Sunday 30 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વરસાદની માથાકૂટ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વરસાદની માથાકૂટ!
વાહ જનાબ!-મયૂર ચૌહાણ

 

 

 


છત્રી અને રેઇનકોટ આ બે વસ્તુને ખૂબ ઓછી અડકું છું. રેઇનકોટ તો આખલાવાળો પ્રસંગ બન્યા પછી રહેવા જ દીધો છે. જ્યારે છત્રી ક્યારે કાગડો થઇ જાય ખબર ન પડે.

 

વરસાદની મોસમ શરૂ થઇ ચૂકી છે. એટલે માળિયા પરથી બે વસ્તુઓ શોધવા માટે અથાગ પ્રયત્ન કરવાનો: એક છત્રી અને બીજો રેઇનકોટ. રેઇનકોટ પહેરતા મને ડર લાગે છે. ગયા ચોમાસાના ચોમાસે મેં લાલ દરવાજેથી લીધેલો રેઇનકોટ પહેર્યો હતો. એ રેઇનકોટ મારો પ્રિય મિત્ર ચિંતન લાવેલો. ખૂબ મસ્તમજાનો હતો. મારા જન્મદિવસ પર તે કશું આપી ન શક્યો તે માટે તેણે મને એક રેઇનકોટ લઇ આપેલો. પાછી મને ઉધારની વસ્તુ ગમે પણ ખરી. બહાર વરસાદ વરસવાનો શરૂ થયો અને મેં મિત્રએ લઇ દીધેલો રેઇનકોટ પહેર્યો. મને કોઇ પ્રકારનું વાહન આવડતું નથી. એટલે હેલ્મેટનો ખર્ચ બચ્યો છે. બાકી જીવનમાં ઘણાં ખર્ચા છે. રેઇનકોટ પણ તેમાંનો એક હતો. અલબત્ત બીજાના ખર્ચે.

તો રેઇનકોટ પહેરી નીકળ્યો. અડધે રસ્તે પહોંચ્યો ત્યાં સુધી કંઇ ન થયું. પણ મને યાદ છે કે નજીકમાં જ આવેલો એક વાડો જ્યાં ગાય અને ખૂંટિયાઓનો ત્રાસ ખૂબ રહ્યા કરે છે. ત્યાં થોડી વાર માટે ઊભો રહ્યો. કહી દઉં કે હું કોઇ જગ્યાએ ઊભો ખૂબ રહી જાઉં છું. તેનું કારણ મારી જન્મકુંડળીમાં લખેલું કે ગયા જન્મમાં આ ભાઇ કંડક્ટર હતા.

થોડી વાર ઊભા રહ્યા પછી મને ખૂંટિયાઓના ત્રાસ પર લખવાનો વિચાર આવ્યો. ત્યાં બીજો વિચાર સ્ફૂર્યો કે બે મહિના પહેલા જ અમારા એક પત્રકારને કેટલાક લોકોએ માર્યા હતા. કારણ કે તે રખડતા ખૂંટિયાની વિરૂદ્ધ ઝુંબેશ ઉપાડી એલફેલ લખતા હતા. તેમને ના પાડેલી પણ શૂરા કોઇ વાતે માને ? અમારા આ પત્રકાર ભાઇ પણ ન માન્યા અને લખ્યું. પછી બીજા દિવસે મારે તેમને મળવા માટે હોસ્પિટલ જવું પડેલું.

નર્સને પૂછ્યું અને તેણે રૂમ બતાવ્યો છતાં મને મારા તે પત્રકાર મિત્ર મળતા નહોતા. પણ પછી કોઇએ રૂમની બહાર નીકળી ઉકળાટ ઠાલવતા કહ્યું કે, 'ઓરડામાં કોઇના પોદરાવાળા ચંપલ ખૂબ ગંધાય છે.'

મેં પણ એ ગંધની દિશા તરફ કૂતરા અવલોકન કરી ચાલવા માંડ્યું. ત્યાં મારા મિત્ર આખા શરીરમાં પાટા વાળી બેઠા હતા. અદ્દલ ઇજિપ્તના મમી લાગી રહ્યા હતા. મેં તેમને પૂછેલું, 'હવે આવું નહીં લખોને ?'

'તારી જ રાહ જોતો હતો !'

'કેમ ?'

'અરે, મેં, આગલા લેખ તો તંત્રીને પહેલાથી ડ્રાફ્ટ કરી મોકલી દીધા છે, તું એક કામ કર તંત્રીને રોક કે છાપે નહીં, બાકી મારા બચેલા હાડકાં પણ ખોખરા થઇ જશે.' તેમણે મને દોડાવેલો.

આટલો પ્રસંગ મને યાદ આવી ગયો અને મને જડની જેમ ઊભેલો જોઇ એક ભાઇ બોલ્યા, 'તમને તમારો જીવ વ્હાલો નથી લાગતો ?'

વરસતા વરસાદમાં મેં પૂછ્યું, 'કેમ ?'

'પેલો આખલો તમારી ખબર કાઢવા આવવાનો હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે.'

એ ભાઇ બોલે તે પહેલા તો આખલો મારી પાછળ દોડ્યો. તેના અવાજમાત્રથી થરથર કાંપતો હું પણ ભાગ્યો. જીવનમાં આટલું કોઇ દિવસ નહોતો દોડ્યો. ઉભી બજારે દોડતો હતો. મનમાં વિચાર આવતો હતો ઉભી બજારે અમને નજર કોની લાગી ? મારા ખ્યાલથી આખલો થોડે સુધી દોડી ઉભો રહી જવો જોઇએ, પણ આ કોઇ ટ્રેનિંગ લીધેલો આખલો લાગ્યો.

તેણે મારો પીછો છોડ્યો જ નહીં. મારે જ્યાં નહોતું જવાનું તે વિસ્તારમાંથી પણ બે વખત પસાર થયો. આખરે તેણે મને લાલ કલરની પેલી માતેલાસાંઢ જેવી સિટી બસમાં બેસાડીને જ જંપ લીધો. મારો શ્ર્વાસ ધમણની માફક ફૂલેલો જોઇ બાજુમાં ઉભેલા એક સજ્જન વ્યક્તિ મને પૂછી બેઠા, 'કેમ હડકાયા કૂતરાની જેમ જીભ બહાર નીકળી ગઇ છે ?'

મેં કહ્યું, 'માફ કરજો શ્રીમાન પણ પાછળ આખલો પડેલો હતો.'

તેણે મારી સામે નજર કરી અને કહ્યું, 'મેં કોઇ દિવસ લાલ કલરનો રેઇનકોટ મારી જિંદગીમાં નથી જોયો.'

લાલ ? આ શબ્દ સાંભળીને જ મારા ભવાં ઊંચકાયા. હવે ખબર પડી કે પેલો આખલો મને સ્પેનની બુલફાઇટમાં ઉભેલા ખેલાડીની જેમ કેમ જોતો હતો. પણ દુખની વાત એ હતી કે, મારો જન્મ ભારતમાં થયો હતો સ્પેનમાં નહીં. નહીંતર એ સ્પર્ધા જીતવા માટેનો મને પ્રબળ દાવેદાર માનવો રહ્યો.

આ ઘટના પછી મેં રેઇનકોટ ખાસ તો ભેટમાં આપવામાં આવેલી વસ્તુઓ તેમાં પણ મુખ્યત્વે ચિંતન દ્વારા અપાયેલી વસ્તુઓ કોઇ દિવસ નથી પહેરી કે લીધી. તમારો પાક્કો મિત્ર જ તમારો દુશ્મન હોઇ શકે તેની તો તમને ઘટના ઘટ્યા બાદ જ જાણ થાય. પણ છત્રી અને રેઇનકોટ આ બે વસ્તુને ખૂબ ઓછી અડકું છું. રેઇનકોટ તો આખલાવાળો પ્રસંગ બન્યા પછી રહેવા જ દીધો છે. જ્યારે છત્રી ક્યારે કાગડો થઇ જાય ખબર ન પડે.

કોઇવાર વિચાર આવે છે કે શા માટે છત્રીને કાગડા સાથે સરખાવવામાં આવતી હોય છે ? હા, તેનો કલર કાળો છે બાકી તે કાગડો થાય તે વાત ખોટી છે. મેં કોઇ દિવસ કાગડાને આવી સ્થિતિમાં ઉડતો નથી નિહાળ્યો. જોકે હવે તો કાગડાઓ પણ આ દુનિયામાંથી વિલુપ્ત થઇ રહ્યા છે.

જે દિવસે કાગડા નાશ પામશે તે દિવસે શ્રાદ્ધમાં લોકો ક્યા નવા પક્ષીને ખવડાવશે તે વિચારથી જ મને તો અત્યારે કંપારી છૂટી જાય છે.

પણ વરસાદમાં જેટલો ખતરો રેઇનકોટ અને છત્રીથી રહ્યો તેટલો જ ખતરો કવિઓથી પણ રહ્યો. નેશનલ જ્યોગ્રાફી કે ડિસ્કવરીએ જે સંશોધન નથી કર્યું તે મેં કર્યું છે. ઇરાન-ઇરાક અને મોટાભાગના રણપ્રદેશોની વિશિષ્ટતા એ છે કે અહીં કવિઓ પાકતા નથી. વરસાદ પડે તો કવિઓ પાકે ને ? મારા ખ્યાલથી ગોબીના રણમાં રહેનાર કવિતા રચતો નથી અને ચેરાપુંજીમાં મબલખ કવિતાઓ લખાતી હોવી જોઇએ પરંતુ એવું પણ અત્યાર સુધી પ્રકાશમાં નથી આવ્યું.

વરસાદમાં જેમ દેડકાઓ પૂરબહારમાં નીકળે તેમ કવિઓ પણ ડેલીએ ડેલીએથી બહાર નીકળે છે. હજુ ટીપુ છાંટો તેમની માથે પડ્યો ન હોય ત્યાં તો તે પ્રાસ મેળવવા લાગે, એક નવા ઊર્મિગીતની રચના કરવા લાગે. કોઇ દિવસ પ્રેમ ન થયો હોય તો પ્રેમની અનુભૂતિ અને અભિવ્યક્તિ કરવા લાગે.

મારા શહેર જૂનાગઢમાં એક મુશાયરો રાખવામાં આવેલો. પણ કોઇ કાળે કવિઓ મળતા નહોતા. આખા જૂનાગઢમાં તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે જેટલા સારા કવિઓ હતા તે અત્યારે ઇશ્ર્વરના ધામે છે અને બાકીના જંગલમાં બાવા બની ગયા છે. એટલે કવિ શોધવો ધોળા દિવસે તારા બતાવે તેવું કાર્ય હતું. આમ પણ અમારે ત્યાં કવિઓ ઓછા અને સાધુ-સંતો વધારે પાકે છે. આખરે ભારે શોધખોળ પછી આયોજકોને એક કવિ મળ્યો પણ બે વર્ષથી જેમ ચોમાસુ નહોતું વરસ્યું તેમ તેનું કાગળનું પાનું પણ કોરું હતું. તેને પૂછ્યું ત્યારે તેણે પ્રત્યુત્તરમાં જવાબ આપ્યો કે, 'ચોમાસું બેસશે તો હું કવિતા લખીશ બાકી મારી અભિવ્યક્તિ ભલે ગૂંગળાઇને મૃત્યુ પામતી.'

આયોજકોનો મારા પર ફોન આવ્યો, 'મયૂરભાઇ તમે જૂનાગઢના છો ઉપરથી મુંબઇ સમાચાર જેવા મોટા છાપામાં હાસ્યલેખ લખો છો, તો તમારે સાહિત્યકારો સાથે ઉઠવા બેઠવાનું થતું હશે.'

મેં પહેલાથી જ ચોખવટ કરી દીધી, સાહિત્યકારો સાથે ઉઠું બેસું છું, પણ કવિઓ સાથે નહીં.' ત્યાં તો આયોજકોએ ગાડા જેવડો નિ:સાસો નાખ્યો.

'જૂનાગઢના વતનીઓની આ જ ખામી. કવિઓની ક્યારે પ્રશંસા કરશે ?' ફોનમાં આ વાક્ય સાંભળી મને પણ થોડી વેદના થઇ એટલે મેં તેમને પૂછ્યું, 'થયું છે શું ?'

'10 વર્ષ પછી જૂનાગઢમાં એક ભવ્ય મુશાયરાનું આયોજન કરવામાં આવેલું છે. જૂનાગઢમાં કવિઓને શોધ્યા તો તે બાવા બની ગયાની માહિતી પ્રાપ્ય થઇ એટલે એક કવિ જે ખાપરા કોઢીયાના ભોયરા બાજુ રહેતા હતા તેમનો સંપર્ક કર્યો. પણ તે ચોમાસું આવે તો જ લખશે અને તો જ પઠન કરશે આવું કહી રહ્યા છે. હવે આ વિમાસણમાંથી કેમ નીકળવું ?'

મેં થોડી વાર વિચાર કરી કહ્યું, 'મારી માનો તો તેમના ઘરની બહાર પાણીની નળીથી કૃત્રિમ વરસાદ વરસાવો તો કોઇ આધુનિક રચના તેમના ખેપાની મગજમાંથી ઊપજી આવે.'

તેમણે મારી વાત માની લીધી. મારા કરતા પણ સમજણા આયોજકો હતા એટલે તેમણે કવિના હાઉસની બહાર સાઉન્ડ સિસ્ટમ પણ ફીટ કરાવી. જેમાં વાદળની ગર્જનાના અવાજો થતા હતા. પછી પાંચ છ નળીથી મ્યુનિસિપાલિટીનું ઉધાર પાણી વહેવડાવ્યું. કેટલાક છોકરાઓ નાહવા પણ આવી ગયા ને આ કૃત્રિમ વરસાદ કુદરતીમાં બદલી ગયો. જોકે આજુબાજુના રહીશો આયોજકો આટલું પાણી બગાડતા હોવાના કારણે ટીકાઓનો વરસાદ પણ કરતા હતા.

બે કલાક પાણી નાખ્યું પછી કવિના રૂમમાં આયોજકો ગયા કે, 'કંઇ કવિતા જેવું લખાયું ?'

કવિએ કહ્યું, 'હા પચ્ચીસ ખંડકાવ્ય, પાંત્રીસ ગઝલ અને છેત્તાલીસ ઊર્મિગીતોની રચના કરી.'

બે કલાક પાણીનો બગાડ કરવાથી જો સાહિત્યની આટલી સેવા થતી હોય તો કવિઓ ધરતી પર પાણી ખૂંટશે નહીં ત્યાં સુધી કવિતા મરવાની નથી તેવો આયોજકોને વિચાર પનપ્યો. આખરે આમંત્રણ પાઠવી પેલા કવિને બોલાવવામાં આવ્યો.

મુશાયરાના દિવસે તો કવિ મૂંઝાયા. આયોજકોને કહે, 'વરસાદ પડે તો જ હું કવિતા બોલું. આપણી વચ્ચે ડીલ થયેલી યાદ છે.'

આયોજકોએ આ મૂંઝવણનો ઉપાય મારી પાસે માગ્યો. ફોન જોડી કહે, 'હવે તમે બીજો ઉપાય આપો, આ કવિ તો વરસાદ વિના મુશાયરામાં વરસતા જ નથી.'

દ્વિધાનું સમાધાન કરવું તે એક જૂનાગઢવાસી હોવાના કારણે મને ફરજના ભાગરૂપે લાગ્યું. મેં કહ્યું, 'ચાલુ મુશાયરે માત્ર તેમના પર પાણીનો છંટકાવ કરો. ભલે થોડો વધારે ખર્ચો થાય.'

આ પણ કર્યું. પછી તો મુશાયરો પૂરો થયો અને બીજા દિવસે કેટલો સફળ નીવડ્યો તે હેતુએ મેં આયોજકને ફોન કર્યો, 'પેલો મુશાયરો કેવો રહ્યો?'

શું મુશાયરો મયૂરભાઇ ? કવિએ બે વર્ષથી વરસાદ નહોતો પડ્યો તે સ્નાન પણ નહોતું કરેલું, તેમના પર પાણીનો છંટકાવ કર્યા પછી એવી બદબૂ આવી કે માંડ ભાડે લાવેલા પચ્ચીસ જણા પણ ભાગી ગયા. પણ કવિ બોલતા રહ્યા. 'આવતા વર્ષે તમને બોલાવવાની ઇચ્છા છે, પણ તમે વરસાદના પાણી વિના સ્નાન કરો છો ને તે પૂછવું હતું.' મેં ધબ્બ દેતાકને ફોન રાખી દીધો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os8n7%3DM4avS_34eRFZVKdGY4deeX4HKhMOMHTmy4UhUCA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment