'બીઇંગ હ્યુમન' : વિચારોમાં 'અટલ'; વ્યક્તિત્વમાં વિશ્વ 'વિહારી'! પાકિસ્તાનમાં નવાઝ શરીફે કબૂલવું પડેલું કે અટલ બિહારી વાજપેયી અહીંથી ઉભા રહે તો ય ચૂંટણી જીતી જાય! યાદ રાખજો, આ શબ્દો આજીવન સંઘ નાયક રહેલા, અંગ્રેજી મીડિયાની ભાષામાં 'સેફ્રોન' લીડર ગણાયેલા લીડર માટે બોલાયેલા છે. 'એક સપના થા જો અધૂરા રહ ગયા. એક ગીત થા જો ગૂંગા હો ગયા! એક લૌ (જ્યોતિ)થી જો અનંતમેં વિલીન હો ગઈ, સપના થા એક એસે સંસાર કા, જો ભય ઔર ભૂખ સે રહિત હોગા ગીત થા એક ઐસે મહાકાવ્ય કા, જીસ મેં ગીતા કી ગૂંજ ઔર ગુલાબ કી ગંધ થી! લૌ થી એક ઐસે દીપક કી, જો રાતભર જલતા રહા, હર અંધેરે સે લગતા રહા ઔર હમે રાસ્તા દિખાકર એક પ્રભાતમેં નિર્વાણ કો પ્રાપ્ત હો ગયા.' મૃત્યુ ધુ્રવ (અટલ) હૈ. શરીર નશ્વર હૈ. કલ, કંચન કી જીસ કાયા કો હમ ચિતા પર ચડા કર આયે, ઉસ કા નાશ નિશ્ચિત થા. લેકિન ક્યા યહ જરૃરી થા, કિ મૌત ઇતની ચોરી છિપે આતી ? જબ સંગી- સાથી સોયે પડે થે, જબ પહેરેદાર બેખબર હો, હમારે જીવન કી એક અમૂલ્ય નિધિ લૂટ ગઈ!
ભારતમાતા આજ શોકમગ્ન હૈ. ઉસકા સબ સે લાડલા રાજકુમાર ખો ગયા. માનવતા આજ ખિન્નમના હૈ. ઉસકા પુજારી સો ગયા, શાંતિ આજ અશાંત હૈ - ઊસકા રક્ષક ચલા ગયા, દલિતો કા સહારા છૂટ ગયા. જન- જન કી આંખ તારા તૂટ ગયા. યવનિકાપાત હો ગયા (પડદો પડી ગયો) વિશ્વ કે રંગમંચ કા પ્રમુખ અભિનેતા અપના અંતિમ અભિનય દિખાકર અંતર્ધ્યાન (અદ્રશ્ય) હો ગયા. મહર્ષિ વાલ્મીકિને ભગવાન રામ કે સંબંધ મેં કહા હૈ કિ વે અસંભવો કે સમન્વય થે. દિવંગત આભા કે જીવનમેં મહાકવિ કે ઉસી કથન કી એક ઝલક દિખાઈ દેતી હૈ.
વહ શાંતિ કે પૂજારી, કિન્તુ ક્રાંતિ કે અગ્રદૂત થે. વે અહિંસા કે ઉપાસક થે, કિન્તુ સ્વાધીનતા ઔર સન્માન કી રક્ષા કે લિયે હર હથિયાર સે લડને કે હિમાયતી થે. વે વ્યક્તિગત સ્વાધીનતા કે સમર્થક થે, કિન્તુ આર્થિક સમાનતા લાને કે લિયે પ્રતિબદ્ધ થે. ઉન્હોનેં સમજૌતા કરને મેં કિસી સે ભય નહી ખાયા, કિન્તુ કિસી સે ભયભીત હોકર સમજૌતા નહીં કિયા. પાકિસ્તાન ઔર ચીન કે પ્રતિ ઉન કી નીતિ ઇસ અદ્ભુત સંમિશ્રણ કી પ્રતીક થી. ઉસ મેં ઉદારતા ભી થી, દ્રઢતા ભી થી. દુર્ભાગ્ય હૈ કિ ઇસ ઉદારતા કો દુર્બલતા સમજા ગયા. જબ કિ કુછ લોગો ને ઉનકી દ્રઢતા કો હઠવાદિતા સમજા.
જીસ સ્વતંત્રતા કે વો સેનાની ઔર સંરક્ષક થે, આજ વહ સ્વતંત્રતા સંકટભન્ન હૈ. સંપૂર્ણ શક્તિ કે સાથ હમે ઉનકી રક્ષા કરની હોગી. જી, રાષ્ટ્રીય એકતા ઔર અખંડિતતા કે વે ઉન્નત નાયક થે, આજ વહ ભી વિવાદગ્રસ્ત હૈ. હર મૂલ્ય ચૂકા કર હમે ઉસે કાયમ રખના હોગા. જીસ ભારતીય લોકતંત્ર કી ઉન્હોને સ્થાપના કી, ઉસે સફલ બનાયા. આ જ ઉસકે ભવિષ્ય કે પ્રતિ આશંકાએ પ્રગટ કી જા રહી હૈ. હમે અપની એકતા સે, અનુશાસન સે, આત્મવિશ્વાસ સે, ઇસ લોકતંત્ર કો સફલ કર કે દિખાના હૈ. નેતા ચલા ગયા, અનુયાયી રહ ગયે. સૂર્ય અસ્ત હો ગયા, તારો કી છાયા મેં હમે અપના માર્ગ ઢૂંઢના હૈ.
યહ એક મહાન પરીક્ષા કા કાલ હૈ. યદિ હમ સબ અપને કો સમર્પિત કર સકે, એક ઐસે મહાન ઉદ્દેશ્ય કે લિયે જીસ કે અંતર્ગત ભારત સશક્ત હો, સમર્થ હો ઔર સમૃદ્ધ હો... ઔર સ્વાભિમાન કે સાથ વિશ્વશાંતિ કી ચિર સ્થાપના મેં અપના યોગ દે સકે, તો હમ ઉસ કે પ્રતિ સચ્ચી શ્રદ્ધાંજલિ અર્પિત કરને મેં સફલ હોંગે, સંસદમેં ઉનકા અભાવ કભી નહિ ભરેગા, શાયદ નિવાસ મેં ભી ઉન જૈસા વ્યક્તિ કભી ભી અપને અસ્તિત્વ કો સાર્થક નહિ કરેગા. વહ વ્યક્તિત્વ, વહ જીંદાદિલી, વહ વિરોધી કો ભી સાથ લે કર ચલને કી વહ ભાવના, વહ સજ્જનતા, વહ મહાનતા શાયદ નિકટ ભવિષ્ય મેં દેખને કો નહિ મિલેગી. મતભેદ હોતે હુએ ભી ઉનકે મહાન આદર્શો કે પ્રતિ, ઉનકી પ્રામાણિકતા કે પ્રતિ, ઉન કી દેશભક્તિ કે પ્રતિ ઔર ઉનકે અતૂટ સાહસ કે પ્રતિ હમારે હૃદય મેં આદર કે અતિરિક્ત ઔર કુછ નહિ હૈ!
શબ્દશ: આ અંજલિ સ્વર્ગસ્થ અટલબિહારી વાજપેયીને લાગુ પડે (એક ફોરવર્ડેડ મેસેજમાં એવી મજાક હતી કે, સ્વર્ગમાં ૨૧મી સદીમાં પહોંચનારા એ એકમાત્ર ભારતીય નેતા હશે, બાકી બધા તો...) અને એક- એક શબ્દ જેમને અંજલિરૃપ છે, એવું આ પદ્ય જેવું અને પદ્યનો કેફ ઊભું કરતું ગદ્ય સ્વયં અટલબિહારી વાજપેયીનું જ છે! જી હા, ૨૯ મે, ૧૯૬૪ના રોજ ભારતીય લોકસભામાં કાયમ જેમના પ્રતિપક્ષમાં બોલવાનું થતું, એ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૃ ગુજરી ગયા ત્યારે અટલજીએ આ વિશ્વના યાદગાર પ્રવચનોમાં સમાવેશ થાય એવી હૃદયાંજલિ આપેલી! એ જ યથાતથ અહીં ઉતારી છે. માત્ર પાંચસાત વ્યક્તિગત સંદર્ભોની લીટીઓ કાઢીને અને પંડિતજીની જગ્યાએ 'દિવંગત આત્મા' અને તીનમૂર્તિની જગ્યાએ 'નિવાસ' એટલું જ કરીને...જેથી અટલબિહારીએ શ્રેષ્ઠ અંજલિ તો અડધી સદી અગાઉ ખુદ માટે રચી હોય એવો કાવ્યાત્મક આભાસ સર્જી શકાય!
કાવ્યાત્મક. પોએટિક. ધેટ્સ ધ કી વર્ડ. આમ તો અટલ વિહારી (ભ્રમણ કરનારા, વિહાર કરનારા, મસ્તમૌલા) પણ બાંકેબિહારીની જેમ બોલીમાં અટલબિહારી થઈ ગયું! તો આ અટલબિહારી ખરા અર્થમાં કવિજીવ હતા. રોમેન્ટિક રાજનેતા અને વક્તા. રોમેન્ટિક એટલે રેડ રોઝ ને ચોકલેટ નહિ, રંગદર્શી, સૌંદર્યદ્રષ્ટિવાળા, સંવેદનાઓ અને લાગણીઓના ચશ્માથી નજરને મેઘધનુષી બનાવવાવાળા! બહુ ઓછા આપણા રાજનેતાઓમા આ રમૂજ અને રોમેન્ટિસીઝમ જડે છે.
તાળીમાર પંચલાઇન વાળી વાતો કરનારા, વિરોધીઓ પર જનોઈવઢ કટાક્ષ કરનારા ઠાકરે જેવા ઘણા પ્રબુદ્ધ વક્તાઓ મળે. રોકડી સ્પષ્ટ વાતો કરનારા સરદાર જેવા અને જીવનનો બોધ આપી ગુરુજ્ઞાાન આપનારા ગાંધી જેવા ય મળે. પણ પાર્ટીઓમાં બીજાના જોક પર હસી શકે અને ખુદ પર જોક કરી શકે સરાજાહેર એવા અટલ તો ત્યારે કે અત્યારે વિરલ જ છે! ખિલખિલાટ અને ખેલદિલી એ એમનો અવિચલ સ્વભાવ.
અસ્મિતાની વાત બેખોફ થઈને સ્પષ્ટ કરે, હિન્દુ હેરિટેજ માટે ગૌરવ મહેસૂસ કરે અને એનો અહેસાસ બીજાને કરાવે, પણ એ વાત નફરત અને ડંખથી કરવાને બદલે જ્ઞાાન અને તર્કથી કરે. એટલે એની ધીમી ધારમાં વિરોધી વિચારવાળા પણ પલળે, રેઇનકોટ ન પહેરે! સ્થાયી સ્વભાવ જ વૈવિધ્યના સ્વીકાર અને વિભિન્ન વ્યક્તિત્વોને આદર આપવાનો. ચિરપરીચિત લહેકાથી જાદૂઈ અસર ઉભી કરી શકે પણ એમાં વૈશ્વિક દ્રષ્ટિકોણ અને ભાષાનો વિવેક કદી ચૂકે નહિ.
સ્વ-માન સાચવીને ય સંબંધનું સન્માન કરે. વાણી, હાથ અને આંખથી સત્ય કહેવાનો અભય. પણ એની સાથે ભળેલી કાવ્યાત્મક રસિકતા અને વત્સલ પ્રેમધારા.
લાગણીની સરવાણીમાં જાતમહેનત અને જાતઅનુભવના અભ્યાસની તપસ્યાનો રણકો ગૂંજે. સાંસ્કૃતિક ઓળખનું આત્માભિમાન હોવા છતાં સ્મિતસભર સર્વસમાવેશક ઉદારતાના સંસ્કાર કેવા હોય, એની ધર્મગુરુઓને ય શીખવાડી શકતી પ્રતિભાનો પ્રભાવ અટલજીમાં જાણે જન્મજાત. જેમના ક્વૉટ્સ કેનેડી કે લિંકનની જેમ આવનારી પેઢીઓના મોબાઇલમાં કંઠ-કલમ ભસ્મીભૂત થયા પછી પણ રહે એવા ભારતીય નેતાઓની દુર્લભ હરોળમાં અટલજી બિરાજ્યા. નરેન્દ્ર મોદી અને વાજપેયી, નેહરૃ ને ઇન્દિરા આ ઉદાહરણો છે કે મૌલિક અને તેજસ્વી વક્તૃત્વશક્તિથી માત્ર રાજધાનીમાં નહિ, ભારતીય જનમાનસમાં પણ રાજ કરી શકાય છે.
આ વંચાશે ત્યાં સુધીમાં તો અટલબિહારી વાજપેયી પર અઢળક છપાશે. લોકલાડીલા અને સર્વસ્વીકૃત નેતા હતા. પ્રણવ મુખરજી અને શશી થરૃર જેવા ગુણિયલ કોંગ્રેસીઓ પણ પૂરી ટર્મ વડાપ્રધાન બનનાર પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન માટે આખા લેખો લખી ચૂક્યા છે. રામચંદ્ર ગુહા જેવા સ્યુડો નહિ, પણ સ્કોલર સેક્યુલર ઇતિહાસકાર અને એવા જ પત્રકાર શેખર ગુપ્તા જેમના અવસાન પર આંસુ સારી રહ્યા છે, એ અટલજીમાં વિરોધીઓને જીતવાની પ્રચંડ શક્તિ હતી.
લાલકૃષ્ણ અડવાણી સાથે તો આપણી ઉંમરથી વધુ લાંબો સંબંધ રહ્યો જ, પણ એમના નિકટ ગણાતા પ્રમોદ મહાજન પણ અટલજીના સંકટમોચન રહ્યા. કોંગ્રેસી નેતા દ્વારકાપ્રસાદ મિશ્રના પુત્ર બ્રજેશ મિશ્ર એમના હનુમાન રહ્યા.
હવે જાણીતી થયેલી પણ હમણા સુધી અજાણી વાત છે કે પોખરણ અણુધડાકાની તૈયારી કરી ચૂકેલા નરસિંહરાવે સત્તા ગુમાવ્યા બાદ ખાનગીમાં એ વિજ્ઞાાનીઓની વિગત પછી વડાપ્રધાન બનેલા અટલજીને આપી, અને જશ પણ આપ્યો. રાજીવ ગાંધીએ કિડનીની સારવાર એમની અમેરિકામાં થાય એ માટે પોતે વડાપ્રધાન હતા ત્યારે વિપક્ષી નેતા તરીકે યુનોમાં અટલજીને મોકલેલા, એ અટલજીએ જ ખેલદિલીથી જણાવેલું. નેહરૃ તો એમના પ્રશંસક. ઇન્દિરા સાથે ય મતભેદ છતાં મનભેદ નહિ. પાકિસ્તાનમાં નવાઝ શરીફે કબૂલવું પડેલું કે અટલ બિહારી વાજપેયી અહીંથી ઉભા રહે તો ય ચૂંટણી જીતી જાય! યાદ રાખજો, આ શબ્દો આજીવન સંઘનાયક રહેલા, અંગ્રેજી મિડિયાની ભાષામાં 'સેફ્રોન' લીડર ગણાયેલા લીડર માટે બોલાયેલા છે! અટલજી તો ભારતમાં ય અલગ અલગ ચાર રાજ્યોમાંથી ચૂંટણી જીતી શકનાર એક માત્ર નેતા!
પોતાનાથી જુદા મતના લોકો પર આવો જાદૂ કેવી રીતે ? કારગિલ કે સંસદ પરના હુમલા વખતે કરારી જવાબ માટે ઉત્સાહિત, છતાં ય યુદ્ધ ન થાય એ માટે એટલે ચિંતીત કે 'યુદ્ધ શરૃ કરવું આસાન છે, પણ પુરૃ કરવું નહિ અને એનો ભોગ શાસકો કરતા પ્રજા વધુ બને છે' એવું એ માને! કાશ્મીરમાં આજે ય એમની જ કાશ્મીરીય, જમ્હૂરિયત, ઇન્સાનીયતની વાત દોહરાવવી પડે ને માત્ર એમને લીધે ઘાટી થોડા વર્ષો શાંત રહે એવો એમનો જાદુ! સ્પષ્ટપણે મુસ્લિમ આક્રાંતાઓના અત્યાચારોની, ભારતના ઇતિહાસના ખંડિત સ્વાભિમાનની અને આપણી ઉજ્જવળ સનાતન પરંપરાની વાતો કરે ને છતાં ય અફઘાનિસ્તાન અને ઇન્ડોનેશિયામાં ય મિત્રો ધરાવે! વિવાદિત ચિત્રકાર હુસેન કળાને વાજપેયીના રાજમાં સુરક્ષિત પણ પછી (મનમોહનસિંહ કાળમાં) અસુરક્ષિત માને! શાહરૃખખાન એના પપ્પાની આંગળીએ વાજપેયીના પ્રવચન સાંભળવા જતો એ યાદ વહેંચે અને અનિલ કપૂર એમની લખેલી ચિઠ્ઠી! ઇશા ગુપ્તા એમને અંજલિ આપે અને લતા આજે ય એક ગીત 'મૌત સે ઠન ગઈ' અંજલિરૃપે રજૂ કરે!
એવું નહિ કે, માત્ર મિત્રો સાથે સારી સારી વાતો કર્યા કરવાથી આવું માન અને લોકહૃદયમાં સ્થાન મળે. એમણે મોકો મળ્યો ત્યારે કામ પણ કરી બતાવેલું.
સર્વ શિક્ષા અભિયાન અને દેશ આખામાં થયેલી સડકો, રોડનું ઇન્ફ્રાસ્ટ્રકચર એમનું યોગદાન.
ભારતીય દાર્શનિકતાના અભ્યાસુ જીવ પણ 'જય વિજ્ઞાાન' જેવું સૂત્ર આપી, સેલ્યુલર (મોબાઈલ ફોન) ક્રાંતિને ય એમણે 'ઇન્ડિયા શાઈનિંગ'માં પરોવી. અત્યાર સુધીમાં સૌથી વધુ પબ્લિક સેકટર ડિસઇન્વેસ્ટમેન્ટ કરી પ્રાઈવેટાઇઝેશન પણ કર્યું. ૨૪ પક્ષોની ગઠબંધન સરકાર ચલાવી આપી. (ચોવીસ પરિવારના સભ્યો સાથે પ્રવાસ કરવામાં ય પ્રોબ્લેમ થઇ જાય છે!) એ હિંસાથી દુ:ખી થતા અને જવાનોના વેડફાતા લોહી અટકાવવા શાંતિ પ્રયાસોના સમર્થક હતા. પણ કાયર નહોતા!
હાઈજેક થયેલા એક લોકલ વિમાનમાં હાઈજેકરની માંગ મુજબ એ પ્રવાસીઓના જીવ બચાવવા એકલા વિમાનમાં પહોંચી ગયેલા. હાઇજેક પાસે બોમ્બ ન નીકળ્યો, પણ એ ખબર તો પછી પડી.
મૂળ વાત એ છે કે અટલજી સમદરપેટા હતા. જ્યાં વિવાદ કરતા સંવાદને વધુ મહત્ત્વ મળે એવું એમનું હૃદય હતું. એ ભારતના વૈવિધ્ય અને વિરોધાભાસને બખૂબી સમજતા હતા અને ગાંધીની જેમ ચુસ્ત હિન્દુત્વવાદી હોવા છતાં આ હકીકતને એમણે સ્વીકારી. ખુદના લિબરાલિઝમ બાબતે એ કલીઅર હતા, કન્ફ્યુઝડ નહિ.
કૂતરાં પાળવાના શોખીન, નોનવેજ પણ ખાઈ લે, શરાબ ને એવા માદક દ્રવ્યોનો પરહેજ નહિ. આ બધું ખુલ્લું, ખાનગી નહિ. પિતા કૃષ્ણબિહારી સાથે એક જ રૃમમાં ભણ્યા, ચપ્પલની પટ્ટી સંધાવવાના રૃપિયા ન હોય ને સતત હાર અને તિરસ્કાર મળે, એવા કામમાં સંઘકાર્ય કર્યું. એમના સહાધ્યાયી અને કમળા નેહરૃના ભાઈના પત્ની શીલા કૌલ સાથે એમને મધુર સંબંધ રહ્યા, અને લિવ ઈનની જેમ એ રિશ્તાને નામ આપ્યા વિના સાથે રહ્યા, દત્તક પરિવાર પણ રહ્યો અને 'અપરણીત છું, કુંવારો નહિ' એવા સ્ટેટમેન્ટમાં કશું છૂપાવ્યા વિના પણ જરૃરથી વધુ ઉઘાડયા વિના સાહિત્યિક અંદાજમાં સત્ય બયાન પણ કરી દીધું.
રાજકારણમાં ખુરશીના ખેલ માટે એક મતમાં સરકાર પડી જાય, એવી ખરાખરીના ખેલ થાય. પણ વિપક્ષ કે પક્ષના ય હરીફો તો ઠીક, સ્ટિંગ ઓપરેશનવાળા મીડિયાએ પણ કદી આ વાત ચગાવી નહિ.
અટલજી કોઈની પર્સનલ લાઈફમાં માથું નહોતા મારતા, એટલે એ જ મેચ્યોરિટીથી કોઈએ એ વાતમાં કૂથલી ન કરી. કરી તો નજીક સરકીને એમના - રસિક, પ્રેમાળ અભિગમ અને અસીમ લોકપ્રિયતાથી મળતી સફળતાથી દુભાયેલા પોતાના જ તેજોદ્વેષીઓએ! અટલજીએ એ વેદના કવિતામાં ક્યાંક વ્યક્ત કરી, બાકી હસી કાઢી અને એના હિસાબકિતાબ કરવાને બદલે પોતાના કર્તવ્યપથ પર જરાય વિચલીત ભયભીત થયા વિના ચાલવાનું ચાલુ રાખ્યું. પરિણામ નજર સામે છે.
એવી નિંદાઓ ભૂલાઈ ગઈ અને આદરના અભિષેક સાથે વિદાય થઈ. કાળે પણ એટલું માન રાખ્યું કે દરવાજે ટકોરાં મારતા પહેલા આ જીસસનો જન્મદિન શેર કરનાર પ્રજ્ઞાાપુરૃષને ચાહતા લોકોની સરકાર બનાવી, જેથી એમને યથોચિત સન્માન મળે, નરસિંહરાવ જેવી વિદાય ન થાય!
આનું સિક્રેટ શું ? એ જ કે, અટલજી ફેક નહોતા. એમના સિદ્ધાંતો, એમના આદર્શો કોઈ 'માસ્ક' કે દંભ નહોતો. વ્યક્તિગત સંપર્કમાં અહંકાર કે વેરવૃત્તિ લઈ આવવાને બદલે અલગ હોય એને માન આપતા. પોતાનાઓ ય ખોટા લોકશાહી વિરોધી ઉધામા કરે તો રોકડું પરખાવી ટોકી શકતા. ભેદને ભાવથી ઓગાળતા.
કાશ્મીરના યુવાનોની આંખો જોઈ એમણે સીઝફાયરની જાહેરાત કરેલી સભામાં વગર માંગણીએ. જવાનિયાઓની મસ્તી તોફાન 'બચ્ચે હૈ, શોર મચાને કી ઉમ્ર હૈ' કરી પચાવી જનાર વડીલ હતા. પણ બંધારણીય શિસ્તના વાણી સ્વાતંત્ર્ય જેટલા જ આગ્રહી હતા. બીજાના કામ જરાક જાત ઘસીને કોઈ સ્વાર્થ કે ખટપટ વિના કરો, તો કોઈક તમારા કામ કરે. થોડુંક એડજસ્ટેમેન્ટ બિયોન્ડ ધ બોક્સ કરવાની ફલેક્સિબિલિટી વાજપેયીમાં હતી. વળી, શબ્દો પાસેથી કામ લેવાની ગજબનાક કાબેલિયત હતી. એમના વિરોધીઓ ય એમને સાંભળીને એમના ચાહક થઈ જતા હતા. એટલે જ એક દસકાના રાજકીય વનવાસ પછી પણ એ બાઉન્સબેક થઈ વડાપ્રધાન બની શક્યા!
વાજપેયી બચપણથી જ વિદ્વાન, જ્ઞાાની હતા. અમસ્તા જ બીજા ઉચ્ચ કક્ષાએ પહોંચેલા લોકોની સોબત નથી મળતી. વાચન, વિહાર, વિચારને લીધે બધા મોટા લોકો ઈમ્પ્રેસ થતા.
સરળતા, નિર્દોષ હાસ્ય, સાહજીક સંવેદના અને મદદગારીને લીધે નાના લોકોના દિલમાં વસી જતા. જાહેરજીવન માટે જરૃરી તમામ સમાધાનો વચ્ચે પણ કવિજીવની કળારસિકતાનું પોષણ એ કરી શકતા. એટલે એમની વાતો ધાર્મિક નહિ, માનવીય લાગતી. એમનું આચરણ પાવર-સેન્ટ્રિક નહિ, પીપલ સેન્ટ્રિક રહેતું. સિયાસતની ઉપર ઈન્સાનીયત મૂકનારી પેઢીના આ કક્ષાના એ છેલ્લા પ્રતિનિધિ હતા.
નાની ઉંમરથી જ પોતાના લક્ષ્ય માટે સમર્પિત વાજપેયી હિન્દુ હેરિટેજ બાબતે યોગ્ય ગૌરવ અનુભવતા અસલી અને દ્રષ્ટાંતરૃપ હિન્દુ હિતેચ્છુ રહ્યા. 'રાઈટ મેન એટ ધ રોંગ પાર્ટી'ના આરોપના જવાબમાં હસીને કહેતા 'ભારત વિભાજન ન હોત, તો મારી પાર્ટી જ ન હોત!' જૂઠ અને વેરના કાવાદાવાથી ખદબદતા આપણી આસપાસના કાદવમાં સત્ય, સૌહાર્દ, સર્જકતા, સંવેદના અને સન્માનનું આ કમળ ખરી પડયું! એમના જેવા જ અટલ સ્વાભિમાની બનીએ, ભારતના ભાતીગળ વારસાના ખોજી એવા વિશ્વવિહારી બનીને વિજયી થઈએ, એ જ આપણું એમના ચરણોમાં કમળપુષ્પ! બાકી તો વિસ્મૃતિ એમને માટે વરદાન હતું, પણ આપણે એમને સ્મૃતિશેષ રાખીએ. અને શીખીએ કે આવી લોકચાહના એકાંગી જડતાથી છોડી સર્વાંગી સમતાની આધુનિકતા રસિકતાથી જ મળે!
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OspNNg8rMbDiywePPYT0gs166gY5g%2BZrTdZW0rsgQVcfw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment