Saturday, 1 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ચોમાસામાં ફાસ્ટફૂડ નહીં, ફાસ્ટિંગ ફૂડ ખાવ, સ્વસ્થ રહો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સાબુદાણા: ચોમાસામાં ફાસ્ટફૂડ નહીં, ફાસ્ટિંગ ફૂડ ખાવ, સ્વસ્થ રહો!
સ્વાસ્થ્ય સુધા-પ્રથમેશ મહેતા

 

ટૅપિઑકા નામ યાદ ન રહે તો, સાગો નામના વૃક્ષને યાદ રાખો. આ વૃક્ષના શક્કરીયા જેવા દેખાતા સ્ટાર્ચ યુક્ત મૂળિયામાંથી જ ટૅપિઑકા ઉર્ફે સાબુદાણા બને છે. સાગોના દાણા -સાગુદાણામાંથી ગુજરાતીમાં સાબુદાણા કહેવાની આદત પડી ગઇ હશે એવું લાગે છે. ચોખાની કણકી જેવા લાગતા હોવાથી ઘણા લોકો સાબુચોખા તરીકે પણ ઓળખે છે. આ મૂળિયાના મૂળ તો દક્ષિણ અમેરિકામાં પણ ૧૯૪૩માં આના છોડ દક્ષિણ ભારતના તમિળનાડુ અને કેરળમાં રોપવામાં આવ્યા. જોકે, કેરળમાં તો મોટા ભાગે આ છોડના મૂળિયાનો કંદમૂળની જેમ જ ઉપયોગ કરવામાં આવે છે, પણ તમિળનાડુના સેલમમાં સૌપ્રથમ આ મૂળિયાના માવામાંથી સાબુદાણા બનાવવાની શરૂઆત થઇ. જેમ ફ્રૂટ કરતાં ડ્રાયફ્રૂટ લાંબો સમય ટકે એમ કંદમૂળ કરતાં તેમાંથી બનતાં નાના સફેદ સૂકા દાણા ઉર્ફે સાબુદાણા બારેમાસ સંઘરીને તમે વારે તહેવારે એનો ઉપયોગ કરી શકો છો. તમને જાણીને નવાઇ લાગશે પણ પૂરા દેશમાં સાબુદાણાનો જે વપરાશ છે તેનું નેવું ટકા ઉત્પાદન તમિળનાડુના આ સેલમ વિસ્તારમાં થાય છે. અહીંની સેંકડો ફેક્ટરીઓમાં સાબુદાણા બનાવવાનો ઉદ્યોગ એક કુટિર ઉદ્યોગ તરીકે ફૂલ્યો ફાલ્યો છે. અહીં સાગો વૃક્ષના શક્કરીયા જેવા મૂળિયાને છોલીને તેમ જ ધોઇને તેની અંદર રહેલા સ્ટાર્ચયુક્ત માવાને આથીને એમાંથી નાની મોતીના દાણા જેવી ગોળીઓ બનાવીને શેકવામાં આવે છે. આ જ આપણા સાબુદાણા.

 

અલબત્ત ઘણા લોકો સાબુદાણા આથો લાવીને બનાવવામાં આવે છે એટલે માંસાહાર કહેવાય કે એને જે રીતે સેલમમાં બનાવવામાં આવે છે તે અરૂચિકર છે તેવી અફવાઓ ફેલાવતા રહે છે. જોકે, એ વાતમાં કોઇ દમ નથી. આપણે ત્યાં બનતા ઢોકળા, જલેબી, ઇડલી ઢોસા હોય કે પછી પાંઉ હોય આથો લાવવો જરૂરી છે. રહી વાત સાબુદાણાની બનાવટ વખતે સ્વચ્છતા જાળવવાની. તે હવે નવી પેઢીમાં વધતી જાય છે. સાલેમના કારખાનામાં કામ કરતાં કામદારો પણ હવે હાથમાં રબરના મોજા પહેરીને સાબુદાણા બનાવતી વખતની તમામ ક્રિયાઓ સ્વચ્છતાપૂર્વક પાર પાડે છે. આમ પણ સાબુદાણાને ગરમ કરી, શેકીને, સાંતળીને કે તળીને જ ઉપયોગમાં લેવાય છે એટલે તેમાં કોઇ અસ્વચ્છતા કે અશુદ્ધિનો અંશ રહેવાની શક્યતા નથી. વર્ષોથી આપણે ત્યાં લોકો સાબુદાણાની કાંજી બનાવીને ઉપયોગમાં લે છે. કાંજી ખાવાથી તબિયત સુધરી હોવાનું સાંભળ્યુ છે, પણ બગડી હોવાનું સાંભળ્યું નથી.

 

ચાલો, સાબુદાણાના ફાયદા જરાક વિસ્તારપૂર્વક જોઇએ

સાબુદાણા એટલે તાત્કાલિક શક્તિ (ઇન્સ્ટન્ટ એનર્જી) મેળવવા માટેનો યોગ્ય ખાદ્ય પદાર્થ. સ્ટાર્ચથી ભરપૂર સાબુદાણા કપડાને કડક કરવામાં તો વપરાય છે, પણ બીમારી અને અશક્તિને લીધે નરમઘેંશ જેવા થઇ ગયેલા તમારા તનમનને કડકાઇ,શક્તિ અને સ્ફૂર્તિ આપવામાં નિમિત્ત બને છે. તમે આખા દિવસના કામના અંતે ખૂબ થાકી ગયા હોવ ત્યારે એક કામ જરૂર કરજો. પલાળેલા સાબુદાણામાં થોડું મરચું-મીઠું અને શિંગદાણાનો ભૂકો નાખીને ખાઇ જોજો. થોડા જ સમયમાં તમારો થાક ઊતરી જશે. તમે ઘણી વાર જોયું, સાંભળ્યું કે અનુભવ્યું હશે કે ઘણા ડૉક્ટર બીમાર માણસને આહારમાં સાબુદાણાની કાંજી બનાવીને પીવાનું કહેતાં હોય છે...

 

સાબુદાણામાં કાર્બોહાઇડ્રેટ્સ ઉપરાંત પ્રોટીન્સ પણ સારા એવા પ્રમાણમાં હોય છે, જેનાથી તમારા શરીરના સ્નાયુઓ કસાય છે. સ્નાયુઓને નાની-મોટી ઇજા થઇ હોય તો રૂઝ આવી જાય છે. સ્નાયુઓ શક્તિશાળી બને છે. શરીરનો બાંધો મજબૂત બને છે. સાબુદાણામાં કેલ્શિયમ અને લોખંડ પણ હોઇ હાડકાં પણ મજબૂત અને સ્વસ્થ રહે છે. સાબુદાણાના નિયમિત ઉપયોગથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. હૃદયરોગની બીમારી સતાવતી નથી. જે લોકોની કાયા સાવ માયકાંગલી (વધુ પડતી પાતળી) છે કે જેમનું વજન જરૂર કરતાં ઓછું હોય તેમણે તો અવશ્ય પોતાના રોજના આહારમાં સાબુદાણાનો કોઇને કોઇ રીતે ઉપયોગ કરવો જોઇએ. શરીરને મજબૂત બાંધા સાથે ભરાવદાર બનાવવા માટે સાબુદાણા શ્રેષ્ઠ છે.

 

સાબુદાણા: નાના બાળકો માટે દૂધ પછીનો સૌપ્રથમ શ્રેષ્ઠ ઘન ખોરાક

નાના બાળકોને એક તો દાંત નથી હોતા અને તેમની પાચનક્રિયા પણ હજી અપરિપક્વ હોય છે. આવા સમયમાં દૂધ પછી જ્યારે એને ઘન(સોલિડ) ખોરાક આપવાનું વિચારો ત્યારે રવાનો શીરો તો ઉત્તમ છે જ પણ દિલ્હીની એક પ્રખ્યાત હૉસ્પિટલના મહિલા ડૉક્ટર અને પોષણ શાસ્ત્રી તો કહે છે કે આ રવા કરતાં પણ સાબુદાણા ઉત્તમ છે. રવામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, પણ સાબુદાણામાં તો કાર્બોહાઇડ્રેટ્સ ઉપરાંત પ્રોટીન, વિટામિન કે, કેલ્શિયમ, પોટેશિમ અને લોહ જેવા તત્ત્વો મોજૂદ હોય છે જે બાળકના સર્વાંગી વિકાસમાં અત્યંત ઉપયોગી છે. સાબુદાણા ચોક્કસ તમારા બાળકો માટેનો પહેલો સોલિડ અને શ્રેષ્ઠ ખોરાક બની શકે છે. પચવામાં હલકાં એવા સાબુદાણા તમારા સંતાનને કબજિયાત, અતિસાર અને અપચાથી તો બચાવે જ છે.

 

સાથે સાથે તેમનું વજન વધારવામાં અને હાડકા તેમ જ સ્નાયુઓના સમતોલ વિકાસમાં અત્યંત ઉપયોગી નીવડે છે. આખો દિવસ બાળકને શક્તિ અને સ્ફૂર્તિથી ભરપૂર રાખે છે. આયુર્વેદ પ્રમાણે સાબુદાણા ઉનાળાના દિવસોમાં પણ ઉપયોગી છે, કારણ કે ગુણમાં શીતળ હોવાથી ગરમીના દિવસોમાં શરીરના ઉષ્ણતામાનનું નિયમન કરીને એને ઠંડું રાખે છે.

 

સાબુદાણા: ગર્ભવતી મહિલાઓ માટે પણ આશીર્વાદરૂપ

ગર્ભાવસ્થા દરમ્યાન ઘણી મહિલાઓને કબજિયાતની ફરિયાદ રહેતી હોય છે. આને લીધે શરીર બેચેનીનો અનુભવ કરતું હોય છે. સાબુદાણાનો ઉપયોગ સગર્ભા શરીરની પાચનક્રિયા ઝડપી અને સરળ બનાવે છે. શરીરમાં રહેલા વિષદ્રવ્યોનો યોગ્ય નિકાલ કરી તન-મનને હળવાશનો અનભવ કરાવે છે.

 

બીજું, આ દિવસોમાં ઘણી મહિલાઓને થાક અને કંટાળાનો અનુભવ પણ થતો હોય છે. સાબુદાણાના ઉપયોગથી તેને તુરંત જ શક્તિ અને સ્ફૂર્તિ પ્રાપ્ત થાય છે. સાબુદાણા વિશે હજી એક સારી બાબત એ છે કે તેમાં વિટામિન બી કૉમ્પલેક્સ અને ફોલિક ઍસિડ હોય છે જે ખોડખાંપણ વગરના સ્વસ્થ બાળકના જન્મ માટે ઉપયોગી છે. ગર્ભાશયમાં બાળકના સ્વસ્થ વિકાસ માટે આ બે તત્ત્વો અત્યંત જરૂરી છે. તદુપરાંત તમારા ડૉક્ટરને એમ લાગે કે ગર્ભાવસ્થાના મહિનાઓ દરમ્યાન જેટલું વજન વધવું જોઇએ એટલું નથી વધતું તો તમારા આહારમાં સાબુદાણાનો ઉમેર જરૂર કરી દેજો. તમારા વજનને ઝડપથી વધારવા માટે સાબુદાણા અત્યંત ઉપયોગી છે.

 

આમ, સાબુદાણા પચવામાં હલકા હોવાથી શ્રાવણના ઉપવાસમાં તો કામ લાગે જ છે સાથે બારે મહિના તેનો ઉપયોગ કરી શકો તો ફાયદા જ ફાયદા છે. આ સાબુદાણામાંથી કાંજી, ઉપરાંત ખીચડી અને વડાં પણ બનાવી શકાય છે. જોકે, વડાં તળેલાં હોવાથી બીમારીમાં ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuLBNOB%3DkiQshRb1r-JcGN0fA%3Do8qEwtANd49kXe4HtQw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment