આજે અનંતચૌદશ. ગણપતિના મૂર્તિ સ્વરૂપનો વિસર્જનનો દિવસ. જૈનોએ પણ ગયાંંંં અઠવાડિયે પ્રતિક્રમણ કરીને સંવત્સરી ઉજવી. દિગંબર જૈનો પરમદિવસે પ્રતિક્રમણ કરી વેરભાવનું વિસર્જન કરશે અને મિચ્છામિદુક્કડમ કહેશે. રાજકારણીઓ ગમે તેટલી કોશિશ કરે, હિન્દુ અને જૈન સંસ્કૃતિ એક હતી, એક છે અને એક રહેશે એમાં બે મત નથી. હિન્દુઓ અને જૈનો બેઉના ચાર્તુમાસ - એક સમયે જ આવે છે વર્ષાઋતુમાં. વર્ષાઋતુમાં આપણા શરીર અને મન તો પ્રદૂષિત થાય જ છે. બીમારીનું પ્રમાણ તો આ દિવસોમાં વધે જ છે. સાથે સાથે બીજી અનેક તકલીફોનું આગમન થાય છે. ક્યાંક ભેખડો ધસી પડે છે તો ક્યાંક ગામ અને ખેતરોમાં પૂરનું પાણી ફરી વળે છે. દર વર્ષે હજારો લોકોના મોત થાય છે. હજારો ઘરો ધરાશાયી થાય છે. ભલભલા ડિઝાસ્ટર મેનેજમેન્ટવાળા થાકી જાય એવા ભયંકર કુદરતી પ્રકોપથી બચવા કુદરતની જ પરમશક્તિને કાકલૂદી કરવાના પ્રાર્થના કરવાના અધર્મ છોડીને ધર્મ તરફ વળવાના દિવસો એટલે ચોમાસાના આ ચાર્તુમાસ. વિસર્જન અને પ્રતિક્રમણ બેઉમાં સામ્ય છે. બેઉમાં મહત્ત્વ છે પાછા ફરવાનું. ગણપતિના મૂર્તિ સ્વરૂપનું આપણે ગણેશચતુર્થીના દિવસે જેટલા ઉત્સાહથી સ્વાગત કરીએ છીએ એટલા જ ઉત્સાહથી આપણે વિસર્જન પણ કરીએ છીએ. નામ છે અનો નાશ છે. જીવન છે તો મૃત્યુ છે. બ્રહ્માંડના સૌથી જૂના ત્રિદેવ - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની જે પરિકલ્પના છે તે પણ સર્જન-સવર્ધન અને વિસર્જનનાં મૂલ્યો પર આધારિત છે. ગણપતિ દસ દિવસ માટે પૃથ્વીલોકમાં આવે છે. દીવા-બત્તીની રોશની પોતાની આંખોથી જુએ છે. ધૂપ-અગરબત્તી-ફૂલ-હારની સુગંધ પોતાના નાક વડે ગ્રહણ કરે છે. લાડુ અને મોદક જેવા પ્રસાદથી જીભને સંતોષ આપે છે. સુંદર સ્તોત્ર અને ભજનને સાંભળવા કાનનો ઉપયોગ કરે છે. શરીર પર અનેક વસ્ત્રો-અલંકાર ધારણ કરે છે, પરંતુ તેમને ખબર છે કે આ બધું ક્ષણભંગુર છે. ઈન્દ્રિયોનું સુખ એ કાયમી સુખ નથી એ દર્શાવવા - વળી પાછા અનંતચૌદશના દિવસે અનંતની વાટ પકડે છે. આત્માનો અવાજ સાંભળીને માટી જેવા ક્ષણભંગૂર સ્વરૂપને છિન્નભિન્ન કરી નાખે છે. ચાતુર્માસના દિવસોમાં અને ગણપતિપર્વના પવિત્ર દિવસોમાં માણસે એટલું જ ધ્યાન રાખવાનું છે કે માટીમાંથી બનેલો આ માનવદેહ એક દિવસ માટીમાં ભળી જવાનો છે. તો ઈન્દ્રિયોના ભોગ ભલે ભોગવો પણ ગણપતિની જેમ એમાંથી બહાર નીકળવાનું પણ શીખવું જોઈએ, માયાની અંદર તો ઘૂસ્યા પણ આ મોહમયી જાળ ને તોડી પાછા ફરવાનું પણ શીખવું જોઈએ. કેળાની છાલ પર પગ પડે તો લપસી પડાય એ સ્વાભાવિક છે. કોઈ બિછાવેલી જાળમાં પગ પડે તો ફસાઈ જવું સ્વાભાવિક છે. એ જ રીતે આ મોહમાં આપણે લપસી પડીએ કે માયાજાળમાં ફસાઈ જઈએ એ અતિ સ્વાભાવિક છે એમાં પુરુષાર્થ કરવો પડતો નથી, પરંતુ આમાંથી બહાર નીકળવું એટલે કે પાછા ફરવું એ શ્રમ માગી લે છે. આ પાછા ફરવાનો શ્રમ જે વિસર્જન દરમ્યાન ગણપતિ ભગવાન કરે છે. તે જ પ્રતિક્રમણ દ્વારા મનુષ્યે કરવાનો છે. પ્રતિક્રમણ પણ એ જ સૂચવે છે કે આખું વર્ષ વિવિધ ઈન્દ્રિયો વડે વિવિધ ભોગો ભોગવીએ છીએ, પણ આ ઈન્દ્રિયોના ભોગવટામાંથી બહાર નીકળતાં પણ શીખવું જોઈએ. મળ્યો તેનો ભોગ કર્યો, પરંતુ ન મળે તો ચલાવી લેતા પણ શીખવું જોઈએ. ઈન્દ્રિયોને પોષવા માટે દોડધામ કરી અશાંતિ પેદા કરી. હવે શાંતિ મેળવવા એ ઈન્દ્રિયોને એવી રીતે પાછી ખેંચી લેવી જે રીતે કાચબો પોતાના પ્રત્યેક અંગોને સંકોરી લે છે. કોઈ પણ વિપરીત સંજોગોમાં ઈન્દ્રિયો સહિત મન પર કાબૂ રાખવો. કામ, ક્રોધ, મોહ, માયા, ઈર્ષ્યા, અહંકાર પર સંયમ રાખવો. ગમે તેવા સંજોગોમાં શાંતિ જાળવવી. જો આટલું કરી શકીયે તો રોજેરોજ પ્રતિક્રમણ છે, પણ આપણે એ કરી શકતા નથી. ઉપવાસનો મતલબ છે ઈન્દ્રિય સુખથી છેટા રહેવું ને આત્મતત્ત્વની નજીક જવું પણ ઘણા તો ઉપવાસ હોય ત્યારે પણ ક્રોધને છોડતા નથી. માયાને છોડતા નથી. જે મળે એનાથી ચલાવી લેતા નથી. ઉપવાસમાં જે ભાવ આવવો જોઈએ તે ભાવ આવતો નથી. મહાવીર અને ગણપતિના દર્શન કરો તો તમને ખ્યાલ આવશે કે એ લોકો શૃંગારના જેટલા ભૂખ્યા નથી એટલા ભાવના ભૂખ્યા છે. આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ આંગી કરીએ છીએ. ગણપતિના મંડપ ડેકોરેશન કરીએ છીએ પણ તેમાં ભાવ આવે છે. સામગ્રીનો નાશ - સામગ્રી વિસર્જન નિશ્ર્ચિત છે. ભાવ અને પ્રેમ અમર છે તેનો નાશ મુશ્કેલ જ નહીં અસંભવ છે. ભાવપૂર્વક મૂર્તિની પૂજા કે મૂર્તિપૂજા કરતાં કરતાં એટલા તલ્લીન થઈ જવું કે પ્રેમભાવનું સર્જન થાય અને વેરભાવનું વિસર્જન થાય. મૂર્તિપૂજા અને ભાવપૂજા બેઉ એકમેકના પૂરક છે, પણ માણસ જેનું નામ એણે આ બેઉ પૂજા પદ્ધતિ એકમેકની વિરોધી હોય એવો વ્યવહાર ઊભો કર્યો. હિંદુ-મુસ્લિમ કે મૂર્તિપૂજા અને ભાવપૂજા જેવાં વાડાં ઊભા કર્યા. દર્શન કરવાને બદલે પ્રદર્શન કર્યા. શાંતિ, સુખ અને સ્નેહ તરફ કૂચ કરવાને બદલે અશાંતિ દુ:ખ અને ધિક્કારને આવકાર આપ્યો. વાચક મિત્રો, આજે રવિવારે વિસર્જન છે. પ્રતિક્રમણનો માહોલ છે. ત્યારે બે ઘડી વિચારવાની જરૂર છે. પાછા ફરવું - મહત્ત્વનું છે. લપસી પડાય કે ફસાઈ જવાય તો વાંધો નહીં તેમાંથી ઊભા કેમ થવું બહાર કેમ નીકળવું એ વિચારવાનો આજે સમય છે. ગણપતિની આગળ દુનિયાની તમામ ખાધસામગ્રી, સોના-ચાંદી મૂકી દો. દસ દિવસથી વધારે એ આ મોહમાયામાં ફસાયેલા નથી. ગણપતિ જેવી વૃત્તિ આપણે પણ કેળવી શકીએ તો સાચે જ વિસર્જન અને પ્રતિક્રમણને સાર્થક કર્યું કહેવાય માણસ મરે ત્યારે પણ એક સરસ વાકય પ્રયોગ થાય છે. ફલાણા ભાઈ પાછાં થયાં - મતલબ કે મૃત્યુ એ અંત નથી. માત્ર પાછા ફરવાની ક્રિયા છે. ગણપતિ સંસારમાં આવે છે પણ નિશ્ર્ચિત સમયે પાછા ફરે છે. એમ મનુષ્ય સંસારમાં આવે છે એ નિશ્ર્ચિત સમયે પાછો ફરે છે આ કુદરતી છે. જન્મ-મરણના ફેરા કુદરતી છે. પશુ-પક્ષી હોય કે ઘર-મકાન હોય સર્જન છે એનું વિસર્જન નક્કી છે. તો માણસે અલગ શું કરવાનું છે આ દિવસોમાં? બસ, સર્જન અને વિસર્જન નક્કી છે. માયામાં પડવું - અને પ્રતિક્રમણ બે પણ નક્કી છે. બેઉ પ્રક્રિયાને માણો પણ મોહ ન રાખો. મોહથી ઈર્ષ્યા તેમ જ વેરભાવ ઉત્પન્ન થાય છે જ્યારે વિસર્જન કે પ્રતિક્રમણ આપણને સહનશક્તિ અને ક્ષમાભાવ શીખવાડે છે. વિસર્જન અને પ્રતિક્રમણ દર વર્ષે આવે છે પરંપરા છે એટલે કરવાના છે એવો ભાવ નહીં ચાલે તેમને આત્મસાત કરવા પડશે. દર વર્ષે મિચ્છામિદુક્કડમ બોલીને કે ગણપતિબાપ્પા મોર્યા બોલીને નહીં ચાલે તેમના તાત્પર્યને આત્મસાત કરવા પડશે. મોહનું વિસર્જન - ક્ષય એટલે મોક્ષ સર્જનથી ભલે મોહમાં ફસાઈએ વિસર્જનથી મોક્ષ તરફ પ્રયાણ કરતાં પણ શીખવું પડશે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuDUrQArC6gWMZ18Eee41EkwUgvSHOfpCHVEK9ddis12Q%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment