Sunday, 2 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઈમ્પોર્ટન્ટ અને અર્જન્ટ વચ્ચે અગ્રતા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઈમ્પોર્ટન્ટ અને અર્જન્ટ વચ્ચે અગ્રતા!
પુરુષ વાત- પુરુષ જાત-પરેશ શાહ

ચોક્કસ કામ માટે એક મિત્રને ફોન કરવો પડ્યો તો ત્રણેય વખત એ કહે કે, 'આયમ ટુ બિઝિ, વીલ ગેટ ટુ યુ ઈન એ મોમેન્ટ' એની એ મોમેન્ટ પંદર દિવસ પછી આવી, એ પણ એ એક ઠેકાણે અકસ્માતે મળી ગયો ત્યારે. એ વખતે ઊભરો આ શબ્દોમાં ઠલવાઈ ગયો કે, "તું બિઝિ નહોતો પણ અટવાયેલો હતો. કોઈ પણ વ્યક્તિ અતિ વ્યસ્ત હોતી નથી. ખરેખર તો એણે એની પ્રાયોરટી-અગ્રતા નક્કી કરી નથી એટલે એ અટવાયેલો-ગૂંચવાયેલો હોય છે. માણસ કાબેલ એટલે વળતી દલીલ ન કરી પણ કબૂલ કરી લીધું કે એનો વિદેશી બૉસ અહીં છે અને કામનું એટલું દબાણ છે, કામ એટલું અર્જન્ટ છે કે કંઈ સૂઝે એમ જ નથી.

આ પરિસ્થિતિમાં ઘણાં પુરુષો અટવાયેલા હોવાનું જોવા મળે છે. જાગતિક સમસ્યા છે. જેને પૂછો એ બિઝિ હોય છે. ખરી વાત એવી છે કે મોટાભાગના તો ઈમ્પોર્ટન્ટ (મહત્ત્વનું કે ગંભીર) અને અર્જન્ટ (તાકીદનું કે જરૂરી) કાર્ય વચ્ચેનો ભેદ પકડી શકતા નથી અને એને કારણે કરવાના કામની પ્રાયોરિટી-અગ્રતા નક્કી કરી શકતા નથી અથવા કરતા નથી એટલે પાંચ-પંદર કામમાં અટવાયેલા-ગૂંચવાયેલા રહે છે, સતત કામમાં પરોવાયેલા રહે છે. તમે જ્યારે કોઈને 'આયમ ટુ બિઝિ' કહો છો ત્યારે ખરેખર તો તમે એમ કહેતા હો છો કે, 'મેં પ્રાયોરિટી નથી નક્કી કરી, ફસાયેલો છું.' દરેક વ્યસ્ત પુરુષે તાકીદનું-અર્જન્ટ શું છે એ નક્કી કરવાને બદલે મહત્ત્વનું-ઈમ્પોર્ટન્ટ શું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે તમારી અગ્રતા બદલવી જોઈએ અને એમ પણ કહેવાય છે કે તમારે માટે ચોક્કસ બાબત મહત્ત્વની હશે તો એનો ઉકેલ લાવવાનો માર્ગ પણ મળી જશે અને એવું નહીં હોય તો તમને બહાનું પણ તરત સૂઝી આવશે. વળી, એટલું પણ સમજી લેવું મહત્ત્વનું-ઈમ્પોર્ટન્ટ છે કે, 'તમે જ્યારે તમારી અગ્રતા કતારબદ્ધ કે ક્રમબદ્ધ કરો છો ત્યારે સારી બાબતો બનવા લાગે છે.'

કામકાજનો સમય પૂર્ણ થાય એટલે કે દિવસના અંતે તમને એમ લાગે છે કે તમે મોટાભાગના કામની સમય-મર્યાદા સાચવી છે, પણ મૂળભૂત રીતે જે મહત્ત્વનું હતું એ તો સિદ્ધ થઈ શક્યું નથી કે હાંસલ થયું નથી? તો જાણી લો કે આવોે ભાવ ભોગવવામાં તમે એકલા નથી! ભૂતપૂર્વ સાઈકોલોજિસ્ટ ડૉ. એલિસ બોઈસ ખોટા સમયે મહત્ત્વના કામ કે સાચા ને યોગ્ય સમયે ખોટા કામ હાથ પર લઈને માનસિક તાણથી દૂર રહેવાની ટિપ્સ આપે છે, તે વિશે થોડું અહીં જાણી લઈએ.

ૄ મહત્ત્વના કાર્યોને સમયાનુસાર ગોઠવો અથવા વેળાપત્રક બનાવો. આ સંબંધી સંશોધનમાં જાણવા મળ્યું છે કે તમે ક્યાં અને ક્યારે શું કરશો એનું સમયપત્રક બનાવવાથી મોટાભાગે વેધકતાથી નિર્ધારિત કાર્યો થઈ જાય છે. બહુ ઈમ્પોર્ટન્ટ કાર્યોમાંથી કોઈ એક ચોક્કસ કામ ઉપાડો અને એને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો, ભલે એમાં આખો દિવસ કામ કરવું પડે. આ વ્યૂહને 'ટેબલ સાફ કરવું' (ક્લીયરિંગ ધ ડેસ્ક) કહે છેે. ટૂંકમાં હાથમાં લીધેલું કામ પૂર્ણ કરીને જ 'હાશ' કરવી, એવો એનો અર્થ છે.

ૄ મહત્ત્વના કાર્યમાં રહેલાં સૌથી વધુ અસરકારક તત્ત્વો-ઘટકોને નોખાં પાડો. તમે જ્યારે તમારો ગોલ-લક્ષ્ય નક્કી કરો ત્યારે એ લક્ષ્યની હાફ-સાઈઝની નકલ પણ બનાવો એટલે કે નિર્ધારિત સમય કરતાં ઓછા-અડધા સમયમાં કામ પૂર્ણ થાય એવી એક નાની આવૃત્તિ બનાવો. મનમાંને મનમાં તમારું મૂળ કામ અને એની અડધા કદની આવૃત્તિને મૂકો અને જાતને સવાલ કરો તેમાંથી કયો ગોલ-લક્ષ્ય-ધ્યેય વધારે વાસ્તવિક કે યર્થાથ લાગે છે. એ પછી પણ જો તમને એ કામનો વ્યાપ ડરામણો લાગતો હોય તો એેને વધુ ટૂંકાવો-ઘટાડો. ટૂંકમાં મોટો વ્યાપ ધરાવતા ઈમ્પોર્ટન્ટ કામના સૌથી વધુ અસર કરનારા ઘટકોને નોખા પાડો એટલે બિનજરૂરી પ્રક્રિયાનો ગાળો ઘટી જશે એમ કામની અડધા કદની આવૃત્તિ તૈયાર થશે. આમ કામનો વ્યાપ ઘટશે પણ એની અસર એટલી જ તીવ્ર રહેશે.

ૄ ચિંતા કરાવતી લાગણીઓનું અનુમાન કરો અને એનું યોગ્ય સંચાલન કરો. મહત્ત્વના એવા ઘણાં કાર્યો છે જેમાં કશું ખોટું થશે તો એવો ભયપ્રેરક વિચાર સહન કરવો જ પડે છે, જે ખરેખર ચિંતા-નિરાશાને વકરાવનારી બાબત છે. આવા કામોમાં વસિયત બનાવવું, ડૉક્ટર માટે કોઈ દર્દીની ગાંઠની ચકાસણી કરવી, વેપારી-ઉદ્યોગપતિ માટે બિઝનેસ કોને સોંપવો એ નક્કી કરવું અને એનું આયોજન કરવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. કશું ખોટું થશે એવા વિચારોને સહન કરવાની કુશળતા વિકસાવવી જરૂરી છે. ખરેખર તો એ ચિંતા-અસ્વસ્થાને મૅનેજ કરવી પડે, એનું સંચાલન કરવું પડે. આવા વિચારોને સ્વીકારો, પણ તેમાંથી કશી હોનારત બનશે જ એવી કલ્પનાઓ ન કરો. વિમાનમાં બેઠા એટલે એ પડી જ જવાનું નથી કે ટ્રેનમાં બેઠા એટલે એ પાટા પરથી ઉતરી જવાની નથી કે કાર ડ્રાઈવિંગ કરીશું તો અકસ્માત થશે જ એવું નથી. તમારો 'નારાયણ' કદી જ 'ન કરવાનું' કરતો નથી કે 'કરવાનો નથી'એવી પાકી ગાંઠ વાળી લો. આવી ભયની લાગણીઓ, વિચારો કાર્યને વધારે પડકારદાયક બનાવે છે અને એ લાગણી દરેક કામમાં અનુભવાતી હોય છે, પણ આ લાગણી તમારી કુશળતાની ધાર કાઢી આપે છે એ ન ભૂલવું.

ૄ ઓછા ઈમ્પોર્ટન્ટ-મહત્ત્વના કામમાં ઓછો સમય ગાળો. બિનમહત્ત્વના કામનો એક એવો ખતરનાક પ્રકાર છે જે જરૂરી સમય કરતાં વધારે સમય ખાઈ જાય છે. દાખલા તરીકે એક ચીફસબ તરીકે તમે કોઈ સબનો અહેવાલ સુધારવા બેસો છો અને છેક છેલ્લે જ ખબર પડેે છે કે તે એ અહેવાલ રિરાઈટ કરી નાખ્યો છે. લખેલા અહેવાલની ક્ષતિ દૂર કરતી વખતે તમે એનું ફેરલેખન કરી નાખો છો અને એમાં તમારા બે કલાક વપરાઈ ગયા હોય છે! હવેથી આવા કામમાં તમે કેટલો સમય વિતાવશો એ પહેલેથી જ નક્કી કરી નાખો. ચોક્કસ કામની સમયમર્યાદા આંકવાથી બીજા મહત્ત્વના અને તાકીદના કામ માટે થોડો વધુ સમય હાથવગો થઈ શકે છે. વળી, ક્યારેક તો કાર્ય કેવી રીતે ઉકેલવું છે એની ચર્ચામાં ઘણો સમય ખર્ચાઈ જતો હોય છે. એ ટાળવું.

ૄ તમારા કાર્યોનો અગ્રતાક્રમ નક્કી કરી લો, એનાથી અર્જન્ટ અને બિન ઈમ્પોર્ટન્ટ કામનો વ્યાપ ઘણો ઘટી જશે. તમે જે બાબતને સતત ને વારંવાર ટાળવા માગો છે તે એકની એક સમસ્યાનો વારંવાર ઉકેલ લાવવો પડતો હોવાની વાત છે અથવા એકની એક સૂચના વારેઘડીએ આપવી પડતી હોય એ વાત છે. આ તો એકનો એક ઉંદર ફરી ફરી પકડ્યા કરવા જેવી આ વાત છે. ગામડાંઓમાં ધણ વાળી જનારા જોયા છે? એક વાછરડાને કે એક અળવીતરા બકરાને ફરી ફરીને ટોળામાં લાવવા ગોવાળિયો હવામાં લાકડી ઉલાળતો એની પાછળ દોડ્યા કરતો હોય છે. તમે આવી સમસ્યાનો ઉકેલ લાવવાનું આઉટસોર્સ કરી શકો. પોતાની રીતે સમસ્યા દૂર થાય એમ એને ઑટોમેટ-સ્વયંચાલિત ઉપકરણને આધીન કરી શકો, કમ્પ્યુટરને સોંપી દઈ શકો. આટલી અગ્રતા નક્કી થશે તો બાકી અગ્રતા ગોઠવવાનું સરળ બનશે. જોકે, જીવનમાં કેટલીક 'નિર્ણય જળો' પણ હોય છે એટલે કે તમારા નિર્ણયને મોકૂફ રખાવે કે વિલંબમાં મૂકે એવી વ્યક્તિ 'નિર્ણય જળો' છે. સમજીએ... તમે કોઈને કોઈ એક કામ સંબંધે નિર્ણય લેવાનું કાર્ય સોંપો તો એ તમને નિર્ણયને બદલે બીજા પચીસ વિકલ્પ જણાવતો એક ઈ-મેલ મોકલી કહેશે કે જરા જોઈ લેજોને! આમ જવાબદારી તમારા માથે ફરી ચડાવી દેવાય છે. આવાઓને 'સીધી લીટી'માં લાવો. એ વ્યક્તિને એના ઈ-મેલનો ઉત્સ્ફુર્તપણે જવાબ આપવાને બદલે ચોખ્ખા શબ્દોમાં સૂચવો કે એ સ્પષ્ટ ભલામણ જ જણાવે.

ૄ તમને મોટી શક્યતાઓ સમજવામાં મદદ કરે છે એવી બાબતો પર ધ્યાન આપો. કોઈ એક કામમાં તમે ભેજું કસવા-પીસવામાં વ્યસ્ત હો છો ત્યારે વ્યાપક સંભાવનાઓ જોવા માટે મગજને મોકળું રાખવાનું મુશ્કેલ હોય છે, પણ તમને એ સંભાવનાઓ જોવામાં સાહજિકપણે મદદ કરે એવી ઝીણી ઝીણી બાબતો પર ધ્યાન આપવાની ટેવ પાડો. આખી સમસ્યાને મોટા ફલક પર જોશો તો એમાંથી મદદગાર તત્ત્વો પણ જોવા મળશે જે તમારા કામને ઝડપથી ઉકેલવામાં સહાયક બને. તમારી આંતરિક સૂઝને ચોક્કસ આયોજન-યોજના અને કાર્યમાં કેવી રીતે ફેરવશો એ વિશે વિચારવા માટે તમારી જાતને કામની વચ્ચે પણ થોડો સમય આપો. તમારા ઉપયોગમાં લેવાતા સમયના સગડનો અભ્યાસ કરતા રહેવાથી પણ કામની ઉકલતમાં મદદ મળે છે, પણ આમ સમયના સગડ ઉકેલવામાં પણ ફરી એટલો જ સમય ખર્ચાય છે, એના પર પણ સતત નજર રાખવી ઘટે.

અર્જન્ટના સ્થાને ઈમ્પોર્ટન્ટ કાર્યોનો અગક્રતાક્રમ ગોઠવવામાં સંઘર્ષ અનુભવતા હો ત્યારે જાત પર વધારે જુલમ ન કરશો. આજના આધુનિક જીવનમાં અનેક કાર્યોની જુદી જુદી સમય મર્યાદા અને નિર્ણયોનો કરવો પડતો સામનો જેવી બાબતોમાં અનેક મહત્ત્વના કાર્યોમાં ચિંતાની, નિરાશાની લાગણીને ઉશ્કેરતો પડકાર ભળે ત્યારે એ સંઘર્ષ લગભગ સાર્વત્રિક બની જાય છે. આ સમયે મહત્ત્વના કાર્યોનું વ્યાપક, વાસ્તવિક ચિત્ર જુઓ, એના પર ધ્યાન કેન્દ્રિત કરો અને જાતનો સર્વનાશ કરવાની દિશા તરફ જોવાનું બંધ કરી ફરી કાર્યોનો અગ્રતાક્રમ ગોઠવો અને જોમભેર કાર્યમાં લાગી પડો.

એક વાત જાણી લો તમારી અગ્રતામાં જ તમારું વ્યક્તિત્વ સમાયેલું છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsftcKD%3DjWE1rYf-LGvQhNgyG7u4HohX8X%3Dcwvnim-RXw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment