Tuesday, 4 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તૂટેલી નિસરણી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તૂટેલી નિસરણી!
માવજી મહેશ્વરી
 

     

દસબાર દિવસના અસહ્ય ઊકળાટ પછી હવાની રુખ બદલાઇ. છેક સાંજ ઢળી ત્યાં સુધી તો બફારો હતો. પણ સૂરજના આથમવાની વાટ જોતો હોય તેમ પવન ચડી આવ્યો. ધીરે ધીરે સરકતા લાવાના થરની જેમ ઉત્તર દિશાથી સરકી આવેલા વાદળોથી આકાશ ઢંકાઇ ગયું. ઓલવાઇ ગયેલી બીડીનો જોરથી ઘા કરી બહાદૂર દસ બાય દસની ઓરડીના ધાબાને જોઇ રહ્યો.

 

પાની લે આઉં કા?

બહાદૂરે નમીને નીચે જોયું. ભાંગી-તૂટી નીસરણી પાસે પત્ની ઊભી હતી. ધાબા પર ચડ-ઉતર કરવા બહાદૂરે જ એ નીસરણી બનાવી હતી. સોસાયટીવાળાએ સોસાયટીને છેડે ખરાબાની જમીન પર નાનકડી ઓરડી બનાવી આપી ત્યારે બહાદૂરે છત પર છડવા દાદરો બનાવી આપવાની વાત સોસાયટીના પ્રમુખ પાસે મૂકી. તે વખતે કોઇકે આંખ ઝીણી કરતા કહેલું,

બહાદૂર છત પર બૈઠ કે ચૌકી કરોગે યા ફીર અપની...

 

બહાદૂરે કમરે લટકતી કૂકરી મુઠીમાં દબાવી અને છોડી દીધી. તે દીવસે થોડાક વાયડા ગુજરાતી વાક્યોનો અર્થ તે બરોબર સમજ્યો હતો. પણ આજે એજ સોસાયટીએ...

 

અબ યે લોટા પકડો તો મે ઉપર આ સકુ

બહાદૂર નીચે નમ્યો. આકાશમાંથી એક ટીપુ એના હાથ પર પડ્યું. એની પત્ની નીસરણી પર અડધે આવીને ઊભી હતી. પત્નીના છૂટ્ટા વાળ જોઇને એને થયું કે કદાચ એ ન્હાઇને આવી છે. દૂર પ્રકાશતી સ્ટ્રીટ લાઈટના પ્રકાશમાં પત્નીએ નાકમાં પહેરેલો હીરો ઝબકી જતો દેખાયો. સાડીમાં અસ્સલ ગુજરાતણ લાગતી પત્નીના હાથમાંથી લોટો લઇ તેણે પાળી પર મૂકી દીધો. એની પત્ની ધાબા પર આવી ઊંડા શ્વાસ લેતા બોલી.

 

બાપ રે! મૈ યે સીડી નહિં ચડ સકતી.
બસ! યે સીડી ભી નહિં ચડ સકતી?

 

ભાવશૂન્ય અવાજે બોલીને બહાદૂર દૂર જોઇ રહ્યો. તેની આંખો સામે હિમાલયના અણઘડ રસ્તા દેખાવા લાગ્યા. તેણે બીડી કાઢી. પણ સળગાવવા જાય ત્યાં એની પત્ની એ બીડી ઝૂટવી ફેંકી દેતા બોલી. શું ઘડી ઘડી બીડી...


બહાદૂર પડખે બેઠેલી પત્ની સામે જોઇ રહ્યો. એને પત્નીની બદલાયેલી ભાષા સમજાઇ નહિં. તેની પત્ની કંઇક આશ્ચર્યથી જોઇ રહી. તેણે બહાદૂરની પીંડી પર હાથ ફેરવતા પૂછ્યું. કાં શું થયું?

 

બહાદૂરે ગુજરાતી બોલતી પત્ની સામે અજાણ્યાની જેમ જોયું પછી ખૂબ દૂર થયેલો વીજળીનો ચમકારો બીજીવાર થાય એ રીતે જોઇ રહ્યો. તેની પત્નીએ પેન્ટની મોરી ખેંચતા કહ્યું
કાં પણ!


તું ગુજરાતી મત બોલ. બહાદૂર અચાનક બોલી પડ્યો. તેની પત્ની ખડખડાટ હસી પડી.
કાં તને ગુજરાતી નથી ગમતું?
નહિં એસા નહિં હૈ. પર આજ...
ફીર નેપાલ કા ભૂત ચડા હૈ?

 

બહાદૂર કાંઇ ન બોલ્યો. તેણે બે વરસ પહેલા લગ્ન કરેલા. તેની પત્ની ગંગા ગુજરાતમાં જ જન્મી હતી. ગંગા ફાંકડું ગુજરાતી બોલતી તે બહાદૂરને ગમતું. રોજ રાત્રે સોસાયટીમાં રોન મારી મારીને ચાર-પાંચ વાગ્યે પોતાની ઓરડી પર આવતો ત્યારે ચણિયા-બ્લાઉઝ ભેર સુતેલી ગંગા તેને જુદી લાગતી.

 

બહાદૂરની ઊંઘ ઊડી જતી. ગંગા એના માટે ચા મૂકતી અને પોતે મોં ધોવા બહાર ઓટલા પર જતી. બહાદૂર ગંગાના પાતળા શરીરને જોયા કરતો. ચા પીધા પછી ઓરડીમાં અંધકાર છવાઇ જતો. ત્યારે બહાદૂર ગંગાના કાન પાસે મોં રાખીને કહેતો. તું નેપાલીમે બોલા કર તું નેપાલીમે બોલતી હૈ તો મુજે બહોત અચ્છા લગતા હૈ.

 

ગંગા બહાદૂરનો સ્વભાવ જાણતી હતી.
આજ તો તેરે કો ખુશ હોના ચાહીયે. ઔર તું...


       
ક્યોં? ખુશ હોને કા ક્યા હૈ?

અરે! બડા વિચિત્ર માણસ હૈ તું! કીસી ગુરખે કો ઇતના માન મીલા હૈ ક્યાં?

હાં,  પર ઉન્હોને મુજે ગન નહિં દિયા.

ગન કો ક્યા કરેગા? પાકીસ્તાન સે લડાઇ કરેગા?

 

તું નહિં સમજેગી
 

કંજૂસ હૈ તું. ઇતના માન મિલા. ઉપરા સે હજાર રુપિયે કા ઇનામ. પરતું...

 

બહાદૂર ચૂપ રહ્યો. મોડા મોડા છાંટા પડવા લાગ્યા હતા. તે પાળી પર પગ લટકાવી બેસી રહ્યો. ગંગા સાડી સંકોરી બહાદૂરના પગ પર હાથ ફેરવતી રહી. બહાદૂર ગંગાને જાણતો હતો. ગંગા રમતિયાળ સ્ત્રી હતી. છતાં તેને એક અફસોસ થયા કરતો કે ગંગાએ નેપાળને માણ્યું ન હતું. બહાદૂર નેપાળની વાત કાઢતો કે તરત ગંગા કહેતી; ક્યા પડા હૈ વહાં? વે મજદૂરી કરતે કરતે મર જાનેવાલે લોગો કો તું ક્યું યાદ કરતા હૈ?

 

બહાદૂર આવા સમયે કાંઇ પણ બોલતો નહિં. તે યુધ્ધ પર જતો હોય તેમ કૂકરી, લાકડી અને ટોર્ચ લઇને સોસાયટીમાં રોન મારવા નીકળી પડતો. ક્યારેક તેની રાત ખૂટતી નહિં. નવા બનતા કોઇ મકાન આગળ પડેલી કાંકરી કે રેતીના ઢગલા પર સૂનમૂન બેસી રહેતો. બીડી પીધા કરતો. ક્યારેક કંડલાથી નાઈટ ડ્યુટી પતાવી વળતા કર્મચારીઓ કે પેટ્રોલીંગમાં નીકળેલા પોલીસમેન સાથે નેપાલની વાતો કરતો. રાત જેમ તેમ ટૂંકી કરતો. દિવસના બપોર સુધી સુઇ રહેતો. સફરજનના ખોખામાંથી સફરજનની છટણી કરવાનુંકામ તેને મળી રહેતું. વળતી વખતે તે ગંગા માટે સફરજન લઇ આવતો. રાતે ગંગાને સફરજનના બગીચાની વાતો કરતો ત્યારે એના મોં પર અસ્સલ સફરજનની રતાશ છવાઇ જતી તે જોઇ ગંગાને નવાઇ લાગતી.

 

છેલ્લા દસેક વરસથી બહાદૂર સોસાયટીના રસ્તાઓ પર રાત્રે ચક્ક્રર માર્યા કરતો. સોસાયટીના લોકોને બહાદૂર પર ભરોસો હતો.અને આ ભરોસો એટલો વધી ગયો કે એકાદ માસ પહેલા ગરમીથી ત્રાસેલું એક સુખી પરિવાર છત પર સુવા ગયું અને ઘરને સાફ કરવા આવી ચડેલા ચોરોનો ચાલાકીથી પીછો કરતા બહાદૂરે ચોરોને ઘરમાં જ બંધ કરી દીધા. ઝપાઝપીમાં તેને વાગ્યુંય ખરું. પણ સોસાયટીમાં તેનો ડંકો વાગી ગયો. છાપામાં સમાચાર સાથે તેનો ફોટો છપાયો. સોસાયટીએ આજે તેનું સન્માન કર્યું અને હજાર રુપિયાનું ઈનામ આપ્યું.

 

છતાં બહાદૂરને થવો જોઇએ તેવો રાજીપો ન થયો. તેણે પરવાનાવાળી બંદૂકની માંગણી કરી પણ સોસાયટીએ તે ટાળ્યું.

 

બહાદૂરે પત્ની સામે જોઇ બીડી કાઢી. ગંગા હસી પડી.


પી લે. પી લે. ડર મત.


બહાદૂરે ધુમાડો ઉપર ફેંકતા ઓચીંતું કહ્યું, ગંગા, ચલ અપને ગાંવ ચલે જાય.

 

ગંગાએ ચમકીને બહાદૂર સામે જોયું, પછી બે હાથની હથેળીમાં ચહેરો સમાવી ઢીંચણ પર કોણી ટેકવી બેસી રહી.

 

સુના તુને? બહાદૂરે ગંગા સામે જોયું.


ક્યા કરેગે વહાં પર?

 

બસ અપને ગાંવ મે રહેગેં, ખેતીબાડી કરેંગે. મૈં ગાંવ કા રક્ષક બનુગા. ચોકી કરુંગા.


યહા ક્યા નહિં હૈ?

 

મગર વહાં અપના ગાઁવ હૈ.
થોડીવાર ચૂપ રહીને ગંગા બોલી.

 

પાગલ હે તું. લોગ વહાં સે યહાં આ રહે હૈં ઓર તું વહાં જાના ચાહતા હૈ.  ક્યા હૈ વહા પર? વે કચ્ચે ઘર, બારીસ મે ખીસકતે પથ્થર, ઓર ઉપર સે વો જાલીમ દુશ્મન.

 

બહાદૂર ગંગાને જોઇ રહ્યો. લગ્ન પછી તે બે વાર ગંગાને પોતાને ગામ તેડી ગયો હતો. જોકે ગામમાં તેના કાકાના પરિવાર સિવાય કોઇ ન હતું. મા ચારેક વરસ પહેલા મરી ગઇ હતી. તે બીજી વખત ગંગા સાથે નેપાલ ગયો ત્યારે વરસાદની મોસમ હતી. ત્યાં વરસાદ ચાલુ હતો. પહાડી ઇલાકાના તમામ મોટર માર્ગો બંધ હતા. ત્રીસેક માઇલ પગે ચાલીને જવાનું હતું. બહાદૂર તો ગંગાને ઉત્સાહથી બધુ બતાવતો હતો. ઉપરથી વહી આવતા ઝરણાં, પથ્થરની તિરાડોમાંથી ઝમતું પાણી, સાંકડી કેડીને ઘેરીને ઊભેલાં વૃક્ષો. પણ ગંગાના મોં  પર થાક અને નિરાસા દેખાતી હતી. અઠવાડીયું માંડ રોકાયેલી ગંગાએ વળતાં લખનૌ સ્ટેશને ટ્રેનમાં બેસતાં જ બહાદૂરને કહેલું, આજ કે બાદ મેં કભી ઇધર નહિં આઉગી.

 

બહાદૂર ગંગાની આંખોમાં જોઇ રહેલો. એને ગંગાની આંખો ખૂબ ગમતી. જેટલું પોતાનું ગામ ગમતું. પણ ગંગાની આંખોમાં સ્ટેશન પર જામેલી ભીડ દેખાતી. બહાદૂરે બારી બહાર જોયા કરેલું.

 

ભૂલ જા સબ ભૂલ જા. મેરે બાપુ કઇ સાલ સે યહા આ ગયે હૈ. તું ક્યું બાર બાર વહાં જાને કી બાત કરતા હૈ.? અબ તો યહીં અપના સબ કુછ હૈ. યહી અપના ગાઁવ હૈ.

 

નહિં, ઐસા નહિં હૈ. બહાદૂર ધીમેથી બોલ્યો.


મૈં તો સમજી થી તું આજ બડા રાજી હોગા. પર તું આજ ભી અપને પથ્થરો કો યાદ કર કે બૈઠા હૈ.

 

બહાદૂર કાંઇ ન બોલ્યો. ગંગાએ ખાટલો ઢાળ્યો અને બહાદૂરને ઉશ્કેરતી હોય તેમ ચત્તીપાટ સુઇ જતા બોલી.

 

કીતની ગરમી હો રહી હૈ નહિં?


કહેતા તેણે પેટને ઢાંકતો સાડીનો છેડો કાઢી નાખ્યો. બહાદૂરે ગંગા સામે જોયુ. તે અંધારામાં ન દેખાતું ગંગાનું સપાટ સુવાળું ગોરું પેટ કલ્પી રહ્યો. થોડા દીવસ પહેલા ગંગાએ તેને કહેલું.

 

રાત કો ઘર પે મુજે અકેલા લગતા હૈ.


બહાદૂરને લાગ્યું જાણે ગંગાના પેટમાં  એક નાનકડો આકાર સળવળી રહ્યો છે. જે થોડા માસ પછી કોઇ હોસ્પીટલના પલંગ પર લોહીથી લથબથ બહાર આવશે. પોતે એને અડશે, જોશે ત્યારે આસપાસ હૉસ્પીટલની સફેદ દીવાલો હશે. સફેદ કપડાવાળી નર્સ હશે. બીજું કોઇ નહિં હોય. બીજું કશું નહિં હોય. હા, હોસ્પીટલની બહાર કાં તો વાહનો દોટમદોટ કરતાં હશે કાં હશે રાતનો સન્નાટો.


ત્યારે નહિં હોય હરખ અને ચિંતાથી કરચલીયાળા ચહેરાવાળી ડોશીઓની ગુસપુસ, નાનકડી છાપરી જેવા ઘરની ગોખલા જેવી બારીમાંથી આછા અજવાળામા દેખાતું તેમનું હલનચલન. બહાર આંગણાંમાં ઉચ્ચક જીવે બેઠેલા પુરુષો. મારા પુત્રનું પહેલું કુણુ રુદન સાંભળી કોઇ યાક કાન સરવા કરી સાંભળે એવું પણ નહિં હોય. ટેકરીઓના ઢોળાવો પર ખેતરના શેઢે બેસી નીચે ટચુકડા લાગતા માણસોને ગંગા જોયા નહિં કરે. ગંગાના ખોળામાં બેઠેલો મારો પુત્ર રાત્રે દૂર દૂરથી વહી આવતો ઝરણાનો અવાજ નહિં સાંભળે! અને હું? શું આપીશ એના હાથમાં? આ બેટરી? આ લાકડી? કાઠમંડુથી ખરીદેલી જુની કુકરી. એજ?  પણ બાપુની પેલી ગન?

 

બાપુ કેટલા બહાદૂર હતા. ગામના રક્ષક. આસપાસના લોકો બાપુને માન આપતા. બાપુ પાસે ગન હતી. અસ્સલ અંગ્રેજોના વખતની ગન. આના કારણે જ પેલા જુલ્મી લોકો બાપુથી ડરતા. પણ મહેમાન બનીને આવેલો અજાણ્યો જણ બાપુની ગન લઇને રાત્રે ફરાર થઇ ગયો. તે સવારે આછા અજવાળામાં એ લોકો ત્રાટક્યા હતા. આ ગામમાં આવવાની હિંમત એમણે પહેલીવાર કરી હતી. બાપુને એમણે એમની જ ગનથી વીંધી નાખ્યા. બા માથુ પછાડતી હતી. બાપુએ છેલ્લે કદાચ મારા તરફ જોયું હતું. મારા ખાલી હાથ તરફ. મારી પાસે ગન હોત તો હું એ ચોર માઓવાદીઓને મારી નાખત. પછી હું મારા ગામનો રક્ષક બનત. મારા ગામમાં ખેતર લેહેરાતા હોત. પણ બાપુ તો લોહીના ખાબોચિયામાં લથબથ પડ્યા હતા. જાણે તાજુ જન્મેલું છોકરું. મારા હાથમાં કાંઇ જ ન રહ્યું. ન ગામ, નબાપુ, ન ગન, ન પહાડ, ન ઝરણા.

 

ઇધર બેઠ ના. ગંગાએ ઈસ પર હથેળી મૂકતા કહ્યું.


બહાદૂર ધ્યાન રખના ભાઇ! અભી અભી બહૂત ચોરીયા હોને લગી હૈ. સામે છત પર બેઠેલા બેન્કવાળા સાહેબે કહ્યું.


      
બહાદૂરે થૂંક ગળા નીચે ઉતારી ભાંગેલી સીડી સામે જોયું. એ સીડી જ હતી. જમીનથી છત વચ્ચેનો રસ્તો.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuQuxy0NJChAfDzk3BOL%2Bvx%3DsLfQ%2BeTzFUkEuWb6J-9%3Dg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment