Sunday 30 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વિશ્ર્વભરમાં માતૃભાષાઓનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિશ્ર્વભરમાં માતૃભાષાઓનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે!
વિશેષ-લોકમિત્ર ગૌતમ

amdavadis4ever@yahoogroups.com

અત્યાર સુધી આપણે એવું જ સાંભળતા આવ્યા છીએ કે ફલાણી પ્રજાતિ જોખમમાં છે, જંગલો જોખમમાં છે પણ શું તમે જાણો છો કે દુનિયાભરમાં બોલાતી 6000થી વધુ માતૃભાષાઓ જોખમમાં છે? પણ આ બધા વચ્ચે એક આશાનું કિરણ એવું પણ દેખાઈ રહ્યું છે કે આવનારા આ સંકટની જાણ ભાષાવિજ્ઞાનીઓ, સમાજશાસ્ત્રીઓ અને સામાન્ય નાગરિકોને પણ થઈ ગઈ છે. હવે 2019માં આશ્ર્વાસન તો એક જ વાતનું છે કે આવનારી પેઢીએ થોડું તો થોડું પણ માતૃભાષામાં રસ લેવો જ રહ્યો અને તો જ આ જોખમમાં આવી ગયેલી માતૃભાષાઓને બચાવી શકાશે. (જોકે આપણા બધાનું લાડકું 'મુંબઈ સમાચાર' તો આની પહેલ કરી જ ચૂક્યું છે અને ભવિષ્યમાં પણ માતૃભાષા ગુજરાતીનો વધુમાં વધુ પ્રસાર કરવાનો પ્રયાસ કરશે જ).



જોકે હજી પણ ખાતરીપૂર્વક કહેવું થોડું અઘરું જ છે કે દુનિયામાં કુલ કેટલી ભાષાઓ છે, પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘના પહેલાં સ્ટેટ ઓફ ધ ઈન્ડિડિજિનસ પીપલ્સના એક અહેવાલ અનુસાર દુનિયાભરમાં 6000 જેટલી ભાષાઓ છે અને જેમાંથી 2500 ભાષા પર જોખમ તોળાઈ રહ્યું છે.



સંયુક્ત રાષ્ટ્રએ 2001માં આ સંબંધિત પહેલું અધ્યયન કર્યું હતું એ વખતે લુપ્ત થઈ રહેલી ભાષાની સંખ્યા 900 જેટલી હતી. એ વખતે પણ યુએન દ્વારા દુનિયાને ચેતવણી આપવામાં આવી હતી અને લુપ્ત થઈ રહેલી ભાષાઓને બચાવવા માટે હાકલ કરી હતી, પણ તેમ છતાં આખરે ભાષાઓ લુપ્ત થઈ જ ગઈ.



છેલ્લાં બે વર્ષમાં તો લુપ્ત થવાને આરે પહોંચી ગયેલી ભાષાઓની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે. વિપરીત સંજોગો વચ્ચે પણ આ જ બે વર્ષમાં લુપ્ત થઈ રહેલી ભાષાઓ પ્રત્યે લોકોએ જે પ્રેમ અને સ્નેહ દેખાડ્યો છે એ જોતાં મનમાં ઊંડે ઊંડે એક આશા બંધાઈ રહી છે કે આવનારું ભવિષ્ય કદાચ એટલુ ભયંકર નહીં હોય જેટલી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.



યુનેસ્કોના ભાષા એટલાસ અનુસાર જે દેશોની ભાષાઓ પર સંકટ તોળાઈ રહ્યું છે તે યાદીમાં ભારતનું નામ સૌથી ઉપર છે. ભારતમાં અત્યાર સુધી 196 ભાષા તો લુપ્ત થઈ ગઈ છે, કે લુપ્ત થવાને આરે છે અને ભારત બાદ નંબર આવે છે દુનિયાની મહાસત્તા ગણાતા અમેરિકાનો. અમેરિકાની 192 ભાષા લુપ્ત થવાને આરે છે કે લુપ્ત થઈ ગઈ છે. ઉપરાંત આખી દુનિયામાં 192 એવી ભાષા છે જે બોલનારાઓની સંખ્યા 10થી પણ ઓછી છે. જ્યારે 397 એવી ભાષાઓ છે જે બોલનારાઓની સંખ્યા 50 જેટલી છે.



પાંચ વર્ષ પહેલાં 46 એવી ભાષા હતી કે જે માત્ર એક જ વ્યક્તિ હતી અને હવે તો રામ જ જાણે કે આમાંથી કેટલી ભાષા બચી છે અને કેટલી ભાષા લુપ્ત થઈ ગઈ છે. આમાંથી એક ભાષા તો 'બૉ' હતી જે આંદામાન-નિકોબાર આઈલેન્ડ પર વસવાટ કરનાર સૌથી જૂના કબીલાઈ સમાજ દ્વારા બોલવામાં આવી હતી અને આ ભાષા બોલનાર છેલ્લી વ્યક્તિ 85 વર્ષીય બોઆ સિનિયર નામની મહિલા હતી, જેમનું થોડાક વર્ષો પહેલાં નિધન થઈ ગયું હતું.



બૉ ભાષા હવે હંમેશાં માટે લુપ્ત થઈ ગઈ છે. કોઈ પણ ભાષાનું લુપ્ત થવું એ ખૂબ જ દુ:ખદ અને કરુણાજનક છે અને એ વખતે એટલું જ દુ:ખ થાય છે જેટલું કોઈ નજીકના વ્યક્તિના મૃત્યુથી થાય છે, કારણ કે એક વખત મૃત્યુ પામેલી વ્યક્તિ ક્યારેય પાછી નથી આવી શકતી એ જ રીતે એક વખત લુપ્ત થઈ ગયેલી ભાષા પણ ફરી જીવિત થઈ શકતી નથી (સિવાય કે કોઈ જગ્યાએ તેનો ઉલ્લેખ કે અંશ ખૂબ જ સુરક્ષિત રીતે સાચવીને રાખવામાં આવ્યા હોય). બૉ ભાષા 65,000 વર્ષથી પણ પહેલાંથી બોલચાલમાં હતી, અને નિષ્ણાતોના મતે આ ભાષા પ્રી-નિયોલોથિક સમયથી બોલચાલમાં છે અને દુનિયાની કોઈ પણ અન્ય ભાષાનો આટલો જૂનો ઈતિહાસ નથી. આમ તો ભાષાઓનો 70,000 વર્ષ જૂનો ઈતિહાસ છે અને આધુનિક રીતે લખવામાં આવનાર ભાષાઓનો ઈતિહાસ તો માત્ર 4,000થી 6,000 વર્ષ જૂનો છે.



બૉ ભાષા સમગ્ર માનવજાતિ માટે કેટલી મહત્ત્વની હતી એનો અંદાજો તો એના પરથી જ લગાવી શકાય છે કે ખુદ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના એક પ્રોફેસર ડૉ. અવનિતા અબ્બી જે હાલમાં જ કેટલાક વર્ષ પહેલાં આંદામાન નિકોબારમાં જોવા મળતી ચકલીઓના પર અભ્યાસ કરી રહ્યા હતા એ વખતે પણ તેમણે સિનિયર બૉઆને ચકલીઓ સાથે વાતચીત કરતાં જોઈ હતી. ડૉ. અબ્બીના મતે બૉઆ ચકલીઓ સાથે ખૂબ જ સરળતાથી વાતચીત કરતી હતી અને તેઓે એકબીજાની ભાષાને ખૂબ જ સરળતાથી સમજી લેતા હતા. 2004માં સુનામીના બૉઆએ પોતાનું ઘર ગુમાવી દીધું હતું અને કેટલાય વર્ષો કૉંક્રિટના એક શૅલ્ટરમાં વીતાવ્યા હતા.



1974માં આઈસલે ઓફ મેનમાં નેડ મેડરેલના મૃત્યુ સાથે 'મૅક્સ' નામની ભાષા હંમેશાં માટે લુપ્ત થઈ ગઈ હતી, જ્યારે 2008માં અલાસ્કામાં આ જ રીતે મૅરી સ્મિથ જિન્સના નિધન બાદ ઈયાક નામની ભાષાનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું.



આમ તો ભારતમાં અનેક ભાષાઓ લુપ્ત થવાને આરે છે અને તેમના અસ્તિત્વ સામે પણ જોખમ તોળાઈ રહ્યું છે, પરંતુ તેમાં પણ નવ ભાષા તો ગમે ત્યારે લુપ્ત થઈ શકે છે અને આ ભાષાઓ છે દર્મિયા, જાદ, રાજી, ચિનાલી, ગહરી, જંઘૂઘ, સ્પિતી, કાંશી કે મલાની અને રોંગપો. આ ભાષા બોલનારાઓની સંખ્યા વધુમાં વધુ પાંચ હજાર અને ઓછામાં ઓછી બસોથી ત્રણસો લોકો જ બોલે છે. દર્મિયા, જાદ અને રાજી તિબેટના બર્મી પરિવારની ભાષા છે અને તે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારમાં આજે પણ બોલવામાં આવે છે. જ્યારે ચિનાલી અને ગહરી ભાષા બોલનારાઓની સંખ્યા તો બેથી અઢી હજાર જેટલી છે.



પીપલ્સ લિંગ્યુસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયાના એક અભ્યાસ મુજબ ભારતમાં ભાષાઓની વિવિધતામાં સૌથી વધુ સમૃદ્ધ રાજ્ય છે અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશમાં 90થી વધારે ભાષાઓ બોલાય છે અને ત્યાર બાદ વારો આવે છે મહારાષ્ટ્ર અને ગુજરાતનો. જ્યાં ક્રમશ: 50 અને 47 ભાષાઓ બોલવામાં આવે છે. ગુજરાતની જેમ ઓરિસ્સામાં પણ આજની તારીખમાં 47 જેટલી ભાષાઓ બોલવામાં આવે છે. 400થી વધુ ભાષાઓ આદિવાસી સમુદાય અને ભટકનારા સમુદાય દ્વારા બોલવામાં આવે છે. ભારતના પૂર્વોત્તર રાજ્યમાં 130 ભાષાઓ પર સંકટ તોળાઈ રહ્યું છે અને વિધિની વક્રતા તો એ છે કે આ રાજ્ય ભાષાના વૈવિધ્યમાં સૌથી ટોચ પર છે.



કોઈ પણ ભાષાનું લુપ્ત થવું ખૂબ જ સહેલું હોય છે, પણ તેને બચાવી રાખવી, તેનું સંવર્ધન કરવું એટલું જ અઘરું છે. એક વખત લુપ્ત થયેલી ભાષાને ફરી જીવિત કરવાનું તો એનાથી પણ અઘરું છે. આ વાતને દુનિયાના લગભગ મોટાભાગના બહુભાષી સમાજોએ સમજી છે અને એટલે જ 2018માં પૂરી દુનિયામાં માતૃભાષાઓ માટે 5000થી વધુ આંદોલન કરવામાં અને આ આંદોલનને સામાન્ય નાગરિકો અને મોટી મોટી હસ્તીઓનું સમર્થન મળ્યું હતું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os2mXitS6YbFg%2BrMcJs59GdwNtX3%3D81Y%3D3VHYYDBCvooQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment