- પાકિસ્તાન જેવાને તો લોન આપીને ચીને ક્યારના ગુલામ બનાવી દીધા છે લાલ રંગ પ્રત્યે ઘણાને અંગત અહંકારી કામના છે અન્ય મનુષ્યોનું લોહી ઢીંચવાની જાહેર વાસના છે ધર્મ એક માનસિક રોગ છે, આવું તમે કોઈ ધાર્મિક પ્રકારના દેશબાંધવને કહો તો કમ સે કમ તમને કોઈ માનસિક રોગ નથી એવું મેડિકલ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. તમે ડૉક્ટર હો તેનો અર્થ એ નથી કે તમે દર્દી નથી. પ્રશ્ન છે કે શું ચીન માનસિક રીતે તંદુરસ્ત દેશ છે? અને ચીનીવાદ વત્તા તેમાં રહેલો સામ્યવાદ? વરસ દિવસથી પશ્ચિમ ચીનના શિનજાંગ પ્રદેશ તથા બાકીના વિશ્વ વચ્ચેના ઇન્ટરનેટમાં ચીની સરકારે પોતાની લાલ તાકાત વડે જાતે ભૂવા પાડ્યા. એ વિસ્તારના સૌથી વધુ વસ્તી ધરાવતા વિઘર મનુષ્યોનો તેમના મિત્રો-સગા સાથેનો ફક્ત ઇન્ટરનેટની ચેટ/મેસેજ એપ્સ થકી જીવંત રહેલો સંબંધ મૃત્યુ પામ્યો. ફ્રેન્ડ્ઝ-રિલેટિવ્ઝને વિઘર મનુષ્ય દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે અમારો ફોન કે પત્ર દ્વારા પણ સંપર્ક ના કરતાં. ચીની સરકાર દાતરડું-હથોડો લઈને લાલિયા કરવા નીકળી એ પછી જે કોઈ વિઘર જાગ્યા તેમણે પાયરેટ્સનો સહારો લીધો અને પોતાના લાગતાવળગતાને વન વૅ રેડ એલર્ટ મોકલ્યું. આ તરફ બિનઆભાસી જગતમાં ચીનીલાલે જ્યાં 'ને ત્યાં મિલ્યન્સ ખર્ચીને વિઘર વિરોધી 'આવાસ' યોજના અમલમાં મૂકી દીધી, સશસ્ત્ર સૈનિકની સુરક્ષા સાથેની અને એ આવાસમાં વિઘર મનુષ્યોનું દિશા-બંધન કરવામાં આવ્યું. લાલ પોલીસને એમના ભગવાનોએ આપેલો આંકડો સિદ્ધ કરવામાં તકલીફ પડી તો અમને સલામ નથી કરતાં 'ને બહારની દુનિયા સાથે સંબંધ રાખે છે એવા ચીનદ્રોહના આરોપ હેઠળ વિઘર મનુષ્યોને પકડી લીધા. અંતે એ યોજના 'સફળ' થઈ. સામૂહિક-નજરકેદના આ પવિત્ર એવં વૈજ્ઞાનિક કાર્યક્રમ પરત્વે સેક્યુલર અભિગમ અપનાવી આપણું મીડિયા 'ને આપણા મુસ્લિમ આગેવાનો ઓલમોસ્ટ ચૂપ રહ્યા છે. કાશ્મીર સાથે જેની સરહદ છે એ ચીન પાસેથી ભીખ મેળવતા આતંકવાદી સાથે પાકિસ્તાનની અક્કલ 'ને દાનત મુસ્લિમ વિરોધી ચીને હલાલ કરી નાખી છે એય સાબિત થઈ ગયું. જેમનો ધર્મ ઇસ્લામ છે તેવા લાખ્ખો વિઘર મનુષ્ય આજની તારીખે પણ ઊંટ પર કોઈ શાંતિદૂત એક હાથમાં તલવાર 'ને એક હાથમાં કુરાન લઈને એમને મુક્ત કરવા આવે તેની રાહ જુએ છે. હા, યુનો 'ને તેના હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ વિઘર મનુષ્યોના બચાવ માટે કચકચ કરે છે. ઘણા આંતરરાષ્ટ્રીય પત્રકારોએ ચીનની આ લાલિયાવાડી સામે કલમ ઊંચકી છે, પરંતુ ખરો ચિંતાનો વિષય એ છે કે એ પ્રજા હકીકતમાં કેટલું દુઃખ વેઠે છે એ બાબતની પૂરી માહિતી કોઈ પાસે નથી. ચીની સામ્યવાદીઓની એક જ રાજહઠ છે કે વિઘર્સ એમનો ધર્મ છોડે 'ને તેના પ્રત્યે નફરત સાબિત કરતી વાતોનું જાહેરમાં પારાયણ કરે, ચીની સામ્યવાદી પક્ષનાં ગીતો કલાકો સુધી દરરોજ ગાય. વિઘર તુર્કી જનીન ધરાવે છે. કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન 'ને કિર્ગિઝસ્તાનમાં ચીની સિવાયના વિઘર જીવે છે. સામાન્ય સંખ્યામાં અફઘાનિસ્તાન, જર્મની, બેલ્જિયમ, નેધરલેન્ડ્ઝ, સ્વિડન, નોર્વે, રશિયા, સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા 'ને અમેરિકામાં પણ રહે છે. આ પ્રજાની 'સમસ્યા' એ છે કે એ મુસ્લિમ છે, તદુપરાંત તેઓ ચીની વંશના નથી 'ને તેમની ભાષા પણ પોતાની છે, એય અરબી લિપિમાં લખાતી. ચીનના આ નાગરિકો મૂળનિવાસી કહી શકાય. મૂળે સ્વતંત્ર રાજ્ય ધરાવતી અવામ. ૧૯૩૩ 'ને ૧૯૪૪માં ચીની સરકારથી એ લોકો આઝાદ પણ થયેલા, જોસેફ સ્ટાલિનની મદદથી પરંતુ, પછી મારફાડ માઓની શકુનિમતિ ચાલી. વિઘરને ચીનવાદી ચ સામ્યવાદી ચ પ્રતિમુસ્લિમવાદી બનાવે એવા ચીનીને વિશેષ લાભ મળતા થયા. વિઘરજન પર ખાસ અંકુશ લાદવામાં આવ્યા. એમના પ્રદેશમાં તિબેટની માફક સરકારના બંદા એવા હાન ચીનાઓની વસ્તીઓ વસાવવામાં આવી. વિઘર્સનું ખુદનું સાહિત્ય, સંગીત, નૃત્ય તેમ જ તેમની આગવી ઉપચાર પદ્ધતિ વગેરે દબાવવાનું શરૃ થયું. તેમનાં વસ્ત્ર 'ને જીવન શૈલીની બાકીના ચીની સમાજ દ્વારા મશ્કરી થવી એ આમ વાત બની. એ લોકો કોઈ રીતે શક્તિશાળી ના થાય તેની લાલ સત્તા દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી અને અત્યંત બુદ્ધિકૌશલ્ય વડે તેમને પોતાના વિઘર 'ને ખાસ કરીને મુસ્લિમ હોવા અંગે લઘુતા થાય, પીડા થાય તેવા સક્ષમ પરિબળો સતત સક્રિય થયા. વર્ષોથી ચીન પોતાના ચીનીઓને વિશિષ્ટ દવા પીવડાવી રહ્યું છે. વિઘર ચીનીઓના ઇન્ટર્નમન્ટ કેમ્પ'ને અવિઘર ચીની સરકાર શિક્ષણ આપતી શાળાનો દરજ્જો આપે છે. અને તર્કપ્રચુર વાત તો એ છે કે એ કેમ્પ 'ને સામ્યવાદની ડૉક્ટર એવી ચીની સરકાર હૉસ્પિટલ તરીકે પણ નવાજે છે. ચીની ઇન્ટરનેટથી માંડીને વિઘરના સગા કાનમાં ફૂંકવામાં આવતા ચીની સરકારના શાસ્ત્રપાઠનો આ નમૂનો તમે વાંચશો તો તમને અંદાજ આવશે કે ચીની સરકાર સામ્યતા 'ને સમતા વચ્ચેનો ભેદ તો જાણતી જ નથી, પરંતુ સામ્યવાદ 'ને માનવતાવાદ વચ્ચેનો ફરક પણ ઘોળીને ગટગટાવી ગઈ છે. 'પ્રજાના જે સભ્યો પુનર્શિક્ષણ માટે પસંદ કરવામાં આવ્યા છે તે એક વૈચારિક માંદગીથી રોગગ્રસ્ત થયા છે. તેમને ધાર્મિક અંતિમતા 'ને હિંસક આતંકવાદની વિચારસરણીનો ચેપ લાગ્યો છે તેથી તેમણે ઇસ્પિતાલમાં દાખલ થયેલા દર્દીની જેમ સારવાર લેવી જોઈએ. ધાર્મિક કટ્ટરવાદ એ એક પ્રકારની ઝેરીલી દવા છે જે લોકોના માન'ને ગૂંચવી નાખે છે. જો આપણે ધાર્મિક અતિવાદને મૂળમાંથી નહીં ઉખાડીએ તો હિંસક આતંકવાદી બનાવોમાં વધારો થશે તથા ચારે બાજુ જેનો ઉપચાર ના થઈ શકે તેવી હાનિકારક ગાંઠની માફક એ પ્રસરી જશે.' બોલો, તમે વિઘર જે ત્યાંના દલિતો છે તેમની કોઈ આતંકવાદી પ્રવૃત્તિ સાંભળી છે? સામ્યવાદી ચીનને જો આતંકવાદનો એટલો જ વિરોધ હોત તો એ પાકિસ્તાનની આઈએસઆઈ જોડે ઘરોબો શું કામ રાખે છે? શા માટે એ કાશ્મીરના ઉગ્રવાદી જૂથોને મદદ કરે છે? મનોરંજક સવાલ તો એ છે કે આ 'ઉદ્દામવાદી' વિઘર લોકો પાસેથી ચીન સરકારને કેટલી પેલેટ-ગન મળી? એકેઝ, રોકેટ-લોન્ચર 'ને આરડીએક્સ કે અન્ય વિસ્ફોટકની તો વાત જ જવા દો. સામ્યવાદી ચીન જ્યારે વિશ્વના અન્ય દેશોમાં સ્થાનિક સરકારના વિરોધમાં હથિયારો મોકલે છે ત્યારે તે કઈ માનસિક તંદુરસ્તીનો લુત્ફ ઉઠાવતું હોય છે? કે પછી માઓવાદી એવં નેક્સેલાઇટ્સ જે-તે દેશના સૌથી વધુ માનસિક રીતે સ્વસ્થ માણસો છે? જો એવું જ હોય તો કાશ્મીરના આતંકવાદીઓ તરફી ભારતીય સેક્યુલર્સ 'ને પશ્ચિમી ગોરા નાસ્તિકોએ પણ ચીન દ્વારા ઑથોરાઇઝડ માઓવાદી થવું જ જોઈએ જેથી એ ઉચ્ચ કક્ષાની મનોસ્થિતિ માણી શકે. 'હંમેશાં એ જોખમ રહેલું છે કે આ માંદગી ગમે તે ક્ષણે પ્રગટ થાય, જે પ્રજાને ગંભીર નુકસાન પહોંચાડશે. તેથી એ લોકોને રિએજ્યુકેશન હૉસ્પિટલમાં દાખલ કરવા જ જોઈએ જેથી એમની સમયસર સારવાર થઈ શકે અને વાયરસ દૂર કરી તેમના મગજને સ્વચ્છ કરીને તેમનું સામાન્ય મન ફરીથી સ્થાપિત કરી શકાય. ધાર્મિક અંતિમતા 'ને હિંસક આતંકવાદી વિચારસરણીથી દૂષિત હોવા છતાં સારવાર ના લેવી તે કોઈ રોગના શિકાર હોવા છતાં તેની દવા ના ઇચ્છવા બરાબર છે કે ઝેરીલી દવા લેવા જેવું છે. એવી કોઈ ખાતરી નથી કે કોઈ આ રોગથી ભવિષ્યમાં ગ્રસ્ત નહીં થાય. પુનર્શિક્ષણમાંથી પસાર થઈને વૈચારિક રોગથી મુક્ત થયા હો તેનો મતલબ એ નથી કે જે-તે રોગી કાયમ માટે સાજો થઈ ગયો છે. એટલે રિએજ્યુકેશનની પ્રક્રિયામાંથી પસાર થયા પછી સ્વગૃહે ગયા બાદ તેમણે જાગૃત રહેવું પડે 'ને જાતને સાચા જ્ઞાનથી તાકાતવર બનાવવી પડે, પોતાની વિચારસરણીઓનો અભ્યાસ સક્ષમ બનાવવો પડે અને સક્રિય રીતે જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવો પડે જેથી રોગપ્રતિકારક શક્તિ સુસજ્જ થાય.' બીજાને રોગી જાહેર કરીને પોતે તેમના અધિકૃત તબીબ છીએ તેવું ફરમાન બહાર પાડવાની આ ફિટનેસનું પ્રદર્શન એક્સ્ટ્રીમ 'ને વાયોલન્ટ ચીનના સત્તાવાળાએ કર્યું છે. માત્ર આપખુદ 'ને સરમુખત્યાર વલણ નહીં, પરિશ્રમથી વર્તન કરનાર આ અમાનવીય 'ને અવૈજ્ઞાનિક તત્ત્વોને આપણે હેલ્ધી કન્ડિશનમાં કોમ્યુનિસ્ટ યા સામ્યવાદી કહીએ છીએ અને એ લોકો જેમને સુધારવા માગે છે એ 'શાકભાજી'ને આપણે લઘુમતી ગણીએ છીએ. ચીનને હિન્દુઓ સુધારવાનો અનુભવ નથી એટલે ભારતીય ગરીબ 'ને મુસ્લિમ લોકોને સુધારવા જો ભારતીય સરકાર એમની મદદ લે તો ભારતમાં કેટલા ડાબેરી ખુશ થઈ જશે? હાંક…. છી! અહીં તો 'રોગીઓ' ભેગું ભોગીઓ પણ ટોપી પહેરીને જોગી હોવાનું ફીલ કરે 'ને કરાવે છે. દાનવ વા અસુર વા રાક્ષસ તત્ત્વને પોંખે તેવા શબ્દ-ભાષા 'ને વ્યવહાર થકી ફક્ત હિન્દુઓને સુધારવાની એસી ઑફિસમાં બેસીને મજૂરી કરતા ઇસમોએ જીવનમાં દાતરડું કે હથોડી પકડી હોય તે બિલકુલ જરૃરી નથી, પણ તેથી શું? જ્યોતિ બસુની જય સાથે આપણે સ્વીકારવું રહ્યું કે સામ્યવાદ આખરે પાવર-ગેમ છે, મનિ-સ્પોર્ટ છે. અત્યંત દુઃખની વાત છે કે ચીનમાં મસ્જિદોને તાળા વાગી ગયા 'ને વર્ષોનાં વર્ષોથી પોતાની આગવી જીવનશૈલી ધરાવતાં મનુષ્યોનું જીવન તહસનહસ થઈ ગયું. અલબત્ત, ચમત્કારિક તાકાતવાળા વિશ્વભરના ઇસ્લામના સેવકો કશું જ ના કરી શક્યા. પોતાને ના ગમે તે જૂથ કે વંશનું આયોજન પૂર્વક નિકંદન કાઢવામાં ચીની સરકારની માસ્ટરી છે. આરઆઈપી સ્વતંત્ર તિબેટ. ભારતને ગુલામીમાં સબડાવનાર વિષમવાદી અંગે્રજો કરતાં આ ગુનાહિત સ્વભાવ ધરાવનારા તત્ત્વો ઘણા 'આગળ' છે. ફિનલેન્ડ જતાં રહેલાં ૩૩ વર્ષના વિઘર ડૉક્ટર મુરાટ હર્રીને સંબંધીઓ તરફથી જાણવા મળ્યું કે એમનાં માબાપ 'કેમ્પ'માં છે. એમણે ઇન્ટરનેટ પર આંદોલન ઉપાડ્યું છે- 'ફ્રી માય પેરેન્ટ્સ.' ડૉક્ટર મુરાટને પેનિક એટેક્સ આવે છે. ક્રોધ આવે, નિર્બળતાની ભાવના જાગે, હારી ગયાની લાગણી પ્રગટે છે. એ કહે છે- હું સાધારણ જીવન જીવવાની સખ્ત કોશિશ કરું છું, પરંતુ એવું જીવન જીવવું (ચીની સરકારને કારણે) મારા માટે દુષ્કર બની ગયું છે. કેનેડા રહેતી એક વિઘર સ્ત્રીની વ્યથા છે કે હું કોઈ જ મુદ્દે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતી, મારું મન બેભાન થઈ ગયું છે, મને ઊંઘ જ નથી આવતી. તે સ્ત્રીનું વજન ઘટતું જ જાય છે કારણ કે તે ખાઈ પણ નથી શકતી. સ્ત્રીઓની વ્યથા અંગે ઉત્તેજિત રહેતાં ક્યાં ગયા? ઘણા વિઘરને અપરાધભાવ થઈ રહ્યો છે. તેમને ભાન છે કે ચીનમાં તેમનાં ભાઈ-બહેનો સાથે કેટલો કનિષ્ઠ વ્યવહાર થઈ રહ્યો છે. એક વિઘર કોઈ સારા કાર્ય માટે ચીન છોડે તો તેના તમામ ઓળખીતાનું આવી બને. વિદેશ ભણવા જવું એ સંદિગ્ધ કૂટકૃત્ય હોય ત્યાં એક વિઘરનું હજ પઢવા જવાનું સ્વપ્ન ટકે તોય કેટલું? અમેરિકામાં ભણતો ૨૪ વર્ષનો વિઘર ચીનમાં રહેતાં તેના પપ્પા સાથે ૧૯૭ દિવસ સુધી સંપર્ક ના કરી શકે એ આજના જમાનામાં કેટલી તંદુરસ્ત 'ને તાર્કિક વાત કહેવાય? ખુદને રેશનલ 'ને એથિસ્ટ જાહેર કરવાથી કોઈને હક્ક મળી જાય કે એ કોઈ આસ્તિકનો અલ્લાહ સાથેનો સંપર્ક તો ઠીક પણ કુટુંબીજન સાથેનો સંપર્ક પણ ખૂંચવી લે? અમેરિકા, કેનેડા કે યુરોપમાં ભણવા કે ફરવા કે રોજગારી માટે જનારો વિઘર પશ્ચિમની સંસ્કૃતિમાં રહીને સેક્યુલર ના થઈ શકે? ચીનની સરકાર કોઈ કટ્ટર અધર્મીની જેમ વાતો મેડિકલ સાયન્સની કરે છે, પણ ખોપરીનાં હાડકાં પાછળ ચુસ્ત રીતે 'પોતાના પરમ અને પારકા પાપી' પ્રકારની ગ્રંથિ થકી જાનવરીય નશો મેળવે છે. તમે બીજાથી જુદા છો અર્થાત્ તમે શેતાન છો, એવી લાગણી લાલ ચીના વિઘરજનના મસ્તિષ્કમાં ઘોંચી રહ્યા છે. ઓમિર નામના વિઘરને કેમ્પમાં એક ખુરશીમાં બાંધીને ટોર્ચર કરવામાં આવેલો. કારણ? એ મુસ્લિમ છે. ઓફ કોર્સ, એ જીવે છે કે નહીં તેવા કોઈ તાજા ખબર નથી. તે ખુરશીનું નામ સત્તાવાળાએ 'ટાઇગર' પાડ્યું છે. જરા પણ હલી ના શકે તેમ બંધાયેલો ઓમિર તરસ 'ને ભૂખનો સામનો કરે કે મારનો? તેને લટકાવીને પણ ફટકારવામાં આવેલો. એ ખુરશી પર જડીને વિવિધ વિકૃત હથિયારોથી ઓમિર જેવા કેટલાયની સતામણી થઈ છે. ચામડીમાં સોય ખોસવામાં આવે, પક્કડથી નખ ઉખાડવામાં આવે. લાકડા 'ને રબરના ડંડા ઉપરાંત વાયરની ચાબુક વીંઝાય. જી, પોતાના માનવબંધુઓને રોગી ગણવાથી સામ્યવાદીઓમાં આવી અનેક પ્રકારની વિમાણસાઈ જન્મતી હોય છે. ભટકી ગયેલા સારા યુવાનો એવા કાશ્મીરના પથ્થરબાજોના મોબાઇલ 'ને લેપટોપમાં મોદી-સરકાર ફરજિયાત સ્પાયવૅર નાખી દે તો? શું એકથી વધુ જૂથોની જેમના પ્રત્યે શ્રદ્ધા છે તેવા ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનના વડા ઈમરાન ખાન શકમંદ પાકી બિરાદરો આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે નહીં તેવું ચેક કરવા સરકારી રાહે જાસૂસી કરશે? ચીનમાં મુસ્લિમ્સના મોબાઇલ સરકારી સ્પાયવૅરથી પાવરફુલ બનાવવામાં આવ્યા છે. લાંબી દાઢી 'ને બુરખા પર પ્રતિબંધ છે. ચીનના નેતાઓનો જયકાર કરીને તેમની લાંબી ઉંમર માટે શુભેચ્છા આપતા પ્રાર્થના-ગીતો ગાવા ફરજિયાત થયા છે. હા, એ બધું સાયન્સ દ્વારા અપ્રૂવ થયેલું ગણવાનું! રોહિંગ્યા માટે થોડું બોલનારા પણ આ મામલે મૌન છે. કેમ? અરે કેમ શું, ચીન સરકારે મુસ્લિમ દેશો સાથે એવા આર્થિક ગઠબંધન કર્યા છે કે વિઘર જેવા 'પરચૂરણ' માટે કોઈ દેશને ચીની સરકાર થકી 'પોતાના' થતાં કરોડો-અરબો ખોવા એ સહેજ પણ પાક નથી લાગતું. ૨૦૧૩માં જાહેર કરેલા 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ' પ્રોજેક્ટ હેઠળ વિજ્ઞાની ચ સામ્યવાદી ચીન રેલવેથી લઈને શિપિંગ અંગેનું ૭૮ દેશમાં પથરાયેલું જાળું રચી રહ્યું છે. પાકિસ્તાન જેવાને તો લોન આપીને ચીને ક્યારના ગુલામ બનાવી દીધા છે. બાકી તમે શું માનો છો, પાકિસ્તાનમાં એટલી ઇસ્લામિયત નથી? ના, નથી. બાકી એ ચીન પાસેથી લોન જ ના લેત. પોતાના દેશની સમસ્યા, આપણા દુઃખી ભાઈ-બહેનોને યાદ કરીને આપણે એવું વિચારીએ કે ચીની વિઘરનું જે થાય તે, એમાં આપણે શું કરી શકીએ? હિન્દુઓ તો આમ પણ એવું વિચારતા હોય છે કે આખરે ઈશ્વરને ગમે તે ખરું, ઈશ્વર અંતે જે કરે તે સારા માટે, સરવાળે ઈશ્વર સૌ સારાં વાનાં કરશે. ખ્રિસ્તી વિચારી શકે કે હે પ્રભુ, આ લાલ ચીના શું કરી રહ્યા છે તેનું તેમને ભાન નથી, તેમને માફ કરજે 'ને પીડિત જીવોનો તું તારણહાર બનજે. બેશક ભારતીય સચ્ચા મુસલમાન પણ વિઘર્સ માટે દુઆ કરશે, પરંતુ જે બિનસંપ્રદાયવાદમાં નથી માનતો, ધર્મનો નામથી વિરોધી છે અને જેમનું હૈયું કસાબ, અફઝલ 'ને હાફિઝ જેવા હક્કથી ચોરી ગયા છે એ ખાસ વર્ગ શું કરશે? શું ભારતના સામ્યવાદીઓ ચીનના અમાનવીય કાર્યક્રમો સાથે તહે દિલથી સહમત છે? શું ભારતના લઘુમતીઓની સાચી ચિંતા કરનારા ચીનના ગરીબ 'ને મુસ્લિમ વિરોધી કાર્યક્રમો પરત્વે સ્થિતપ્રજ્ઞ છે? કાશ્મીરમાં યુનો આવે તો બાકીના ભારતમાં આવેલા પોતાના ફાર્મમાં પાર્ટી કરે 'ને વિદેશમાં પારકા ઘરે જઈને ભારત 'ને ભારતીયોને દુઃખ આપવા આજીજી કરે એવા કાર્યકર તેમ જ નેતા લાલ ચીનાઓની આ લીલા સામે કોઈ ઠોસ વિરોધ નહીં જ કરે? |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou_o2UaymTCgcDQDAySY6ErJ_dTNNSwaWWK_wJHQb7SVw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment