સાંજ પડ્યે એ ખેતરેથી ઘરે આવી. માથા પરનો સાંઠીનો ભારો ફળિયાના એક ખૂણે ઉતાર્યો. સાડલા પર પહેરેલું પતિનું જૂનું શર્ટ કાઢ્યું. નાવણિયામાં જઈ હાથ-મોં ધોયાં. સાડલાની કોર માથા પર નાંખી પાણિયારે કુળદેવતાને દીવાબત્તી કર્યાં. રાંધણિયામાં ગઈ. યંત્રવત્ ચૂલા પર તાવડી ચઢાવીને કથરોટમાં લોટ મસળવા લાગી. લોટ મસળતાં મસળતાં એક ફળફળતો નિસાસો સરી પડ્યો. 'હાય રે... જિંદગી! આ તે કંઈ જીવવું કહેવાય! નવાનક્કોર છાપા જેવા દિવસો કોઈનાયે સ્પર્શ પામ્યા વિનાના, કોઈનાય વંચાયા વિનાના, સાંજ પડતાં જ પસ્તી બની જાય! આયખાનાં આ અણમોલ વર્ષો આમ જ ટીબીયલ દાદાજી સસરા અને વિધવા સાસુની ચાકરી કરવામાં કાઢી નાંખવાનાં? વિક્રમ તો લગ્નના બીજા જ મહિને સુરત કમાવા ગયો અને ત્યાંથી પરબારો જ અબુધાબી હાલ્યો ગયો. દર મહિને કડકડતી નોટું મનીઓર્ડરમાં આવતી પણ એને શું ધોઈ પીવી છે? આ ઈન-મીનને તીનના રોટલા તો પોતાના ખેતરમાંથી જ નીકળી જાય.' રસોડામાં યંત્રવત્ લોટ મસળાઈ રહ્યો હતો. ભડ-ભડ બળતા ચૂલા પરથી રોટલા ઊતર્યે જતા હતા. ફળિયામાં સાસુ ભેંસ દોહી રહ્યાં હતાં અને ઓસરીમાં રવજીઆતા ખાંસી રહ્યાં હતા. બધી જ ક્રિયાઓ એકસાથે બની રહી હતી, પરંતુ કોઈનું એકબીજા સાથે કંઈ જ અનુસંધાન ન હતું. રસીલાને પોતાની જાત પર દયા આવી ગઈ 'પોતે શું હતી? ન પરણેતર-ન ત્યક્તા! આવી અવસ્થા દુવારકાવાળો કોઈને નો આપે' કહેતાં ફરી એક નિસાસો સરી પડ્યો અને રાંધણિયામાં જ ગૂંગળાઈ ગયો. વાળુ કરીને રસીલા ખાટલામાં પડી. હૈયે દાવાનળ ભભૂકતો હોય ત્યારે ઊંઘ તો કેમ આવે? એ વિચારતી રહી. 'આ વિક્રમ કઈ માટીનો બનેલો છે? એને મારી યાદ નહીં આવતી હોય? આ રૂપ-આ જોબન એને નહીં સાંભરતું હોય? નવીનવેલી પરણેતરને મેલીને કોઈ આમ રૂપિયા પાછળ ઘેલું થાતું હશે? સુરત જેટલે હોય તો મહિનેદા'ડે આંટોય મારે, આ તો સાત દરિયાપાર જઈને બેઠો છે. માણહ મરી જાય તો મેલો પહોંચતાય પંદર'દી લાગે એટલો દૂર!' ફરી એક નિસાસો સર્યો અને આંખ વાટે રેલાઈ ગયો. એને થતું આ નિસાસાઓને ભેગા કર્યા હોયને... તો કોક'દી આખું ગામ ઉડાડી દે! સવારે દાતણ કરી નાવણિયામાં જવા લાગી ત્યારે સાસુ એક ફૂલગુલાબી બાંધણી અને એક લાલ લે'રિયું એના હાથમાં મૂકતાં બોલ્યાં 'તમારા સસરા ગ્યા પછી આવા રંગ તો મારાથી હવે નો પે'રાય, તમે જ પે'રી નાંખોને!' રસીલાએ ગુલાબી બાંધણી ગાલે અડાડી. આહા... કેવો સુંવાળો સ્પર્શ! નાહીને બહાર આવી ઝાંખા પડી ગયેલા અરીસામાં ગુલાબી બાંધણીમાં જાતને જોઈ અને પોતાના પર જ મોહી પડી. છેલ્લે આવી સુંદર ક્યારે લાગી હતી એ યાદ કરવા છતાંય ન આવ્યું. તેથી શિરામણ કરીને ખેતરે જવા નીકળી. આખે રસ્તે મન ગુલાબી બાંધણીમાં જ અટવાયેલું રહ્યું. સતત વિક્રમ સાથે ચાલતો હોવાનો ભાસ થતો રહ્યો. ખેતરે પહોંચી એ વિશાળ વડલાના છાંયે ઊભી રહી દૂર દૂર સુધી ફેલાયેલા મોલને જોતી જ રહી. આંખો ઠારે એવો મોલ હિલ્લોળા લઈ રહ્યો હતો. આખુંયે ખેતર લીલાછમ ડૂંડાઓથી લચી પડ્યું હતું. એની કાળી મહેનત રંગ લાવી હતી. એકલા હાથે આ જમીનના ટુકડામાંથી સોનું ઉગાડવું કંઈ સહેલી વાત થોડી હતી? અચાનક શેઢો ઠેકીને બાજુના ખેતરમાંથી મેઘજી આ બાજુ આવ્યો. મેઘજી એટલે બાજુવાળા મગનકાકાના ખેતરનો ભાગિયો. સૌરાષ્ટ્રનાં ગામડાંઓના યુવાનો અબુધાબી, દુબઈ, સાઉદી અરેબિયામાં ઠલવાઈ રહ્યા હતા અને ઉત્તર ગુજરાતના ગરીબ યુવાનો સૌરાષ્ટ્રમાં રોટલો રળવા આવી રહ્યા હતા. આવો જ યાયાવર પક્ષીની જેમ સ્થળાંતર પામેલો મેઘજી ઘરબાર મેલીને આ ખોબા જેવડા ગામમાં આવી પડ્યો હતો. 'વાહ ભાભી... આ ફાટફાટ મોલ જોઈને આંખ્યું ઠરે છે હોં કે!' 'ઈ તો દુવારકાવાળાની કરપા અને ગલઢાવની પુનાઈ બીજું શું?' કહી રસીલાએ આકાશ સામે જોઈ હાથ જોડ્યા. એ રસીલા તરફ જોઈ બોલ્યો 'હા... ગલઢાવની પુનાઈ ને તમારી કાળી મહેનત. બાકી ખેતરના માલિક તો દરિયાપાર જઈને બેઠા છે!' રસીલાએ માત્ર 'હમ્મ' કહીને નાનકડો નિસાસો નાંખ્યો. 'ભાભી, અકલપંડે કેમ સચવાય છે આ બધું? કહીને મેઘજીએ એક નજર ખેતર પર અને એક નજર રસીલા પર નાંખી. 'માથે પડ્યું એટલે સાચવી લેવું પડે. બીજું શું કરીએ?' કહી રસીલા નીચા મોંએ સાવરણો લઈ વાળવા માંડી. વડલા હેઠે પથરાયેલાં પાંદડાં ભેગાં થવા લાગ્યાં અને ધૂળના ગોટેગોટા ઊડવા લાગ્યા. મેઘજી કશું બોલ્યા વગર ચાલ્યો ગયો. રાત્રે પથારીમાં પડતાં જ રસીલાને એ લીલોછમ મોલ, એ વડલાની શીળી છાંય અને મેઘજીની નજર યાદ આવી, એ સાથે વિક્રમ યાદ આવી ગયો. આમ તો ઊઠતાં-બેસતાં-ખાતાં-પીતાં ક્ષણેક્ષણે એ યાદ આવી જતો. એને થયું આ કાળુંડિબાંગ જીવતર અને આ સૂરજ વગરનું ગામ! ચારેકોર અંધારું જ અંધારું! એકાદા કિરણનીય આશા નહીં! કોણ જાણે કઈ ઘડીએ લેખ લખાયા હશે કે આવા વસમા વિજોગ જીરવવાનો વખત આવ્યો છે! હથેળીની મેંદીમાં ચિતરાયેલા એ નામે પહેલી રાતે કહ્યું હતું 'તને હથેળીમાં રાખીશ, તને ફૂલની જેમ સાચવીશ. તારો પડછાયો થઈને ફરીશ'. આજે ચારેકોર અંધારા ઘેરી વળ્યા છે ત્યારે એકલતાના કાંટા વેરીને ચાલ્યો ગયો... વેરીડો વિક્રમ! સુક્કુ હોય તો હજીયે સમજ્યા પણ આ લીલાછમ્મ પાંદડા જેવું આયખું આમ ઠેબે ચડતું રહેશે? શું આ કાળા અંધારિયા ઓરડામાં ક્યારેય અજવાળાં નહીં પથરાય! એની છાતીમાં વિચારોનું રૂ પીંજાઈ રહ્યું હતું અને રગરગમાં એનાં તાંતણાઓ ઊડી રહ્યા હતા. રસીલાએ જોરથી ઓશીકું છાતી સાથે દબાવ્યું અને પરાણે આંખો મીંચી લીધી. આંખ સામે મેઘજીની નજર અને લીલોછમ મોલ તાંડવ કરવા લાગ્યાં. અંધારિયો ઓરડો અને ઝળહળતો સૂરજ ડાકલાં વગાડતાં રહ્યાં. રૂંવેરૂંવે લાલચટ્ટાક કીડીઓની હાર ચાલી જતી હોય એમ એ અમળાતી રહી. સવારે એ જ ગુલાબી બાંધણી પર વિક્રમનું જૂનું શર્ટ પહેરતીક એ ખેતર ભણી ચાલી. લગભગ આખી રાત તૂટતાં-ભાંગતાં સપનાઓ સાથે ગાળી હતી. ચાલમાં ઊજાગરાનો ઓથાર હતો. ખેતરે પહોંચીને વડલા નીચે પાથરેલા ખાટલા પર બેસી પડી. જાણે વર્ષોનો થાક ભેગો થયો હોય એમ હાંફી રહી હતી. પરસેવો વળવા લાગ્યો એટલે શર્ટ કાઢી નાંખ્યું. એની ગુલાબી બાંધણી સામે આખા ખેતરની લીલોતરી ઝાંખી લાગવા લાગી. એ ફરીથી મનભરીને ખેતરને જોઈ રહી હતી... એનાથી આપોઆપ ખેતરની અને પોતાની સરખામણી થઈ ગઈ. ત્યાં જ બાજુના ખેતરમાંથી મેઘજી આવ્યો, 'કાં ભાભી... થાકી ગ્યાં કે શું? આંખમાં તો ઉજાગરો દેખાય છે. તબિયત સારી છેને?' લાગણીભર્યા સ્વરે બોલીને ખાટલા પાસે ઊભો રહ્યો. ખબર નહીં કેમ રસીલાની આંખમાંથી ડળક-ડળક આંસુ ખરી પડ્યાં. એ કશું ન બોલી શકી. મેઘજી એના ખાટલાની પાસે નીચે બેસી ગયો અને રસીલાની આંખોમાં જોઈ બોલ્યો 'બહુ એકલું લાગે છે ને?' રસીલા કશું બોલ્યા વગર મેઘજીની આંખોમાં જોઈ રહી. એ આંખોમાં પણ ખાલીપો ખખડી રહ્યો હતો. એ આંખોએ પણ કોઈના વિયોગમાં ઉજાગરો વેઠ્યો હતો. 'હું સમજું છું આ દખ! કોઈને કહેવાય નહીં ને સહેવાય પણ નહીં.' મેઘજી બોલતો હતો. રસીલા મૂંગા મોંએ સાંભળતી રહી. એને થયું એ એકલી નથી આ એકલતાના પ્રદેશમાં! બીજુંય કો'ક છે જે અસ્સલ આવા જ આકરા ઉનાળા વેઠી રહ્યું છે! બે એકલવાયાં મનેખ ભેગાં થાય ત્યારે કાં તો એકમેકની એકલતા ભાગી જાય ને કાં તો એકમેકની એકલતા બેવડાઈ જાય! રસીલાને સમજાતું ન હતું કે પોતાના કિસ્સામાં શું થવાનું છે! રસીલાને મૂંગીમંતર થયેલી જોઈ મેઘજી ચૂપચાપ ચાલ્યો ગયો. સાંજ પડ્યે રસીલા ઘરે આવી. ફરી હાથ-મોં ધોવાયાં, દીવાબત્તી થયા, રોટલા મસળાયા અને ફરી નિસાસા ગૂંગળાઈ ગયા. આખી રાત એને જાગતાં-સૂતાં એક સપનું દેખાયા કર્યું. એક નિર્જન ટાપુ પર પોતે સાવ એકલી બેઠી છે... કાળઝાળ ગરમીમાં શેકાઈ રહી છે. આસપાસ એક તરણુંય જોવા નથી મળતું અને એ તરસની મારી વલખાં મારી રહી છે. એ જોરથી સાદ પાડે છે 'વિક્રમ...' આસપાસની ટેકરીઓમાંથી પડઘા સંભળાય છે 'વિક્રમ' 'વિક્રમ' 'વિક્રમ'. એ આંખો ફાડીફાડીને ચારેબાજુ જોયા કરે છે પણ કોઈ દેખાતું નથી. એ તરસની મારી ઢગલો થઈને પડી ગઈ. થોડી વાર પછી એના ચહેરા પર ઠંડા પાણીની છાલક વાગે છે. એ આંખો ખોલ્યા વગર જ એ ભીનાશને, એ ઠંડકને માણતી રહે છે. એના ખુલ્લા મોંમાં કોઈ હળવેથી મીઠું પાણી રેડે છે અને તે ગટક-ગટક પીતી રહે છે. એની રગેરગમાં ઠંડક પ્રસરી રહી હતી. એને આંખો ખોલીને જોવું હતું કે કોણ છિપાવી રહ્યું છે એની આકરી તરસ! પણ એની આંખ પર મણમણનાં વજનિયાં પડી ગયાં હતાં જાણે! અચાનક એની આંખ ખૂલી ગઈ અને એણે પોતાની જાતને પોતાના જ ઘરમાં સૂતેલી જોઈ. આંખમાં સપનાનો ભાર લઈ રસીલા ખેતરે ગઈ. લાલ ચટ્ટાક લે'રિયું અને લીલોછમ મોલ જાણે એકમેકની હરીફાઈ કરી રહ્યાં હતાં. એ વડલા નીચે જઈને બેઠી ત્યાં જ એને થયું જાણે પેલા નિર્જન ટાપુ પર આવી ગઈ કે શું? મેઘજી આવ્યો, એ કશું બોલ્યા વગર એની સામે જોઈ રહી. મેઘજીનો ચહેરો જાણે ગાયબ થઈ ગયો હતો, દેખાતું હતું માત્ર એના હાથમાં રહેલું પાણી ભરેલું પાત્ર! અચાનક એની તરસે બંડ પોકાર્યું અને એ ઢળી પડી. મેઘજીએ દોડીને એને ટેકો આપી બેઠી કરી. રસીલાએ મેઘજીના ખભે માથું ઢાળી દીધું અને આંખો મીંચી પડી રહી. બંને હથેળીઓ ભીંસાવા લાગી, આંગળીઓ એકબીજામાં ગૂંથાવા લાગી, શ્ર્વાસ દોડવા લાગ્યા અને રસીલાના મોંમાંથી નીકળી પડ્યું 'ઓહ... વિક્રમ' અને મેઘજી 'મારી...જીવલી' કહીને રસીલાને વળગી પડ્યો. લીલાછમ્મ મોલની વચ્ચોવચ એક સૂરજ, એક અંધારી ઓરડીને ઝળહળાવી રહ્યો, બે વિરહી હૈયાં પોતપોતાનાં શમણાં લઈ પોતપોતાના આકાશમાં ઊડી રહ્યાં. એ પછી તો રસીલા ખેતરમાં બેધ્યાનપણે કામ કરતી રહી. એક ખટકો એને રહી રહીને પીડી રહ્યો હતો. કોઈ નાનકડી ફાંસ એને જંપવા નહોતી દેતી. અંદર અંદર કશું ચૂંથાતું રહ્યું આખો દિવસ! સાંજે ઘરે આવી હાથપગ ધોઈ, સાડલાની કોર માથા પર ઓઢી એણે પાણિયારે જઈ કુળદેવતાને દીવો કર્યો. દીવો કરતી વખતે એનો હાથ જરાય ન ધ્રૂજ્યો ત્યારે અચાનક એના મનનો બધોય ખટકો ધોવાઈ ગયો. જાણે બધોય ભાર હળવો થઈ ગયો! બીજી સવારે એ જ રાતુંચટ્ટાક લે'રીયું પે'રીને રસીલા ખેતરે પહોંચી. બાજુના ખેતરમાંથી ધીમા પગલે એની નીચી નજરે મેઘજી આવ્યો. દૂર જ ઊભા રહી એ હળવેથી બોલ્યો 'મારાથી ભૂલ થઈ ગઈ... કાલે જે કાંઈ થ્યું' એના શબ્દો ગળામાં જ અટવાઈ ગયા, આંખમાં પસ્તાવાનાં મોતી ઝબકી રહ્યાં. રસીલા એની પાસે ગઈ 'અરે મારા વીરા... તમે જરાય કોચવાવ માં...' કહીને પોતાના સાડલામાંથી એક લીર ફાડી મેઘજીના જમણાં કાંડે બાંધી દીધી. ખેતરની માટીથી મેઘજીના કપાળે ચાંદલો કર્યો અને ગળગળા સાદે બોલી 'કાલે તમે તમારી જીવી હાર્યે હતા અને હું મારા વિક્રમ હાર્યે! આપણા મનમાં કોઈ પાપ નો'તું. મારા દુવારકાવાળા અને આ લીલા મોલની સાખે કહું છું તમે મારી વીરા છો અને રહેશો.' બેય આંખો વરસતી રહી. મેઘજી કાંડા પરની રાતી લીર સામે ક્યાંય સુધી જોતો રહ્યો. એ નાનકડી લીરે એનો બધો ભાર ઉતારી દીધો. ત્યાર પછી તો કેટલાય મોલ ઊગ્યા અને કપાયા. કેટલીય રક્ષાબંધન આવી અને ગઈ. મેઘજીના જમણા કાંડા પર પેલી લાલ ચીંદરડી હજુયે હેમખેમ છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuhH30Ddeh_PhgwY%3DRmQ%2BM_aaWkcfC1Nvybt4jKvdbY_w%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment