Saturday, 1 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કૉલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ વિશે શું જાણો છો? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કૉલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ વિશે શું જાણો છો?
જિગીષા જૈન

 

કૉલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ બન્ને લિપિડ્સ છે. આ બન્ને શરીરમાં અત્યંત ઉપયોગી ઘટકો છે, પરંતુ જો એમની માત્રા વધે તો એ કાર્ડિયો-વૅસ્ક્યુલર તકલીફો માટે જવાબદાર સાબિત થાય છે. આવું ન થાય એ માટે જરૂરી છે કે વ્યક્તિ પોતાની લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવતી રહે અને જો આ ઘટકોનું પ્રમાણ વધે તો આ બાબતે જાગૃત થઈ લાઇફ-સ્ટાઇલ સુધારીને એમને નૉર્મલ રેન્જ સુધી લાવે...

 

જે લોકો રેગ્યુલર ચેક-અપ કરાવતા રહેતા હોય છે તેમના માટે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ નવી નથી. ભારત જેવો દેશ જે આજે હાર્ટ-ડિસીઝનું કૅપિટલ બનતો જાય છે ત્યાં જાગૃત હોય એવા ૩૫ વર્ષથી વધુની ઉંમરના લોકોએ રેગ્યુલર રીતે લિપિડ ટેસ્ટ કરેલી હોવી જોઈએ. પરંતુ અફસોસની વાત એ છે કે આજે પણ એવા અઢળક લોકો છે જેમને રેગ્યુલર ચેક-અપ માટે કહેવામાં આવે તો તેઓ કહે છે કે ડૉક્ટર એમ જ ટેસ્ટ કરાવડાવે છે, એની કોઈ જરૂરત નથી. ઘણા લોકો એવા પણ છે જે આવું એટલે કહે છે કે ટેસ્ટનું મહત્વ જ તેમને નથી ખબર તો ઘણા લોકો આ ટેસ્ટથી ગભરાતા હોય એટલે પણ આવું કહેતા હોય છે. વળી કેટલીક ટેસ્ટ છે જે સાવ બેઝિક ગણવામાં આવે છે. એમાંની એક ટેસ્ટ એટલે જ લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ. આ ટેસ્ટમાં કંઈ ગરબડ આવે તો ડૉક્ટર આગળ વધુ ટેસ્ટ કરાવવાની સલાહ આપી શકે. આ ટેસ્ટમાં મુખ્યત્વે કૉલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ જેવા લિપિડ વિશે જાણકારી મળે છે. કૉલેસ્ટરોલ વિશે તો પણ લોકો જાણકાર છે, પરંતુ ટ્રાઇગ્લિસરાઇડ્સ વિશે નહીં. આજે આ લિપિડ  અને એની કામગીરીને સમજવાનો પ્રયાસ કરીએ.

 

કૉલેસ્ટરોલ

કૉલેસ્ટરોલ આપણા શરીરના લિવરમાં બનતું ખૂબ જ અગત્યનું ઘટક છે. આ એક ફૅટનો પ્રકાર છે, જે લોહીમાં ઓગળતી નથી. લોહી સાથે એ વહ્યા કરે છે. આ કૉલેસ્ટરોલના મુખ્ય બે પ્રકાર છે, જેની સારા અને ખરાબ કૉલેસ્ટરોલમાં વહેંચણી કરી દેવામાં આવી છે. ખરા અર્થમાં તો આ બન્ને પ્રકારના કૉલેસ્ટરોલની શરીરને જરૂર રહે જ છે. કૉલેસ્ટરોલનો એક પ્રકાર છે HDL કૉલેસ્ટરોલ, જેને હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન કહે છે અને બીજો પ્રકાર છે LDL, જેને લો ડેન્સિટી લિપોપ્રોટીન કહે છે. આ બન્ને કૉલેસ્ટરોલનું ઉત્પાદન લિવરમાં જ થાય છે. એને ઉત્પન્ન કરવા પાછળ શરીરનો એક મુખ્ય હેતુ છે અને એ હેતુ છે રિપેરિંગ. ઉદાહરણ સાથે સમજાવતાં સાંતાક્રુઝ અને દહિસરના ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, 'LDL જેને બૅડ કૉલેસ્ટરોલ કહેવામાં આવે છે એનું કામ સિમેન્ટ જેવું છે. એક દીવાલમાં જ્યારે તડ પડી જાય છે ત્યારે એને રિપેર કરવા માટે સિમેન્ટ ભરવામાં આવે છે એ રીતે શરીરમાં જે લોહીની નસો છે એ નસોની દીવાલમાં કોઈ જાતનો સોજો આવ્યો હોય, કોઈ ક્રૅક હોય તો એ તૂટેલી જગ્યા પર આ LDL ચીપકી જાય છે. સાંધો કરવાનું કામ આ કૉલેસ્ટરોલ કરે છે. જ્યારે HDL સફાઈનું કામ કરે છે. દીવાલ પર ચોંટતી વખતે જે LDL નીચે પડી ગયું હોય કે દીવાલ પર જો વધુ પ્રમાણમાં LDL લાગી ગયું હોય તો એને દૂર કરવાનું કામ HDL કરે છે. આ બધું કૉલેસ્ટરોલ લોહીમાંથી એકત્ર કરી HDL કૉલેસ્ટરોલ એને લિવરમાં પાછું લઈ જાય છે અને લિવર એને શરીરની બહાર ફેંકી દે છે. આ એક સિસ્ટમ છે, જે મુજબ શરીરમાં કામગીરી થાય છે.'

 

ટ્રાઇગ્લિસરાઇડ્સ

ટ્રાઇગ્લિસરાઇડ્સ લોહીમાં રહેલી ફૅટ્સનો એક ભાગ છે. આપણા ઘી-તેલ-બટરમાંથી આપણને જે મળે છે એ ટ્રાઇગ્લિસરાઇડ્સ હોય છે. આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી આ ફૅટ લોહી દ્વારા શોષાય છે, પરંતુ એવું નથી કે ટ્રાઇગ્લિસરાઇડ્સ મેળવવા માટેનો એકમાત્ર સોર્સ ઘી-તેલ કે બટર જ છે. આપણે ખોરાકમાં જે સિમ્પલ કાર્બ્સ ખાઈએ છીએ જેમ કે કેક, પેસ્ટ્રી, મેંદાની બનાવટો, કૅન્ડી, શુગર, આલ્કોહૉલ વગેરેમાં ઘણી એક્સ્ટ્રા કૅલરીઝ હોય છે. જે બચી જાય છે એ કૅલરીને શરીર ટ્રાઇગ્લિસરાઇડ્સમાં ફેરવી કાઢે છે અને ફૅટના કોષો તરીકે એને સાચવે છે. આ ફૅટ કોષો યોગ્ય માત્રામાં હોય તો એ જરૂરી અને ઉપયોગી છે. તમારું શરીર એને ત્યારે વાપરે છે જ્યારે એને એનર્જીની અછત વર્તાય, જેમ કે વ્યક્તિ માંદી પડે કે પછી વધુ એનર્જીની તેને એકદમ જરૂરત પડે જ્યારે તેની પાસે એનર્જીનો સોર્સ એટલે કે ખોરાક ન હોય અથવા ઓછો હોય ત્યારે. પરંતુ જો એની માત્રા વધે તો એ નુકસાન કરે છે.

 

નુકસાન

ટ્રાઇગ્લિસરાઇડ્સની માત્રા જાડી વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે એમ લોકો માને છે. હકીકતે વ્યક્તિના જાડા હોવાનું કારણ જ ટ્રાઇગ્લિસરાઇડ્સ હોઈ શકે છે. મોટા ભાગના ઓબીસ લોકોમાં એનું પ્રમાણ વધુ જોવા મળે છે, પરંતુ ક્યારેક એવું પણ બને છે કે વ્યક્તિ દેખાતી દૂબળી હોય, પરંતુ તેનું ટ્રાઇગ્લિસરાઇડ્સ લેવલ વધુ હોય. આમ જો તમે ઓબીસ હો તો ચોક્કસ અને ન હો તો પણ લિપિડ પ્રોફાઇલ ચેક કરાવવું જરૂરી છે. ખાસ કરીને ૩૦-૩૫ વર્ષની ઉંમર પછી. આ વિશે વાત કરતાં સુશીલ શાહ કહે છે, 'ટ્રાઇગ્લિસરાઇડ્સ આપણા એશિયન અને ખાસ કરીને ભારતીય લોકોમાં વધુ જોવા મળે છે. એ પણ શક્ય છે કે વ્યક્તિને કૉલેસ્ટરોલની તકલીફ ન હોય, પરંતુ ટ્રાઇગ્લિસરાઇડ્સ વધુ હોય એમ બને. ઊલટું ભારતીયોમાં આવું વધુ જોવા મળે છે, જેનું કારણ આપણી કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ડાયટ છે. બીજા દેશો કરતાં આપણા દેશમાં પ્રોટીન ઓછું અને કાર્બ્સ વધુ ખવાય છે એને કારણે આ પ્રમાણ વધે છે. જો બૅડ કૉલેસ્ટરોલ તમારા શરીરમાં વધુ હોય અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું પ્રમાણ પણ વધુ હોય તો તમને કાર્ડિયો-વૅસ્ક્યુલર પ્રૉબ્લેમ થવાની શક્યતા વધે છે. આમ પણ ટ્રાઇગ્લિસરાઇડ્સની વધુ માત્રા હાર્ટ માટે હાનિકારક છે. જોકે મુખ્ય વિલન ખરાબ કૉલેસ્ટરોલ છે.'

 

શું કરવું?

કૉલેસ્ટરોલની નિશ્ચિત માત્રા રહે અને ગુડ કૉલેસ્ટરોલની ક્વૉલિટી પણ સારી રહે એ માટે આપણે શું કરી શકીએ એ જાણીએ ડૉ. સુશીલ શાહ પાસેથી...

 

જે લોકો કૉલેસ્ટરોલ સંબંધિત સમસ્યા ધરાવે છે તેમને લાગે છે કે તેમની ડાયટ ઠીક કરશે એટલે બધું થઈ ગયું. આ વાત એક રીતે એકદમ યોગ્ય છે. ડાયટથી કૉલેસ્ટરોલ  અને ટ્રાઇગ્લિસરાઇડ્સ બન્ને પર ઘણો ફરક પડે છે. એટલે ડાયટ સુધારવી એ પ્રાથમિક જરૂરિયાત છે. પરંતુ ફક્ત એટલું કરવું પણ પૂરતું તો નથી જ.

 

ખોરાકમાંથી આપણને જે કૉલેસ્ટરોલ મળે છે એ કુલ કૉલેસ્ટરોલનો ૩૦ ટકા જેટલો ભાગ હોય છે. બાકીનું ૭૦ ટકા કૉલેસ્ટરોલ લિવર બનાવે છે. આમ જો કોઈ વ્યક્તિનું કૉલેસ્ટરોલ ૨૦૦ આવે અને તે સાવ ફૅટ ખાવાનું બંધ કરી દે તો પણ તેનું કૉલેસ્ટરોલ  ૧૪૦ રહેશે જ. એનો અર્થ એ થયો કે ખોરાકથી વધુ ફરક પડતો નથી.

 

ઘણા લોકોનું લિવર જ વધુ કૉલેસ્ટરોલ બનાવતું હોય છે. આ સંજોગોમાં લિવર સારી ક્વૉલિટીનું કૉલેસ્ટરોલ બનાવે, નિયંત્રિત માત્રામાં બનાવે એ માટે વ્યક્તિએ એક્સરસાઇઝ, સ્ટ્રેસ-ફ્રી લાઇફ, વ્યવસ્થિત ઊંઘ, સમતોલ આહાર, સ્મોકિંગ અને આલ્કોહૉલનું સેવન ન કરીને લાઇફ-સ્ટાઇલ સુધારવી જરૂરી છે. આ બધી જ વસ્તુઓ પર ધ્યાન દઈએ તો ચોક્કસ કૉલેસ્ટરોલના ઉત્પાદનમાં ફરક પડે છે. આ લાઇફ-સ્ટાઇલના સુધારની અસર વધેલા ટ્રાઇગ્લિસરાઇડ્સને કન્ટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvRo1gCAxW_3Y5ydap%3DQHwHn1NF75pg%3D%2BuOR8hzkrn5ZA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment