી અને સોનમ વાંગચૂકને મેગ્સેસે ઍવૉર્ડથી સન્માનિત કરવાની જાહેરાત થઈ છે. પોતાના કામથી દુનિયાને પ્રભાવિત કરનારા આ બે ઇડિયટ્સની ચર્ચા દરેકના મોઢે થવા લાગી. પછી તો ડૉ.ભરત વાટવાણીનો ફોન સતત રણકવા લાગ્યો. બધા તેમની સાથે વાત કરવા ઉત્સુક હતા. અભિનંદનના ફોન, મીડિયા સાથે ઇન્ટરવ્યૂ અને તેમના કર્જતના શ્રદ્ધા ફાઉન્ડેશનમાં એમને મળવા લોકોની લાંબી કતાર. બધાં સાથે વાત કરતાં કરતાં એમનો અવાજ બેસી ગયો. આથી જ્યારે 'અભિયાન'એ તેમનો સંપર્ક કર્યાે ત્યારે એમણે જણાવ્યું કે, હું મારું ગળું ઠીક કરાવી બે-ત્રણ દિવસમાં તમારો સંપર્ક કરું છું. બે દિવસ પછી તેમણે 'અભિયાન'ને મોબાઇલ પર એસએમએસ કર્યાે કે શિક્ષણમંત્રી વિનોદ તાવડેએ તેમનું સન્માન કરવા માટે સહ્યાદ્રી અતિથિગૃહમાં આમંત્રિત કર્યા છે. ઘરેથી નીકળતી વખતે હું તમને ઓબેરોય મૉલથી રિસીવ કરીશ. એક કલાકની આ સફર દરમિયાન આપણી વાતચીત ખૂબ જ આરામથી થઈ શકશે અને આપેલા સમય મુજબ ડૉ.ભરત વાટવાણીએ તેમની સફેદ રેનોલ્ટ કારથી 'અભિયાન'ના પ્રતિનિધિને રિસીવ કર્યા. આ પ્રકારે અમારી વાતચીતનો સિલસિલો કારમાં શરૃ થયો.

 

છેલ્લા આઠ દિવસથી તમને સતત ફોન આવી રહ્યા છે. શું તે બધાંની માનસિકતામાં તમારા કામથી કોઈ બદલાવ આવ્યો હોય તેવું તમને લાગ્યું? 'અભિયાન'ના આ સવાલ પર ડૉ.વાટવાણીએ ખૂબ જ ગંભીર થઈને જવાબ આપતાં જણાવ્યું કે, ખાસ કરીને ભારતમાં મેં જોયું છે કે વ્યક્તિને ઍવૉર્ડથી સન્માનિત કરાય પછી એ વ્યક્તિની ચર્ચા થાય છે, એના કામની નહીં. જ્યારે હું બાબા આમટેને મળ્યો હતો અને ડૉ. પ્રકાશ આમટેને મળું છું ત્યારે પણ મને એ જ દૃશ્ય દેખાય છે કે લોકો એમની વાહવાહી કરે છે તેમને પગે લાગે છે, પરંતુ કોઈ તેમના કામને નથી અપનાવતું. જે દિવસભર આટલા દર્દીઓ અને લોકોની સેવા કરીને થાકી જાય છે. જો મારું આ સન્માન થવા બદલ માત્ર મારી ચર્ચા અને મારી જ વાહવાહી થશે તો એનો શો મતલબ છે? હા, જો કોઈ વ્યક્તિ મારા કામને અપનાવશે, કોઈ જગ્યાએ ૧૦ દર્દીઓને રાખીને એમની સેવા કરવા ઉત્સુક થશે અને મને પણ એમાં સામેલ કરશે તો એ બધાંની વાહવાહી લેખે લાગશે. આજે લોકો મને ફોન કરે છે, અભિનંદન આપે છે, મારા ઇન્ટરવ્યૂ છપાઈ રહ્યા છે. હું તે બધું એટલા માટે કરી રહ્યો છું કે લોકોનું આ કામ પર ધ્યાન જાય અને તેઓ પણ આ વિશે વિચારતા થાય. જો લોકોની માનસિકતામાં કામના પ્રત્યે બદલાવ આવશે તો મને મળેલું સન્માન સાર્થક થયેલું લેખાશે.

 

એવું ક્યું કારણ છે કે લોકો આ કામ વિશે વિચારતા નથી? આના માટે શું કરવું પડશે? આ વિશે ડૉ.વાટવાણીએ જણાવ્યું કે, લોકો સંવેદનશીલ નથી. ઍવૉર્ડ જાહેર થયા બાદ હું એક ભાવુક માનસિકતામાંથી  પસાર થઈ રહ્યો છું. ઘણી સંસ્થાઓ અને લોકો મારી સાથે જોડાવા લાગ્યા છે અને મારો સંપર્ક કરવા લાગ્યા છે. હું એમને મળી રહ્યો છું. જો ત્રણ લોકો સાથે કામ કરીને આગળ જતાં તે કામ ૩૦૦ સુધી પહોંચે છે ત્યારે તે મારું સૌથી મોટું યોગદાન હશે. મેં અને મારી પત્નીએ ક્યારેય વિચારીને કામ નથી કર્યું. અમે બંને પણ સંવેદનશીલ હતાં. જ્યારે અમે હોટલમાં ચા પીતી વખતે એક એવા મનોરોગીને જોયો જે ગટરમાં નાળિયેરનું કોચલું નાખીને પાણી પી રહ્યો હતો. અમે તેને અમારા ક્લિનિકમાં લઈ આવ્યા. એ નહોતું વિચાર્યું કે એનું શું થશે? તે સાજો થશે કે નહીં? પરંતુ અમે આગળ આવીને અમારું કામ કર્યું. તે સાજો થઈ ગયો. એ જ રીતે જ્યારે હું બાબા આમટેને મળીને ડૉ.પ્રકાશ આમટેને મળવા હેમલકશા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં કોઈએ એક મનોરોગીને લોખંડની સાંકળથી બાંધીને છોડી દીધો હતો. જો હું તેને છોડીને એ દિવસે મોં ફેરવીને નીકળી ગયો હોત તો બાબા આમટે જેવી વ્યક્તિ મને રોજ ફોન કરીને એ ના કહેતી કે તમે કામને આગળ ધપાવો, તમારે અટકવાનું નથી. હું પણ વિચારતો કે કેમ બાબા મને જ રોજ ફોન કરે છે. કેમ કે એમણે મારી અંદર એક બીજ જોયું હતું. જેને પાણી પાઈને તેને વટવૃક્ષ બનાવવાની તેમની મનોકામના હતી અને તેમણે તેમનું કામ કર્યું. હું પણ ઉત્સાહિત થઈને આગળ વધ્યો. જેના કારણે આજે કર્જતની સાડા છ એકર જમીન પર શ્રદ્ધા ફાઉન્ડેશનનું કામ ઊભું થયું. જેમાં અત્યાર સુધી લગભગ સાત હજારથી વધુ મનોરોગીઓ સાજા થયા છે. અન્યથા ૧૯૯૮થી ૨૦૦૪ સુધી હું એ જ વિચારતો રહ્યો કે, દહીંસરની ૨૦ પલંગની જગ્યામાં હું મારા કામને કેવી રીતે આગળ વધારીશ?

 

તમારે ૧૯૯૮માં કૈલાસ માનસરોવર યાત્રામાં જવાનું હતું અને કેમ ન ગયા? આ વિશે શું કહેશો? ડૉ.વાટવાણીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જવાબ આપ્યો કે, ઈશ્વરે મારી પાસે આ કામ કરાવાનું હતું. મને ટ્રેકિંગનો ઘણો શોખ છે. માનસરોવર જઈને ઈશ્વરનાં દર્શન કરવાની પણ ઇચ્છા હતી. આથી મેં દિલ્હી ટેલિગ્રામ મોકલ્યો. તે સમયે જેમણે કૈલાસ માનસરોવરની યાત્રા કરી હતી એમનું કહેવું હતું કે તમારો નંબર આ વખતે નહીં આવે. તમે હજુ વેઇટિંગમાં રહેશો, પરંતુ આઠ દિવસમાં દિલ્હીથી ટેલિગ્રામ આવી ગયો. ત્રણ લાખ લોકોએ અરજી કરી હતી, જે પૈકી બે હજાર લોકો સિલેક્ટ થયા હતા, જેમાં મારો નંબર પણ હતો. એ દિવસોમાં મારા ત્યાં બે ગુજરાતી પેશન્ટ દાખલ થયા હતા. જેમના સાજા થવામાં બે-ત્રણ મહિના લાગવાના હતા. એમના ઘરવાળા ઘણા ખુશ હતા કે ડૉ.વાટવાણીની સારવારથી તેઓ સાજા થઈ જશે. તેમને એડમિટ કર્યે બે-ત્રણ દિવસ જ થયા હતા. હું વિચારમાં પડી ગયો કે, ઈશ્વરની યાત્રાએ જાઉં કે પેશન્ટ પાસે રોકાઉં? મેં પેશન્ટના પરિવારમાં છલકતી ખુશીઓ જોઈ. આથી નિર્ણય કર્યાે કે હું પેશન્ટ પાસે રોકાઈશ. પેશન્ટ સાજા થઈ ગયા. હું યાત્રા પર ન ગયો. તે આખું ગ્રુપ મોતને ભેટ્યું. તેમાં અભિનેત્રી પ્રોતિમા બેદી પણ હતી. ત્યારથી મારા મનમાં સવાલ હતો કે આવું કેમ થયું? પરંતુ બાબા આમટેને મળ્યા બાદ મારા કામને વેગ મળ્યો અને એ જ જવાબ મળ્યો કે મારા થકી આ સેવાકાર્ય કરવાનું બાકી હતું.

 

જેમ આપે કહ્યું કે શ્રદ્ધા થકી અત્યાર સુધી સાત હજાર મનોરોગીઓની સારવાર કરાઈ છે, શું બધાંને એમનાં ઘર મળી ગયાં છે? આ સવાલ પર એમણે કહ્યું કે, ના, બધાંને નહીં. પરંતુ મોટા ભાગના મનોરોગી પોતાનાં માતા-પિતાને મળ્યા કાં તો તેમના ઘરવાળાઓને મળ્યા અને આજે ખુશ છે. બાકીની વ્યવસ્થા સામાજિક  સંસ્થાઓમાં કરવામાં આવે છે.

 

આ કામમાં ક્યારેય મુશ્કેલી નથી આવતી? આ પ્રશ્નનો જવાબ આપતાં તેઓ ખુશ થઈને બોલ્યા કે, જ્યારે તેઓ સાજા થઈ જાય છે ત્યારે કશું યાદ આવે છે. કોઈને બધું યાદ આવે છે તો કોઈ એક સ્થળનું નામ બતાવતા હોય છે. જેમ કે, ગુજરાતથી મળેલાં એક મહિલા ગુજ્જર સમાજનાં હતાં અને અમારાં સોશિયલ વર્કર આ બધાં કામોમાં હોશિયાર હોય છે. તે પેશન્ટની બોલી પરથી સમજી જાય છે કે તે કઈ કાસ્ટના હશે અને પછી એમની કાસ્ટના લોકોનો સંપર્ક કરવો બહુ જ આસાન થઈ જાય છે. આ વાત ક્યારેય મારી સમજમાં ન આવી, પરંતુ સોશિયલ વર્કરના સમજમાં આવી. તે ગુજ્જર સમાજની મહિલાને તેની ભાષાના આધારે એમના ઘરે પહોંચાડવામાં આવ્યાં. કેમ કે, કઈ કાસ્ટના લોકો ક્યાં રહે છે? એમની ભાષા કેવી છે? એ ભાષાનો ટોન કેવા પ્રકારનો છે? આ બાબતોના આધારે એમનું સરનામું શોધવામાં આવે છે. જેમાં સમાજનો દરેક હિસ્સો કામ કરતો હોય છે. પોલીસ, જ્ઞાતિ-પંચાયતથી લઈને રિક્ષાવાળા, ફેસબુક, વૉટ્સઍપ. હવે દરેક પ્રકારની સુવિધા થઈ ગઈ છે અને મોટા ભાગે સરનામાં આ માધ્યમોથી શોધવામાં આવે છે. અગાઉ આવી વ્યવસ્થા ન હતી. અગાઉના સમયમાં ટેલિગ્રામ મોકલવામાં આવતા કે પછી આડોશ-પાડોશમાં ફોન કરીને સંપર્ક કરાતો, પરંતુ હવે અમારા બધા સોશિયલ વર્કર તમામ પ્રકારના સંપર્કાે સાથે એમને એમના ઘરે મુકી આવે છે. આ બતાવતી વખતે તેઓ સોશિયલ વર્કર્સની મહેનતને જાણે શાબાશી આપી રહ્યા હતા.

 

શું ઘરે પહોંચ્યા બાદ તેઓ આપની સાથે સંપર્કમાં રહે છે? ડૉ.વાટવાણીએ જણાવ્યું કે, હા, તે બધાં સોશિયલ વર્કર સાથે સંપર્કમાં રહે છે. એમની સાથે એમના પારિવારિક સંબંધો બંધાઈ જતા હોય છે. એક કિસ્સો સંભળાવતા એમણે જણાવ્યું કે, એક મનોરોગીને એઇડ્સ હતો અને તે લાસ્ટ સ્ટેજ પર હતો, પરંતુ જ્યારે તે ઘરેથી નીકળ્યો ત્યારે તે પોતાના પુત્રને લઈને નીકળ્યો હતો. એ બંને ખબર નહીં કેટલાય દિવસોથી ભટકતા હતા, પરંતુ સુરતની એક એનજીઓએ તેને અમારી પાસે મોકલ્યો. મને લાગ્યું કે આને એઇડ્સ છે. મેં સોશિયલ વર્કરને જણાવ્યું કે, હવે આ લાસ્ટ સ્ટેજમાં છે. આને અહીં નહોતો લાવવો જોઈતો. આને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૃર હતી. મારો આ જવાબ સાંભળી અમારા સોશિયલ વર્કર ઇઝહાર જમાલની આંખોમાં આંસુ આવી ગયા. એમણે જણાવ્યું કે, હું એને નહીં, એની સાથે ભટકી રહેલા આ છોકરાને જોઈને અહીં લઈ આવ્યો. ખબર નહીં ફરી આ છોકરો ક્યાં ભટકી જાય? તે છ-સાત વર્ષનો છોકરો હતો. સોશિયલ વર્કરની વાત સાચી હતી. મેં એ વ્યક્તિનો ઇલાજ કર્યાે. તે જેમ-જેમ સાજો થતો ગયો કે અમે એની પાસેથી સરનામું લીધું. એનું મૃત્યુ થઈ ગયું, પરંતુ સોશિયલ વર્કરે તે છોકરાને મધ્યપ્રદેશના છિંદવાડામાં એના ઘરે પહોંચાડી દીધો. એ છોકરાની માતા ખૂબ ખુશ થઈ. તે દીકરાને ગળે વળગાડીને રડવા લાગી. એણે સોશિયલ વર્કરને ઘણી દુઆઓ આપી કે તમે મારા દીકરાનો મારી સાથે મેળાપ કરાવ્યો. તે છોકરો સારો હતો, પરંતુ એનો મનોરોગી પિતા એને ઘણા દિવસોથી સાથે લઈને ભટકતો હતો.

 

આ માનસિક બીમારીની શરૃઆતથી જ કોઈને ખબર પડતી નથી? ડૉક્ટરનો જવાબ હતો કે, આ લોકો સ્ક્રિઝોફેનિયાના દર્દીઓ હોય છે. શરૃઆતમાં આનાં લક્ષણો સમજમાં નથી આવતા. તે બધા પોતાની એક અલગ દુનિયા બનાવીને જીવે છે અને એમાં જ રહે છે. એટેક આવ્યા બાદ ઘરવાળાઓને ખબર પડતી હોય છે, પરંતુ ડૉક્ટર પાસે જવાને બદલે તેઓ કોઈ દરગાહ કે દોરા-ધાગા કરવાવાળા કે તાંત્રિકની પાસે લઈ જતા હોય છે. જેથી પેશન્ટની હાલત વધારે ગંભીર થઈ જતી હોય છે. પોતાની દુનિયામાં ખોવાયેલો તે પેશન્ટ એક દિવસ ઘરેથી ચાલ્યો જાય છે અને રસ્તાઓ પર જોવા મળતો હોય છે.

 

આવી સ્થિતિ સર્જાવાનું કારણ શું હોય છે? શું આનો ઘરમાં ઇલાજ કરી શકાય છે? આવા પેશન્ટ દવાઓથી બરોબર સાજા થઈ જતા હોય છે? ડૉ.વાટવાણીએ જણાવ્યું કે, કેમિકલમાં ફેરફારના કારણે માનસિક બદલાવ આવતો હોય છે. આનો ઘરે ઇલાજ શક્ય નથી. જ્યારે શરૃમાં એટેક આવે છે ત્યારે દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવો જોઈએ. આવા પેશન્ટ દવાઓથી સંપૂર્ણ સાજા થઈ જતા હોય છે.

 

પરંતુ આવું શા માટે થતું નથી, કેમ એજ્યુકેટેડ લોકો પણ આ વાતને છૂપાવતા હોય છે? તેઓ પોતાના ઘરના મનોરોગી વિશે કેમ કોઈ ચર્ચા કરતા હોતા નથી? આના પર અપર્ણા સેનએ શબાના આઝમી અને કોંકણા સેનને લઈને ૧૫ એવન્યુ પાર્ક નામની ઇંગ્લિશ ફિલ્મ બનાવી હતી અને મરાઠીમાં સુમિત્રા ભાવે અને સુનિલ સુકથનકરે સાથે મળીને દેવરાઈ નામની ફિલ્મ બનાવી હતી. આ પ્રશ્નને ખૂબ જ ગંભીર સ્વરૃપે ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો હતો. પેશન્ટના ઘરવાળાને કઈ વાતનો ડર રહેતો હોય છે? આનો ગંભીરતાપૂર્વક જવાબ આપતા ડૉ.વાટવાણીએ જણાવ્યું કે, સમાજમાં પોતાની નબળાઈ બતાવવી કોઈને ગમતી હોતી નથી. હમણાં જ મેં રાજ કપૂર દિગ્દર્શિત ફિલ્મ સત્યમ શિવમ સુંદરમ્ જોઈ, જેમાં ઝીન્નત અમાન પોતાનો ચહેરો શશી કપૂરને નથી બતાવતી. કેમ કે એના ચહેરાનો એક ભાગ બળીને વિકૃત થઈ ગયો હોય છે. આ જ રીતે આપણો સમાજ આજે પણ આ વાતને સમજી નથી શકતો કે જે રીતે આપણને શારીરિક બીમારીઓ થાય છે તેવી જ રીતે માનસિક બીમારીઓ પણ થઈ શકે છે, પરંતુ મનોરોગીને પાગલ સમજવામાં આવે છે. પોતાની આ પ્રકારની કોઈ નબળાઈ કોઈ બતાવવા માગતું નથી. એક ઉદાહરણ આપતાં તેમણે સમજાવ્યું કે એક સેલ્સ ટેક્સ કમિશનરના પુત્રને અમે રસ્તા પરથી લાવ્યા હતા. સાજો કરીને તેને ઘેર પહોંચાડ્યો. સોશિયલ વર્કરે તેના કમિશનર પિતાને કહ્યું કે તમે જોઈને કહો કે તમારો પુત્ર સાજો થયો છે કે કેમ જેથી કરીને અમારી સંસ્થાને ડોનેશન મળી શકે. તેમણે ઇનકાર કરી દીધો. તેમને આવું કરવામાં પોતાની નબળાઈ લાગી હતી. તેમણે સંસ્થાને ૫૦ હજારનું ડોનેશન મેનેજ કરી આપ્યું પણ આ વાત તેમણે સાર્વજનિક ન કરી.

 

તમારી સંસ્થાને સરકારી નાણાકીય મદદ મળે છે કે કેમ? તમારી સરકાર પાસે કોઈ અપેક્ષા ખરી? ડૉ.વાટવાણી હસીને કહેવા લાગ્યા, ના. બિલકુલ નહીં. કેમ કે, આજે સરકાર પાસે ઘણા જ ગંભીર મુદ્દાઓ છે. ગરીબી, વીજળી, પાણી, ખેડૂતોના પ્રશ્નો, અનામત જેવા અનેક મુદ્દાઓથી સરકાર ઘેરાયેલી છે. આવી સ્થિતિમાં હું કોઈ મદદની અપેક્ષા નથી રાખતો. હું મારું કામ ડોનેશન અને લોકોના આશીર્વાદથી કરી રહ્યો છું અને કરતો રહીશ.

 

તમે રેમન મેગ્સેસે ઍવૉર્ડથી સન્માનિત થવા જઈ રહ્યા છો અને હવે તમારા કામની નોંધ પણ લેવાઈ રહી છે. આનો શ્રેય તમે કોને આપશો? એમનો જવાબ બિલકુલ જ સાચો હતો કે મારા એ તમામ મનોરોગી પેશન્ટને આનો શ્રેય જાય છે, જેઓ પોતાનું સાન-ભાન ખોઈ ચૂક્યા હતા. એક લાચારીની જિંદગી જીવી રહ્યા હતા. જેમની સેવા કરવાનો મને મોકો મળ્યો.

 

તમે તમારા પરિવાર વિશે બતાવો. આના જવાબમાં તેમણે કહ્યું કે, હું સિંધી સમાજમાંથી આવું છું. અમે ચાર ભાઈઓ છીએ. પિતા નાનપણમાં જ ગુજરી ગયા હતા. મોટા ભાઈ પરમાનંદ કોલકાતામાં રહે છે. તેમના પછી રામ, લક્ષ્મણ અને હું ભરત. અમે ત્રણેયે મેડિકલમાં ઍડ્મિશન લીધું. મેં સાઇકિયાટ્રીમાં એમ.ડી.ની ડિગ્રી મેળવી. હવે એક ભાઈ બહેરીન અને એક ભાઈ થાણેમાં રહે છે. હું બોરિવલીમાં રહું છું. પત્ની સ્મિતા અને ચાર સંતાનો છે. જેમાંથી ત્રણ બાળકોને દત્તક લીધાં છે. મોટી દીકરી અક્ષાએ કેનેડામાં મેથ્સ વિષયમાં પીએચ.ડી. કરી છે અને હાલ ગાંધીનગર રહે છે. એનાથી નાના પુત્રનો ટૂર્સ અને ટ્રાવેલ્સનો બિઝનેસ છે. એનાથી નાની દીકરીનાં લગ્ન થયાં છે અને હાલ યુએસએમાં છે અને સૌથી નાનો અમરાવતીમાં મેડિકલમાં અભ્યાસ કરી રહ્યો છે.

 

હવે આગળનો શો પ્લાન છે? હું ઇચ્છું છું કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં મનોરોગીઓ માટે નાનાં-નાનાં સેન્ટરો બને. જેમાં તેમનો ઇલાજ થાય અને હું પણ એ બધાં સેન્ટરો સાથે જોડાયેલો રહું. આ રીતે કામને પ્રોત્સાહન મળે. જેમાં લોકો પણ સામેલ થાય, જેથી કરીને કોઈ પણ મનોરોગીને વરસો સુધી રસ્તાઓ પર ભટકવાનો વારો ન આવે. આ જવાબ સાથે 'અભિયાન'એ ડૉ.ભરત વાટવાણીની વિદાય લીધી અને તેમને ભવિષ્યનાં કામો માટે શુભકામનાઓ પાઠવી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot1Nde80rrYtj8-2GFgnrJNb%2B3q31ci_RsnAQ5JU7b-JA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment