Sunday, 30 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આજની ચતુર નાર કેમ નાખુશ છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આજની ચતુર નાર કેમ નાખુશ છે?
પ્રાસંગિક-ભારતી દેસાઈ

 

 

 

મહાનગરમાં રહેતી અધિકતર ભારતીય નારી સ્વનિર્ભર છે, સ્માર્ટ છે તથા પતિ-બાળકોની સંભાળ લે છે તેમ છતાં તેઓ નાખુશ જોવા મળે છે. થોડા સમય પહેલાં ભારતીય માતા ખુશ છે કે નાખુશ છે તે બાબતે સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે દ્વારા જાણવા મળ્યું હતું કે 70 ટકા ભારતીય માતા કુટુંબની દેખભાળ યોગ્ય રીતે કરવા છતાં મનોમન દુ:ખી રહે છે. કેટલીક મહિલાઓ લગ્ન જીવનથી નાખુશ છે. પતિ સાથે મનદુ:ખ થવાને કારણે પણ તેઓ દુ:ખી રહે છે. તેનું મુખ્ય કારણ પતિ દ્વારા તેમણે કરેલા કામના યોગ્ય વખાણ કરવામાં આવતા નથી.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સોશિયોલૉજી ડિપાર્ટમેન્ટના ડૉૅ. સુરેન્દ્ર એસ જોધકા જણાવે છે કે ખુશી કે આનંદિત રહેવાની વ્યાખ્યા થોડાં થોડાં સમયે બદલાતી રહેતી હોય છે. એક સમયે ભૂતાનને સુખી કે આનંદિત દેશોમાં સ્થાન મળ્યું હતું. આજે કોઈ અન્ય દેશે તે સ્થાન છીનવી લીધું છે. આજના ઝડપી યુગમાં પુરુષો પણ માનસિક તાણનો શિકાર બનતા હોય છે. સુખી હોવાની વ્યાખ્યા પુરુષ તથા સ્ત્રીની અલગ-અલગ જોવા મળે છે. સ્ત્રીના મામલામાં પોષ્ટિક આહાર, નાંણાકીય સદ્ધરતાની અહમ્ ભૂમિકા જોવા મળે છે. ધોરણ 10-12નું રિઝલ્ટ બહાર પડે ત્યારે વિદ્યાર્થીનીઓ જ બાજી મારી જતી જોવા મળે છે. આજે પણ પુત્રીના જન્મની સંખ્યા ઘટી ગયેલી જોવા મળે. આધુનિક કુટુંબોમાં પુત્ર-પુત્રી વચ્ચેનો ભેદભાવ ભૂલાઈ ગયો છે. બંનેને આગળ વધવા માટે યોગ્ય સવલતો પૂરી પાડવામાં આવે છે.

વાસ્તવમાં માતાની આનંદની વ્યાખ્યા ઘણી જ સિમિત છે. સંતાનો કે પતિના જીવનમાં નાની પણ પ્રગતિ તેમને પ્રસન્ન કરી દે છે. નાણાંકીય સદ્ધરતા તથા ઘરનું ઘર પ્રત્યેક નારીનું સ્વપ્ન હોય છે. નારી ગમે તેટલા મોટા સોપાનો સર કરતી જાય તેમ છતાં એક માતાની દુનિયામાં ખુશાલી તો તેમની અંગત ગણાતી વ્યક્તિની પ્રગતિની સાથે જ જોડાયેલી હોય છે. માતાની ડ્યૂટી સૌથી અઘરી તથા સૌથી લાંબી ગણાતી હોય છે.

અમદાવાદ સ્થિત ફેશનડિઝાઈનર વંદના શાહ સંયુક્ત કુટુંબમાં રહે છે. વંદનાનું કહેવું છે કે સવારના વહેલાં ઊઠીને બે પુત્રીઓને શાળામાં સમયસર મોકલાવાનું કામ પૂર્ણ થયું નથી કે તેની સાથે ઘરની નાની મોટી જવાબદારી નિભાવવી પડે છે. બપોરના સમયે મારા ફેશન ડિઝાઈનિંગના કામમાં, ગ્રાહકોને સંભાળવા, દરજી સાથે પણ અનેક માથાકૂટ કરવી પડતી હોય છે. સાંજના 7 બાદ હળીમળીને ભોજન બનાવ્યા બાદ પુત્રીઓને ભણાવવા-જમાડવાનું કામ પણ રહે છે. મારા પતિ સ્વયં બિઝનેસ કરે છે. રાત્રે તેઓ મોડા ઘરે આવે છે. વળી ધંધાદારી હોવાને કારણે તેઓ ઘરે આવ્યા બાદ પણ ફોનમાં વ્યસ્ત રહે છે. અનેક વખત મુંઝવણ થાય છે શા માટે આટલાં બધા કામ કરવા? ફેશન ડિઝાઈનિંગનું કામ બંધ કરીને પુત્રીઓ સાથે વધુ સમય વીતાવું.

સોનલે કરી લીધું સમાધાન : સોનલ લગ્ન પહેલાં એક પેથોલોજીસ્ટિને ત્યાં નોકરી કરતી હતી. સોનલનું કહેવું છે કે લગ્નના થોડા સમય બાદ પુત્રીનો જન્મ થયો તેની સાથે પુત્રીના બાળપણને માણવાની મારી અત્યંત ઈચ્છા હતી. તેથી મે નોકરી કરવાનું માંડી વાળ્યું. પુત્રીના બાળપણને માણવાનો મને અત્યંત આનંદ છે. મારું માનવું છે કે જીવનમાં કામની સાથે જીવનમાં આવતી નાની નાની પળોને પણ માણી લેવી જોઈએ.

સંતાનની ખુશીને પોતાની બનાવી : મુંબઈમાં પુત્ર સાથે રહેતી ફાલ્ગુનીનું કહેવું છે કે જીવનનું બીજું નામ એટલે પ્રત્યેક પળેપળે બાંધછોડ કરવી. પુત્રને મુંબઈમાં સારી જગ્યાએ નોકરી મળી. મુંબઈ જેવા શહેરમાં તેને એકલા રહેવાનું પુત્ર અંકિતને પસંદ ન હતું. તેને એકલું ન લાગે એટલે તેની સાથે થોડા દિવસ માટે રહેવા આવી હતી. સવારના વહેલો નીકળીને તે રાત્રે મોડો ઘરે આવતો. આખો દિવસ ઘરમાં એકલું તો મારે જ રહેવાનું આવતું. અજાણ્યા શહેરમાં એકલા ફરવા પણ કેટલું જવાનું? કુટુંબના અન્ય સભ્યો તથા પતિ વડોદરામાં રહેતા. તેઓ પણ કામમાં વ્યસ્ત રહે. વાતો કરીને પણ તેમની સાથે કેટલી કરવી? ધીમે ધીમે હું માનસિક તાણનો ભોગ બની ગઈ. પુત્ર રાત્રે ઘરે આવે ત્યારે રડી-રડીને મારી આંખો લાલ થઈ ગઈ હોય. અંતમાં અમે નિર્ણય કર્યો કે વડોદરા પાછા જઈને જે કામ મળે તે જ પુત્ર કરશે. બે પૈસા ઓછા મળશે તો ચાલશે પણ માનસિક શાંતિ જીવનમાં રહે તે વધુ અગત્યનું છે. મુંબઈનું સતત ભાગદોડભર્યું જીવન તથા કામના વધુ કલાકોને કારણે પુત્રના ચહેરા ઉપરથી પણ રોનક ચાલી ગઈ હતી.

 

આનંદિત રહેવાના કિમીયા : ગૃહિણી તરીકે દર્શનાનું કહેવું છે કે સંયુક્ત કુટુંબમાં રહેતી હોવાને કારણે બાળકો ક્યાં મોટા થઈ ગયા તેનો ખ્યાલ ન આવ્યો. વડીલોની તબીયત નરમગરમ રહેવાને કારણે ઘરના રોજબરોજના કામકાજ કરવાં તથા તેમની સંભાળ રાખવાની સાથે ક્લિનીકમાં દર્દીઓ સાથે સહાનુભુતિપૂર્ણ વ્યવહાર કરવો પડતો હોય છે. આમ એકસાથે અનેક જવાબદારી નિભાવવાની હોવાને કારણે સ્વ માટે સમય કાઢવો મુશ્કેલ બની જતો હોય છે. સંગીત તથા યોગ દ્વારા માનસિક તાણ ઘટાડવી મને યોગ્ય લાગે છે.

બૅંગલુરુમાં રહેતી મૃણાલે આનંદિત રહેવાનો રસ્તો શોધી કાઢ્યો :

સંતાન નાનું હોય ત્યારે મીઠી મીઠી વાતો કરે તેની સાથે પ્રત્યેકના દિલને જીતી લેતું હોય છે. ધીમે ધીમે મોટું થતું જાય તેમ તેની પાંખો ખુલવા લાગે. અભ્યાસાર્થે તેઓ અન્ય શહેરમાં કે વિદેશમાં ભણવા જાય તે બાબત હવે સામાન્ય બની ગઈ છે. મૃણાલ સાથે પણ કંઈક એવું જ બન્યું. બંને બાળકો મુંબઈમાં આગળ અભ્યાસાર્થે બૅંગલુરુ છોડીને નીકળી ગયા. પતિને વિદેશમાં સારી નોકરીની ઓફર મળી. તેથી તેઓ પણ વિદેશ ગયા. બૅંગલુરુ જેવા ટેક્નોસિટીમાં તેને એકલું રહેવાનું થયું. થોડો સમય તો તેના વાંચનના શોખને કારણે તેને ગમ્યું. ધીમે-ધીમે તેને એકલું લાગવા લાગ્યું. તે યોગાના કલાસમાં જોડાઈ. ધીમેધીમે તેના યોગગુરુએ તેને યોગશિક્ષક બનવાનું જણાવ્યું. મૃણાલે યોગાશિક્ષિકાનો એક વર્ષનો કોર્ષ કરી લીધો. આજે તે મંદબુધ્ધિના બાળકોને યોગા શીખવીને જીવનમાં કંઈક કર્યાનો સંતોષ માને છે.

તેનું કહેવું છે કે અનેક વખત એવું પણ બનતું કે ચાર વ્યક્તિનું અમારું કુટુંબ હતું. તેમછતાં અમે બધા અલગ અલગ થઈ ગયા હતા.

વાસ્તવમાં આજના યુગમાં આધુનિક નારી ભલે વિવિધ ક્ષેત્રે આગળ વધી હોય તેમ છતાં તેની પાસે પોતાનો અંગત સમય હોતો નથી. સ્વયં માટે તે સમય ફાળવી શકતી નથી. પરિવારના પ્રત્યેક સભ્યોનો તેને સાથ મળે તો તે આનંદિત બની જતી હોય છે. મોટા ભાગની ભારતીય મહિલાઓનું માનવું છે કે પતિ-સંતાનો દ્વારા વખાણ કરવામાં આવે તો ચાર ચાંદ લાગી જાય. કામની બાબતમાં તેમનો સહકાર મળે તો તો સોનામાં સુગંધ ભળી જાય. તેમના જીવનમાં આનંદ બમણો થઈ જાય. નોકરી કરતી સ્ત્રીઓનું કહેવું હતુંં કે ઘરમાં તેમણે કરેલાં કામના વખાણ જો બૉસ દ્વારા કે સહકર્મચારી દ્વારા કરવામાં આવે તો તેમનો કામ કરવાનો ઉત્સાહ વધી જતો હોય છે.

મોટા ભાગની નારીના જીવનમાં ખુશી-આનંદનું મુખ્ય કારણ લગ્નસંબંધોમાં મજબૂતાઈ, નાણાંકીય સ્વનિર્ભરતા, અંગત વ્યક્તિ દ્વારા કામની સરાહના જવાબદાર ગણવામાં આવે છે.

પુરુષો પણ તાણનો શિકાર છે : સામાન્ય રીતે ભારતીય પુરષો અન્યની અણગમતી વાતને ગણકારતા નથી. થોડો સમય ઘરની બહાર લટાર મારવા નીકળી જાય છે. તેનું મુખ્ય કારણ તેમની પાસે આઝાદી હોય છે. જ્યારે પત્ની ઘરની બહાર નીકળે તો તેને અનેક પ્રશ્ર્નોના જવાબ આપવા પડતા હોય છે. ટૂંકમાં સ્ત્રીને પતિની સરખામણીમાં મર્યાદિત માત્રામાં આઝાદી મળતી હોય છે. આધુનિક માતા વધુ પરેશાન જોવા મળે છે. તેનું મુખ્ય કારણ તેઓ શિક્ષિત હોવાને કારણે તેઓ ઝડપથી નાની નાની બાબતોમાં સમાધાન કરી શકતી નથી.

બૉક્સ :

શું કહે છે આંકડાઓ ?

કુલ 1200 શહેરી માતાનો સર્વે કરવામાં આવ્યો હતો. તેમાંથી 70 ટકા ભારતીય માતા ખુશ નથી. 73 ટકા મહિલાઓનું માનવું છે કે માતાનું કામ કે ફરજ એ જીવનનો એક ભાગ છે તે કાંઈ આપણી સંસ્કૃતિમાં મોટી વાત ગણાતી નથી. 59 ટકા માતા તેમના લગ્નથી આનંદિત નથી. 48 ટકા યુવાન માતા વયસ્ક માતાની સરખામણીમાં વધુ આનંદિત હતી. 52 ટકા માતા કે જેઓ ઘરની બહાર નીકળીને નોકરી-ધંધો કરતી હતી તે વધુ સંતુષ્ટ જોવા મળી હતી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtGa0u%2BKm_v3B7UGvFqKERud2JnUSRjO_fxrz%3DmGf9Q3g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment