Monday, 31 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સસ્સા રાણા આવે છે મોટી ફોજ લાવે છે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સસ્સા રાણા આવે છે મોટી ફોજ લાવે છે!
ઉઘાડી બારી-ડૉ. દિનકર જોશી

 

 

 

આ કૂચ ગીત આપણે સહુએ બાલ્યાવસ્થામાં દાદા-દાદીએ કહેલી વાર્તામાં સાંભળ્યું છે. છેલ્લા છએક મહિનાથી આવું જ બીજું એક કૂચ ગીત આજકાલ સવાર, બપોર, સાંજ સંભળાય છે. આ કૂચ ગીતના શબ્દો છે - 2019 આવે છે, 2019 આવે છે, 2019 આવે છે. (આ 2019ને કેટલાક અનુ આધુનિકો 2સ19 કહે છે. શૂન્યની જગ્યાએ આ સ વચ્ચે ક્યાંથી ઘૂસી ગયો એની તો તપાસ કરવી પડે.) આ 2019 જાણે બૂંગિયો વાગતો હોય એ રીતે સંભળાય છે. આ બૂંગિયો એટલે શું એ જો તમે ન જાણતા હો તો મેઘાણીભાઈ લિખિત 'સોરઠી બહારવટિયા' પુસ્તકનાં પાનાં ઊથલાવી જજો.

 

2019 એ કંઈ નવી વાત નથી. આપણે 2018 સુધી બધું જોયું છે. 2019માં પણ 2018 સુધી ઊગતો રહ્યો છે એવો જ સૂરજ પૂર્વમાં ઊગશે અને એ જ સૂરજ પશ્ર્ચિમમાં આથમી થશે. સમુદ્રમાં ભરતી-ઓટ પણ નિયમ પ્રમાણે જ થશે, યુદ્ધો થશે, વિશ્ર્વશાંતિની વાતો થશે, નવાં બાળકો જન્મશે અને જૂનાં થઈ ગયેલાં જતાં રહેશે. આવું બધું ક્રમાનુસાર બન્યા જ કરશે અને આમ છતાં 2019નાં ઢોલનગારાં જાણે કે કશુંક અવનવું બનવાનું હોય એમ એકધારાં વાગી રહ્યાં છે.


આ 2019નાં વધામણાં પ્રસાર માધ્યમો આ વરસમાં યોજાનારી સંસદીય ચૂંટણીઓને લક્ષમાં રાખીને વગાડી રહ્યાં છે. આપણા દેશમાં 1950માં જે બંધારણ અમલી થયું તદ્અનુસાર 1952માં પહેલી વાર સાર્વત્રિક મતાધિકારના ધોરણે ચૂંટણીઓ યોજાઈ હતી. 1952થી 2018 સુધીમાં પાર વિનાની ચૂંટણીઓમાં આપણે મત આપ્યા છે. સંસદ, ધારાસભા, મ્યુનિસિપાલિટીઓ, મધ્ય સત્ર કે પેટા ચૂંટણીઓ આવું બધું સતત ચાલતું જ રહ્યું છે. 1971 અને એ પછી 1977માં યોજાયેલી ચૂંટણીઓને પેલા સસ્સા રાણાની જેમ જ જોરશોરથી ગજાવવામાં આવી હતી.


1980ની ચૂંટણીમાં પણ આવું જ થયું. ચૂંટણીની આપણને કોઈ નવાઈ નથી અને જૂની સરકાર રહે કે નવી સરકાર આવે એનાથી પણ આપણને ઝાઝો ફેર પડતો નથી. ગાંધીજી એવું કહેતા કે સત્તા સ્થાને ખુરશીઓમાં ગોરા સાહેબોને બદલે કાળા સાહેબો બેસી જાય એનાથી પ્રજાનો ઉદ્ધાર થતો નથી. સાચું લોક સ્વરાજ આવતું નથી. સ્વાતંત્ર્યોત્તર 70 વરસમાં આપણે જોયું છે કે સત્તા સ્થાને બેસવા માટે ઢોલનગારાં વગાડનારાઓ જે કહે છે એને રૂપાળા શબ્દો સિવાય બીજું કંઈ કહી શકાય એમ નથી.


સત્તા સ્થાને ખુરશીઓમાં ગોઠવાયેલા ભાજપી વીરો હોય કે કૉંગ્રેસી હીરો કે પછી શિવસેનાથી માંડીને અકાલી દળ સુધીનાં કોઈપણ વગેરે વગેરે હોય, બે-પાંચ વરસમાં એમની ઈમારતો બને છે અને 70 વરસ પછી પેલો મતદાર તો ઘરબાર વગરનો એમને એમ જ નવી ચૂંટણીની રાહ જોતો હોય છે.


2019ની ચૂંટણી ભલે પક્ષીય ધોરણે થવાની હોવાનું કહેવાતું હોય પણ વાસ્તવમાં વ્યક્તિ વિરુદ્ધ વંટોળિયો એવું દૃશ્ય નજરે પડી રહ્યું છે. 1971 અને 1977માં પણ આવું જ ચિત્ર હતું. ઈંદિરા ગાંધી નામની એક વ્યક્તિની વિરુદ્ધ વિરોધ પક્ષો જોડાણ કરીને એકત્રિત થયા હતા. આવાં જોડાણો કે મહાજોડાણો કે સંયુક્ત વિધાયક દળો એક અદ્ભુત રચના જ કહેવાય, જેઓ આગલી સાંજ સુધી પરસ્પર સામે દાંતિયા કરતા હતા, ગાળાગાળી કરતા હતા, પરસ્પરને બચકા ભરીને કરડતા હતા તેઓ બધા બીજે દિવસે સવારે બંને હાથ ઊંચા કરીને પરસ્પરના હાથમાં હાથ પરોવીને ભૈબંધ થઈને ફોટા પડાવવા ઊભા રહી જાય એનાથી વધુ આશ્ર્ચર્યજનક બીજું શું હોઈ શકે? અને આ ફોટાની શાહી હજુ સુકાઈ પણ ન હોય ત્યાં પેલા પરસ્પરના હાથમાં પરોવેલા હાથ છુટ્ટા હાથની મારામારીમાં પણ પરિણમી જાય એવું પણ આપણે ક્યાં નથી જોયું?


વ્યક્તિ વિરુદ્ધ એકઠા થઈ જનારા આ સહુ હવે જોડાણ કે મહાજોડાણ તરીકે નથી ઓળખાતા. હવે તેઓ ગઠબંધન કે મહાગઠબંધન બની ગયા છે. ગઠબંધનની સરકારોના હાલહવાલ આપણે જોયા છે. જયપ્રકાશ નારાયણ કે મોરારજી દેસાઈની કક્ષાના રાષ્ટ્રીય નેતાઓ પણ આવા જોડાણની જોકને નભાવી શક્યા નહોતા. આજે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની સંયુક્ત સરકાર જે રીતે ચાલે છે એ જોતાં આવા ગઠબંધન કે યુતિને કાયમ માટે છૂટી કરી દેવી એ જ શાણપણનો માર્ગ છે.


સપ્તપદીમાં ફેરા ફરીને કુંવારી ક્ધયાને પત્નીપદે સ્થાપિત કરી શકાય (કે પછી પતિપદે સ્થાપિત થઈ શકાય) પણ એ પછી ઘરમાં રહીને પડોશી સાથે જાર કર્મ કરાય નહિ. શિવસેનાનું ધોળે દિવસે આ જાર કર્મ કોઈપણ પ્રકારની યુતિને કાયમ માટે વિદાય કરવા માટે પૂરતું છે.


2019ની ચૂંટણીઓમાં ધારો કે સરકાર બદલાય પણ ખરી. સરકાર બદલીની આપણને કોઈ નવાઈ નથી. વીસમી સદીના છેલ્લા દાયકામાં નરસિંહ રાવની સરકારે પોતાનો આયુષ્ય કાળ પૂરો કર્યો, પણ પછીનાં છ-સાત વરસોમાં વરસે-બે વરસે સરકારો બદલાતી ગઈ. વિશ્ર્વનાથ પ્રતાપ સિંહ, દેવેગૌડા, ઈન્દ્રકુમાર ગુજરાલ, એમના પૂર્વજો ચરણસિંહ અને ચંદ્રશેખરની જેમ ટપોટપ આવ્યા અને ટપોટપ ગયા. તેઓ આવ્યા નહોતા, તેમને લવાયા હતા અને લવાયેલા આ બધા આવ્યા એવા ગયા. હવે પછી 2019માં ફરી એક વાર આપણે આવા લવાયેલા અને ગયેલાનાં ટોળાં એકત્રિત કરવા છે કે એમનું સ્થાન દર્શાવી દેવું છે એ આપણે નક્કી કરવાનું છે.


નરેન્દ્ર મોદી પોતાના શાસન કાળનાં પાંચ વરસ પૂરાં કરે છે ત્યારે એનો હિસાબ-કિતાબ માગવાનો મતદારોને અધિકાર છે, જે માણસ રોજના સોળ કલાક એટલે કે ડબલ શિફ્ટમાં કામ કરતો હોય એ માણસના કામનો હિસાબ જોતાંવેંત મળી જતો હોય છે. એણે તમારા બૅંકના ખાતામાં પંદર લાખ રૂપિયા જમા ભલે ન કરાવ્યા હોય પણ દેશના અબજો રૂપિયા પોતાના કોઈ ભાઈ, ભત્રીજા, બહેન, બનેવી, દીકરી, જમાઈ કે સાસુ-સસરાના નામે હવાલા પાડ્યા છે ખરા? એણે જે કંઈ કરવા ધાર્યું હતું એ બધું એણે કર્યું નથી એ વાત સાચી પણ એનાથી એવું થયું નથી એ માટે આપણી જવાબદારી કેટલી છે એ ક્યારેય વિચાર્યું છે? સસ્તાં ઘર લોકોને મળ્યાં નથી એ વાત સાચી પણ આવાં ઘરો નહિ મળી શકવાનું કારણ, આપણે સહુએ એટલે કે પામતા પહોંચતા આસનસ્થ માણસોએ કેટલી લોંટાઝોંટી કરી છે એનો ક્યારેય વિચાર કર્યો છે? સ્વચ્છતા અભિયાન કે શૌચાલયો બાંધવાની હાકલ આ બધું શું કહેવા જેવી વાત છે? પ્રસારમાધ્યમો આ એક માણસની વિરુદ્ધ આપણને ગમે તે કહે પણ એનું સ્વતંત્ર મૂલ્યાંકન કરતાં આપણે શીખવું જોઈએ.


પ્રસારમાધ્યમનાં ટોળાંઓને પ્રધાનમંત્રીની કોઈપણ વિદેશયાત્રા વખતે સરકારી ખર્ચે હવાઈ જહાજમાં ગોઠવાઈ જવાની આદત થઈ ગઈ હતી અને 2014 પછી આ આદતને નવા પ્રધાનમંત્રીએ છુટ્ટી કરાવી દીધી. દેખીતું જ છે કે આવી છુટ્ટીને કારણે લાગતાવળગતાઓને કળ ચડી જ જાય.


સરખામણીનો કોઈ ઉદ્દેશ નથી છતાં કહેવું હોય તો કહી શકાય કે ગાંધીજીની આસપાસ જે રીતે દંભીઓનું ટોળું ગાંધીવાદી તરીકે વીંટળાઈ વળતું એ જ રીતે નરેન્દ્રભાઈના સત્તાધારી પક્ષમાં પણ સત્તા સ્થાને બેસી ગયેલા લાંચિયાઓ પણ કંઈ ઓછા નથી. આવા લોકોના કારણે કરવા જેટલાં કેટલાંક કામો પણ થઈ શકતાં નથી. આવાં કામો કરી શકાય એવાં હોય છે, પણ સત્તા સ્થાને ગોઠવાઈ ગયેલા પેલા ભ્રષ્ટ રાજકારણીઓ આવાં કામો થવા દેતા નથી.


ખરું કહીએ તો ચૂંટણીઓ એ કંઈ રાજકીય પક્ષોની પરીક્ષા નથી હોતી. રાજકીય પક્ષોના હિસાબ-કિતાબ કે લેખાજોખાંની પરીક્ષા આ પળે નથી થતી. આ પળે તો મતદાતાઓની પરીક્ષા થાય છે. સંસદની ચૂંટણી અને મ્યુનિસિપાલિટીની ચૂંટણી આ બંનેને એક નજરથી જોઈ શકાય નહિ. આ સૂઝબૂઝ મતદાતાઓમાં હોવી જોઈએ. 1977માં જ્યોર્જ ફર્નાન્ડિસ મુંબઈના બેતાજ બાદશાહ ગણાતા એસ. કે. પાટીલને પરાજિત કરીને સંસદસભ્ય બન્યા હતા. આ વખતે એમણે મતદારોને એમના ઘરમાં બંધ પડેલા નળમાં પાણી પહોંચાડવાનું વચન આપ્યું હતું. ફર્નાન્ડિસના મતવિસ્તારમાં ત્યારે પાણીની ભારે તંગી હતી. મતદારોએ ફર્નાન્ડિસની વાત સાચી માની લીધી અને એસ. કે. પાટીલ પરાજિત થયા. એનું વધુ નજીકનું ઉદાહરણ થોડાં વરસો પહેલાં જ આપણે ઉત્તર મુંબઈમાં પણ જોયું. સંજય નિરુપમ રામ નાઈકને પરાજિત કરે એમાં ઝાઝું આશ્ર્ચર્ય નથી પણ પચાસ વરસના જાહેર જીવનના પાયાના કાર્યકર તરીકે પ્રતિષ્ઠિત રામભાઉને ગોવિંદા પણ હરાવે ત્યારે તો મતદાર જ નાપાસ થયા છે એમ કહેવું પડે.


2019 આવે છે - ભલે આવે. એનાં આપણે સહુ વધામણાં કરીએ. રાજકીય પક્ષોનું તો જે થવાનું હોય તે થાય પણ આપણે આપણું શું કરવા ધારીએ છીએ? આપણે પાસ થવું છે કે નાપાસ? આપણે ટોળાંને હવાલે થવું છે કે પછી આપણને શિસ્તબદ્ધ કરવા મથતા એક માણસને સફળ થવાની તક આપવી છે?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou3%2BFNDdR9UCtACdKgtc_SWqD46bwVn_QciwYSSQ7YwMQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment