Sunday, 30 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ માનવતા સામેના ગુનેગારને કોઇ ન બચાવે સજ્જન કુમાર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માનવતા સામેના ગુનેગારને કોઇ ન બચાવે સજ્જન કુમાર!
સિક્રેટ ડાયરી-નિખિલ મહેતા


જેનો ઘણા સમયથી મને અણસાર આવી ગયો હતો એ બન્યું ૧૭મી ડિસેમ્બરે દિલ્હી હાઇ કોર્ટે મારી વિરુદ્ધના કેસમાં ચુકાદો આપીને મને ગુનેગાર ઠેરવ્યો અને આજીવન કેદની સજા ઘોષિત કરી. મેં નતમસ્તકે ચુકાદો સ્વીકારી લીધો. દેશભરમાં ચુકાદાને લગતી પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઇ ગઇ. કોઇ એને રાજકીય રંગ આપી રહ્યું હતું, કોઇ સત્યમેવ જયતેની ભાવનાને બિરદાવી રહ્યું હતું તો કોઇ પોતાના જખ્મો પર મલમ લાગ્યો હોય એમ રાહત અનુભવી રહ્યું હતું. મારા મનમાં પણ વિચારોનું ઘમસાણ ચાલ્યું હતું. મારા માનસપટ પર તો ભૂતકાળની એ ઘટનાઓ ફરી તાજી થઇ ગઇ.


મારી ઉંમર ત્યારે ઘણી નાની હતી. ત્રીસ કરતાં પણ વધુ સમય વિતી ગયો એ વાતોને. ત્યારે હું એક સફળ રાજકારણી હતો અને મારી કારકિર્દી જોરપૂર્વક આગળ વધી રહી હતી, પરંતુ એક ઘટનાએ મારું જીવન બદલી નાખ્યું. ન બનવાનું બની ગયું અને હું એક ઊંડી મુશીબતમાં ફસાઇ ગયો.

૧૯૮૪ની ૩૧મી ઑક્ટોબરે દેશનાં લાડલાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા થઇ ગઇ. હત્યા કરનારા બીજા કોઇ નહીં, પરંતુ એમના શીખ અંગરક્ષકો જ હતા. શીખોની સમસ્યાને લીધે ઘણા સમયથી દેશમાં તનાવ પ્રવર્તતો હતો અને ઇન્દિરાજીએ 'ઓપરેશન બ્લુ સ્ટાર' દ્વારા સફળતાપૂર્વક ત્રાસવાદી શીખોને સુવર્ણ મંદિરમાંથી બહાર કાઢ્યા હતા. સુવર્ણ મંદિરમાં લશ્કર પ્રવેશ્યું એના લીધે શીખ સમુદાય નારાજ થયો હતો, પરંતુ કોઇએ એવી કલ્પના નહોતી કરી કે એનું આવું પરિણામ આવશે. ઇન્દિરાજીની એ મહાનતા હતી કે શીખ સમુદાયમાં એમના વિરુદ્ધ લાગણી પ્રવર્તતી હોવા છતાં એમણે પોતાના શીખ અંગરક્ષકો બદલ્યા નહીં. એમણે એમના પર વિશ્ર્વાસ રાખ્યો અને એ અંગરક્ષકોએ જ ગદ્દારી કરી. જેમનું રક્ષણ કરવાનું હતું એમને જ અંગરક્ષકોએ મારી નાખ્યા.

ઇન્દિરા ગાંધીની હત્યાથી દેશભરમાં આઘાત અને શોકની લાગણી ફેલાઇ ગઇ. મારા જેવા કેટલાક લોકો ઉશ્કેરાઇને શેરીમાં નીકળી પડ્યા. અમને ખબર નહોતી કે અમારે શું કરવાનું છે અને કોની વિરુદ્ધમાં ગુસ્સો ઠાલવવાનો છે. અમારા મનમાં ફક્ત ગુસ્સો અને આવેશ હતા. અમારા પ્રિય નેતાની હત્યા કરવામાં આવી હતી અને અમે બદલો લેવાની લાગણી અનુભવી રહ્યા હતા. શેરીમાં ટોળેટોળાં જમા થઇ રહ્યાં હતાં. હું સ્થાનિક નેતા હતો એટલે એ લોકો મારી દોરવણીની અપેક્ષા રાખતા હતા. પછી તો મેં ટોળાંને દોરવણી આપી કે ટોળાંના આવેશથી હું દોરવાઇ ગયો, મને કંઇ જ ખબર ન પડી અને છેવટે જે બની ગયું એ ખૂબ જ ભયાનક હતું. ફક્ત દિલ્હીમાં જ નહીં, આખા દેશમાં શીખ સમુદાય વિરુદ્ધ રમખાણો થયા, શીખોની હત્યા કરવામાં આવી, એમની પ્રોપર્ટી સળગાવી દેવામાં આવી. બે ત્રણ દિવસ પછી મામલો જરા થાળે પડ્યો. રમખાણો અને હિંસાચારની વિગતો અખબારોમાં છપાવા લાગી. હું જે સ્થળે ટોળાંની સાથે હતો એ ઘટના સૌની આંખે ચડી ગઇ. એ ઘટનાના વિગતવાર અહેવાલો છાપાંમાં છપાયા. એ સ્થળે કેટલાક લોકો હિંસાનો ભોગ બન્યા તો બીજા કેટલાક બચી ગયા અને ઘટનાના સાક્ષી બન્યા. ઘટનાના સાક્ષીઓએ મને ઘટનાસ્થળે જોયો હતો. હું શું કરી રહ્યો હતો એનું કદાચ મને ભાન નહોતું, પરંતુ સાક્ષીઓના માનસપટ પર સમગ્ર ઘટના ચિત્રપટની જેમ અંકાઇ ગઇ હતી.

પછી તો મારી વિરુદ્ધ ફરિયાદો નોંધાવાઇ, મારા સિવાયના કેટલાક નેતાઓ સામે પણ કેસ નોંધાયા. કેસની તપાસ પણ શરૂ થઇ. આમ છતાં સરકાર અમારી હતી, સરકારમાં માણસો અમારા હતા. પોલીસતંત્ર અમારા પ્રભાવ હેઠળ હતું. એમને કોઇએ કંઇ કહ્યું નહોતું, છતાં અનેક સ્થળોએ કૉન્ગ્રેસી નેતાઓ સામેની ફરિયાદ નોંધવાનો પોલીસે ઇનકાર કરી દીધો. તપાસમાં પણ કોઇ ગતિ ન આવી. પુરાવા સાથે ચેડાં કરવામાં આવ્યા. અલબત્ત, અમારા જેવા નેતાઓએ કંઇ કહેવું નહોતું પડતું, છતાં સરકારમાંના અમારા હીતેચ્છુઓ જાણતા હતા કે અમે જે કંઇ કર્યું હતું એ અમારા નેતા પ્રત્યેના પ્રેમને ખાતર કર્યું હતું, દેશ માટે કર્યું હતું, પક્ષ માટે કર્યું હતું. અમને બચાવવા માટે સમગ્ર તંત્ર સ્વયંસ્ફૂરણાથી કામ કરી રહ્યું હતું. આથી તો મારી સામેના એક કેસમાં નીચલી કોર્ટે મને નિર્દોષ છોડી મૂક્યો.

જેમ સમય વિતતો ગયો એમ રમખાણને લગતી વાતો ભુલાઇ ગઇ હોય એવું લાગ્યું. હું પણ ફરીવાર રાજકીય રીતે સક્રિય બની ગયો. ચૂ્ંટણીઓ લડ્યો અને જીત્યો. રાત ગઇ, બાત ગઇ એવું વિચારીને હું રાબેતા મુજબની જિંદગી જીવવામાં પડ્યો હતો, પરંતુ મારી સામે પડેલા અમુક લોકો ટસના મસ થાય એવા નહોતો. નીચલી અદાલતે મને નિર્દોષ છોડી મૂક્યો છતાં એમણે પોતાની લડત ચાલુ રાખી. આખરે ૨૦૦૭માં સીબીઆઇએ નીચલી અદાલતના ચુકાદા સામે દિલ્હી હાઇ કોર્ટમાં અપીલ કરી અને કેસ ફરીથી શરૂ થયો. કેસ શરૂ થયો ત્યાર પછી પણ એને આગળ ચલાવવામાં ધાંધિયા થતા રહ્યા.

આમ છતાં આખરે કાયદાએ કાયદાનું કામ કર્યું. હાઇ કોર્ટનો ચુકાદો આવી ગયો. મને ગુનેગાર ઠેરવવામાં આવ્યો. આજીવન કેદની સજા થઇ. મારી સામે હજુ બીજા કેટલાક કેસ પેન્ડિંગ છે, પરંતુ એનો હવે કોઇ અર્થ નથી. હકીકતમાં આ ચુકાદો આવ્યો એના થોડા સમય પહેલા જ મને ભવિષ્યનો અણસાર આવી ગયો હતો. ખરેખર તો ૧૯૮૪ની ઘટના પછી ૨૦૦૨માં જે રમખાણો થયા ત્યારે પણ હું થોડો વિચલિત થઇ ગયો હતો. વાત તો એક જ હતી, ફક્ત મરનારા અને મારનારા અલગ હતા. છેલ્લા કેટલાક સમયથી દેશમાં લિન્ચિંગની જે ઘટનાઓ બની રહી છે એ પણ હું ચૂપચાપ જોઇ રહ્યો છું અને એ વિશે મારા મનમાં અનેક પ્રકારના વિચારો ઘૂમરાતા રહે છે. ધીમે ધીમે પશ્ર્ચાતાપની આગ પણ દિલની અંદર સળગવા લાગી છે. આથી તો છેલ્લા કેટલાક સમયથી મેં મેડિટેશન શરૂ કર્યું છે. હું સતત વિચારતો રહું છું કે એ સમયે મેં જે કંઇ કર્યું એ શા માટે કર્યું? ક્યારેક મારા મિત્રો તો ક્યારેક અધ્યાત્મિક ગુરુઓ સાથે એ વિશે વાત કરું છું.

મને આજીવન કેદની સજા મળી એનાથી સૌથી વધુ મોટું દુ:ખ મારા પરિવારજનોને થયું છે. એ લોકો સમક્ષ હું મારું હૈયું ઠાલવી શકું છું. એ લોકો મને એમ જ કહે છે કે તમારે એવું કરવાની જરૂર શી હતી? તમને એમાં શો ફાયદો થવાનો હતો? ખરેખર, હું પણ મારી જાતને એ જ પૂછતો રહું છું. હિંસક ટોળાંની આગેવાની લેવામાં મારો શો સ્વાર્થ હતો? શું આમ કરવાથી પક્ષ મને કોઇ ઇનામ આપવાનો હતો? શું મારી લોકપ્રિયતા વધવાની હતી? કોઇ જ ફાયદો નહોતો. તો પછી મેં શા માટે આવું કર્યું? મારા પ્રિય નેતાના હત્યારાઓ પ્રત્યે મને રોષ હતો એ એક હકીકત હતી, બસ. બાકીની કોઇ જ વાતમાં તર્ક નહોતો. અને સૌથી મોટી તર્કહીન વાત એ હતી કે હત્યારા શીખ અંગરક્ષકોના વાંકે બીજા નિર્દોષ શીખો સામે હિંસા શા માટે આચરવી જોઇએ? કોઇ એક વ્યક્તિ ખોટું કરે તો એની આખી કોમને એવી શા માટે ગણવી જોઇએ? અને સૌથી મહત્ત્વની વાત, તમારી લાગણી ભલે ગમે એવી સાચી હોય, પરંતુ તમે કાયદો હાથમાં લો તો તમને બચાવવા કોઇ ન આવે એટલું જ નહીં, કાયદો કોઇ પણ સમયે તમારા ગળામાં ફાંસો નાખી શકે છે. હવે મને આ વાત સમજાય છે.

એમ લાગે કે મોડી આવેલી આ સમજણનો કોઇ અર્થ નથી, પરંતુ દેશમાં આજે પણ આ પ્રકારની ઘટના બની રહી છે. લિન્ચિંગ થઇ રહ્યા છે. નિર્દોષ લોકોની હત્યા થઇ રહી છે. આવી ઘટનાઓ પાછળ પણ એ જ લાગણી અને તર્કહીન માન્યતાઓ સંકળાયેલી છે. મને ભલે સાચી સમજ મોડી આવી, પણ અન્યોને જો સમયસર સમજ આવી જાય તો અનેક લોકોના જીવન બરબાદ થતાં બચી જાય. હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે કોઇ ખોટી માન્યતાઓ કે લાગણીના ઉશ્કેરાટમાં નિર્દોષ લોકો સામે હિંસા આચરનારા લોકો ફક્ત પોતાના સ્વાર્થ પૂરતું એટલું વિચારી લે કે આજે નહીં તો કાલે કાયદાની જાળમાં તમે ફસાવાના જ છો અને તમે જ્યારે માનવતા સામેના ગુનેગાર ઠેરવાશો ત્યારે તમને બચાવવા કોઇ નહીં આવે.


(નિખિલ મહેતાએ કરેલી કલ્પના)



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvDpXBhH4g3puagJ_1K-Qr6MembvEiWYf9aLsfk-ayVVg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment