Sunday 30 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કથા કોની પાસે સાંભળ વી: પંડિત, વિદ્વાન કે સાધુ? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કથા કોની પાસે સાંભળવી: પંડિત, વિદ્વાન કે સાધુ?
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

 

 

 

અયોધ્યામાં 'માનસ:ગણિકા'નું આયોજન થયું એ વખતથી મારા મનમાં જે વાત ચાલતી હતી તે આજે, કથાના સાતમા દિવસના આરંભે જ, પૂજ્ય મોરારિબાપુએ જે વાત કરી અને કથા દરમિયાન બીજી એક જે વાત કરી તેના સંદર્ભે હું જાહેરમાં કહેવા માગું છું. 'માનસ: ગણિકા' વિશેની વાત તો બાપુ સાથે રૂબરૂમાં તેમ જ ફોન પર થઈ ચૂકી છે, આજે તમને પણ કહેવા માગું છું. પણ તે પહેલાં આજની કથામાં કહેલી બે વાત સાથે એને સાંકળવી છે. આ ત્રણેય વાતો હું જે માનું છું તેના પુરાવા છે: બાપુમાં ગજબની નૈતિક હિંમત છે. માણસ અંદરથી હન્ડ્રેડ પર્સન્ટ પ્યોર ન હોય તો આ કક્ષાની નૈતિક હિંમત આવી જ ન શકે.

 

આજની કથાના આરંભે જ બાપુએ પૂરેપૂરી સભાનતા અને સાવચેતી તથા વિવેક સાથે એક નિવેદન કર્યું: 'હનુમાનજીની માતા અંજનાદેવી પૂર્વજન્મમાં અપ્સરા હતી.'

 

સ્વર્ગની અપ્સરાઓ દેવતાઓની ગણિકા હતી. મેનકા, ઉર્વશી ઈત્યાદિ જે નામો આપણે શાસ્ત્રોમાં વાંચીએ છીએ એ બધી દેવગણિકાઓ.

 

બાપુ નિવેદન કહીને વાત આગળ લંબાવે તે પહેલાં સાધુગણના મંચ પરથી એક સાધુએ મોટા અવાજે વિરોધ નોંધાવ્યો. બાકીના સાધુઓ એમને બેસાડી દેવાની કોશિશ કરતા હતા પણ બાપુએ કહ્યું કે એમને જે કહેવું હોય તે કહેવા દો. પેલા સાધુ અકળાયેલા હતા. બાપુએ શાંતિથી એમના ક્રોધિત સ્વરે બોલાતી દલીલો સાંભળી. સાધુએ બોલી લીધું પછી બાપુએ સનાતની પ્રવાહી પરંપરાનાં પ્રમાણો આપીને કહ્યું કે હનુમાનજીનું સમગ્ર જીવનચરિત્ર મારી પાસે છે અને એમાંથી આ વાત હું તમને કહું છું કે કોઈ શાપને કારણે જે અપ્સરાને પૃથ્વીલોકમાં મોકલવામાં આવી તે માતા અંજનાદેવીએ નવો જન્મ ધારણ કરી કેસરી નામના વા-નર સાથે લગ્ન કર્યાં અને હનુમાનજીને જન્મ આપ્યો.

 

બાપુને હનુમાનજી કેટલા પ્યારા છે તે જગત આખું જાણે છે. હનુમાનજી છાતી ચીરીને રામસીતાનાં દર્શન કરાવી શકે એમ બાપુ હનુમાનજીનાં તમને દર્શન કરાવી શકે એવી એમની હનુમાનભક્તિ છે. એમ છતાં બાપુ હનુમાનજીના જીવનચરિત્રમાંથી પ્રમાણો ટાંકીને આ વાત કહી શકે છે તે એમની નૈતિક હિંમતનું પ્રમાણ છે. તથાકથિત હનુમાનપ્રેમીઓની ટીકાઓથી જો એ ડરતા હોત તો એમણે આ વાત વ્યાસપીઠ પરથી કરી જ ન હોત.

 

આજની કથાની બીજી એક વાત જે બાપુની નૈતિક હિંમતનો બીજો પુરાવો.

 

નોર્મલી કથા લગભગ અડધે આવે એટલે બાપુ ગિયર ચેન્જ કરવા ધૂન ગવડાવે. આજે ગિયર ચેન્જ કરતી વખતે બાપુએ કહ્યું કે એક કથામાં, તે દિવસની કથા પૂરી થયા પછી કેટલાક સાધુઓ મને મળવા આવ્યા જેમાંના એક સાધુએ વિરોધના સૂરમાં કહ્યું: તમે રામસીતાની કથા કહો છો તો જય જય રાધેની ધૂન ગવડાવો છો તે શોભતું નથી તમને, બંધ કરો આ બધું. બાપુ કહે કે મારે મૌન હતું એટલે મેં વળતો જવાબ ન આપ્યો. માત્ર ઈશારાથી વાત કરી.

 

બાપુ આટલી વાત કરીને કહે: દરેકની પોતપોતાની નિષ્ઠાને પ્રણામ. પણ પોતાની નિષ્ઠા બીજાના પર થોપી ન શકાય. જે રાધા અને સીતામાં ફરક કરે એને મારે શું કહેવું. આ રીતે કઈ થોડા આપણે એક રાષ્ટ્ર, એક ધર્મ થવાના છીએ? રામ અને કૃષ્ણ કે કૃષ્ણ અને શિવ વચ્ચેના ભેદભાવોની ભીંત ઊભી કરીને સમાજને વહેંચવાની કોશિશ કરતા તથાકથિતોને ખુલ્લેઆમ પડકારતા હોય એમ બાપુએ ધરાર આજે બુલંદ કંઠે રાધે રાધેની ધૂન શરૂ કરીને સૌ કોઈને એમાં તરબોળ કરી દીધા. રામકથામાં એક વાર નહીં, બે વાર નહીં એકસો ને આઠ વાર રાધે રાધે બોલાશે, ની-કંઈક એવા ભાવ સાથે બાપુ તન્મયતાથી ધૂન લેવડાવતા રહ્યા.

 

બાપુની નૈતિક હિંમતનો આ બીજો પુરાવો. કોઈ પડકાર આપે ત્યારે નાસી જાય એ બીજા.

 

અને ત્રીજી નૈતિક હિંમત 'માનસ:ગણિકા' કરવાની. મેં બાપુને કહ્યું: 'મારી છાપ ભલે આખાબોલા લેખકની હોય. તમે ઘણીવાર મને નિર્ભય પત્રકાર તરીકેની ઓળખ આપીને કથાના શ્રોતાઓ સુધી પહોંચાડ્યો છે પણ મેં સંબંધો, લાગણીઓ, સ્વભાવ કે પ્રેમ વિશે આટઆટલું લખ્યું છે અને ગણિકાગમન તથા ગણિકાઓ વિશે મારા ચોક્કસ પ્રામાણિક વિચારો છે છતાં આ વિષય પર લખવાની મારી ક્યારેય હિંમત નથી થઈ, હજુય નથી થતી અને તમે સાધુ થઈને આખેઆખી રામકથા વિષયને કેન્દ્રમાં રાખીને કરી રહ્યા છો તે તમારી નૈતિક હિંમતનો પુરાવો છે. અમે ગમે એટલા બહાદુર ગણાતા હોઈએ પણ તમારી આ નીડરતા સામે અમારા બધાની બહાદુરી પાણી ભરે.'

 

'માનસ:ગણિકા' કરવી છે એવું કોઈ વિચારી તો જુએ. અને આટલા વિરાટ પાયે અમલમાં મૂકીને સફળતાપૂર્વક પાર પાડવાનું ગજું તો કોઈનું ય નહીં. બાપુની નૈતિક હિંમતની ઊંચાઈનો આ ત્રીજો પુરાવો.

 

આજની કથામાં બાપુએ એમના વિરોધીઓએ પણ દાદ આપવી પડે એવી વાત કરી: એક યુવકનો પત્ર આવ્યો છે. નામ-ટેલિફોન નંબર બધું લખ્યું છે પણ હું એ જાહેર નહીં કરું, એવું બાપુએ કહ્યું. પત્ર ગઈ કાલે જે જાહેરાત કરી એના સંદર્ભમાં છે - દર વર્ષે આમાંની ૧૦૦ બેટીઓને પરણાવવાની જવાબદારી લેવાના સંકલ્પના સંદર્ભમાં યુવકે લખ્યું છે કે બાપુ, મારા પિતા હયાત નથી, માતા ભાગી ગઈ છે, હું કુંવારો છું, એકલો છું. વારસામાં મિલકતના ઝઘડા સિવાય બીજું કાંઈ નથી. આપ જેમને પરણાવવા માગો છો એવી તમારી કોઈ બેટી સાથે લગ્ન કરીને હું ઘરસંસાર માંડવા માગું છું, એટલું હું પૂરી જવાબદારી સાથે તમને લખું છું.

 

યુવકની આ હિંમતને સમગ્ર કથામંડપે તાળીઓના પ્રચંડ ગડગડાટથી વધાવી લીધી. 'માનસ:ગણિકા'નું રિઝલ્ટ આવવા માંડ્યું છે.

 

ગાંધીજીને લખનૌ અધિવેશન સમયે થયેલા અનુભવની વાત બાપુએ કરી. એક ગણિકાએ ગાંધીજીને પોતાના હાથમાંથી સોનાની ચાર બંગડીઓ ઊતારીને સમાજના જરૂરતમંદ લોકોની સહાય માટે દાનમાં આપી દીધેલી.

 

બાપુએ વાતવાતમાં આજે એક રસપ્રદ વાત કહી: ૨૦૨૦માં લોર્ડ પોપટના દીકરાએ યુ.કે.ની કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં બાપુની નવ દિવસીય રામકથાનું આયોજન કર્યું છે. બાપુ કહે: 'હું જે એસ.એસ.સી.માં ત્રણ વાર ફેઈલ થયેલો તે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કથા કરીશ. કળિયુગ આને કહેવાય!'

 

બાપુએ આજે કહ્યું કે આપણા સંતમંડળના જે શ્રેષ્ઠતમ સાધુઓ છે એમનું કહેવું છે કે જે કેવળ પંડિત હોય એમના મોઢે કથા સાંભળશો તો એમની પાસે વ્યાકરણશુદ્ધિ હશે, છંદબદ્ધતા હશે, ભાષાલાલિત્ય બહુ હશે પણ એમની વાતો તમારી બુદ્ધિથી ટકરાઈને જતી રહેશે. વિદ્વાનના મોઢે કથા સાંભળશો તો એ તો વિદ્ છે, જાણકાર છે પણ જેણે અનુભવો નથી કર્યા એની વાત તમારા દિલને સ્પર્શ્યા વિના નીકળી જશે. કથા સાધુના મોઢે સાંભળવાની હોય. સાધુ જે હોય છે તે ૧૬ કળાઓનો અવતાર હોય છે. આજે સમય નથી પણ કાલે સમય રહેશે તો એ સોળેય કળાઓ વિશે તમને કહીશ. આ ૧૬ શીલ જેનામાં હોય એ સાધુ પૂર્ણાવતાર છે... 'ગોસ્વામી તુલસીદાસની સાધુતાનું તો કહેવું જ શું? પણ કોઈ પણ સાધુ જ્યારે વિદ્યમાન હોય છે (જીવતો હોય છે) ત્યારે એને સતાવવાવાળાઓ પણ પેદા થતા હોય છે. દુનિયાનો આ નિયમ છે. લાગે છે કે તુલસીની પણ દુનિયાએ ઓછી સતામણી નહીં કરી હોય. તુલસીએ જ્યારે કહ્યું કે 'માગીને ખાઈશુ' એવું ક્યારે કહેવું પડ્યું હશે?'

 

બાપુએ કહેલી તુલસીની આ વાત સ્વમાનથી, નિર્ભીકતાથી અને પ્રામાણિકતાથી જીવવાવાળા સૌ કોઈને લાગુ પડે છે. સતાવવાવાળાઓ ભલે સતાવે, જરૂર પડ્યે માગીને ખાઈશું પણ અમારી નિષ્ઠા સાથે સમાધાન નહીં કરીએ, કોઈની આગળ મુજરો નહીં કરીએ, કોઈની ખુશામત કરીને નહીં કમાઈએ - સ્વમાનભેર જીવીશું, નિર્ભય બનીને પ્રામાણિકતાપૂર્વક જીવીશું.

 

બાપુની કથાની મઝા એ છે કે એમનું બધું જ કામકાજ સાહજિક હોય, મનમાં જે મોજ ચાલતી હોય તેને બાપુ સૌની સાથે વહેંચતા રહે છે. આજે જય જય શ્રી રાધેની ધૂનની વચ્ચે એ જ ટ્યુનમાં મોજથી એક પંક્તિ ગાઈ નાખી: દિલ કા ખિલૌના હાય ટૂટ ગયા અને કથાને છેવાડે એક ગઝલ ગાતાં ગાતાં વચ્ચે શ્રી રામ જય રામ જય જય રામની ધૂન આવી! આ જ રીતે મહારાજા દશરથના ચાર પુત્રોની નામકરણવિધિની કથા ચાલતી હતી ત્યારે શત્રુઘ્નના નામની વાત કરતાં કરતાં અજાતશત્રુની વાત કરીને કહ્યું કે સાધુને કે ફકીરને કોઈની સાથે દુશ્મનાવટ ન હોય. કોઈ એનું શું બગાડી લેશે? એ તો ફકીર છે... આવારા હૂં... આવારા એટલે ફકીર, સાધુ... અને બાપુ રાજ કપૂરવાળી પંક્તિ ગાય છે: આવારા હૂં...

 

બાપુમાં નીરક્ષીર વિવેક કેટલો છે એનું એક વધુ પ્રમાણ આજે મળ્યું. ગણિકામાં ૬૪ કળા હોવી જોઈએ એવું ગ્રંથોમાં લખ્યું છે એની ઊંડાણથી વાત માંડતી વખતે બાપુએ કહ્યું કે આમાંની કેટલીક વાતોનો અર્થ હું નહીં કરું અને કેટલીક વાતોનો અર્થ મને ખબર પણ નથી. ૬૪ કળાઓમાંથી પહેલી ગાયનકળા. ગાવત બ્રહ્માદિક મુનિ નારદ. જે પ્રેમ કરે છે તે ગાયન કરે છે. હર દિલ જો પ્યાર કરેગા વો ગાના ગાયેગા, ગાયેગા, ગાયેગા! મીરાએ ગાયું કારણ કે એણે પ્રેમ કર્યો. કબીરે ગાયું. નરસિંહે ગાયું. તુલસીએ ગાયું. બીજી કળા તે નૃત્યકળા, ત્રીજી વાદ્યકળા, ચોથી ચિત્રકળા, પુષ્પરચના કળા, પાકકળા - રસોઈ બનાવવાની કળા, સિવણકળા, પુસ્તકવાચન, નાટ્યકળા, વાસ્તુકળા, રત્નપરીક્ષા, મર્દન-માલિશકળા, સાંકેતિક ભાષા, કાવ્ય ક્રિયા, ઠગવિદ્યા, દ્યુત વિદ્યા, બાલક્રીડા, વ્યાયામ, શિકારવિદ્યા, વ્યંગકળા વગેરે તમામ ૬૪ કળામાં ગણિકાએ નિપુણતા મેળવવી જોઈએ.

 

બાપુની કથા જેઓ ટીવી પર લાઈવ જોતા હશે એમને ખબર છે કે બાપુ રામચરિત માનસની જે કોઈ ચોપાઈ કે દોહો ક્વોટ કરે તેનો પહેલો શબ્દ ગવાય એની સાથે તરત જ આખી ચોપાઈ/ દોહો તમને સ્ક્રીન પર દેખાય. કથામંડપમાં પણ મોટા સ્ક્રીન પર 'આસ્થા'ને લાઈવ પ્રસારણ માટે મોકલાતી ફીડ દેખાતી હોય છે. તમને નવાઈ લાગે કે આટલી ઝડપથી કેવી રીતે ચોપાઈ મુકાઈ જાય છે. બાપુની કથાના લાઈવ પ્રસારણ તથા રેકોર્ડિંગની ઑડિયો-વીડિયો મહુવાના 'સંગીતની દુનિયા' પરિવારની છે જેના મોભી નરેશ વાવડિયા તથા નીલેશ વાવડિયા છે. નરેશભાઈએ મને જાણકારી આપીને ડેમો બતાવ્યો કે એમણે સંપૂર્ણ રામચરિત માનસના પ્રત્યેક સોપાનને આવરી લેતી તમામ ચોપાઈ તથા દોહાઓનો ખાસ સોફટવેર બનાવ્યો છે. આખું માનસ એમને પોતાને તો મોઢે થઈ જ ગયું છે પણ આ સોફટવેરને કારણે તેઓ બાપુ જે ચોપાઈ બોલે તેને ઘડીના છઠ્ઠા ભાગમાં સ્ક્રીન પર દેખાડી શકે છે. નરેશભાઈનું કામ માત્ર આટલું નથી હોતું. કથામંડપમાં સંખ્યાબંધ વીડિયો કેમેરા, વત્તા ક્યારેક ક્રેનના કેમેરા, ક્યારેક ડ્રોન કેમેરા તો ક્યારેક રિમોટ ક્ધટ્રોલ્ડ કેમેરામાંથી જે જે ફીડ આવે તેનું તે જ ઘડીએ ઓનલાઈન એડિટિંગ કરવાનું ભારે કપરું કામ એમણે એક પણ સેક્ધડ માટે બેધ્યાન બન્યા વગર કરવાનું હોય છે. એમાં પાછું બાપુ કથામાં હાજર રહેલા કોઈ મહાનુભાવનું નામ બોલે તો એ ક્યાં બેઠા છે તે કોર્ડલેસ માઈકથી કેમેરામૅનની એના હેડફોનમાં કહીને દિશાસૂચન કરી તાબડતોબ એ મહાનુભાવનો ચહેરો સ્ક્રીન પર લાવવો, વળી ત્યાં ચોપાઈ ગવાય તો એના માટે પણ તૈયાર રહેવું. આ બધી કરામતો કરીને બહાર ઊભેલી 'આસ્થા'ની ઓ.બી. વાન (આઉટડોર બ્રોડકાસ્ટિંગ વાન)ને ફીડ મોકલાય જે સેટેલાઈટથી અપલિન્ક થઈને તમારા ઘર સુધી અને ૧૭૦ કરતાં વધુ દેશો સુધી પહોંચે.

 

વીડિયો ઉપરાંત કથા માટે ઑડિયો પણ એટલો જ અગત્યનો. આ કામ નીલેશ વાવડિયા સંભાળે. બેસ્ટ ઑડિયો સિસ્ટમ 'સંગીતની દુનિયા' પાસે છે. નીલેશભાઈને તમે ઘણી વખત બાપુ માટે માઈક ગોઠવતાં જોયા હશે. વડીલ નરેશભાઈ બેકગ્રાઉન્ડમાં રહેવાનું પસંદ કરે છે. મંડપમાં ક્યાંય લાઉડસ્પીકરમાંથી પડઘા ન સંભળાય એવી તકેદારી રાખવાથી માંડીને બાપુ કોઈપણ એન્ગલમાં મોઢું રાખીને બોલે તો પણ એનું ક્રિસ્પ રેકોર્ડિંગ થાય. સંગીતકાર મંડળીના દરેકે દરેક સભ્યનો સ્વર, એમના વાજિંત્રનો સૂર યોગ્ય ફ્રિક્વન્સીમાં રેકોર્ડ થાય એનું ધ્યાન રાખવું, ક્યારેક કીર્તિદાન ગઢવી, માહ્યાભાઈ આહિર કે પછી ઓસમાણ મીર કે રાજભા કથાશ્રવણ કરતા હોય અને બાપુ એમને ગાવાનું નિમંત્રણ આપે તો તાબડતોબ જાદુગર હવામાંથી રૂમાલ કાઢે એવી એમના માટે માઈક હાજર કરી દેવું - આ બધું કામ ખાવાના ખેલ નથી. ખાસ કરીને લાઈવ ટેલિકાસ્ટ થતું હોય ત્યારે એક - એક સેક્ધડ કીમતી બની જાય. નરેશભાઈ - નીલેશભાઈ આ જવાબદારી દાયકાઓથી સંભાળે છે. આધુનિકમાં આધુનિક સાધનોમાં ઈન્વેસ્ટ કરતા રહે છે. જેરૂસલેમ હોય કે એથેન્સ, ન્યૂ યોર્ક હોય કે થાણે, કૈલાસ માનસરોવર હોય કે અયોધ્યા મહુવાના વાવડિયા પરિવારના અને 'સંગીતની દુનિયા'ના બેઉ મોભીઓ પોતાની વિશાળ ટીમ સાથે હાજર જ હોય. બાપુની સાથે દાયકાઓથી જોડાયેલા આવા અનેક નિષ્ઠાવાનો દ્વારા સતત થઈ રહેલાં અનેક કામની સુગંધ માણવી હોય તો તમારે ટીવી પર લાઈવ પ્રસારણ જોવું જોઈએ અને બને તો બિસ્તરાં પોટલાં બાંધીને અમારી જેમ અયોધ્યા આવી જવું જોઈએ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov5iNcmgyKgosubB3EnN%2B%3DSFXdn%2BW1kfHOq8HLQCc5JCg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment