Wednesday, 26 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પ્રયાસનો પ્રયત્ન તો જુઓ કેવો ફળ્યો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રયાસનો પ્રયત્ન તો જુઓ કેવો ફળ્યો!
ખેલ અને ખેલાડી-અજય મોતીવાલા

 

 

 

આર્થિક ગેરરીતિઓ કરી હોવાના આક્ષેપને પગલે ૨૦૧૦ની સાલમાં ભારતથી નાસીને લંડનમાં સ્થાયી થઈ ગયેલા આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ના પંચાવન વર્ષીય ભૂતપૂર્વ ચૅરમૅન અને કમિશનર લલિત મોદીએ એપ્રિલ ૨૦૦૮માં પોતાની મજબૂત ટીમની મદદથી ક્રિકેટજગતની આ સૌથી મોટા ઇનામોવાળી અને સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ શરૂ કરી ત્યારે પશ્ર્ચિમ બંગાળનો નવયુવાન સ્પિનર પ્રયાસ રે બર્મન માંડ પાંચ વર્ષનો હતો અને ક્રિકેટ બૉલ હજી હાથમાં પણ નહોતો લીધો. વિધિના લેખ તો જુઓ કેવા છે, એ જ પ્રયાસ બર્મન હવે આઇપીએલનો સૌથી યુવાન ખેલાડી બનવા જઈ રહ્યો છે.

તાજેતરમાં જયપુરના મિનિ-ઑક્શનમાં ૭૦ ખેલાડીઓની પસંદગી માટે ૩૪૬ ખેલાડીઓના નામ પર બોલી બોલવામાં આવી એમાં ૧૬ વર્ષનો પ્રયાસ બર્મન સૌથી યુવાન હતો અને તેને વિરાટ કોહલીના સુકાનવાળી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર ટીમના માલિકોએ ૨૦ લાખ રૂપિયાની મૂળ કિંમત સામે ૧.૫૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. જો તે એપ્રિલ ૨૦૧૯માં શરૂ થનારી આઇપીએલમાં રમશે તો ૧૬ વર્ષની ઉંમરે આ ટુર્નામેન્ટનો યંગેસ્ટ પ્લેયર બનશે. અત્યાર સુધી અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહમાનનો વિક્રમ છે. તે વર્ષ ૨૦૧૮ની આઇપીએલમાં કિંગ્સ ઇલેવન વતી રમ્યો ત્યારે ૧૭ વર્ષ અને ૧૧ દિવસનો હતો.

વિરાટ કોહલી અત્યારે ટેસ્ટજગત તેમ જ વન-ડેની દુનિયાનો નંબર વન બૅટ્સમૅન છે. તેના નેતૃત્વમાં ભારતીય ટીમ અત્યારે ટેસ્ટમાં નંબર વન રૅન્ક ધરાવે છે. વિરાટે અનેક વિક્રમોને પોતાના નામે લખાવી દીધા છે અને વર્ષે ૧૫૦ કરોડ રૂપિયા કમાતો તે વિશ્ર્વનો સૌથી ધનિક ક્રિકેટર છે. ક્રિકેટ-સેલિબ્રિટીઝમાં મોખરાના ગણાતા વિરાટ સાથે ફોટો પડાવવાની ઇચ્છા કયા યુવાનને ન હોય! પ્રયાસ બર્મનને પણ વર્ષોથી એ ઇચ્છા હતી, પણ એનો તેને ક્યારેય મોકો નહોતો મળતો. જોકે, અત્યારે તેનું ભાગ્ય તો કેવું ચમકી ગયું! પ્રયાસ બર્મન થોડા મહિનાઓમાં તેના 'હીરો' વિરાટ કોહલીની કૅપ્ટન્સીમાં રમતો જોવા મળશે.

પ્રયાસ બર્મન લેગ-સ્પિનર છે. તે વિજય હઝારે ટ્રોફીની જે પહેલી સિઝન રમેલો એમાં તે બંગાળનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. ખુદ તેણે એક મુલાકાતમાં કહ્યું છે, 'ભારતના કોઈ પણ નવયુવાનની જેમ વિરાટ કોહલી મારો પણ રૉલ મૉડેલ છે. નાનપણથી હું ટીવી પર તેની મૅચો જોતો આવ્યો છું. તેની સાથે ફોટો પડાવવાનું મારું વર્ષોનું સપનું હતું. મેં ઘણી કોશિશ કરી હતી, પણ એમાં નહોતો ફાવ્યો. તેની નજીક આવવાની અને ફોટો પડાવવાની તક જ નહોતી મળી. જોકે, હવે હું મારા આ હીરો સાથે ડ્રેસિંગ-રૂમ શૅર કરીશ. મારા તો હજી પણ માનવામાં નથી આવતું. કોહલી ઉપરાંત એ. બી. ડી'વિલિયર્સ સાથે હું દરરોજ ડ્રેસિંગ-રૂમની મીટિંગમાં હાજરી આપીશ, તેમની સાથે પ્રૅક્ટિસ કરીશ અને તેમની સાથે વાતો પણ કરીશ. મને સતત વિચાર આવ્યા કરે છે કે આ બધા મહારથીઓ સાથે રહીને હું કેટલું બધુ નવું શીખવાનો છું.'

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર ટીમના બીજા જાણીતા ખેલાડીઓમાં પાર્થિવ પટેલ (વિકેટકીપર), મોઇન અલી, યુઝવેન્દ્ર ચહલ, ટિમ સાઉધી, નૅથન કૉલ્ટર-નાઇલ, ઉમેશ યાદવ, મોહંમદ સિરાજ, હિન્રિચ ક્લાસન (વિકેટકીપર), શિવમ દુબે, માર્કસ સ્ટોઇનિસ અને કૉલિન ડી'ગ્રૅન્ડહોમનો સમાવેશ છે. આ બધા અનુભવી ખેલાડીઓ વચ્ચે પ્રયાસ બર્મન સૌથી નાનો કહેવાશે અને તમામમાં પ્રિય બની જશે.

પ્રયાસ બર્મન ઉંમરમાં બધાથી નાનો છે, પરંતુ ઊંચા કદના ખેલાડીઓમાં જરૂર ગણાશે. ૬ ફૂટ ૧ ઇંચ ઊંચા પ્રયાસ બર્મનના બૉલ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અનિલ કુંબલેની જેમ સ્પિન થવાની સાથે ફાસ્ટ પણ પડતા હોય છે. પ્રયાસ બર્મન કહે છે, 'છેલ્લા બે-ત્રણ વર્ષમાં મારી હાઇટ ઘણી વધી ગઈ છે. મારા ઘણા મિત્રો મને કુંબલે જેવો સ્પિનર કહે છે.'

જોકે, પ્રયાસ બર્મન ટેસ્ટ-જગતમાં સૌથી વધુ વિકેટ લેનારાઓમાં ૬૧૯ વિકેટો સાથે ત્રીજો નંબર ધરાવતા કુંબલેનો નહીં, પણ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર શેન વૉર્નનો ચાહક છે.

પ્રયાસ બર્મનને વિજય હઝારે ટ્રોફીની મૅચો રમવા મળી છે, પણ પશ્ર્ચિમ બંગાળ વતી હજી સુધી રણજી ટ્રોફીમાં રમવાનો મોકો નથી મળ્યો. જોકે, આઇપીએલમાં રમવાનું તેનું નસીબ ચમકી ગયું છે. ભાગ્યે જ કોઈ ખેલાડીઓ એવા હશે જેઓ રણજી ટ્રોફીમાં રમ્યા વગર આઇપીએલના 'કરોડપતિ' બની ગયા હશે.

પ્રયાસ બર્મન પશ્ર્ચિમબંગાળના કૅપ્ટન મનોજ તિવારી અને કોચ સાઇરાજ બહુતુલે પાસેથી ઘણું શીખ્યો છે. જયપુરની હરાજીમાં તેને ૧.૫૦ કરોડ રૂપિયામાં બૅન્ગલોરની ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો એને પગલે તેને અનેક ફોન-કૉલ્સ આવ્યા હતા.

પશ્ર્ચિમ બંગાળમાં રહેતા પ્રયાસ બર્મનના પિતા કૌશિક રે બર્મન ડૉક્ટર છે. તેમના વિશે આ વહાલસોયો પુત્ર કહે છે, 'મારા પપ્પાએ મને ક્રિકેટમાં કરિયર બનાવવા હંમેશાં સપોર્ટ કર્યો છે. ક્યારેય તેમણે મને ક્રિકેટ રમવાનું છોડીને ભણવા પર જ ધ્યાન આપવાનું નથી કહ્યું. મારી બહેન આઇટી (ઇન્ફર્મેશન ટેક્નોલૉજી)ની પ્રોફેશનલ છે અને બેંગલુરુમાં કામ કરે છે. નસીબજોગે, હું ત્યાંની જ ટીમમાં સિલેક્ટ થયો છું અને થોડા મહિનાઓમાં પ્રૅક્ટિસ કરવા ત્યાં રહેવા જઈશ. મારા જીવનમાં ફેરફારો થવાની હવે શરૂઆત થઈ રહી છે. મને બહુ સારો મોકો મળ્યો છે અને મારે ઘણું બધુ શીખવાનું છે.'

---------------------------

બૅંગલોરની ટીમ ફેવરિટ અને એમાં જ સિલેક્ટ થયો

પ્રયાસ બર્મને ક્રિકેટની તાલીમ બહુ નાની ઉંમરે લેવાની શરૂઆત કરી હતી. તેણે સૌથી પહેલી ટ્રેઇનિંગ દક્ષિણ દિલ્હીની ગાર્ગી કૉલેજમાં રામપાલ ક્રિકેટ ઍકેડેમીમાં લીધી હતી. જોકે, ક્રિકેટર તરીકેનો તેનો 'ઉછેર' પશ્ર્ચિમ બંગાળ રાજ્યમાં થયો હતો જ્યાં તેણે દુર્ગાપુર ક્રિકેટ સેન્ટરમાં શિબનાથ રે નામના કોચ પાસેથી કોચિંગ મેળવ્યું હતું. તેના લેગ-સ્પિન સૌથી પહેલાં અંબર રૉય સબ-જુનિયર અન્ડર-૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લોકજીભે ચડ્યા હતા. પશ્ર્ચિમ બંગાળની અન્ડર-૧૬ ટીમમાં સિલેક્ટ થતાં જ તે કોલકતામાં સ્થાયી થયો હતો. ત્યાં તે ડમડમ પાર્ક વિસ્તારમાં દાદા-દાદી સાથે નાના ફ્લૅટમાં રહે છે.

પ્રયાસ બર્મન વર્ષોથી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર ટીમનો ચાહક છે અને તેની એ જ ફેવરિટ ટીમે તેને પોતાનામાં સમાવી લીધો છે. છેલ્લા બે વર્ષમાં તે મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રૉયલ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ (નવું નામ દિલ્હી કેપિટલ્સ)ની ટ્રાયલમાં ભાગ લઈ ચૂક્યો છે, પણ હવે બૅન્ગલોરની ટીમે તેને નવી સિઝન માટે પોતાને ત્યાં બોલાવી લીધો છે. જયપુરની હરાજી જોવા તે ટીવી સામે ગોઠવાયો ત્યારે તેણે એવું જ વિચાર્યું હતું કે તેને ૨૦ લાખ રૂપિયાની મૂળ કિંમતે એકાદ ટીમ ખરીદી લે તો સારું. જોકે, તેનું નામ બોલાતાં બૅન્ગલોર સહિતની કેટલીક ટીમોના માલિકોએ તેના નામ પર બોલી બોલવાની શરૂઆત કરી ત્યારે તેના આનંદનો પાર નહોતો રહ્યો. તે હજી પણ કહે છે, 'હું દોઢ કરોડ રૂપિયામાં ખરીદાયો એ મારા માનવામાં જ નથી આવતું.'

-----------------------------

ડૉક્ટર-પિતાએ શું સુંદર સલાહ આપી?

મૂળ પશ્ર્ચિમબંગના દુર્ગાપુરના વતની પ્રયાસ બર્મનનો જન્મ વર્ષ ૨૦૦૨ની ૨૩મી ઑક્ટોબરે થયો હતો. તે મધ્યમ વર્ગના પરિવારનો છે. તેનો ઉછેર દિલ્હીમાં થયો હતો. આ ટીનેજ સ્પિનર દિલ્હીમાં જ રહે છે. તેના પિતા ડૉ. કૌશિક રે બર્મન જનરલ ફિઝિશિયન છે અને દિલ્હીમાં પ્રોફેશનલ તરીકે કામ કરે છે. તાજેતરમાં જયપુરની હરાજીમાં પ્રયાસ બર્મનને (રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર તરફથી) ૨૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે ૧.૫૦ કરોડ રૂપિયાનો જેકપૉટ લાગ્યો એને પગલે પ્રયાસ તેને અભિનંદન માટેનો સૌથી પહેલો ફોન-કૉલ તેના પિતાએ કર્યો હતો. પ્રયાસ બર્મન ત્યારે એક મેદાન પર પ્રૅક્ટિસ કરવા ગયો હતો. પિતાએ તેને ફોન પર એટલું જ કહ્યું કે 'તને નાની ઉંમરે આઇપીએલમાં રમવાનો મોકો મળ્યો છે, પરંતુ તું દેશ વતી રમીશ એ જ તારી ખરી સિદ્ધિ કહેવાશે. પૈસાને તું ક્યારેય તારા પર હાવી નહીં થવા દેતો.' તેમણે બીજા એક પત્રકારને ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'મારા પુત્રએ ક્રિકેટર બનવા નાનપણથી ખૂબ મહેનત કરી છે. ઘણી વાર તેણે દિલ્હીથી કોલકતા અને કોલકતાથી દિલ્હી જવું પડ્યું છે. જોકે, હવે અમે બધા બહુ ખુશ છીએ. હું જાણું છું કે તેણે સતત મહેનત કરતા રહેવાની છે. તેણે આપણા દેશને, રાજ્યને અને વતનને ગૌરવ અપાવવાનું છે.'


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osp%2BZW0eNrtzYYx7eKrJDzbxhQxvdSeFmpo-Lg50ktfxw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment