Sunday, 2 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ક્રિકેટની પિચ પર ચેસની ચાલ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ક્રિકેટની પિચ પર ચેસની ચાલ!
કવર સ્ટોરી-દર્શના વિસરીયા

ક્રિકેટની પિચ પર શતરંજની જેમ દાવપેચ કરીને સામેની ટીમના ખેલાડીઓને પેવેલિયન ભેગા કરી દેનાર ૨૮ વર્ષીય યુઝવેન્દ્ર ચહલને ચેસમાં કરિયર બનાવવી હતી, પણ તકદીરે તેના માટે કંઈક અલગ જ વિચારી રાખ્યું હતું અને તે પહોંચી ગયો ક્રિકેટની પિચ પર...

હરિયાણામાં જન્મેલા યુઝવેન્દ્ર માટે ક્રિકેટની કેડી પર પણ ચાલી નીકળવું સહેલું તો નહોતું પણ કહેવાય છે ને કે એક વખત જો મનમાં કોઈ નિર્ધાર કરી લો તો રસ્તો પોતાની મેળે જ મળી આવે છે. આવો જ અનુભવ યુઝવેન્દ્ર કરી ચૂક્યો છે. યુઝન્દ્રના પિતા આમ તો વ્યવસાયે ઍડવૉકેટ છે, પણ તેના માટે એ હતા તેના ક્રિકેટના પ્રથમ ગુરુ.

કારકિર્દીમાં સફળ થનાર દરેક વ્યક્તિ ભણવામાં હોશિયાર જ હોય એવું નથી હોતું અને યુઝવેન્દ્રના કેસમાં પણ આવું જ હતું. ભણવા કરતાં ચેસ અને ક્રિકેટમાં જ રસ હતો અને તેમાં પણ ચેસ પ્રત્યેનો સૉફ્ટ કૉર્નર જરા વધારે જ હતો. કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે ચહલની પહેલી પસંદગી હંમેશાથી જ ચેસ હતી અને તે નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલ પર અનેક ટુર્નામેન્ટ રમી ચૂક્યો છે. સાત વર્ષની ઉંમરે ક્રિકેટ અને ચેસમાં તેની રુચિ કોઈને પણ અચંબામાં મૂકી દેવા માટે પૂરતી હતી.

ચેસ પ્રત્યેના તેના અભિગમને ધ્યાનમાં લઈને તેને વર્લ્ડ યુથ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા ગ્રીસ મોકલવામાં આવ્યો અને આપણો આ હીરો ત્યાં પણ પોતાના નામનો ડંકો વગાડીને આવ્યો. પણ જીવનમાં દરેક ગમતી વસ્તુ તમને મળે એ જરૂરી નથી એ જ ન્યાયે અમુક કારણોસર ચેસમાં કરિયર બનાવવાનું સપનું યુઝવેન્દ્રએ પડતું મૂક્યું અને ક્રિકેટની કઠણ કૅડી પર પગ માંડવાનો નિર્ધાર કરી લીધો.

પિતાને જ્યારે દીકરાની આ સમજદારીનો પરિચય થયો ત્યારેે તેમણે પણ દીકરા માટે કંઈક કરવાનો નિર્ધાર કરી લીધો અને તેમણે દોઢ એકરના ખેતરમાં જ દીકરા માટે ક્રિકેટની પિચ તૈયાર કરાવી દીધી. ચહલ રોજ ખેતરમાં જ ક્રિકેટની પ્રૅક્ટિસ કરતો. મિત્રો અને તેના પરિવારના નજીકના લોકોનું કહેવું છે કે ક્રિકેટની પ્રૅક્ટિસ કરતી વખતે અમે યુઝવેન્દ્રને ક્યારેય થાકતો જોયો નથી. કલાકોના કલાકો તે બસ ધ્યાન કેન્દ્રિત કરીને પ્રૅક્ટિસ કરતો રહેતો.

ખેતરમાં પ્રૅક્ટિસ કરતાં કરતાં યુઝવેન્દ્ર હંમેશા નવા નવા મુવ્ઝ અને શૉટ્સ શીખતો અને આ ખેતરની પિચે જ તેને બીજી એક મહત્ત્વની વાત શીખવી દીધી અને તે એટલે પરફૅક્શન. દીકરા માટે ખેતરમાં પિચ તૈયાર કરાવીને જ પાછળ હઠી જાય તો પિતા શેના? પિતાએ પણ સમય કાઢીને દીકરાને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું અને પિતા-પુત્રની આ તપસ્યાનું ફળ પણ બંનેને ખૂબ જ જલદી મળ્યું અંડર-૧૪ ટીમમાં યુઝવેન્દ્ર ચહલના સિલેક્શનરૂપે.

અંડર-૧૪માં પોતાની જગ્યા બનાવી લીધા બાદ હવે લડાઈ શરૂ થઈ પોતાની જાતને સિદ્ધ કરવાની અને મળેલી દરેક તકનો સોએ સો ટકા લાભ ઉઠાવીને યુઝવેન્દ્રએ પોતાની પ્રતિભાને પુરવાર પણ કરી, પણ તેમ છતાં યુજ્વેન્દ્ર પર હજી લોકોની નજર પડી નહોતી. પણ આખરે હીરાની ચમક ક્યાં સુધી છુપાવી શકાય અને એ દિવસ પણ આવી ગયો જ્યારે યુઝવેન્દ્રએ લોકોને તેની હાજરીની નોંધ લેવાની ફરજ પાડી. ૨૦૦૯માં અંડર-૧૯માં બિહાર ટ્રૉફીમાં એકલા હાથે ૩૪ વિકેટ લઈને યુઝવેન્દ્રએ ક્રિકેટ પ્રત્યેનું તેનું સમર્પણ અને તેનો પ્રેમ પ્રદર્શિત કરવામાં કોઈ પણ કમી નહોતી રાખી. બસ બિહાર ટ્રૉફીની જ્વલંત સિદ્ધિ બાદ તો તેના માટે એક અલગ જ દુનિયાના દરવાજા ખૂલી ગયા અનેે હરિયાણાની રણજી ટીમમાં તેણે જગ્યા બનાવી લીધી.

યુઝવેન્દ્ર તેની એકાગ્રતા અને ડેડિકેશનના રહસ્ય વિશે વાત કરતાં જણાવે છે કે 'ભલે હું ક્રિકેટના મેદાનમાં હોઉં. પણ મારા મનમાં તો ચેસ જ ચાલતી હોય છે અને ચેસની રમતમાં જે રીતે દુશ્મનની રીતે વિચારીને તે શું ચાલ ચાલશે તેનો અંદાજ લગાવીને જ આપણે આપણી બાજી રમીએ છીએ એ જ ટૅક્નિકને હું ક્રિકેટની પીચ પર પણ અનુસરું છું.'

૨૦૧૧માં આઈપીએલમાં પહેલી વખત યુઝવેન્દ્રને રમવાનો ચાન્સ મળ્યો અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના વિશ્ર્વાસ પર તે ખરો પણ ઊતર્યો અને તેનું પરિણામ એ આવ્યું કે ૨૦૧૪ની આઈપીએલમાં તે બૅંગ્લોરની ટીમમાં પહોંચી ગયો. આઈપીએલમાં પોતાના દબદબાભર્યા પ્રદર્શન બાદ પણ ઈન્ડિયન ટીમમાં યુઝવેન્દ્રને જગ્યા બનાવવામાં સારો એવો સમય લાગ્યો. આખરે એ દિવસ પણ આવ્યો કે જ્યારે ચહલનો ઈન્ડિયન ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો.

૨૦૧૬માં ઝિમ્બાબ્વે જઈ રહેલી ૧૫ જણની ટીમમાં યુઝવેન્દ્રનો સમાવેશ કરાયો અને આ સિરીઝમાં પણ તેણે ત્રણ વિકેટ લઈને ટીમમાં તેનો સમાવેશ કરવાનો નિર્ણય ખોટો નથી એવું ફરી એક વખત પુરવાર કરી દીધું. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઝળહળતા પ્રદર્શન માટે તેને 'મૅન ઓફ ધ મૅચ' બનાવવામાં આવ્યો હતો. ટી-૨૦ ક્રિકેટમાં રમવા માટે પણ આ જ દરમિયાન તેને ચાન્સ મળ્યો અને જેવો યુઝવેન્દ્ર પિચ પર ઊતર્યો ત્યારે બૅટ્સમેન ટેન્શનમાં આવી જતા અને ભારતને મળ્યો પહેેલો શ્રેષ્ઠ લેગ સ્પિનર.

વર્ષ ૨૦૧૭માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-૨૦ મેચમાં તેણે છ વિકેટ લીધી અને ટી-૨૦ના ઈતિહાસમાં આવું કારનામું કરનાર તે પહેલો લૅગ સ્પિનર બન્યો. જોકે જેમ બને એમ વધુમાં વધુ રન પોતાના એકાઉન્ટમાં જમા કરી લેવાના ગણિતમાં નહીં માનતો યુઝવેન્દ્ર પિચ પર સામેની ટીમના બૅટ્સમેનને જેમ બને તેમ જલદી પૅવેલિયન ભેગો કરી દેવામાં વિશ્ર્વાસ રાખે છેે અને તેનું ધ્યાન હંમેશા આ જ બાબત પર હોય છે.

પિચ પર એક સારા ખેલાડીની સાથે સાથે અંગત જીવનમાં તે એક સારો માણસ પણ છે અને હંમેશા તેના સાથી ખેલાડીઓની દોસ્તી-મસ્તી માટે તે સોશિયલ મીડિયા પર છવાયેલો પણ રહે છે. આજે ઈન્ડિયન ટીમના કૅપ્ટન કૂલ વિરાટ કોહલીની પહેલી પસંદ બની ગયેલો યુઝવેન્દ્ર રેસ્ટરૂમમાં વિરાટ અને મહેન્દ્ર સિંહ ધોનીને ભૈયા (ભાઈ) કહીને જ સંબોધે છે. ભારત સિવાયના અન્ય ક્રિકેટરો સાથે પણ તેના એટલા જ ગાઢ સંબંધો રહ્યા છે અને કદાચ એટલે જ આજે પણ યુઝવેન્દ્ર વેસ્ટ ઈન્ડિઝના ધુઆંધાર પ્લેયર ક્રિસ ગૅઈલને 'ચાચા' કહીને જ બોલાવે છે.

૨૦૧૯ના વર્લ્ડ કપની ટીમનું સિલેક્શન તો હજી બાકી છે પણ આ ટીમમાં એક ખેલાડીનું નામ હોઈ શકે અને એ એટલે યુજ્વેન્દ્ર ચહેલ અને તેનું કારણ છે કે તે કૉચ અને ટીમના કૅપ્ટન બંનેની પહેલી પસંદ છે. ચેસમાં વિશ્ર્વનાથન આનંદ બનવાનું તેનું સપનું તો અધૂરું છે પણ એ અધૂરા સપનાનું દુ:ખ ભુલાવીને એક નવું સપનું જોવું અને તેને સાકાર કરવા માટેની યુજ્વેન્દ્રની ધગશને સલામ!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuA73VjzEbMjxD3J3JZ8ic9PdD378BJ%3DXkYcHf2O-Y3pg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment