ભારતની ગરમ આબોહવા અને ભેજવાળી જમીન એટલે મચ્છરો માટે ભાવતું હતું ને વૈદે કહ્યું જેવો ઘાટ થાય. ચોમાસાની ઋતુમાં ઉછરતા મચ્છરોમાંથી જો 'એડિસ' પ્રજાતિના મચ્છર માણસને કરડે અને તેના લોહીમાં જો ડેન્ગ્યૂના વિષાણુ હોય તો તે માણસના શરીરમાં પ્રવેશીને આ બીમારીની શરૂઆત કરી શકે છે.
ભારત સહિત દક્ષિણપૂર્વી એશિયા, દક્ષિણ ચીન, તાઇવાન, પેસિફિક ટાપુ, અમુક કેરેબિયન પ્રદેશ, આફ્રિકા અને મધ્ય તેમ જ દક્ષિણ અમેરિકામાં આ બીમારી થવાની શક્યતા વધુ છે. આ સિવાયના દેશોમાં અગર આ બીમારીના લક્ષણો દેખાય તો એ ઉપરના કોઇ પણ દેશોમાં ફરીને પાછી આવેલી વ્યક્તિ ચેપ લગાડીને આવી હોય એવી શક્યતા વધુ હોય છે. સામાન્ય રીતે ડેન્ગ્યૂના વિષાણુઓ શરીરમાં પ્રવેશે પછી ચાર કે છ દિવસમાં એનાં લક્ષણો દેખાવા લાગે છે અને ઓછામાં ઓછા ૧૦ દિવસ સુધી હેરાનપરેશાન કરી મૂકે છે. શરૂઆતમાં તાવ, માથાનો દુખાવો, આંખોમાં દુખાવો, સાંધામાં તથા સ્નાયુમાં દુખાવો, થાક લાગવો, ઉબકા આવવા કે ઊલટી થવા જેવી લાગણી થવી- આવા લક્ષણો શરીરમાં દેખાવા લાગે છે. રોગ શરીરમાં વકરવા લાગે ત્યારે શરીરમાં લાલ ચકામા ઉપસી આવે છે. લોહીના પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગતા આંતરિક કે બાહ્ય રક્તસ્રાવ થવા લાગે છે, નાક અને પેઢામાંથી લોહી નીકળે છે. ક્યારેક લોહીની ઊલટી પણ થાય. લીવરનું કદ વધવું તેમ જ પેટમાં દુખાવો થવા જેવા લક્ષણો પણ દેખા દે છે. કેટલાક કિસ્સાઓમાં મોત પણ થાય છે. ૧) ઘણા લોકો ડેન્ગ્યુના શરૂઆતના લક્ષણોને ગણકારતા નથી અને ફ્લૂ કે સામાન્ય વાઇરલ ફીવર હશે એમ માની આ બીમારીને હળવાશથી લે છે. એમ ન કરતાં જ્યારે શરીરમાં આવાં લક્ષણો દેખાય ત્યારે તરત જ ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ. ડૉક્ટર તરત જ રક્ત પરીક્ષણ દ્વારા આ બીમારીને પકડી શકે છે. ૨) ડેન્ગ્યૂ માટે કોઇ ખાસ દવા કે રસી નથી. જો તમે કોઇ પીડાશામક દવા લેવા માગતા હો તો એમાં એસિટામિનોફેન હોવું જોઇએ. એસ્પિરીન હોય એવી દવા ટાળવી જોઇએ, કારણ કે એનાથી રક્તસ્રાવનું પ્રમાણ વધી શકે છે. ૩) પૂરતો આરામ કરવો જોઇએ અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી પીવું જોઇએ. લોહીમાં પ્લેટલેટ્સનું પ્રમાણ વધારવાના ઉપાય કરવા જોઇએ. (જે આગળ આપેલા છે) ૪) આ રોગની કોઇ ખાસ દવા કે રસી હજી સુધી શોધાયા નથી. એટલે સૌથી ઉત્તમ રસ્તો તો તમને ચોમાસામાં મચ્છર ન કરડે કે તમે રહેતા હો તેની આસપાસમાં મચ્છરનો ઉપદ્રવ ન વધે તેનું ધ્યાન રાખવાની જરૂર છે. ઘરમાં કે ઘરની બહાર કે પછી અગાશી પર ખુલ્લા વાસણમાં વધુ સમય સુધી પાણી ભરેલું રાખવું નહીં. ઘણીવાર છોડ વગરના ખાલી કુંડાઓ, ખાલી ડબ્બાઓ કે નકામા ટાયરો આપણા ઘરની આસપાસ કે છત પર પડ્યા રહેતા હોય છે. ચોમાસામાં આ ખાલી પાત્રોમાં વરસાદનું પાણી ભરાઇ રહે તે મચ્છરોને ઇંડા મૂકવા માટેનું શ્રેષ્ઠ સ્થળ બની રહે છે. આવા પાત્રોનો યોગ્ય નિકાલ કરી નાખવો જોઇએ અથવા સાફ કરીને ઊંધા વાળીને મૂકવા જોઇએ જેથી પાણીનો ભરાવો ન થાય. પ) અંધારું થવાની શરૂઆત થાય એ પહેલાં જ ઘરના બારીબારણા બંધ કરી દેવા જોઇએ. મચ્છર અગરબત્તી કે મચ્છરોને દૂર રાખતાં સાધનો વાપરીને તેમને દૂર રાખવા જોઇએ. પૂરુ શરીર ઢંકાય એવા વસ્ત્રો પહેરવા જોઇએ. મચ્છરદાની કે મોસ્કિટો રિપેલન્ટ પણ વાપરી શકાય. ટૂંકમાં મચ્છર શરીરના સંસર્ગમાં આવે નહીં એ તમામ ઉપાયો કરવા. ૬) રોગપ્રતિકારક ક્ષમતા વધે એવા તમામ પ્રયત્નો કરવા. ગયા રવિવારે આપણે ઉપવાસ વિશે લખ્યું હતું. વરસાદના દિવસોમાં વાર તહેવારે ઉપવાસ-એકટાણા કરીને પણ ચોમાસાની બીમારીઓ સામે રોગપ્રતિકારક શક્તિ કેળવી શકાય છે. ૭) એક સારા સમાચાર એ આવી રહ્યા છે કે મચ્છરોની પ્રજનન ક્ષમતા ઘટી જાય એવા પ્રયોગો ઓસ્ટ્રેલિયામાં થઇ રહ્યા છે અને સફળ થાય એમ પણ જણાય છે. ડેન્ગ્યુ માટે જવાબદાર એવા એડિસ એજિપ્ટી જાતના મચ્છરને પ્રયોગશાળામાં ઉછેરીને તેમાં ખાસ પ્રકારના બૅક્ટેરિયાનો ચેપ લગાડવામાં આવ્યો હતો. આવા મચ્છરોને ગીચ વિસ્તારોમાં છોડીને નિરીક્ષણ કરતાં જાણવા મળ્યું હતું કે મચ્છરોની સંખ્યામાં ઘટાડો થયો હતો. શક્ય છે જેમ રસ્તે રખડતા કૂતરા -બિલાડીની નસબંધી કરાય છે તેમ મચ્છરોની નસબંધી કરવામાં પણ ભવિષ્યમાં વૈશ્ર્વિક ધોરણે સફળતા મળે. ૮) ગમે તેટલી સાવધાની રાખવા છતાં ડેન્ગ્યુના લક્ષણો દેખાવા માંડે તો ઘરગથ્થુ ઉપાય તરીકે પપૈયાના પાંદડાનો રસ ઉપયોગી છે. ઘણી કેસ સ્ટડી પછી એ પુરવાર થયું છે કે આ રસ રોગના લક્ષણો સામે જ નથી લડતો, પણ આ બીમારીમાંથી દર્દીને ઝડપથી સાજો પણ કરે છે. લોહીમાં ઘટી રહેલા પ્લેટલેટ્સના કણોની વૃદ્ધિ કરે છે. જોકે, સ્વાદમાં કડવો રસ એક જ સમયમાં એક બે ચમચી (૨૫ એમ.એલ)થી વધુ ન લેવો જોઇએ. કડવાશ ઓછી કરવા તેમાં મધ ઉમેરીને પી શકાય.પાંદડાને વાટીને તેને નીચોવીને જે રસ કાઢો છે તે વધારે કડવો અને જલદ હોઇ શકે. આવો રસ અરૂચિકર અને ઝાડા-ઉલટી વધારી શકે છે. બહેતર તો એ છે કે પપૈયાના પાંદડાને પાણીમાં ૧૫ મિનિટ ઉકાળી,ગાળીને તેનો ઉપયોગ કરવો જોઇએ. પપૈયુ, દાડમ,બીટ,ગાજર કે કોળા જેવા લાલ પીળા ફળો કે શાકભાજી ખાવાથી કે તેમનો રસ કાઢીને પીવાથી પણ પ્લેટલેટ્સની સંખ્યા વધે છે. ઘઉંના જ્વારાના અડધો કપ જેટલા રસમાં થોડા લીંબુના રસના ટીપાં ઉમેરીને પણ પીવાથી ઘણો ફાયદો થાય છે. વિટામિન સી ધરાવતાં લીંબુ,સંતરા અને કીવી ફ્રૂટનો ઉપયોગ પણ ફાયદાકારક છે. પાલક કે મેથી જેવી લીલા પાંદડાવાળી ભાજી પણ લાભકારી છે. આમળા કે આમળાનો રસ પણ લઇ શકાય. તલના તેલનો ઉપયોગ પણ આવકાર્ય છે. એક ચમચી તલનું તેલ પી પણ શકો કે રસોઇમાં પણ વાપરી શકો. આજકાલ વોટ્સઍપમાં સંદેશાની સચ્ચાઇ ચકાસ્યા વગર અન્ય લોકોને ધકેલી (ફોરવર્ડ કરવાનું) દેવાનું પ્રમાણ વધ્યું છે. ઘણીવાર આ કારણે અફવાઓ પણ ફેલાય છે, એટલે આવા સંદેશાઓ અને ખાસ કરીને આરોગ્ય કે બીમારી અંગેના સંદેશાઓની અધિકૃત તપાસ કર્યા વગર આગળ મોકલવાનું ટાળવું જોઇએ. દા. ત, ચોમાસામાં ડેન્ગ્યુ બાબતે એક સંદેશો ફરી રહ્યો છે કે ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરો આપણા ઘૂંટણથી વધુ ઊંચાઇ પર ઉડી નથી શકતાં. એટલે ગાર્ડન જેવા સ્થળોએ ટહેલવા જાવ કે જમીન પર ફરતા હોવ ત્યારે પગ ઢંકાય એવા કપડા પહેરો તો આવા મચ્છરના કરડવાથી બચી શકાય છે. આ સંદેશામાં અર્ધસત્ય છે. પૂરું શરીર ઢંકાય એવા કપડા પહેરીને જવાથી મચ્છરોના હુમલાથી બચી શકાય છે એ સાચું, પણ આ મચ્છરો વધારે ઉપર ઊડી નથી શકતા એ ખોટું છે. ડેન્ગ્યુના મચ્છરો ૧૦ ડિગ્રી સેન્ટિગ્રેડથી વધુ ઉષ્ણતામાનમાં ઉછરી શકે છે અને ખૂબ ઊંચે સુધી ઊડી પણ શકે છે. ધારો કે આપણે રહેતા હોઇએ ત્યાં ભોંયતળિયે જો ૨૦ ડિગ્રી ઉષ્ણતામાન હોય તો એ વિસ્તારમાં તેઓ ૬૦૦ ફૂટ સુઘી પણ ઊડી શકે છે અને જ્યાં બહુ પાણી ભરેલા વાસણો દેખાય ત્યાં ઇંડા મૂકીને ઉછેરી શકે છે. વળી ઉષ્ણતામાન જેમજેમ વધતું જાય એમ તેઓ વધુ ઊંચાઇ પર જઇ શકે છે. જો ભોંયતળિયાનું ઉષ્ણતામાન ૩૦થી ૩૨ ડિગ્રી પર પહોંચી જાય તો તેઓ ૬૦૦૦ ફૂટ ઊંચાઇ પર પણ જઇ શકે છે. મતલબ કે તમે પચાસ કે નેવુમાં માળે રહેતા હો તો પણ મચ્છર સાથે હસ્ત(શરીર) મેળાપ થઇ શકે છે. ભેજ-પાણી અને અંધારી જગ્યા ભાળીને ખૂબ ખુશ થતાં આ મચ્છરો સાંજે તમારા બેડરૂમમાં ઘૂસીને પલંગ અને કબાટની નીચે કે અંધારિયા ખૂણામાં છુપાઇ શકે છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os%3Di%3DhnuYNKrK%3DphsoZvJzwMT879-1xDZFwcpLVmF_e%2Bg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment