'સર, ખૂબ ઊંડો વિચાર કર્યા પછી અમે તમારી પાસે આવ્યાં છીએ. મારું નામ તપન અને આનું નામ ત્વિષા. અમે બંને લગભગ સાડા ત્રણ વર્ષથી એકબીજાંના પ્રેમમાં છીએ. અમને એકમેકના વિના એક પળ પણ ચાલતું નથી. અમે કાં તો લગ્ન કરીશું, કાં મરી જઈશું.' એક બપોરે છવ્વીસ વર્ષના એક યુવાને ડૉ. તન્ના પાસે આવીને રજૂઆત કરી. ડૉ. તન્ના માનસિક રોગના નિષ્ણાત હતા. એમને આશ્ચર્ય થયું. આ પ્રેમરોગનો મામલો હતો, એ એમની પાસે કેવી રીતે આવી ગયો? ડૉ. તન્ના ઝીણી નજરે સામે બેઠેલાં પ્રેમીપંખીડાંનું નિરીક્ષણ કરી રહ્યા. તપન ઠીક ઠીક કહી શકાય તેવો હેન્ડસમ હતો. યુવાનીમાં હોવો જોઈએ એવો ઊર્જાવાન દેખાતો ન હતો. શરીરનો બાંધો પણ પાતળો અને બોલવામાં આત્મવિશ્વાસનો પણ અભાવ. એની બાજુમાં બેઠેલી ત્વિષા સુંદર હતી, પણ અત્યારે એનું ચંદ્રમા જેવું મુખ કરમાયેલું લાગતું હતું. શક્ય છે કે બંને જણાં કોઈ ખાસ સમસ્યાથી ઘેરાયેલાં હોવાં જોઈએ, જેના કારણે હતાશા બંનેને ઘેરી વળી હશે. ડાૅ. તન્ના સાઇકિયાટ્રિસ્ટ હતા અને એમનો મહત્ત્વનો ગુણ ધીરજવાન હોવાનો હતો. એમણે બંનેને ખૂલવા દીધાં. જ્યાં જરૂર જણાય ત્યાં પ્રશ્નો પૂછવાનું રાખ્યું, પ્રશ્નો પણ ટૂંકા અને પૂરક. 'લગ્ન કરી લો ને, મરવાનું શા માટે વિચારો છો?' ડૉ. તન્નાએ અટકેલી વાતને ધક્કો મારી આપ્યો. 'અમે તો કરવાનાં જ છીએ, પણ અમારાં પેરેન્ટ્સ હા પાડતાં નથી.' તપનના અવાજમાં હતાશા હતી.
ડૉ. તન્નાએ હિસ્ટ્રી પૂછવાનું શરૂ કર્યું. આશરે સાડા ત્રણ વર્ષ પહેલાં તપન અને ત્વિષા પહેલી વાર પરિચયમાં આવ્યાં હતાં. ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ પ્રગટ્યો. મોબાઇલ ફોનની કૃપાથી રોજ મેસેજનો મારો અને ચેટિંગનું ચોમાસુ ચાલુ થઈ ગયું. ત્વિષાનાં મમ્મી-પપ્પા આ વાતથી તદ્દન અજાણ જ હતાં. જ્યારે ત્વિષાની મમ્મીએ નોંધ્યું કે દીકરી દિવસના સાત-આઠ કલાક સુધી મોબાઇલમાં જ ચોંટેલી રહે છે ત્યારે એમણે એક-બે વાર પૂછવાની હિંમત કરી, 'બેટા, આખો દિવસ તું આ શું કરે છે?', 'મમ્મી, તને ખબર ન પડે, હું 'ઓનલાઇન' મારા ભણવાની તૈયારી કરું છું.', 'ભણવાનું? મોબાઇલમાં?' ભોળી મમ્મીને સમજ ન પડી. 'હા, હવે ચોપડીઓનો જમાનો પૂરો થયો, માહિતી બધી ઇન્ટરનેટ પર મળી રહે છે.' ત્વિષાએ ખુલાસો આપી દીધો. મમ્મી રાજી થઈ ગઈ. પછી તો મમ્મીનો રાજીપો વધતો ચાલ્યો, કારણ કે દીકરી રાતના બબ્બે વાગ્યા સુધી મોબાઇલ ફોનમાં ભણી રહી હતી. ખાંસી, ઝાંઝર અને પ્રેમ વધુ સમય છુપાવી શકાતાં નથી. ત્રણ વર્ષના પ્રેમાલાપ પછી બંનેની પોલ ખૂલી ગઈ. તપનના ઘરમાં વિરોધનો વાવંટોળ ઊઠ્યો, કારણ કે ત્વિષાની જ્ઞાતિ એમની માન્યતા પ્રમાણે એમના સ્તરની ન હતી. સામા પક્ષે ત્વિષાના પરિવારમાં પણ નારાજગીનું વાવાઝોડું ફૂંકાયું, કારણ કે ત્વિષાના પપ્પા સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર હતા. એમની પાસે બંગલો હતો, કાર હતી અને સત્તા હતી. જ્યારે તપનના પિતા ભાડાના મકાનમાં રહેતા હતા. ત્વિષા દલીલો કરીકરીને થાકી ગઈ, 'પપ્પા, તમે સમજતા કેમ નથી? હું તપનને પ્રેમ કરું છું. પ્રેમને પૈસા સાથે શો સંબંધ?', 'તને ખબર ન પડે. તું નાદાન છે. પૈસા બધું જ નથી, પણ પૈસા ઘણું બધું તો છે જ. ભલે આપણે તારા માટે 'રિચ રિચ' છોકરો ન શોધીએ, પણ સાવ ભૂખડી બારસ જેવો તો નહીં જ ચાલે. જિંદગી પસાર કરવા માટે પાયાની સુવિધાઓ તો હોવી જ જોઈએ.' અને તપન દલીલ કરતો હતો ત્યારે એના પપ્પા ત્રાડ પાડતા હતા, 'છોકરીના બાપના પૈસાને મારે શું કરવા છે? એના આંગણે જઈને ઊભો રહું તો પણ સમાજમાં મારી આબરૂ જાય. તારા માટે છોકરી તો આપણી જ ન્યાતની લાવવાની છે.' બંને છાવણીઓ સાવધ થઈ ગઈ. મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધો મુકાઈ ગયા. રૂબરૂ મુલાકાતો તો આમ પણ ઓછી જ થતી હતી. મોટાભાગની વાતો ફોનકોલ્સ, મેસેજીસ કે વોટ્સએપ ચેટિંગ દ્વારા જ ચાલી રહી હતી. આ બધાં પર હવે ચોકીપહેરો લાદી દેવાયો. આટલે સુધી આવીને વાત અટકી હતી. તપન અને ત્વિષા બંને મજબૂર હતાં. ન રહી શકતાં હતાં, ન સહી શકતાં હતાં. ધીમે ધીમે બંનેનાં દિમાગ પર ડિપ્રેશન હાવી થવા લાગ્યું હતું. છેવટે બંનેએ નક્કી કર્યું, 'ડૉ. તન્ના પાસે જઈએ. તેમની ખ્યાતિ એક સારા સાઇકિયાટ્રિસ્ટ તરીકેની છે. તેઓ કોઈક ઉપાય શોધી કાઢશે.' ડૉ. તન્ના સંપૂર્ણ વાતચીત દરમિયાન તપન અને ત્વિષાનું બારીક અવલોકન કરી રહ્યા હતા. એમને આ જોડીમાં અનેક બાબતોની વિસંગતિ જણાઈ રહી હતી. એમણે પૂરા બે કલાક સુધી બેસીને બંનેને અનેક પ્રશ્નો પૂછ્યા. એ બધાના જવાબો સાંભળીને એમના દિમાગમાં અજવાળું થઈ ગયું. 'તમે એક કામ કરશો?' ડૉ. તન્નાએ પૂછ્યું, 'નેક્સ્ટ ટાઇમ આવો ત્યારે બંનેનાં મમ્મી-પપ્પાને સાથે લઈને આવી શકો?', 'કેમ? એમની શી જરૂર છે?' તપન બોલી ઊઠ્યો. ત્વિષાને પણ ડૉક્ટરનું આ સૂચન ગમ્યું ન હતું. 'તમારે ઉકેલ જોઈએ છે ને? તો હું જેમ કહું તેમ કરો. હું એ ચાર જણાંને મળીને સમજાવવાનાે પ્રયત્ન કરીશ કે તપન-ત્વિષા એકમેક વિના જીવી શકે તેમ નથી. એ બંનેને છૂટથી હળવા-મળવા દો. છ-આઠ મહિના પછી લગ્ન વિશે નિર્ણય લેજો. મને વિશ્વાસ છે કે ત્યાં સુધીમાં બધાં સારાં વાનાં થઈ જશે.' 'ઓહ ડૉક્ટર! તમે કેટલા સારા છો!' ત્વિષા પ્રસન્ન થઈ ઊઠી. તપને તગડી ફી ચૂકવી દીધી. બંને ચાલ્યાં ગયાં. દસ દિવસના અંતરાલ બાદ એક સાંજે અડધો ડઝન માનવીઓ ડૉ. તન્નાના ક્લિનિકમાં પધાર્યાં. તપન એનાં મમ્મી-પપ્પાને લઈને આવ્યો હતો, ત્વિષા પોતાનાં મમ્મી-પપ્પાને લઈને આવી હતી. ઔપચારિક વાતચીત પત્યા પછી ડૉ. તન્નાએ કહ્યું, 'તપન, ત્વિષા, તમે બંને થોડી વાર માટે બાજુના રૂમમાં બેસો. મારે આ લોકોની સાથે અંગત, જરૂરી વાત કરવી છે.' 'તપન-ત્વિષા ચાલ્યાં ગયાં. દ્વાર બંધ થઈ ગયું છે એની ખાતરી કરી લીધા પછી ડૉ. તન્નાએ મોં ખોલ્યું, 'તમે ચારેય જણાં મારા કરતાં ઉંમરમાં મોટાં છો. તમને દુનિયાનો અનુભવ છે. મારી પાસે દર્દીઓની વર્તણૂકનો અભ્યાસ અને અનુભવ છે. હું તમારી લાગણીને પૂરેપૂરી સમજીને પછી આ સલાહ આપું છું. તમે તપન અને ત્વિષાને છૂટથી હળવામળવા દો.', 'શું?' એકસાથે ચાર જણાંના ગળામાંથી પ્રશ્ન ફૂટ્યો, 'એ તો હરગિજ નહીં બને.' 'મારી વાત માનો. તમે મોબાઇલ પરનો પ્રતિબંધ ભલે ચાલુ રાખો, પણ એ બંનેને દિવસના અજવાળામાં કોઈ પણ જાહેર સ્થળે મળવું હોય, સાથે સમય વિતાવવો હોય તો એમને છૂટ આપો. જો એમને આવું નહીં કરવા દો તો એનું પરિણામ ભયંકર આવશે. કદાચ એ બંને આત્મહત્યા...' 'આત્મહત્યા' શબ્દ સાંભળતાં જ બધાં ઢીલાં પડી ગયાં. થોડીક આનાકાની અને વધારે ચર્ચાના અંતે ચારેય જણાં ડૉક્ટરની વાતમાં સંમત થઈ ગયાં. બીજા દિવસથી તપન-ત્વિષાના મિલનો પરનો 'સ્ટે ઓર્ડર' ઊઠી ગયો. બંને પ્રેમીઓ ખૂબ હર્યાંફર્યાં. સવારના દસથી સાંજના સાત વાગ્યા સુધી તપન અને ત્વિષા સાથે ને સાથે જ જોવા મળતાં હતાં. એક બાબતમાં બંનેનાં માવતરોએ મનાઈ-હુકમ મૂકેલો હતો, ક્યારેય બંધ કમરામાં એકાંતમાં નહીં મળવાનું. શારીરિક છૂટછાટ લેવાની મનાઈ. ડૉ. તન્ના અપેક્ષાભરી પ્રતિક્ષામાં બેઠા હતા અને ત્વિષાનાં મમ્મી-પપ્પા અધ્ધરજીવે દિવસો વિતાવી રહ્યાં હતાં. તપનના પપ્પા પણ ઉચાટમાં જીવતા હતા. બે જ મહિનામાં ડૉ. તન્નાએ જેવું ધાર્યું હતું તેવું પરિણામ મળી ગયું. ત્વિષાએ ઘરે આવીને મમ્મીને જણાવી દીધું, 'મારે તપન સાથે લગ્ન નથી કરવું. એનો સ્વભાવ તો ખૂબ જ કચકચિયો છે. હું આવા પુરુષની સાથે જિંદગી પસાર ન કરી શકું.' તપને પણ ઘરે જઈને જાહેર કરી દીધું, 'સાવ બકવાસ જેવી છે એ છોકરી! આવી ગાંડીને કોણ પરણતું હશે? એના એક પણ વિચાર સાથે મારો વિચાર મેળ ખાતો નથી. મારું ચાલે તો હું...' જો મા-બાપનું ચાલ્યું હોત તો બંને જીદ પર આવીને ઊભાં રહી ગયાં હોત, પણ જ્યારે નિર્ણય કરવાની સત્તા એમના હાથમાં સોંપી દેવામાં આવી ત્યારે બંનેને લાગ્યું કે મામલો જામશે નહીં. ડૉ. તન્નાએ પોતાની ફી સ્વીકારતી વખતે તપન અને ત્વિષાનાં મમ્મીઓ અને પપ્પાઓને કહ્યું, 'મેં બંને જણાંનું પર્સનાલિટી એસેસમેન્ટ કરી લીધું હતું, મને ત્યારે જ સમજાઈ ગયું હતું કે તપન અને ત્વિષા 'મિસમેચ્ડ' કપલ છે. જો એમને નજીક આવવા દેવામાં આવે તો બંને છૂટાં પડી જશે.' |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtJrVzvkGhzAXMLrQwc3JDWGJ40YTSwUbU%2BBYECCmxf%2BA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment