હાથના કર્યાં હૈયે વાગવા, આવ પાણા પગ પર પડ, જે ડાળ પર બેસવું એ જ ડાળને કાપવું કે વાડ ઊઠીને ચીભડાં ગળે... આ બધી કહેવત બાળકોને સમજાવવા માટે કોઈ પણ ટીવી ચેનલ સામે બેસાડી દો. કેરળનું રૌદ્ર પૂરતાંડવ હોય કે કર્ણાટકની નદીઓની વિનાશલીલા, બધું માનવસર્જિત છે. કુદરતને આડી ફાંટવા માટે મનુષ્યના લોભ અને અવિચારી પાગલપણે કરેલી ઉશ્કેરણીનું આ ભયાનક પરિણામ છે.
આમાં આશ્ર્ચર્ય પામવા જેવું નથી, પણ એક વાતનો આઘાર જરૂર લાગે કે સ્પષ્ટ ચેતવણી હોવા છતાં ન આપણે માન્યા, ન આપણે થોભ્યા. આ મામલો સમજવા થોડી ગંભીરતાની જરૂર છે. હાલમાં કેરળ અને એને અડીને આવેલા કર્ણાટકના જિલ્લામાં વરસાદે સૌને રાતા પાણીએ રડાવ્યા. આ બન્ને વચ્ચે કનેકશન છે. બે બાબત કૉમન છે: એક, માનવીય મૂર્ખતા, બે, વેસ્ટર્ન ઘાટ. પહેલાં મુદ્દામાં ઊંડા ઊતરતા પહેલા બીજો મુદ્દો. વેસ્ટર્ન ઘાટ. સહ્યાદ્રીને નામે ઓળખાતી આ પર્વતમાળા ઈન્ડિયન પેનિનસુલાના કિનારાની સમાંતરે છે. એની લંબાઈ ૧૬૦૦ કિલોમીટર. એ મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિળનાડુને સ્પર્શતી પસાર થાય. ભારતને કુદરતે આપેલી આ બેનમૂન સોગાદ છે. આ ઘાટનું વિશ્ર્વના દસ 'હૉટેસ્ટ બાયોડાઈવર્સિટી હૉટસ્પોટ્સ'માં સ્થાન છે. અહીં અનેક જાતના પશુ, પંખી, જીવડા, વનસ્પતિ, ફૂલ, છોડ, માછલી અને અન્ય જીવ જોવા મળે છે. અહીં ઉપલબ્ધ વન્યજીવનના ૩૨૫ નમૂના વિશ્ર્વમાં નામશેષ થવાને આરે છે. આપણા આ ઘાટમાં હજી અનેક વનસ્પતિ-જીવો મળવાની શક્યતા છે કે જે દુનિયામાં ક્યાંય ન હોય. એકદમ દુર્લભ. અદ્ભુત જૈવિક વૈવિધ્યના સ્વામી વેસ્ટર્ન ઘાટને વિશ્ર્વભરમાં 'યુનેસ્કો વર્લ્ડ હૅરિટેજ સાઈટ'નું સન્માન મળ્યું છે. તો પછી આવા ગૌરવપ્રદ ઐતિહાસિક વારસાને વરસાદ, પૂર અને વિનાશ-તાંડવ સાથે શા માટે જોડાય છે? આ જ છે મુદ્દો નંબર બે, માનવીય મૂર્ખતા. હા, લાખો વરસ જૂની બહુમૂલ્ય કુદરતી સંપદાનું સંવર્ધન કરવાને બદલે મૂરખ માનવી આત્મઘાતી વલણનું વરવું પ્રદર્શન કરી રહ્યો છે. વિકાસનો અંચળો ઓઢીને બેહુદી- બેહદ નફાખોરીમાં મહાલવા માનવીએ કુદરતી સમતુલાની ઘોર ખોદવા માંડી છે. વૃક્ષો કાપીને વનનું નિકંદન કાઢી નાખ્યું છે. પથ્થર મેળવવા પર્વતો તોડી રહ્યો છે. આ વિધ્વંશક પ્રવૃત્તિ છાનીછપની કે નજીવા પ્રમાણમાં નથી થતી. મોટેપાયે, ખૂબ મોટેપાયે થાય છે, ખુલેઆમ થાય છે અને બદનસીબે સરકારોય એમાં સામેલ છે. કુદરતી સમતુલા ખોરવી નાખવા સામે એકથી વધુ ચેતવણીય અપાઈ છે. પોતે દૂધથી ધોળા અને સવાયા હરિશ્ર્ચંદ્ર હોવાનો દંભ આચરવા માટે તપાસપંચની રચનાય થઈ, પછી અનુકૂળ તારતમ્ય હાથ ન લાગતા ભલામણો ફગાવી દેવાની નફ્ફટાઈ પણ આચરાઈ. આ બધું થતું રહે છે ને કેન્દ્ર સરકાર, ઉચ્ચ સ્તરીય ન્યાયતંત્ર અને માનવ અધિકાર પંચો કંઈ કરતાં નથી? કે કરી શકતાં નથી? વાત થોડી વિગતે. ૨૦૧૦માં પર્યાવરણ અને વન મંત્રાલયે વેસ્ટર્ન ઘાટ્સ ઈકોલોજી ઍક્સપર્ટ પૅનલની રચના કરી. જાણીતા પર્યાવરણવાદી, શિક્ષણશાસ્ત્રી, લેખક અને સૅન્ટર ફૉર ઈકોલોજી સ્ટડીના સ્થાપક માધવ ધનંજય ગાડગીલ જેવી કાબેલ-લાયક વ્યક્તિને બનાવી આ પૅનલની અધ્યક્ષ. આ ગાડગીલ સમિતિમાં પણ અનેક વિદ્વાનો અને નિષ્ણાતોનો સમાવેશ કરાયો. ગુજરાતના સોનગઢથી લઈને ક્ધયાકુમારી પાસેના મરુનથુવાઝામલાઈ વચ્ચે પથરાયેલા વેસ્ટનર્ર્ ઘાટના અભ્યાસાર્થે રચાયેલી સમિતિના અધ્યક્ષ ગાડગીલે જરાય શબ્દો ચોર્યા વગર સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે પર્યાવરણ પરત્વે સંવેદનહિનતા આવી ને આવી રહી તો સંપૂર્ણ પશ્ર્ચિમ ઘાટમાં સંકટ ઊભું થશે. કેરળમાં અમર્યાદ ગેરકાયદે બાંધકામ થાય છે, અનધિકૃત ખાણો ખોદાય છે અને પર્વતો તોડાય છે. કેરળમાં વરસાદનું પ્રમાણ સારું છે, પણ વિકાસના નામે પર્યાવરણની થતી હત્યા પ્રવર્તમાન આફત માટે જવાબદાર હોવાનો ગાડગીલજીનો દાવો છે. સરકારી કબૂલાત મુજબ કેરળનો ૯૦ ટકા ખાણકામ વ્યવસાય ગેરકાયદે છે. આમાં ખનિજની ખાણ અને પથ્થરની ખાણ પણ આવી જાય. સ્ટોનક્રશરની ગણતરી ૧૬૫૦ જેટલી નીકળી, પણ આમાંથી માત્ર ૧૫૦ જ કાયદેસર નોંધાયેલી હોવાની માહિતી ખુદ રાજ્ય સરકારે ગાડગીલ સમિતિને આપી હતી. સરકાર ખોટું થાય છે એ જાણે છે, સમિતિને જણાવે છે, પણ રોકી શકતી નથી? કે રોકવા માગતી નથી? આ સમિતિએ ભારે જહેમત ઉઠાવીને કેટલાય પ્રજાજનોને મળીને તેમને સાંભળ્યા, સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી અને સેટેલાઈટ થકી મેળવેલી તસવીરોને આધારે પર્યાવરણ સંબંધી અહેવાલ તૈયાર કર્યો. સાથે પોતાની ભલામણો જોડી. શાબાશી કે શિરપાવ આપવાને બદલે કેન્દ્રના પર્યાવરણ અને વન મંત્રાલયે એને કચરાની ટોપલીમાં પધરાવી દીધો. રાજ્યસ્તરે રાજકારણ આગળ ધરીને અહેવાલની બદનામી- બદબોઈ શરૂ થઈ ગઈ. લોકોના મનમાં ડર પેસાડી દેવાયો - આના અમલથી તો તમારી જમીન વનવિભાગના તાબામાં જતી રહેશે હો. કેરળની આફતને માનવસર્જિત ગણાવતા ગાડગીલસાહેબ કહે છે કે છેલ્લાં થોડાં વર્ષના તથાકથિત વિકાસ માટે રાજ્ય સરકારે પર્યાવરણ સંબંધી ઘણાં સમાધાન કર્યા છે, જેનો ભોગ જનતા બની રહી છે. સરકારે પર્યાપ્ત તકેદારી રાખી હોત તો દુર્ઘટનાનું સ્વરૂપ આટલું બધું વિકરાળ અને વિનાશક ન હોત. ગાડગીલ પૅનલે પર્યાવરણના દૃષ્ટિકોણથી જોખમી બની રહેલા વેસ્ટર્ન ઘાટ વિસ્તારમાં કુદરતી સમતુલા જાળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઘાટમાં પર્યાવરણીય સંવેદનશીલતાની સાચવણી માટે ત્રણ સ્તરની વ્યવસ્થા સૂચવી હતી. આ વિસ્તારમાં ચોક્કસ નવા ઉદ્યોગો પર પ્રતિબંધ મૂકવા સાથે 'વિકાસ કાર્ય' પર આકરા નિયમન લાવવાનો આગ્રહ કરાયો હતો. કમબખ્તી જુઓ કે વેસ્ટર્ન ઘાટ સાથે સંબંધ ધરાવતા છએ છ રાજ્યે એનો વિરોધ કર્યો. કારણ શું? વિકાસ કાર્યો? પ્રજા-કલ્યાણ? કે સ્થાપિત હિતો સાથેની ગંદી સાઠગાંઠ? જવાબ આપવાની જરૂર નથી. યે પબ્લિક હૈ, યહ સબ જાનતી હૈ... ગાડગીલ સમિતિની ભલામણનો મુખ્ય અર્ક એટલો જ હતો કે કુદરતી પર્યાવરણની સમતુલા જાળવો. બેફામ- ગેરકાયદે વૃક્ષ-કાપણી, ખાણ-ખોદકામ અને અનધિકૃત બાંધકામ અટકાવો. આ બધું એકદમ તાર્કિક અને અનિવાર્ય છે એ કહેવાની જરૂર નથી, પણ ગાડગીલ સમિતિના અહેવાલને વધુ પડતો પર્યાવરણ-તરફી ગણાવીને ફગાવી દેવાયો! પરંતુ સરકાર આટલેથી જ ન અટકી. જાણીતા વિજ્ઞાની કસ્તુરીરંજનના વડપણ હેઠળ નવી સમિતિ રચાઈ. ૨૦૧૩માં સુપરત થયેલા તેના અહેવાલમાં ગાડગીલ સમિતિની ભલામણોના દૂધમાં ધોધમાર પાણી ભેળવી દેવાયું. કસ્તુરીરંજન સમિતિએ ભલામણ કરી કે વેસ્ટર્ન ઘાટના માત્ર એક તૃતિયાંશ વિસ્તારને જ પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ જાહેર કરવો જોઈએ. રાજ્ય સરકારો સાથે લાંબીલચક મંત્રણા બાદ પર્યાવરણ મંત્રાલયે વેસ્ટર્ન ઘાટના ૫૭ હજાર કિ.મી. વિસ્તારમાં ખાણ-પ્રવૃત્તિ, મોટા બાંધકામ, થર્મલ પાવર પ્લાન્ટ અને પ્રદૂષણ ફેલાવતા મોટા ઉદ્યોગો પર પ્રતિબંધ મૂકી દીધો. આમાંથી કેરળનો ૧૩,૧૦૮ કિ.મી. વિસ્તાર હતો, પરંતુ રાજ્ય સરકારે વિરોધ કરતાં માત્ર ૯,૯૯૩ કિ.મી. વિસ્તારમાં ્રઆ પ્રતિબંધ મૂકાયો એ પણ કાગળ પર. એનો ગંભીરતાથી કે સખ્તાઈથી અમલ ન થયો. વ્યવસ્થિત અભ્યાસ પરથી સ્પષ્ટ થાય છે કે સમિતિની રચના કરવા, ભલામણ સ્વીકારવા કે ફગાવવાને બદલે માત્ર પ્રવર્તમાન કાયદાનો ઈમાનદારીથી- સખ્તાઈથી અમલ થાય તો ઘણી સમસ્યા ઊભી જ ન થાય, એમ ગાડગીલ માને છે. આપણે કાયદાનો કેટલો સરસ અમલ કરીએ છીએ કે ફરજ કેટલી ગંભીરતાથી નિભાવીએ છીએ એનું એક દૃષ્ટાંત જોઈ લો: ઑગસ્ટ, ૨૦૧૮ની વિનાશલીલામાં મેઈન વિલન બનનારો ઈડુક્કી ડેમ ઈરાદાપૂર્વકની ગુનાહિત અવગણનાનું ઉદાહરણ છે. આ બંધનો તટપ્રદેશ ગેરકાયદે બાંધકામ માટે હડપ કરી દેવાયો છે. પેરિયાર નદીને સમાંતર આવેલા કોચીના એર્નાકુલમ પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર હતો. આ નદીમાં ઈડામલાયાર બંધનું વધારાનું પાણી છોડાયું હતું. જોકે, બંધની સલામતી સંબંધી નિષ્ણાત એન. શશિધરનનું માનવું છે કે ઈડામલાયાર જળસંગ્રહાલયની સપાટી વધીને ૧૬૯ ફૂટ પહોંચી ત્યાં સુધી સત્તાધીશો ઘોરતા રહ્યા. જો બંધના દરવાજા વહેલા ખોલાયા હોત તો આ વિસ્તારમાંથી મોટાપાયે સ્થળાંતરની જરૂર ઊભી ન થઈ હોત, પરંતુ સત્તાધીશોએ એક સાથે બંધના ચારેચાર દરવાજા ખોલી નાખતા નીચાણવાળા વિસ્તારમાં ધારણા કરતા વધુ પૂરના પાણી ખૂબ ઝડપભેર ફરી વળ્યા હતા. ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીનું કેવું ભયંકર આયોજન? કે આયોજનનો સદંતર અભાવ? અને આ બાબતની ચેતવણી છેક ૧૪મી જૂને મળી ચૂકી હતી. ડિઝાસ્ટર રિસ્ક રિડકશન ઈન ધ યુનાઈટેડ નેશનસ ઍનવાયર્નમેન્ટ પ્રોગ્રામના વડા મુરલી થુમ્મારુકુડીએ આ લાલ સિગ્નલ બતાવ્યું હતું, પણ આવું બધું જોવા, સાંભળવા, સમજવા કે અમલ કરવાનો ટાઈમ ક્યાં છે કોઈની પાસે? ૨૦૧૭માં ગુજરાતે ભયાનક પૂર જોયું. ૨૦૧૮નું ચોમાસું પૂરું થયું નથી, ત્યાં કેરળ- કર્ણાટકનો વારો આવી ગયો. વેસ્ટર્ન ઘાટથી બહુ દૂર નહીં એવા ગોવા પર સંકટ તોળાતું હોવાની સાઈરન વાગી ચૂકી છે. મહારાષ્ટ્રેય લેશમાત્ર નિરાંત અનુભવવાની જરૂર નથી. બધું જાણવા-સમજવા છતાં કુદરતના કોપને આમંત્રણ આપવાને શું કહીશું? |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvGOq1e%3D2dX8cTmNAasVPa3a1KAf4uM_%2BsCU_6PnYeb2g%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment