સાંજે હનાન હમીદ થમ્માનમ જંકશન પર પોતાના રાબેતાના સ્થાન પર પહોંચી તો પોલીસે એને ત્યાંથી દૂર કાઢી હતી, કારણ કે આર્થિક તંગીને પહોંચી વળવા માછલી વેચતી 21 વર્ષની કૉલેજની વિદ્યાર્થિનીને જોવા લોકોના ટોળેટોળાં ઊમટ્યા હતા. માછલી વેચતી હમીદ હનાનની કથા લગભગ આખું સપ્તાહ સમાચાર માધ્યમોમાં ઝળકતી રહી હતી. કેરળની એક ખાનગી કૉલેજમાં બી.એસસી. કેમિસ્ટ્રીની આ છાત્રાને સોશિયલ મીડિયા પર બહોળો ટેકો મળ્યો હતો. એમ છતાં એકાદ દિવસમાં હનાન હમીદને કોઈ મલયાલમ ફિલ્મની ઑફર મળી હોવાની બાતમી ફૂટતાં સોશિયલ મીડિયા પર એ વખાણ બધાં ટીકા, ખારાં, અસૂયાભર્યાં, ક્ધિનાખોર અપશબ્દોમાં ફેરવાઈ ગયાં હતાં. પોતે કોઈ પ્રચાર-તુક્કાનું પ્યાદું નથી, એવું એના પર ઝીણી નજર રાખીને હાજર થયેલાં ટોળાંને સમજાવવાનો પ્રયાસ કરનારી હનાને પછીથી કહ્યું હતું કે, "લોકો મારા પોશાકની આલોચના કરવા લાગ્યા હતા. હું જે સોનાની વીંટી પહેરું છું એના વિશે સવાલો કરવા લાગ્યા હતા. મારા ચહેરા પરનો મેકઅપ, મારાં વસ્ત્રો, મારી દરેક બાબતોનું પૃથક્કરણ કરવા લાગ્યા હતા. જોકે, તોફાનીઓ-મસ્તીખોરો હનાનના જુસ્સાને, એની હિંમતને ભાંગી શક્યા નહીં. એકવીસ વર્ષની હનાનની સોશિયલ મીડિયા પર સતામણી કરાઈ, કારણ કે એ સ્વાભિમાન સાથેનું, ગૌરવભર્યું જીવન જીવવા પ્રતિબદ્ધ છે. એની સંઘર્ષકથા એક મલયાલી દૈનિકમાં પ્રગટ થઈ એના એક દિવસ બાદની એ સાંજે થમ્માનમ જંકશન પાસેના રસ્તા પર હનાન આંખોથી ચૂંથી નાખનારા ટોળા સામે ઊભી હતી. એ દિવસ ગુરુવારનો હતો અને સાંજના સાડાછ વાગ્યાનો સમય હતો. હનાનને સમાચાર માધ્યમોના પત્રકારો ઘેરી વળ્યા હતા. હનાન માછલી વેચવાનું આવક આપતું પોતાનું કામ કરવાને બદલે એ સાંજે પત્રકારોના સવાલોના જવાબો આપી રહી હતી. પત્રકારો અખબારમાં પ્રકાશિત થયેલી હનાનની વિટંબણા-કથાની સચ્ચાઈની હનાન પાસેથી જ ચકાસણી કરી રહ્યા હતા. આ સંબંધી અહેવાલ જાહેર થયો એટલે સોશિયલ મીડિયા ગાંડું થયું અને કેટલાક યૂઝરો તો સીધા હનાન હમીદના ઈરાદા બાબતે જ સવાલો કરવા લાગ્યા હતા. કેટલાક તો એમાંથી મજાક કરતાં પરોણો ઘોંચતા હતા તો બીજા કેટલાકોએ તો વળી, નિંદા કરીને કાળો કેર વર્તાવ્યો હતો. હનાન પત્રકારોને જવાબ આપતી હતી તેમ ટોળું વધતું જતું હતું. આવનારા-જનારા કુતૂહલધારીઓ પણ પોતાના મોબાઈલ પર એનું રેકોર્ડિંગ કરતા હતા. બે હાથ જોડી, આંસુભરેલી આંખો સાથે હનાન વારંવાર તેનાં ભણતર માટે અને એની માતા માટે આવક માટે સંઘર્ષ કરતી હોવાની વાત કરતી હતી. થોડુપુઝા ખાતે અલ અઝહર કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ સાયન્સમાં બી. એસસી.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે, એ એની બીમાર માતા સાથે વસવાટ કરે છે. તે વહેલી સવારે માછલાં ખરીદી લાવે છે અને એના ઘરમાં રાખે છે. કૉલેજ ભરીને દોડતી ઘરે પહોંચે છે, હંગામી દુકાન ખડી કરે છે અને માછલાં વેચવા બેસે છે. એની ઈચ્છા તબીબી સાયન્સમાં એમ.બી.બી.એસ. પૂર્ણ કરવાની છે, આ એનું ખ્વાબ છે. અખબારે એનો કૉલેજ યુનિફોર્મ સાથે માછલાં વેચતો ફોટો પણ છાપ્યો હતો, જે સામાન્ય માછલાં વેચતી મહિલાઓની મગજમાં ઘર કરી ગયેલી કાયમી છાપને જૂઠલાવે છે. સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓમાંના એક હિસ્સાને હનાન હમીદના સુઘડપણે તૈયાર થયેલી અને હળવો મેકઅપ ધરાવતી છાપમાં નીચાજોણું લાગ્યું. આને પગલે ટિપ્પણીઓનો મારો ચાલ્યો એમાં છોકરી એની આગામી ફિલ્મ માટે નાણાં ભંડોળ એકત્ર કરવા માટે આવું નાટક કરીને સહાનુભૂતિ જીતવા માગે છે, આ એનો પબ્લિસિટી સ્ટન્ટ છે, એવી ટીકા પણ કરાઈ હતી. આ અરસામાં ફિલ્મસર્જક અરુણ ગોપીએ તેમની ફિલ્મમાં હનાનને એક ભૂમિકાની ઑફર કરી હતી. ટ્રોલિંગમાં હનાન ઊંઘતી ઝડપાઈ હતી. એણે કહ્યું હતું કે, "લોકો મારા પોશાકનું પૃથક્કરણ કરતા હતા, મેં પહેરેલી સોનાની વીંટી અને મેં કરેલા મેકઅપ અંગે સવાલો પૂછતા હતા. હું વળી ફ્લોવર ગર્લ તરીક્ે અને કેટલાક પ્રસંગોમાં એન્કરનું અને ફિલ્મોમાં જુનિયર કલાકારનું કામ કરું છું એટલે હું લગભગ સમયે મેકઅપ કરું છું. આ વીંટી ખરીદવા માટે મેં વરસો સુધી નાણાંની બચત કરી છે. વધતા જતા ખર્ચને પહોંચી વળવા થોડા વધારે નાણાં માટે છોકરી માછલી વેચે છે ત્યારે હનાન નાણાં ઊભાં કરવાનો પ્રયાસ કરી રહી છે, એવી ટીકા સબબ પૂછવામાં આવતાં હનાને પોતાનું ક્રેડિટ કાર્ડ કાઢીને બતાવ્યું અને કહ્યું કે, "એક પ્રતિષ્ઠિત મીડિયા હાઉસે કહ્યું એટલે મેં મારો બૅંક અકાઉન્ટ આપ્યો હતો અને એ પણ મારા ટીચરોને પૂછીને! કોઈએ પણ મારા ખાતામાં નાણાં જમા કરાવ્યા હોય તે અત્યારે જ ઉપાડી શકાય છે. મારો પીન નંબર આપવામાં પણ મને વાંધો નથી. મને પૈસા નથી જોઈતા, પણ મને મારી જાત સાથે એકલી રહેવા દો. એણે બે હાથ જોડીને વિનંતી કરી હતી. અગાઉ શિક્ષકો અને એના મિત્રો પણ હનાન હમીદના ટેકામાં આગળ આવ્યા હતા. એ સિવાય પણ સોશિયલ મીડિયા પર કેટલાક શાણા-ડાહ્યા ગણાતા લોકો પણ એના ટેકામાં ઊભા રહ્યા હતા. હનાને તાજેતરમાં જ કાનની શસ્ત્રક્રિયા કરાવી હતી એટલે એની વેદના થતી હોવાનું એના ચહેરા પર જોઈ શકાતું હતું. એણે કહ્યું હતું કે, "આ બધી કમેન્ટ્સ સાંભળીને હું ખરે જ બહુ નારાજ-નિરાશ થઈ હતી, પણ હું કામ કરવાનું પડતું નહીં મૂકું. મારાં માછલીના બાંકડાને સ્થાને હું અહીં કે બીજે ક્યાંક નાનકડી દુકાન ખરીદવાનો પ્રયાસ કરીશ. જીવવા માટે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ટોળું વધતું રહ્યું હતું અને ટ્રાફિકની સમસ્યા વકરાવતું હતું સાથે હનાનનો કાનનો દુ:ખાવો પણ વધ્યો હોઈ પોલીસે હનાને ત્યાંથી દૂર કરીને ખાનગી હૉસ્પિટલમાં ખસેડી હતી. પછીથી હનાન ઘરે ગઈ હતી, સવારે ખરીદેલાં માછલામાંથી એક પણ માછલી વેચ્યા વિના એ સાંજે ઘરે ગઈ હતી! ટૂંકમાં, એ સાંજે નવા પૈસાની કમાણી કર્યા વિના ખાલી ખિસ્સે ઘરે ગઈ હતી. પછીથી રાતના કોચી શહેરના કૉર્પોરેશને હનાનને ટેકો આપવા હાથ લંબાવ્યો અને એને માટે એક કિયોસ્ક ઊભો કરવાની ઑફર કરી હતી. મેયર સૌમિની જૈને કહ્યું હતું કે, "કોઈ વ્યક્તિ હનાનની જેમ આવક-ખર્ચના બે છેડા ભેગાં કરવા મથતી હોય ત્યારે એને મદદ કરવી આપણી ફરજ બની જાય છે. એક યોગ્ય સ્થળ શોધી એને માટે વિનામૂલ્યે એક પરવાના સાથેનું કિયોસ્ક ઊભું કરાશે. દરમિયાન રાજ્યના મહિલા પંચનાં અધ્યક્ષ એમ. સી. જોસેફાઈને હનાન પરના સાઈબર હુમલાની આકરી ટીકા કરી હતી કે, "એક છોકરી એના જીવનના અવરોધો સામે લડવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે એના જુસ્સાને લોકો દ્વારા ઓનલાઈન આમ તોડી પાડવો એ તો શોચનીય, ઠપકાને પાત્ર કામ છે. વિગતવાર તપાસનો આદેશ આપવામાં આવ્યો છે અને એક વાર સ્પષ્ટતા થઈ જશે એટલે પંચ પગલાં લેશે. હનાનનો એકલપંડે ખેડાતો સંઘર્ષ એના કુટુંબને ભોગવવા પડેલા સામાજિક વિશ્ર્વાસઘાતનું જ જાણે વિસ્તરણ હોય એવું લાગે છે, હાલમાં તો! એવું જાણવા મળ્યું હતું કે હનાન હમીદના પિતા મૂળ મલયેશિયાના નાગરિક હતા તેમને ત્રિસુરના એક કુટુંબ દ્વારા દક્ષિણ-પૂર્વ એશિયાના દેશમાં વેપારી હિતોને ધ્યાનમાં રાખી કેરળ ખાતે લાવવામાં આવ્યા હતા. આ કુટુંબને જાણનારી એક વ્યક્તિએ કહ્યું હતું કે, "પછીથી ત્રિસુરના એ વેપારીના કુટુંબે હનાનના પિતા સાથે યોગ્ય વ્યવહાર ન કરતાં તેઓ કુટુંબથી અલગ ફંટાયા હતા. એમણે કેરળની સ્થાનિક ક્ધયા સાથે લગ્ન કર્યાં હતાં, પણ તેમને માટે જીવન સરળ નહોતું. હનાનના પિતાએ કરેલા આવકના અનેક પ્રયાસો ખરાબ રીતે નિષ્ફળ ગયા હતા. હનાનનાં માતા બીમાર પડતાં હનાન માટે તો ક્યાંય જવાનો માર્ગ જ નહોતો રહ્યો. કોઈએ એનો પરિચય અભિનેતા કલાભવન મણિ સાથે કરાવ્યો હતો. પછીથી સ્વર્ગસ્થ થયેલા મણિએ ત્યારે હનાનનાં માતાને કોચીમાં આયુર્વેદિક ડૉક્ટર પાઠવ્યા હતા, દરમિયાન હનાનના પિતા વધુ દૂર થયા અને કાળની ચપેટમાં ક્યાં જતા રહ્યા તે હજી જાણવાનું બાકી છે. વકીલ અને સામાજિક કાર્યકર્તા સંધ્યા રાજુએ હનાન પર કરાયેલા સોશિયલ મીડિયા હુમલાની "આ તો પિતૃપ્રધાન સમાજની માનસિકતાનો ગોબરો ચહેરો છે, જે માગે છે કે મહિલા ચોક્કસ રીતે રહેવી-દેખાવી જોઈએ તો અમે નક્કી કરી શકીએ કે દયા-સહાનુભૂતિ મેળવવાને લાયક છે કે નહીં. અરે એ છોકરી વીંટી પહેરે છે કે નથી પહેરતી, મેકઅપ કરે છે તે નથી કરતી એ બાબતો સાથે ટીકાકારોને કોઈ રીતે કશીય લેવાદેવા જ ન હોવી જોઈએ, જ્યારે એ કોઈની મદદ માગતી નથી અને પોતાનું ગુજરાન પોતાની રીતે મેળવી રહી છે ત્યારે તો ખાસ આ બાબતોને કશું જ મહત્ત્વ ન હોવું જોઈએ, કહીને આકરી ટીકા કરી હતી. એમ લાગે છે કે, પ્રખ્યાત રશિયન અમેરિકન નવલકથાકાર, નાટ્ય-ફિલ્મ પટકથા લેખિકા અને દાર્શનિક આયન રેન્ડનું એક કથન હનાન હમીદના સંઘર્ષના સટિક સુસંગત થાય છે. રેન્ડે કહ્યું હતું, "પ્રશ્ર્ન એ નથી કે મને કોણ દોરશે, પ્રશ્ર્ન એ છે કે મને કોણ રોકશે? |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osir%3D8gCQASj7TjdidbqR9d7VT6n36ab7ZdJQE852V4%2Bg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment