ભારતીય શાસ્ત્રીય ગાયનના જીવંત દંતકથા સમાન પંડિત જસરાજ કિશોરવયે તો તેમના ભાઇ ગાયક મણીરામના ગુ્રપમાં તબલા વાદક હતા. તે વખતના ગાયકી ખેરખાંઓ અન્ય વાદ્યકારો તૂચ્છ હોય તેવો વ્યવહાર કરતા. બેગમ અખ્તરથી પ્રેરિત જસરાજે ૧૫ વર્ષની વયે જ પ્રતિજ્ઞાા લીધી હતી કે જ્યાં સુધી સિધ્ધહસ્ત શાસ્ત્રીય સંગીતની દુનિયાનો ગાયક બની ન બતાવું ત્યાં સુધી માથા પરના વાળ નહી કપાવું. તેમણે તેના ભાઇ મણીરામ, ગાયક જયવંત વાઘેલા અને મેવાતી ઘરાનાના ગુલામ કાદર ખાનને ગુરૂ બનાવીને શાસ્ત્રીય ગાયકી પર પ્રભુત્વ મેળવવા જાણે તપશ્ચર્યા આદરી. સખ્ત રિયાઝ અને લગન જોઇ ગુરૂજનો પણ દંગ થઇ ગયા. પણ કહેવાય છે ને કે વિષય પર ગમે તેટલી પકડ હોય પણ સિદ્ધિદેવી (યશ, કિર્તિ) જશના આશીર્વાદ ન હોય તો ફૂટપાથ પર મફતમાં પણ તમારી જોડે કોઇ નજર મિલાવવા તૈયાર ન હોય. આજે દેશ-વિદેશમાં એવા કેટલીયે જુદા જુદા ક્ષેત્રોની પ્રતિભાઓ છે જેઓ ખરેખર તેમના ક્ષેત્રમાં ડંકો વગાડે છે તેઓ કરતા વધુ જ્ઞાાન ધરાવે છે પણ તેઓને નથી પ્લેટફોર્મ મળતું અને પ્લેટફોર્મ મળે છે તો તે આભા કે પ્રતિભા નથી જમાવી શકતા. જેઓ પણ તુલનાત્મક રીતે ઓછી પ્રતિભા છતાં છવાયા છે તેઓ તો યશ-જશ-કિર્તિનું પ્રારબ્ધ લઇને આવ્યા છે તો ઘણા એવા પણ છે જેઓ પર સદ્ગુરુકૃપા છે. આપણી સંસ્કૃતિમાં એવા કિસ્સાઓ પણ છે કે વક્તૃત્વ, લેખન, ગાયન, વાદન, કલા, નૃત્ય કે કોઇ ભાષાના જાણકારને કોઇ ગુરુનો ભેટો થઇ જાય અને તે જીભ પર આંગળી મૂકે, ધબ્બો મારે કે આંખો-સ્પર્શથી શક્તિપાત કરે તો ચમત્કારિક રીતે અનાયાસે જ કોઇ ઋણાનુબંધ હેઠળ કૃપા મેળવનાર વ્યક્તિ કે શિષ્યમાં તે સિધ્ધી તો પ્રવેશે છે જ પણ તે તેના ક્ષેત્રમાં છવાઇ જાય છે. ગુરૂકૃપાથી ગાજરની પીપૂડી પણ બધાને મંત્રમુગ્ધ કરી દે તેવી વાગે કે બુઠ્ઠી તલવારે સંગ્રામ જીતવાની તાકાત આ આશીર્વાદમાં હોય છે. આટલી ભૂમિકા પછી ફરી પંડિત જસરાજ પર આવીએ. જસરાજ પંડિત તો પછી બન્યા. તેઓ યુવાનીમાં અને ગાયન ક્ષેત્રે પ્રારંભમાં અદભૂત રજૂઆત કરવા છતાં દાદ નહતા મેળવી શકતા. તે વખતના વિવેચકો કે સંગીત ગુરૂઓને શરૂમાં એવું નહતું લાગ્યું કે કોઇ મહાન ગાયકનો જન્મ થઇ ચૂક્યો છે. જસરાજ ગુજરાતના સાણંદમાં ઠાકુર સાહેબ પાસે તાલીમાર્થે અવારનવાર આવતા હતા. જસરાજને એ અરસામાં નારેશ્વર સ્થિત શ્રીરંગ અવધૂત મહારાજના દર્શનનો યોગ સર્જાયો. શ્રીરંગ અવધૂત ભગવાન દત્તાત્રેયના અવતાર તરીકે દેશ-વિદેશમાં પૂજાય છે. તત્ત્વજ્ઞાાન, ભજન-ગાયકી સંગીત અને તમામ યોગો પોતે બ્રહ્મનિષ્ઠ હોઇ જાણે ખભે આવરણ લટકે તેમ સહજતાથી લીલાના ભાગરૂપે સદેહે ધારણ કરેલા. શ્રીરંગ અવધૂત મહારાજ (૧૮૯૮-૧૯૬૮)ની સ્ફોટક આંખોમાં ગેબી તાકાત હતી. જસરાજની મનોવેદના અને હતાશા પામી જાય તેવા અંતર્યામી તો શ્રીરંગ (બાપજી) હતા જ. ખરેખર તો જસરાજ પર સંગીતની દેવી સ્વરસજની રીઝી ગઇ હતી. શ્રીરંગ સાથેનું મિલન જાણે વિશ્વવિખ્યાત બને તેવા આશીર્વાદ સાંપડે તેનો અવસર બની રહ્યો. શ્રીરંગે કહ્યું કે ''એકાદ ભજન તો સંભળાવ.'' જસરાજ ભજનમાં હજુ તો પ્રથમ અંતરામાં ઉતર્યા ત્યાં જ તેમની આંખો તો બંધ થઇ જ ગયેલી પણ કંઇક અજબ અનુભૂતિ અને ધ્યાનાવસ્થામાં સરકી ગયા. આરોહ-અવરોહ સાથે ભજન હવે જાણે કોઇ અગમ તત્વ ગાઇ રહ્યું હતું. ભજન પૂરૂં થયું અને ક્રમશ: જાણે સમાધિએ વિરામ અનુભવ્યો. જસરાજ ધન્યતા અનુભવતા અશ્રુભીના હતા ત્યારે શ્રીરંગે આશીર્વાદ આપ્યા કે ''તું તો ઈશ્વરનો સંગીતદૂત છે. તારે હવે આપણી ભવ્ય સંગીત સંસ્કૃતિના ધજાકા પતાકા લહેરાવવાના છે.'' આવા અવતારી બાપજીની ૫૦મી પૂણ્યતિથિ શ્રીરંગ સેવા સદન, નારેશ્વર અને 'અભિરંગ' દ્વારા દેશ-વિદેશમાં ઉજવાઇ રહી છે ત્યારે પંડિત જસરાજે તેમના ગુરૂનું જાણે ઋણ ચૂકવવાની તક મળી હોય તેમ ધૂન-ભજનના કાર્યક્રમનું આમંત્રણ તો ધન્યતા અનુભવતા સ્વીકારેલું જ પણ ''રંગ અવધૂત રે રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત''ની ધૂન વખતે એવું કંઇક દિવ્ય અને અલૌકિક વાતાવરણ તેમનાંથી સર્જાયું કે સ્ટેજ પરના સંગીતજ્ઞાો અને શ્રોતાઓ વચ્ચે ભાવસમાધિનું અદ્વૈત વર્તુળ રચાઇ ગયેલું. જેમની બંને કિડની ફેઇલ છે છતાં જે અદ્રશ્ય શક્તિથી નારેશ્વરના આ નાથના પ્રચાર-પ્રસાર અને ઉજવણી માટે દાયકાઓથી ભેખ ધરી રહ્યા છે તેવા નારેશ્વર સેવા સદનના ડો. ઈંદુભાઇ દવેની ટીમના પ્રદાનની વર્તમાન રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પણ જાહેરમાં નોંધ લીધી છે. અલબત્ત શ્રીરંગ અવધૂત અને જેમના પર આગળ જતા જાણે શ્રીરંગની કાયા પ્રવેશ જેવી સિધ્ધી મેળવવાની કૃપા પ્રાપ્ત થઇ તેવા માતર સ્થિત બ્રહ્મલીન બાલ અવધૂત મહારાજ અને લીંચ ગામને તપોભૂમિ બનાવનાર બ્રહ્મલીન પ્રેમ અવધૂત મહારાજે દત્ત અને રંગના દરબારની ચેતનાને આગળ જતા સુગંધી પવનની જેમ ફેલાવી. દેશ-વિદેશમાં દત્ત અને શ્રીરંગ પરંપરાએ આધ્યાત્મ, ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ખુમારીનું તેજ તેમની નિશ્રામાં આવનારાઓમાં પ્રગટાવ્યું. શ્રીરંગ કહેતા કે ''સ્થૂળ દેહધારી તરીકે તો તમે મારી પચ્ચીસ ટકા જ લીલા જોઇ છે. હું સૂક્ષ્મ દેહે ચમત્કારિક પરચાઓ આપીશ.'' તેમને સર્વસ્વ સોંપી દીધું હોય તેવા તેમના ભક્તો ખરેખર તેમના જીવનમાં આવું અનુભવી રહ્યા છે. તમે બાલ અવધૂત કે પ્રેમ અવધૂતને પૂજો તો પણ તમને અનુભવો શ્રીરંગના થાય તે જ પૂરવાર કરે છે કે બ્રહ્મ નિષ્ઠ એવી આ વિભૂતિઓ અસીમ ગુરૂભક્તિથી કૃપાપાત્ર બન્યા હતા. શ્રીરંગ અવધૂતને આપણે માત્ર તેમની લીલા કે ચમત્કારથી મૂલવીએ તો તે બુધ્ધિજીવીઓ ના જ સ્વીકારે પણ તેઓને રાષ્ટ્રીય સંત, ગીતા તેમજ પુરાણને જોડીને તેમણે આપણને આપેલ 'ગુરુલીલામૃત'નું પઠન તો શું તેને બાજઠ પર મૂકીને તેના ફેરા ફરો તો પણ ધન્ય થઇ જવાય તેવું અદ્વિતીય સર્જન તેઓ આપણા માટે મૂકી ગયા છે. જ્ઞાાન, કર્મ અને ઉપાસના એવા ત્રણ ખંડોમાં વહેંચાયેલો આ ગ્રન્થ દેવ આજ્ઞાાથી જ શક્ય બને તેમ શ્રધ્ધેય નર્મદાનંદજીએ લખ્યું છે. તેમાં રહેલ છંદ, ભાષા સમૃધ્ધિ અને દોહરાની ગોઠવણ ભાષા - સાક્ષરતા સંદર્ભમાં પણ બેજોડ છે. તેવી જ રીતે 'અવધૂતી આનંદ'ના ભજનોમાં બ્રહ્માંડ, તત્ત્વજ્ઞાાન અને જીવ - શિવના રહસ્યો સહજ રીતે આવરી લેવાયા હોઇ ગુજરાતી - મરાઠીના વિદ્વાનો તેનો વિચાર-વિસ્તાર, મર્મ સમજાવતા પુસ્તકો થકી રસાસ્વાદ કરાવતા પ્રકાશનો બહાર પાડે છે. મુંબઇ સ્થિત ઉમાકાંત વછરાજાની ૯૨ વર્ષેની વયે પણ આ ભજનોનું અંગ્રેજીમાં ભાષાંતર કરતા જાય છે અને ગુજરાતી અને અંગ્રેજીમાં તેની પ્રત્યેક પંક્તિ પાછળના અદભૂત જ્ઞાાનના તાંતણા ઉખેળી આપણી સમક્ષ મૂકે છે. તેઓ શ્રીરંગના ભજનો માટે એટલું જ કહે છે કે ''ઐસી ભયી કછુ કહી ન જાઇ !'' (લ્લચૅૅૈહીજજ લ્લચૅૅીહીગ ! (happiness happened incredible inexpressible) શ્રીરંગ અવધૂત મહારાજે 'રંગ હૃદયમ' પણ માનવજગતને આપ્યું. હનુમાન ચાલીસા પરથી પ્રેરણા લઇને શ્રીરંગે નિત્ય પાઠ કરી દૈવી સહાય મળે તે હેતુથી ભગવાન દત્તાત્રેયની દિવ્યલીલાઓ વર્ણવતી બાવન પંક્તિઓની દત્ત બાવનીની સ્તુતિ રચી. આજે દેશ-વિદેશમાં દત્ત બાવનીનું ઘેર ઘેર પઠન થાય છે અને સામૂહિક પઠનના અનુષ્ઠાન પણ થાય છે. અક્કલકોટના સ્વામી સમર્થની જેમ સમગ્ર દત્ત ભક્તિના હાર્દમાં ''તું ડરીશ નહીં, હું પાછળ છું, અશક્યનું શક્ય પણ થઇ શકે જ છે, તું બાળક બની પરમતત્વને સમર્પિત થઇ જા. જેમ માતા-પિતા અબોધ-અબોલ બાળકની જરૂરિયાત સંતોષે છે તેને સગવડ - સ્વાસ્થ્ય - સુરક્ષા પૂરી પાડે છે તેમ તારી પણ કાળજી લેવાશે... હા, તારે આજીવન બાળક જેમ રહેવાનું... બુધ્ધિ ઓછી અને મહત્તમ હૃદયની નિર્મળતાને અનુસરવું'' તેવા ઉપદેશો છે. શ્રીરંગનું પૂર્વાશ્રમનું નામ પાંડુરંગ વળામે હતું. તેમના વડવાઓ તો મહારાષ્ટ્રના રત્નાગીરીના પણ પિતાશ્રી વિઠ્ઠલ વળામે પત્ની સહિત ગુજરાતના ગોધરામાં વિઠ્ઠલ મંદિરની સેવાપૂજા માટે સમર્પિત બન્યા. તેમની સેવા ભક્તિ અને સતત દિવ્ય આંદોલનો સર્જતા દામ્પત્ય જીવનના પ્રતાપે તો હાલ પણ ગોધરામાં જે ઘર અને વિઠ્ઠલ મંદિર છે ત્યાં પાંડુરંગનો જન્મ થયો. જે આગળ જતા શ્રીરંગ અવધૂત તરીકે પૂજાયા. આઠ જ વર્ષની વયે નારસોવા વાડીના દત્તાવતાર વાસુદેવાનંદ સરસ્વતિએ તેનામાં અસાધારણ પ્રતિભાના દર્શન કર્યા અને પાંડુરંગના માતા-પિતાને કહ્યું કે 'આ મારૂં બાળક છે.' વાસુદેવાનંદ સરસ્વતિએ પાંડુરંગને કહ્યું કે ''પોથી વાંચ'' (ગુરૂચરિત્ર.) ગુજરાતનો ધન્ય યોગ છે કે સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજે સમાધી માટે નર્મદા કિનારે ભરૂચ નજીક ગરૂડેશ્વરને પસંદ કર્યુ હતું. પાંડુરંગ શિક્ષણ લઈને સ્નાતક તો બન્યા. દેહધારણ કર્યો હતો એટલે તેના ભાઈના અભ્યાસ ખર્ચને પહોંચી વળવા શિક્ષક તરીકે નોકરી પણ કરી હતી. મહાત્મા ગાંધીજી જોડે આશ્રમમાં પણ જોડાયા હતા પણ અંતરયાત્રા સાક્ષાત્કાર ભણી જારી જ હતી. વાસુદેવાનંદ સરસ્વતિએ આપેલા આશીર્વાદ અને તેનો જીવનધ્યેય સતત 'શ્વાસે શ્વાસે દત્તનામ' સ્મરણ રહ્યો હતો. તેમણે દત્તપુરાણના એકસો આઠ પારાયણ કર્યા. ૧૦૮ દિવસ માત્ર ગોળ-પાણી પર રહીને નર્મદા પરિક્રમા પૂર્ણ કરી. ત્યાર પછી હિમાલયમાં કાયમ માટે અજ્ઞાાત બની દત્તસાધના કરવી હતી પણ તેમને સાંઈખેડામાં ધુનીવાલા બાબાએ નર્મદા તરફ આંગળી ચિંધી ત્યાં જ સાધના કરવાનો આદેશ આપ્યો. દિવસે પણ ડરામણા ભાસે તેવા જંગલમાં નારેશ્વરની જર્જરિત ભગવાન શિવની દેરી નજીક આકરી તપશ્ચર્યા આદરી અને આત્મસાક્ષાત્કાર થયો. અષ્ટસિધ્ધિ અને નવનિધિ તેમને ચરણે આવી. આ અતિ દુર્ગમ અડાબીડ ઝાડી ધરાવતી જંગલની ભૂમિ પર તે વખતે મોર અને સર્પ જેવા એકબીજાના કટ્ટર દુશ્મનને સાથે રમતા જોયા તે પછી તેમણે નક્કી કર્યું કે તપશ્ચર્યા કરવી તો આ જ જગાએ જ્યાં કલેશ કે કલહના આંદોલનો નથી. તેઓ તો કદાચ બહાર જનજીવનમાં ક્યારેય આવત જ નહીં. વૃત્તિ શૂન્ય હતા. આજુબાજુના ગામના રહીશો અને સ્વ. અમૃતલાલ ન. મોદી (તપસી), દાસકાકા, સરખેજના સ્વ. નરસિંહદાદા જેવા તે ૧૯૨૦ના દાયકાના સમાજના આદરણીય વ્યક્તિઓએ તેમનો સત્સંગ કેળવતા રહી આપણા સૌ માટે તેમને સ્થૂળ દેહ થકી સૂક્ષ્મ અનુભવો માટે નિમિત્ત બનાવવામાં મોટું યોગદાન આપ્યું. વડોદરા અને ભરૂચ વચ્ચે કરજણ નજીક નર્મદા કિનારે આવેલું નારેશ્વર આજે તો તિર્થભૂમિ બની ગયું છે. શ્રીરંગે 'પરસ્પર દેવો ભવ:' જેવો મંત્ર આપ્યો છે. હિન્દુ કોને કહેવો? તેવા એક પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું હતું કે હિન્દુ શબ્દની વ્યુત્ત્પત્તિમાંથી જ તેનો અર્થ નીકળે છે જે મને સૌથી વધુ પસંદ છે. ''હીનેન દૂયતે ઇતિ હિન્દુ:'' - હિચકારા કર્મોથી જેને દુ:ખ થાય છે તે હિન્દુ અને એવા ઉદાત્ત ચરિત હિન્દુઓમાંથી હિન્દુ સંસ્કૃતિ ઉદ્ભવી અને વિકાસ પામી છે. ગંગા, ગાય અને ગાયત્રીને જે રાષ્ટ્રગૌરવ માને અને બીજા ધર્મોનો વિરોધ નથી કરતો તે હિન્દુ. સિંધુ નદીથી સમુદ્ર પર્યન્તની ભૂમિને જે પોતાની માતૃભૂમિ ગણે અને તે માટે પ્રાણ ન્યૌછાવર કરવા તત્પર રહે તે હિન્દુ છે. નારેશ્વરમાં ૧૯૬૬માં તેમણે કહ્યું હતું કે દેશના યુવાનોએ જો રાષ્ટ્રના સીમાડા સળગ્યા હોય કે ધર્મની અને સમાજની રક્ષા કરવાની નોબત આવે તો રક્ષા ખાતર સર્વેને રાયફલ તાલીમ લેવી જરૂરી છે. યુધ્ધ નોંતરવું નહીં પણ યુદ્ધ લાદવામાં આવે તો મારું નામ લઈને યુદ્ધ ખેલ તેવાં શ્રીકૃષ્ણના સંદેશાને પણ યુવાનો સમક્ષ બેધડક કહેતા હતા. ...અને છેલ્લે ઘણી જ મહત્ત્વની વાત, શ્રીરંગના જ્યાં પણ મંદિર છે તેમાં અવધૂતની પરંપરા પ્રમાણે ભારતના એકમાત્ર એવા મંદિરો છે જ્યાં કોઈ દાન પેટી નથી. મંદિરમાં જ બોર્ડ પર સુચના લખી હોય છે કે, ''પૈસા કે ચોખા મુકવા નહીં.'' શ્રીરંગ કહેતા કે અમારે સાધુને બધો જ આધાર પરમાત્માનો છે પછી પૈસાની શું જરૂર? મારે હાથે કાંઈ કાર્ય કરાવવું હશે તો તે કોઈનેય પ્રેરણા કરે અને તે થઈ જાય. તેઓ સારા મિત્રો, સારા ગુરુઓ જોડે જ સમય વીતાવવાની ચેતવણી આપતા કહેતા કે ઠીકરાને ઝવેરાત માનીને જીવન પુરૂ કરશો તો પસ્તાઈને જગત છોડશો. સદ્ગુરુ એક વખત હાથ પકડયો તેને 'દીધી રિદ્ધિ-સિદ્ધિ અપાર અંતે મુક્તિ મહાપદ (મોક્ષ) સાર' ની જેમજ શૂન્યના આવરણમાં લઈ જાય છે તેમ પણ શ્રીરંગ કહેતા હતા. આવા શ્રીરંગે ૧૯૬૮માં હરદ્વારમાં આર્ય નિવાસમાં તેમનો દેહ છોડયો હતો. તેમની અંતિમ ક્રિયા અને સમાધી નારેશ્વરમાં સંપન્ન થઈ હતી. નારેશ્વર ઉપરાંત અમદાવાદમાં 'સરખેજ તો મારૂં પિયર છે ' તેમ કહેતા શ્રીરંગની પાદુકા સાથેનું મંદિર શ્રધ્ધાળુઓનું માનીતું છે. તેવી જ રીતે ભાગવત વિદ્યાપીઠ સોલા સંકુલમાં શ્રીરંગ મંદિર પણ ભાવુકોમાં શ્રદ્ધાનું કેન્દ્ર છે. માતરમાં બાલ અવધૂતની તપોભૂમિમાં દેશનું સૌથી મોટું રંગ- દત્તાત્રેય મંદિર આકાર પામી રહ્યું છે. ગુરૂવારનો મહિમા અપરંપાર છે. શ્રીરંગ અવધૂતના તત્વજ્ઞાાન, તેમણે સર્જેલા ગ્રન્થો અને ભજનોમાં જ્ઞાાન-વિજ્ઞાાનનો સમન્વય છે. 'ગુરૂકૃપા હી કેવલમ્ શિષ્ય પરમ મંગલમ્' તેમણે રચેલુ ભજન છે. ૫૦મી પૂણ્યતિથિએ શ્રીરંગમાં રંગાવાનું હજુ આપણું પૂણ્ય ન પાક્યુ હોય તો તેનો પાઠનો પાશ આતમદેહ પર પડવાનો સંકલ્પ કરીએ. શ્રીરંગનો અમર આદેશ - વિચાર, વાણી અને વર્તનમાં એકતા આચરો. - એકબીજાને આશીર્વાદ આપો, અભિશાપ નહિ. - ભલું ઈચ્છો, ભૂંડું નહિ. - રૂડું કરો, કૂડું નહિ. - એકબીજાના પોષક બનો, શોષક નહીં. - તારક બનો, મારક નહિ. - બોલો થોડું, કરો વધારે - માથું ઠંડુ રાખો, ગરમી હાથપગમાં પ્રગટાવો. - પ્રત્યેક પ્રત્યે સહિષ્ણુતા કેળવો, વિદ્વેષિતા નહિ. - બોલો તો સત્ય બોલો, કરો તો સત્કર્મ કરો. - વાંછો તો સર્વકલ્યાણ વાંછો, માત્ર સ્વકલ્યાણ નહિ. - જૂઓ તો પોતાના દોષ જુઓ, ગાઓ તો બીજાના ગુણ ગાઓ. - હૈયે હનુમાનશ્રી અડગ હામ ધરી રાખી ધપ્યે જાઓ, ધપ્યે જાઓ. વિજય તમારો છે! વિજય તમારો છે. રંગે રંગે અરંગી સ્થિતિ પ્રાપ્ત થાઓ. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os3ARshSHv8105QLqOJKN3iQYL%2BJ0-PJ5ttmxnSTwBHPw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment