Saturday, 1 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બહેરું આયખું, મૂંગી વ્યથા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બહેરું આયખું, મૂંગી વ્યથા!
દિલની વાત -દિનેશ દેસાઈ

મંદા હજુ સાવ અવાચક હતી. વિસ્ફારિત આંખોથી એ અહીં-તહીં કશુંક જોઈ રહી હતી. કારતકની હજુ શરૂઆત હતી પણ ઠંડીનો સપાટો વહેલો હતો. સંધ્યાકાળના માથે અંધકારના ઓળા ઊતર્યા હતા. ગળતા નળની માફક થોડી થોડી વારે મંદાનું નાક નીતરી આવતું હતું. સલવાર-કમીજ થોડા મેલા-ઘેલા અને ક્યાંક થીંગડાવાળા હતા. માથાના વાળ જરાક બાંધેલા પણ કબૂતરના માળા જેવા અસ્તવ્યસ્ત.

એના ગળામાં સૂતળી જેવી દોરીમાં કાણાવાળી કોડી બાંધેલી ને એક હાથમાં બંગડીઓના હારડા તો બીજો હાથ સાવ ખાલી. થોડી થોડી વારે મંદા કશુંક બબડતી રહેતી પણ એ બબડાટ કોઈની સમજમાં આવતો નહિ. વયના વાર્ધક્યને આરે પહોંચેલા સિત્તેરેક વર્ષનાં મણિબા બેઉ હાથના ઈશારા અને મ્હોંના હાવભાવ કરીને મંદા સાથે સંવાદ સાધવાનો પ્રયાસ કરે છે. આવા ઈશારાની ભાષા તો મંદા અને મણિબા, એ બેઉ જ જાણે.

પૂર્વ અમદાવાદના પરા વિસ્તારની શ્રમજીવી વસાહતમાં એક ખોલી જેવડી ઓરડીમાં શેષજીવન ગાળતાં મણિબા વાત માંડે છે: મારી દીકરી મધુને લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી. એના બાપુ તો અમને મૂકીને ક્યારના સ્વર્ગે સિધાવી ગયા હતા. લોકોના ઘરકામ કરી કરીને ઘર ચલાવ્યું છે. મધુને જેમ તેમ કરીને સમાજમાં સારું ઘર અને સારો વર જોઈને પરણાવી હતી. પરંતુ મધુએ જ્યારે આ મંદાને જન્મ આપ્યો ત્યારથી તેણે કોઈ અપરાધ કર્યો હોય એમ પતિ અને સાસરિયાં માટે અળખામણી થઈ ગઈ.

મધુનું નસીબ પણ એવું પાધરું કે એને એક તો દીકરી અવતરી અને એ પણ બહેરી-મૂંગી નીકળી. એનું નામ પાડેલું મંદા. મંદા જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ ખબર પડતી ગઈ કે તેનું મગજ પણ બરાબર કામ કરતું નથી. આથી મધુ ઉપર પતિ અને સાસરિયાંનો ત્રાસ વધતો જતો હતો. અસહ્ય ત્રાસથી કંટાળીને એક દિવસ મધુએ અગનપછેડી ઓઢી લીધી હતી. મધુના મૃત્યુ સાથે જ મંદા નોધારી થઈ ગઈ. જમાઈ મંદાને મણિબા પાસે મૂકીને ગયા તે ગયા. આજની ઘડી ને કાલનો દહાડો. પચ્ચીસ વર્ષની મંદા પોતાની મા ગુજરી ગઈ ત્યારે માંડ અગિયાર-બાર વર્ષની હતી. આજે ઘરડે ઘડપણ મણિબાના માથે મંદા અનિવાર્ય જવાબદારી બની ગઈ હતી.

કોઈ બાળકને સાચવવું અને મંદાને સાચવવી, એ બેઉ સરખું. મંદાને રોજ સવારે નવડાવી, ધોવડાવીને તૈયાર કરવાની, એના માથાના વાળ ઓળી આપવાના, એના કપડાં બદલાવી આપવાના, જમવા બેસાડીને મ્હોંમાં કોળિયા પણ ભરી આપવાના. આ બધું કામ બોલીએ છીએ એટલું સહેલું નથી હોતું. વળી મંદા ભીને વાન એવી કે લોકો એને એકીટશે જોઈ જ રહે. એને જોતાવેંત તો કોઈનેય ખબર જ ના પડે કે એનું મગજ આમ મંદ હશે.

મણિબા બોલતાં ગયાં કે મંદાને રોજ સવારે હું તૈયાર કરું એ પછી તે આખી ચાલીમાં ઘૂમી વળે. છેક રોડ સુધી આંટો મારતી આવે. એને આખો દિવસ બીજું કામ પણ શું? બસ, ફર્યા કરે. જ્યારે કોઈ કામ ન હોય ત્યારે અમારા ઘરની બહારના ઓટલે બેસી રહે. એક દિવસ આવી જ શિયાળાની સાંજ હતી. અંધારું થવા આવ્યું હતું. હું ઘરમાં દીવાબત્તી કરતી હતી અને મંદા એના મૂડ પ્રમાણે ચાલીમાં આંટો મારવા નીકળી હતી. બસ, એ ગઈ તે ગઈ.

છેક મધરાત સુધી મણિબાએ મંદાની રાહ જોઈ પણ તે ઘરે પાછી ફરી નહિ. તપાસ કરતા ખબર પડી કે બાજુની ચાલીમાં રહેતા બે યુવકો એને મોટરસાઈકલ ઉપર વચ્ચે બેસાડીને ક્યાંક લઈ ગયા છે. એ યુવકોના ઘરે જઈને તપાસ કરતા ખબર પડી કે એ બેઉ જણા તો રાતથી ઘરે ગયા જ નથી.

સવાર પડતા જ પડોશીઓએ કહેલું કે પોલીસને જાણ કરવી જોઈએ અને પેલા યુવકો વિરુદ્ધ ફરિયાદ કરવી જોઈએ. કેટલાક લોકો વળી એમ કહેતા હતા કે મણિબાએ આ ઉંમરે પોલીસ સ્ટેશનની જાંજાળમાં પડવું જોઈએ નહિ. નાહકના આંટાફેરા કરવાના અને ન્યાય માટે પગથિયા ઘસવાના. જોકે મણિબાએ પડોશીઓના સથવારે પોલીસ ફરિયાદ લખાવી અને પોલીસે તપાસ પણ કરી. છતાં બધી તપાસનું પરિણામ મીંડું જ આવ્યું. દિવસો ઉપર દિવસો અને મહિના ઉપર મહિનાઓ વીતતા ગયા પણ મંદાની ભાળ મળી નહોતી.

સમય વીત્યે જતો હતો. એક દિવસ પડોશમાં રહેતા પશાકાકાએ અને કોલેજમાં ભણતા રમેશે મણિબાનું ધ્યાન ખેંચ્યું હતું કે આજના પેપરમાં જબરો કિસ્સો આવ્યો છે. એક મંદબુદ્ધિની અને ઉપરથી પાછી બહેરી-મૂંગી યુવતીને મેન્ટલ હોસ્પિટલમાં મા-બાપ તરીકે ઓળખ આપીને મૂકી ગયેલાં સ્ત્રી-પુરુષ પોલીસના હાથે આબાદ ઝડપાઈ ગયાં છે. મણિબા તમારે તપાસ તો કરવી જ જોઈએ કે એ યુવતી આખરે છે કોણ?

મણિબાને પણ થયું કે લાવ, જઈને જોઉં તો ખરી કે એ અભાગી છોકરી છે કોણ?

મણિબાએ આખરે મેન્ટલ હોસ્પિટલની વાટ પકડી. જઈને જોયું તો તેઓ ચોંકી ગયાં. તેમની ધારણા કમભાગ્યે સાચી પડી હતી. એ અભાગી ક્ધયા બીજું કોઈ નહિ, પણ મણિબાની મંદા જ હતી. મણિબા પડોશી પશાકાકા અને રમેશ સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. મંદા ઊલટીઓની ગંદકી વચ્ચે ગંદા કપડામાં સાવ જ દયાજનક હાલતમાં બેઠી હતી. હોસ્પિટલ સ્ટાફમાં પૂછપરછ કરતા ફરજ ઉપરના તબીબે જાણ કરી કે આ યુવતી પ્રેગ્નન્ટ છે.

પોલીસને જાણ કરવામાં આવી કે મંદા મળી ગઈ છે અને હોસ્પિટલમાં પ્રેગ્નન્ટ હાલતમાં છોડી દેવામાં આવી હતી. પોલીસે તપાસનો દોર આગળ વધારીને મણિબાની ચાલી પાસેની ચાલીમાં રહેતા રાજુ અને તેના સાથીદારને આખરે ઝડપી લીધા ને જેલ હવાલે પણ કર્યા. પોલીસે મંદાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો અને તેની જરૂરી સારવાર પણ કરાવી. બીજી તરફ રાજુની પણ તબીબી તપાસ કરાવી હતી. મેડિકલ રિપોર્ટના આધારે એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે મંદાના પેટમાં રાજુનું જ બાળક ઊછરી રહ્યું હતું.

રાજુએ મંદાનું અપહરણ કર્યા બાદ તેને જુદા જુદા સ્થળોએ ફેરવીને તેના ઉપર વારંવાર બળાત્કાર કર્યો હતો. રાજુએ ગુનો કબૂલી લીધો હતો અને નિવેદન પણ આપ્યું હતું. આથી કેસ મજબૂત બન્યો હતો. મેન્ટલ હોસ્પિટલમાં મંદાને મૂકી જનાર જે સ્ત્રી-પુરુષ પોલીસના હાથે ઝડપાઈ ગયાં હતાં તેમણે પણ પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને નિવેદન આપ્યું હતું. રાજુએ એ જ સ્ત્રી-પુરુષની મદદથી ક્યાંક મકાન ભાડે રાખીને મંદાને ત્યાં રાખી હતી. પરંતુ મંદા સગર્ભા હોવાનું જાણવા મળતા જ એ સ્ત્રી-પુરુષ સાથે મંદાને મેન્ટલ હોસ્પિટલ મૂકી દેવાનું ષડ્યંત્ર કરવામાં આવ્યું હતું.

પોલીસે કોર્ટમાં કેસ મૂક્યો હતો એ વાતને પાંચ વર્ષ થઈ ગયા. બહેરું આયખું ને મૂંગી વ્યથા. બાળક જેવી મંદાએ ખુદ નવજાત શિશુને જન્મ આપવાની વેળા આવી હતી. એક તરફ મંદાની આવી હાલત તો બીજી તરફ મણિબા અશક્ત અને લાચાર અને માથે ઉંમરનો ભાર. છતાં મણિબા ઘરનો ભાર ઉઠાવ્યે જાય છે. મણિબાની આંખમાં તગતગતા આંસુ શિયાળાની સંધ્યાએ વીજબત્તીના તેજમાં ચમકી રહ્યા છે. મંદા પોતાની મસ્તીમાં ખિલખિલાટ હસતી જોવા મળે છે. તેના ખોળામાં ચાર વર્ષના રાજકુમાર જેવા બાળક દીપકની આંખોમાં ઘણા સવાલો છે પણ હવે મંદા શું બોલે? અને મણિબા પણ શું બોલે?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvN70v%2B9kvKau%3DphfE9T3FViemeMXtaWPtzwCzqo0v-rw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment