Saturday, 1 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઔરંગાબાદની અનોખી ટૉઈલેટ કૉલેજ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઔરંગાબાદની અનોખી ટૉઈલેટ કૉલેજ!

શિક્ષણ કે ભણતર એટલે શું? ક કમળનો ક અને ગ ગણપતિનો ગ, આઠ પંચા ચાળીસ અને હાઇડ્રોજન- ઑક્સિજનના સંયોજનથી પાણી તૈયાર થાય એવું બધું શીખવા મળે એને શિક્ષણ કે ભણતર કહેવાય? ઔપચારિકતા અનુસાર આ જવાબ હોઈ શકે છે, પણ હવે જગત ઘણું બદલાઈ ગયું છે. ફંક્શનલ નૉલેજ એટલે કે વ્યવહારુ જ્ઞાનને પણ મહત્ત્વ અપાઈ રહ્યું છે. એટલે મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં વર્લ્ડ ટૉઈલેટ કૉલેજ શરૂ થયાના સમાચાર વાંચીને આશ્ર્ચર્ય જરૂર થાય છે, પણ ચોંકી નથી જવાતું. સ્વચ્છ ભારતના અભિયાન હેઠળ શરૂ કરવામાં આવેલી આ કૉલેજમાં સફાઈ કામદારોને વ્યવહારુ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. આ કૉલેજમાં આશરે ૫૦૦૦ કર્મચારીઓને પ્રતિકૂળ વાતાવરણમાં સફાઈકામ કરવા વિશે તેમ જ એ જવાબદારી પાર પાડતી વખતે આરોગ્યની કાળજી કઇ રીતે રાખવી એનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

પાંચમા ધોરણ બાદ શાળા છોડીને વીસ વર્ષથી પાપી પેટની ભૂખ સંતોષવા માટે નાળા સફાઈનું કામ કરનારી વ્યક્તિને ૩૦ વર્ષની ઉંમરે કૉલેજમાં જવાની તક મળે ત્યારે...? સુનીલ ચાંડિલ્યની ઉંમર આજે ૩૦ વર્ષની છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી વર્લ્ડ ટોઈલેટ કૉલેજના પગથિયાં ચડવા માટે એ એટલો જ ઉત્સુક છે જેટલી ઉત્સુક્તા છ વર્ષના બાળકમાં હોય છે, એના શાળાના પહેલા દિવસે. ચાંડિલ્ય પોતાના ત્રણ દાયકાના જીવન અંગે વાત કરતાં જણાવે છે કે 'જ્યારે હું પાંચ વર્ષનો હતો ત્યારે મારા પિતાનું મૃત્યુ થયું અને દસ વર્ષનો થયો ત્યારે તો મારા માટે નોકરી શોધવાનું ફરજિયાત બની ગયું. છેલ્લા બે દાયકાથી હું નાળા સાફ કરીને જીવનનિર્વાહ કરું છું.'

ચાર વર્ષ પહેલાં સુધી તો ચાંડિલ્યને જાણ પણ નહોતી કે તે જે કામ પોતાનું પેટ ભરવા, જીવવા માટે કરે છે એ જ કામ એના માટે જીવલેણ પણ પુરવાર થઈ શકે છે. ભૂતકાળમાં ડોકિયું કરીને સુનીલ જણાવે છે કે 'ચાર વર્ષ પહેલાં ઔરંગાબાદમાં કોઈ સ્થળે કેટલાક લોકો નાળાસફાઈનું કામ કરી રહ્યા હતા અને બે જણ નાળામાં રહેલાં ઝેરી ગેસને કારણે ગૂંગળાઈને મૃત્યુ પામ્યા. આ ઘટનાના થોડાક દિવસ પછી જ અમે લોકો ફરી જાણે કશું બન્યું જ ન હોય એ જ રીતે અસંવેદનશીલ બનીને ફરી કામ પર ચઢી ગયા. કામ કરતી વખતે શું તકેદારીનાં પગલાં લેવા જોઈએ એ વિશે વાત કરવા કોઈ આગળ આવતું નહોતું. હાલમાં થોડાક જ મહિના પહેલાં અમે લોકો અમારા વિસ્તારના લોકોમાં આ વિશે જાગરૂક્તા લાવવા બેઠક બોલાવવાની શરૂઆત કરી. '

એનજીઓ અને વિવિધ કોર્પોરેટ કંપનીઓના સંયુક્ત નેજા હેઠળ ઔરંગાબાદમાં આ વર્લ્ડ ટોઈલેટ કોલેજ શરૂ કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'સ્વચ્છ ભારત' મિશનની જાહેરાત કરી અને જ્યાં સુધી કોલેજ શરૂ નહોતી થઈ ત્યાં સુધી સફાઈ કામદારો અને તેમની સમસ્યા વિશે કોઈને કંઈ પડી જ નથી એવું લાગી રહ્યું હતું. ૨૦૧૧ની વસતિ ગણતરી અનુસાર ૧.૮૨ લાખ પરિવારમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ સફાઈકામ સાથે સંકળાયેલી છે અને ભારતમાં ૧૯૯૩થી ડિસેમ્બર, ૨૦૧૭ સુધી ૮૧૩ સફાઈ કામદારોનું મૃત્યુ થયાં હતાં. કોલેજ શરૂ થયા પછી આશરે ૫૦૦૦ સફાઈ કામદારને પ્રશિક્ષણ આપવાનું લક્ષ્ય હોવાનું

આ કોલેજ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

આજે ભારતીય નાગરિકનું આયુષ્ય સરાસરી ૭૫ વર્ષ સુધી લંબાયું હોવા છતાં સફાઈ કામગારનું આયુષ્ય હજી સરાસરી ૪૫ વર્ષ જેટલું જ છે. કેટલાક જુવાન સફાઈ કર્મચારી ટીબીનો ભોગ બનીને કે દારૂના નશાની લતને કારણે અકાળે મૃત્યુ પામે છે. મોટાભાગના સફાઈ કામગાર નાળામાં ઊતરતી વખતે ઓટોમોબાઈલ્સમાં વપરાતા ગ્રીસને શરીર પર લગાવે છે. પરંતુ આ ગ્રીસને કારણે જ તેમને સ્કીન ઈન્ફેક્શન થઈ શકે છે, એ વાતથી તેઓ અજાણ હોય છે.

કોલેજમાં જવાનો ઉત્સાહ અને આનંદિત થઈ ઊઠેલા ચાંડિલ્ય વધુમાં જણાવે છે કે 'ઔરંગાબાદમાં વર્લ્ડ ટૉઈલેટ કૉલેજ શરૂ થયા બાદ મને જાણ થઈ કે કામ કરતી વખતે મારે ગમ્બુટ અને હાથ મોજાં પહેરવા જોઈએ. મને કામ કરતી વખતે ઘણી વાર ઈજા પહોંચી છે. હવે હું દર વર્ષે ટીટનેસનું ઈન્જેક્શન લેવાનો છું'.

આવા તો કંઈ કેટલાય ચાંડિલ્ય જેવા સફાઈ કામદાર હશે કે જેમને આવી અનોખી કોલેજમાં જવાની તક જ નહીં મળી હોય કે જેઓ એ પહેલાં જ અકાળે મૃત્યુને ભેટ્યા હશે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtDqAH51PLUPEdhb4ASxwm%2BRj4H5-NiMdx7mavoV_Zh4w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment