ગયા અઠવાડિયે એક સમાચાર વાંચ્યા કે મિસ અમેરિકા બ્યુટી પિજેન્ટ કોમ્પિટિશનમાં સ્વીમ સ્યૂટ રાઉન્ડ બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, આ સ્વીમ સ્યૂટ રાઉન્ડમાં નામ માત્રની બિકિની નામનો ડ્રેસ પહેરીને સ્ત્રીએ પોતાના દેહને શ્રેષ્ઠ છે એવું સાબિત કરવાનું હોય છે. એમાં શરીરના અંગો ઢાંકવા કરતાં વધારે પ્રદર્શિત કરવાના હોય છે. ૯ સપ્ટેમ્બરે યોજાઈ ગયેલી આ મિસ અમેરિકા હરીફાઈમાંથી સ્વીમ સ્યૂટ રાઉન્ડ નહીં થાય એવી જાહેરાત થઈ ત્યારે લગભગ દરેક સ્પર્ધકોએ તેને ઉત્સાહપૂર્વક આવકાર્યો. મિસ વર્લ્ડ સ્પર્ધામાંથી તો આ સ્વીમ સ્યૂટ રાઉન્ડ ૨૦૧૪ની સાલથી જ કાઢી નાખવામાં આવ્યો છે. આ સ્વીમ સ્યૂટ રાઉન્ડ હોવો જોઈએ કે ન હોવો જોઈએ તેના વિશે પણ અનેક મતમતાંતર છે. મિસ અમેરિકા હરીફાઈ ૧૯૨૧ની સાલમાં પહેલીવાર યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં સુંદર સ્ત્રીઓમાં બુદ્ધિઆંક પણ તપાસવામાં આવે છે. બુદ્ધિશાળી સ્ત્રી હોય પણ સ્પર્ધાના નિયમો પ્રમાણે તે કુંવારી એટલે કે અપરિણીત હોય, ચોક્કસ વય ધરાવતી હોય, જાડી ન હોય. શારીરિક માપ અપેક્ષિત હોય તેનાથી વધુ કે ઓછું ન હોય. (આ માપનું ધોરણ કોણે નક્કી કર્યું હોય છે? શા માટે? તે જુદી ચર્ચાનો વિષય છે, પણ અહીં એ મુદ્દો ધ્યાનમાં રાખવો જરૂરી છે.) ૧૯૨૧માં તો આ સ્વીમ સ્યૂટમાં હાથ અને પગ દેખાય એવા જ રહેતા. શક્ય તેટલું ઓછું શરીર દેખાય તેવી સ્વીમ સ્યૂટની ડિઝાઈન હતી. હકિકતમાં આ પણ માર્કેટિંગનો જ ભાગ હોય છે, પણ બ્યુટી પિઝેન્ટમાં સ્ત્રીના દેખાવને જ વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આ સ્પર્ધાઓનું આયોજન કરનારા કોર્પોરેટ્સ કંપનીઓ જે પુરુષો દ્વારા, પુરુષોને કેવી સ્ત્રી જોવી ગમે એવું માર્કેટિંગ દ્વારા સંચાલન થતું હોય છે. બીચ ઉપર કે સ્વિમિંગ કરતી સમયે સ્ત્રીઓ આ કપડાં પોતાની મરજી અને અનુકૂળતા માટે પહેરે તે વાત અલગ છે અને તેને પોતાનું શરીર સૌષ્ઠવ યોગ્ય છે તેવું બીજાને નક્કી કરવા દે તે બાબત તદ્દન જુદી છે. હવે આ બ્યુટી કોન્ટેસ્ટ્સના આયોજકોમાં સ્ત્રીઓની સંખ્યા વધી રહી છે એટલે જ આ નિર્ણય લેવાયો કે સ્ત્રીના દેખાવ પરથી તેની ક્ષમતાને ચકાસવાની ન હોય. ગ્રેચન કાર્લસન જે હવે મિસ અમેરિકાનું આયોજન કરતી સંસ્થાના ચેરવિમેન છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું કે હવેથી સ્ત્રી સ્પર્ધકોને તે કેવી દેખાય છે તેના પરથી નહીં, પણ તેઓ કોણ છે તેના આધારે ચકાસવામાં આવશે. હવે દેખાવ કરતા બુદ્ધિઆંકને અને સમજને મહત્ત્વ આપવામાં આવશે. આ બાબતે વિરોધ થતો જ આવ્યો હતો. અને હવે જો સ્ત્રી સ્પર્ધકના દેખાવને મહત્ત્વ નહીં આપવામાં આવે તો શું સ્પર્ધામાં દાખલ થવાના નિયમો બદલાશે ખરા? એવો પણ સવાલ ઊભા થશે. પરિણીત કે વિધવા કે છૂટાછેડા લીધેલી સ્ત્રીને સ્પર્ધામાં લેવાશે? પુરુષોને પણ હવે તો સ્પર્ધક તરીકે લઈ જ શકાય, કારણ હવે દેખાવનો મુદ્દો જ ઉપસ્થિત નથી થતો. સ્ત્રી અને પુરુષ માનસિક રીતે સરખા જ હોય તો જુદી સ્પર્ધા શું કામ? આવા અનેક પ્રશ્નો ઊભા થશે જ, પરંતુ સ્ત્રીના શારીરિક માપ અને દેખાવને લીધે તેને ચકાસવાનું માનવીય નહોતું જ અને સ્ત્રીને એને કારણે અન્યાય થઈ રહ્યો હતો. આ બ્યુટી સ્પર્ધાઓને કારણે સામાન્ય સ્ત્રીઓ ઉપર પણ એ માપમાં ગોઠવાઈ જવાનું ભારણ આવી રહ્યું હતું. સ્ત્રીના શરીરને પ્રદર્શનની વાત કરીએ તો તેની શરૂઆત ૧૮૫૪ની સાલમાં થવાની હતી. પી. ટી. બર્મન નામના એક કોર્પોરેટરે ન્યૂ યોર્કના મ્યુઝિયમમાં ફોટો સ્પર્ધાનું આયોજન કર્યું હતું. તેમાં બર્મન કૂતરાઓ અને બાળકોની સાથે સ્ત્રીના ખુલ્લા પગ દેખાતા હોય તેવી તસ્વીરો મૂકવા માગતા હતા. એ બાબતનો તે સમયે એટલો વિરોધ થયો કે બર્મને એ વિચાર માંડી વાળ્યો અને સ્ત્રીના હસતા ચહેરાઓના ફોટાથી ચલાવી લેવાનું નક્કી કર્યું. આજે તો દરેક જાહેરાતમાં સ્ત્રીના શરીરનો ઉપયોગ થાય છે તે આપણે જાણીએ છીએ. દાઢી કરવાની ક્રિમ હોય કે પછી કાર હોય તેમાં સ્ત્રીના શરીરનો ઉપયોગ કરવામાં આવે છે. લાંબી, પાતળી, ગોરી સ્ત્રી જોવાનું મન સ્ત્રીઓને નથી હોતું, પુરુષોને જ હોય છે તે આપણે જાણીએ જ છે. આ સિવાય ગયા અઠવાડિયે એક ફિલ્મ જોઈ મનમર્ઝિયા... હિન્દી ફિલ્મમાં સ્ત્રીને બિન્દાસ દર્શાવવાનું ચલણ શરૂ થયું છે. જે ન હોય તે દર્શાવવાથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી. અને બિન્દાસ હોવું એટલે સિગારેટ પીવી, દારૂ પીવો અને સેક્સ કરવું એવી માન્યતાઓ સિનેમા દ્વારા ઘડાઈ રહી છે. આ દરેક બાબત પુરુષ કરે તો અત્યાર સુધી વાંધો નહોતો અને નથી, પણ સ્ત્રી કરે તો આજે પણ વાંધો હોય જ છે. એ ભેદભાવ વિશે વાત નથી કરવી પણ સ્ત્રીના સ્વતંત્ર વ્યક્તિત્વને દર્શાવવું હોય તો જાણે આ ત્રણ બાબત જરૂરી લાગે છે. સમાજ પછી સ્વતંત્ર વિચાર ધરાવતી સ્ત્રીને સ્વછંદી માની લે છે. આ નવી બિન્દાસ સ્ત્રીઓને જે ફિલ્મોમાં દર્શાવાય છે એવી કેટલી સ્ત્રીને છૂટ સહજતાથી મળતી હોય છે. અને એવા કેટલા પુરુષો હોય છે જેને સ્ત્રીના સેક્સુઅલ સંબંધો સામે વાંધો ન હોય? સ્ત્રીના ચહેરા પર ઍસિડ ફેંકવાના કે તેને મારી નાખવાના બનાવો વધી રહ્યા છે, કારણ કે જો એ સ્ત્રી મારી ન થઈ શકતી હોય તો કોઈની પણ ન થાય એવું પુરુષનું માનવું હોય છે. સ્ત્રીને પોતાના સિવાય કોઈ બીજો પુરુષ ગમતો હોય તે સ્વીકારવું કેટલા પુરુષો માટે સહજ હોઈ શકે? માતાપિતા પણ સહજતાથી દીકરીની પસંદને સ્વીકારી નથી શકતા. ઓનર કિલિંગના કિસ્સાઓ પંજાબ અને હરિયાણામાં જ સૌથી બને છે. સ્ત્રીને શક્તિશાળી બનાવવી હોય કે દર્શાવવી હોય તો પહેલાં તેનો વ્યક્તિ તરીકે સમાજમાં સ્વીકાર થવો જરૂરી છે. સ્ત્રી-પુરુષને સમાન સ્તરે મૂકવા જરૂરી છે. વાસ્તવિકતામાં એવું બનતું નથી. છોકરી કેટલા વાગ્યે ઘરે પરત આવશે તેની સતત પૂછપરછ થતી હોય છે. દીકરી આખી રાત ઘરે ન આવે અને મિત્ર સાથે ફરે તે કેટલા પરિવાર સહન કરી લેશે? હા હવે મેટ્રો શહેરોમાં ઉચ્ચ મધ્યમવર્ગ અને ઉચ્ચ વર્ગમાં આવી છૂટછાટ અપાય છે, પણ મોટાભાગનો સમાજ એવી છૂટ છોકરીને આપતો નથી. તેમાં કારણ વર્જિનિટીનું જ હોય છે. છોકરો સેક્સ કરે લગ્ન પહેલાં તો ચાલે પણ છોકરી કરે તો ન ચાલે, કારણ કે પુરુષને પત્ની તો વર્જિન જ જોઈએ. ગયા અઠવાડિયે જ એક નામાંકિત અંગ્રેજી અખબારમાં લગ્ન માટેની જાહેરાત હતી. ૩૭ વરસના કોર્પોરેટ પુરુષને લગ્ન માટે ૨૬ વરસથી નાની વયની છોકરી જોઈએ છે. એ છોકરી અપરિણીત જ હોવી જોઈએ. સુંદર, દેખાવડી અને ગૃહિણી બનવા તૈયાર હોય. સ્વતંત્ર વિચારધારા ધરાવતી ન હોવી જોઈએ. ફેમિનિસ્ટ ન હોવી જોઈએ એવી પણ શરત હતી. આ ભાઈએ તો આવી જાહેરાત આપી પણ મોટાભાગના પુરુષોને આવી જ સ્ત્રી પત્ની તરીકે જોઈતી હોય છે. કેટલાક ઈન્ટરવ્યૂ મેં લીધા હતા ત્યારે કૉલેજ કાઉન્સલર અને છોકરાઓએ કબૂલ્યું હતું કે બિન્દાસ સંબંધો રાખતી છોકરી ફરવા માટે ચાલે પણ તે મેરેજ મટેરિયલ નથી બનતી. લગ્ન કરવા માટે ઘરરખ્ખુ ગૃહિણી જ જોઈએ. સ્ત્રીને સ્પર્ધા હોય કે ઘર હોય ફક્ત સ્ત્રી શરીર તરીકે જ જોવામાં આવે છે. ફિલ્મોમાં પણ તેને સ્વચ્છંદી જ દર્શાવવામાં આવે છે. કઈ સ્ત્રી લગ્ન બાદ પોતાના પ્રેમીપુરુષની સાથે સેક્સ કરીને આવે તો તેનો પતિ તેનો સ્વીકારે? ફિલ્મોમાં જે નાના શહેરોની સ્ત્રી દર્શાવાય છે તેવી છૂટ તેમને મળતી નથી. આટલી સહજતાથી તેમને પોતાની મનમરજીથી જીવવા દેવામાં આવતી નથી. દક્ષિણ ભારતમાં એક છોકરી પોતાના ભણતર બાદ પૈસા કમાવવા માટે માછલી વેચતી હતી તો તેની ટીકા થઈ હતી. શિક્ષણ મેળવવા માટે અને ત્યારબાદ નોકરીમાં પણ સ્ત્રીએ પોતાની જાતને પુરવાર કરવા માટે સખત મહેનત કરવી પડતી હોય છે. પોતાની કારકિર્દી સાથે લગ્નજીવન જાળવવા તે બમણું કામ કરતી હોય છે. સ્ત્રીને સફળતા કોઈ સમયે સરળતાથી મળતી નથી. અનેક અવરોધો અને વિરોધોનો સામનો કર્યા બાદ તે સફળતાને સંતોષથી માણી શકે છે. ગૃહિણી બનવું એ પણ સફળતા હોઈ શકે કોઈ સ્ત્રી માટે, પણ તેને પોતાની કેટલી સ્વતંત્રતા છે તેના પર સફળતાનો આધાર હોય છે. બાકી તો કપડાં, સેક્સ, શરાબ-સિગારેટ તે સ્વતંત્રતાના કે સફળતાના માપદંડ ન હોઈ શકે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsmrVL7%3DZwN0s-oZx94Q5Xf__YQcjK8njBQK%2BALBCNSYA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment