ગુણીજનો કહી ચૂક્યા છે કે સવારમાં ઉઠીને ચાલવું એ શરીર માટે હિતાવહ છે. જ્યારે પણ ચાલવાની વાત આવે ત્યારે ગુણીજનો સંસ્કૃત સુભાષિતનું રટણ કરી વાર્તા બોલી રહ્યા હોય તેવુ મને પ્રતીત થયા કરે છે. આઠમાં ધોરણમાં અમે નામ માત્રના અભ્યાસ કરતા ત્યારે ઇન્દ્ર એક બાળકને વારંવાર જંગલમાં મળે છે અને તેને ઉપદેશ આપી કહે છે, તો પછી ચાલ્યા કર, ચાલ્યા કર....' અને તે બાળક ઇન્દ્રને માન આપી ચાલ્યા કરે છે. આ ભણતી વખતે મને વિચાર પણ આવેલો કે બાળક જો ચાલ્યા જ કરશે, તો જમશે ક્યારે અને તે કેટલા મીટર ચાલ્યો છે તેની ગણતરી કોણે કરી હશે? સંજોગાવશાત આ પ્રશ્ર્ન મેં મારા સંસ્કૃતના સાહેબને પૂછવાની હિંમત કરેલી, કારણ કે તેઓ કહેતા હતા કે, કોઇ પણ પ્રશ્ર્ન હોય તો મને પૂછવો.' તેમની જીભનું માન રાખવા વર્ષની વચ્ચે મને પ્રશ્ર્ન થયો અને મેં પૂછવા માટે ક્લાસમાં મારી તાલાવેલી દર્શાવી, પણ એ પિરિયડમાં સાહેબ આવ્યા જ નહીં. કારણ કે તેઓ તો મોર્નિંગ વોક પર ગયેલા અને ત્યાં જ મૃત્યુ પામ્યા. એ દિવસે તો લાગ્યું કે ચાલવું એ જીવન માટે સારું કરતા ખરાબ વધારે છે. જોકે આપણા ચાલવાના અનુભવો કંઇ ખાસ નથી રહ્યા. ભારતના મોટા મોટા વિચારકો કહેતા હોય છે કે, તમને સારા વિચારો ચાલતા સમયે આવે.' મને ચાલતા ચાલતા આડે ગાય,ભેંસ,બકરા, કૂતરા અને તેનાથી પણ ખરાબ પ્રાણી માણસ આડો આવે. વિચારો તો કોઇ દિવસ નથી આવતા ! પેલા જાનવરોથી મને કંઇ વાંધો નથી કારણ કે તે તો પોતાના જીવનું રક્ષણ કરવા કાજે ખાલી માથુ હલાવે. કૂતરુ હોય તો તમારી સ્પીડ વધી જાય વધારે કંઇ ફર્ક નથી પડતો, પણ માણસ આડો પડે ત્યારે તમારો આખો દિવસ ખરાબ જાય. આમ તો હું મોર્નિંગ વોક પર નથી જતો પરંતુ એકવાર કવિઓએ મને તેમની સાથે મોર્નિંગ વોક પર લઇ જવા માટે આમંત્રિત કરેલો. મારા માટે તો કવિઓ સાથે મોર્નિંગ વોક કરવી એ મુશાયરાથી ક્યાં ઓછી હતી. મારા કવિ મિત્ર મને લઇ ગયા. પછી એક કલાકે અમે કસરત કરવાના ગ્રાઉન્ડે પહોંચ્યા. ત્યાં સુધી તેમણે એટલા ઘરના દરવાજા ખખડાવ્યા હતા કે તેમાંથી કવિ જ બહાર નીકળતા હતા. મારા માટે આ મકાનો નવાં હતાં. મને નહોતી ખબર કે દુનિયાના મોટા ભાગના કવિઓ આ સોસાયટીમાં જ વસવાટ કરે છે બાકી હું કવિમિત્ર સાથે કોઇ દિવસ ન આવત, પણ હવે એક દિવસની કસરત છે એમ માની સાથે ચાલવા લાગ્યો. જે જે ઘરનો દરવાજો મારા કવિમિત્ર ખખડાવતા તેની બહાર એક સાઇન બોર્ડ લગાવેલું હતું. અજીત મકવાણા ઉર્ફે મનમોજી, રમેશ પનારા ઉર્ફે બેખોફ, ચિંતન સ્વામી ઉર્ફે ચિંતામણી... આ બધા કવિઓના તખલ્લુસ હતા. આપણે બહારના લોકોને અંદર આવતા રોકવા માટે એવું લખીએ કે, કૂતરાથી સાવધાન રહેજો, જો કે અહીં તો એ પણ લખવાની ક્યાં જરૂર હતી. પછી અમારા પાંત્રીસ લોકોનું ઝુંડ મેદાનમાં પહોંચ્યું. જ્યાં અગમ-નિગમની વાતો થઇ રહી હતી. મારા પલ્લે તો શરાબ, જામ ને સૂરા સિવાય કંઇ આવતું ન હતું. રદ્દિફ કોને કહેવાય કાફીયા કોને કહેવાય આ બધુ મારા માથા પરથી જતું હતું. અને ધરતી પર વસતા આ જીવો પોતાના પર કેટલા આકરા પ્રહાર કરી રહ્યા છે, તે કવિતા બોલતા સમયે તેમના ચહેરા પરથી નજર આવતું હતું. એક કવિ ગઝલનું રટણ કરી રહ્યા હતા. બધા વાહ વાહ કરતા હતા, પણ પ્રથમ પંક્તિ પૂર્ણ થઇ ત્યાં તો તેઓ દોડ્યા. કવિ લોકોના ચહેરા પર સન્નાટો છવાઇ ગયો. આપણે તો ચિંતાનું શમન કરનારા વ્યક્તિ એટલે પૂછ્યું, એમને શું થયું તે અચાનક ભાગી ગયા?' મારી બાજુમાં ઉભેલા મિત્રએ કહ્યું, કંઇ નહીં, જો વધારે જોરથી તેઓ ગાલગાગા છંદમાં ઊંચા અવાજે રટણ કરે તો તેમને સવાર સવારમાં જાજરૂની સમસ્યા રહે છે. આ વાતની અહીંના તમામ લોકોને ખબર છે, એમાં તમારે ચિંતા કરવાની કંઇ જરૂર નથી.' મેં મારા માનસપટ પરથી જાજરૂ શબ્દ હટાવ્યો. પણ હવે પેલા કવિ આવે ત્યારની ત્યારે, આપણે આગળ જોઇએ. દોડ્યા કે ચાલ્યા તો ક્યાં હતા. માત્ર અમે ગોળ કુંડાળુ કરી ઊભા હતા અને મારા માટે તો ઊભા રહેવાનું પરિણામ ખૂબ ખરાબ આવ્યું હતું. આ લોકોની કવિતા સાંભળી સાંભળી મન કહેતું હતું, ચાલ હવે બહેરા થઇએ.' પણ એ આપણા હાથની ક્યાં વાત છે. એક બીજા કવિ બોલવા જતા હતા. તેમના ચહેરા પર વ્યાકુળતા હતી. જે સ્પષ્ટ ચિત્રિત થતું હતું, પણ મોમાં એક પણ દાંત ન હતો એટલે વારે ઘડીએ થૂક ઉડ્યા કરતું હતું. મેં ફરી સવાલ કર્યો, આ માણસ હજુ વૃદ્ધ નથી દેખાતો, પણ આ ઉંમરે તેના દાંત ક્યાં ગયા?' કવિ મિત્રએ જવાબ આપ્યો, તેમણે નાની ઉંમરમાં જ ગાંધી યુગની કવિતાઓનું રસપાન મોટા અવાજે કરવાનું શરૂ કરી દીધેલું હતું. જેની આ અસર છે.' મને થયું કવિતા બોલવાથી દાંત પડી જાય તે તો પહેલીવાર સાંભળ્યું પણ પછી જ્યોતિન્દ્ર દવેનો એ કિસ્સો યાદ આવી ગયો કે, તેમણે એક મિત્રનો દાંત નહોતો પડતો આ માટે બળવંતરાય.ક.ઠાકોરની કવિતાઓ ઊંચા અવાજે ગાવાનું સૂચન આપેલું. નક્કી આ ભાઇએ પણ બળવંતરાયની કવિતાઓનું ઊંચા અવાજે રસપાન કર્યું હશે અને પરાણે લોકોને કરાવ્યું પણ હશે. થૂકની ફેક્ટરી હવે બંધ થઇ. પછી એક લાંબા જટીયાવાળો અને દાઢીની દુકાન ધરાવતો વ્યક્તિ ગઝલ બોલવા ઉભો થયો. અમારું કુંડાળુ હજુ ઊભું જ હતું. ઊભા થવાનો અર્થ અહીં તે કવિ ડેન્જર જોનમાં આવી રહ્યો છે તેમ માનવું. ક્યાં ફસાઇ ગયો તેના વિચારો મને આવતા હતા. એ કવિનો પરિચય મેળવવાનું મને મન થયું. કારણ કે તે ચહેરાથી જ ઘણો સસ્પેન્સ માણસ લાગતો હતો. લાગ્યું કે અન્ય તખલ્લુસ વાપરી કોઇ બીજા નામે સસ્પેન્સ કથાઓની રચના પણ કરતો હોવો જોઇએ. મેં ફરી બાજુવાળાને સળી કરી, આ પ્રતિભા કવિ કેમ બની?' મને કહે, એ મોટી વાર્તા છે, યારા... તે ફેસબુકમાં એક ક્ધયાના પ્રેમમાં પડી ગયા હતા. તેમના માટે તો અજંપાભરી સ્થિતિનું સર્જન થયેલું જ્યારે પેલી ક્ધયાએ આપણા કવિજીવ દ્વારા અપાયેલું મળવાનું આમંત્રણ ઠુકરાવી દીધું.' પછી શું થયું?' મને જીજ્ઞાસાવૃતિ જાગી... એમાં થયું એવું કે, કવિ નવી રચનાઓ ફેસબુક પર લખતા અને પેલી છોકરીને ટેગ કરતા. મોટા ભાગે હાહા આવતું. એટલે કવિનો જીવ બળીને રાખ થતો. આ દુન્યવી દુનિયામાં મારી સાથે શું થઇ રહ્યું છે તેવા વિચારોના ગોટાઓ તેમને ઘેરી વળતા. રોજ કવિતાઓ લખવાના કારણે ૧૦૦ દિવસમાં ૧૦૦ના આંકડે પહોંચી ગયા. એક પ્રકાશકે સારી રોયલ્ટી આપી બંન્ને સંગ્રહ છાપી માર્યા. એકનું નામ પ્રિયે તું મને ક્યારે મળીશ ? અને બીજા સંગ્રહનું નામ ક્યારે મળીશ તું મને પ્રિયે? આમ કેમ? એક સરખું ટાઇટલ.' ટાઇટલોની અત્યારે તંગી છે ને!' તો પછી તેમને તેમની પ્રેમિકા મળી?' હા, એક વખત તેમની આ અપ્રતિમ રચનાઓથી આકર્ષિત થઇ એ યુવતીએ તેમને બોલાવ્યા. ત્યારે તેમને શરીરે આ રીંછ જેવી દાઢી અને મૂછ નહોતી. તૈયાર થઇ તેઓ ગયા. એક હોટેલમાં ટેબલ નંબર ૨૨ બુક કરી રાખ્યું હતું. ત્યાં એક છોકરો આવ્યો અને બોલ્યો, 'તમે પ્રિયાને મળવા માગો છો... પેલાના તન અને મન બંન્નેના તાર રણઝણ્યા અને હા કહ્યું. 'તે હું જ છું. અરરરર... તો તો પ્રિયા એન્જલકાંડ થઇ ગયું.' બીજુ નહીં તો શું? ત્યારથી આપણા કવિએ લગ્ન નથી કર્યા અને તેઓ કવિતાઓ બોલી-બોલી લખી-લખી જીવન જીવ્યા કરે છે.' અમારી વાત પૂરી થઇ, પણ તે કવિની કવિતા હજુ પૂર્ણ નહોતી થઇ. બાજુના કવિનો વારો આવ્યો. તેઓ વારંવાર પોતાની કવિતામાં ઓ પ્રિયે શબ્દ લાવી રહ્યા હતા. આપણી કવિતા પ્રત્યેની સમજ ઓછી તે પૂછ્યું, વારંવાર ઓ પ્રિયે શબ્દ શા માટે લાવી રહ્યા છે?' આપણે પેલા દાઢી મુછવાળા કવિની વાત ન કરી?' હા.' એમને પ્રિયા એન્જલ બની ઠગનારા આજ કવિ છે...' મારા તો મોતિયા મરી ગયા. કવિઓની દુનિયા હકીકતે અગોચર દુનિયા છે. પણ મને ખટકો એ વાતનો હતો કે, હજુ અમે કંઇ ચાલ્યા નહોતા. મેં આસપાસ નિરીક્ષણ કરવા માટે નજર કરી. મને કોઇ દેખાયું નહીં. જે લોકો ગાર્ડનમાં ચાલતા હતા તે અમારાથી કેટલાય દૂર હતા. અને તેઓ શા માટે દૂર ચાલી રહ્યા છે તેની મને જાણ હતી. મેં બાજુમાં છપરપગે બેસેલા મારા કવિ મિત્રને પૂછ્યું, તો આપણે વોકિંગ ક્યારે કરશું?' મને કહે, કાલુ આવે ત્યારે.' આ કાલુ પણ નક્કી એક પ્રકારનો કવિ હોવો જોઇએ. કદાચ તે હાઇકુ કે મુક્તક રજૂ કરશે. મને મારા કોલેજકાળના દિવસો યાદ આવી ગયા. જ્યારે બધા પ્રથમ પ્રણયની અનુભૂતિ નામની કવિતા જ લખતા હતા. કોઇ કવિ નહોતા બાકી કવિ બનવાના વહેમમાં જરૂર હતા. ત્યારે નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવતું હતું. થતું એવું કે એ નિબંધ સ્પર્ધામાં છેલ્લે મેં ૧૦ પાના લખ્યા અને તપાસનારને અગવડતા પડતા તેણે નિબંધ સ્પર્ધા કેન્સલ કરાવી નાખી. ત્યારથી અમારી કોલેજમાં નિબંધ સ્પર્ધાના નામે મીંડુ છે. મારું ધ્યાન ન રહ્યું અને મારો વારો આવી ગયો. મેં ખાલી હસીને એટલું જ કહ્યું કે, હું તો હાસ્ય લેખક છું અને મુંબઇ સમાચારમાં લખુ છું, કદાચ આવતા વખતે તમારા પર એક લેખ કરી શકુ.' તેમના ચહેરા પર ગાંભીર્ય આવ્યું જે પહેલા કરતા જરા વિચિત્ર અને સ્થિતપ્રજ્ઞ દેખાઇ રહ્યું હતું. બે લોકોને તો મેં બોલતા પણ સાંભળ્યા કે હાસ્યમાં વળી શું? મને કહેવાનું મન થયેલું કે, ગુજરાતમાં સિંહો વધી ગયા પણ સરકાર હવે હાસ્ય લેખક વધારવાની કોઇ યોજના બનાવશે તો મને આનંદ થશે. જોકે આ વાતનો ત્યાં ફોડ પાડેત'તો અચૂક મારે માર ખાવાના વારા આવત. માર ખાવાના એટલા માટે કે ત્યાં ઉભેલા તમામ લોકો પોતાની દાઢી મુછથી સિંહ જેવા જ દૃશ્યમાન થઇ રહ્યા હતા. હાથથી નહીં તો બે ત્રણ રદ્દીફ કાફીયા મારી તરફ ફેંકી મારું કાસળ કાઢી નાખવાની તેમની પૂરતી યોજના હોત. એટલામાં અવાજ આવ્યો, કાલુ આવ્યો.' કવિઓ શ્રોતાગણ બની ગયા. તેમના અવાજમાં ભારોભાર વેદના છલકાઇ રહી હતી. એટલામાં બધા ભાગ્યા. તે બધા કવિઓની દાઢી દક્ષિણથી પશ્ર્ચિમ તરફ ઉડી રહી હતી. મને થયું નક્કી કાલુ કોઇ ભયંકર કવિ હોવો જોઇએ. બાકી બધા કવિની એકસાથે આટલી ખરાબ દુર્દશા તો ન જ હોય. પછી થયું કે કાલુ કોઇ વિવેચક હોવો જોઇએ. જેના કારણે કવિઓમાં ભાગદોડ મચી ગઇ છે. પણ ત્યાં જોવ તો મારી બાજુના કવિમિત્ર મારો હાથ પકડી મને પરાણે ભગાડવા ઇચ્છુક થઇ રહ્યા હતા. કોણ છે કાલુ અને ક્યાંથી આવ્યો છે?' મેં પૂછ્યું 'એ કાલુ કૂતરો છે, જે આપણી કવિતાઓ સાંભળી તંગ આવી જાય છે, તેની ભૃકુટીઓ ચડી જાય છે જેમ કોઇ નવલકથાનું પાત્ર હોય એટલે ભાગો.' મેં મારો જીવ બચાવી ભાગવા માંડ્યું, રસ્તામાં કવિ મિત્રને પૂછ્યું, સાહિત્ય-કવિતા બધુ કર્યું પણ મોર્નિંગ વોક તો ન થઇ?' મને કહે, આ કાલુ પાછળ દોડ્યો એ મોર્નિંગ વોક જ હતી. એટલા માટે તો અહીં આવીએ છીએ....' કાલે તમે આવશો ને?' હું દોડીને ઘરમાં ઘુસી ગયો. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ougjd-23PRZ1a13SgfCJ%3D3-%2B%3DSg2zjJgxQTij3HwhiCLA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment