Saturday 29 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ નામ : પ્રિયંકા ચોપરા જોનાસ......સ્કૂલમાં હું કદરૂપી છોકરી ગણાતી હતી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સપને યે સચ હી હોંગે, હમ તુમ જુદા ન હોંગ!
કથા કોલાજ-કાજલ ઓઝા - વૈદ્ય

amdavadis4ever@yahoogroups.com

નામ : પ્રિયંકા ચોપરા જોનાસ

સ્થળ : મુંબઈ

સમય : ૪ ડિસેમ્બર, ૨૦૧૮

ઉંમર : ૩૬ વર્ષ


નામ : પ્રિયંકા ચોપરા જોનાસ

સ્થળ : મુંબઈ

સમય : ૪ ડિસેમ્બર, ૨૦૧૮

ઉંમર : ૩૬ વર્ષ


એક સ્વપ્ન કેવું હોય છે ? આપણે ધાર્યું પણ ન હોય એવી રીતે આપણી આસપાસ કશું ગોઠવાતું જાય. ઈશ્ર્વરે કે નિયતિએ નક્કી કરેલા બધા જ પગથિયાં ચઢીને આપણે ત્યાં જઈને ઊભા રહીએ જ્યાં એણે આપણને પહોંચાડવાનું નક્કી કર્યું હોય ! આપણા ધમપછાડા કે ધારણાઓ કામમાં નથી આવતા... મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું એક અમેરિકન સાથે લગ્ન કરીશ, થઈ ગયા !

આમ જુઓ તો હું આખી જિંદગી એક સપનું જ જીવી છું. નહીં ધારેલું, નહીં માગેલું મળતું રહ્યું છે, મને. અભિનેત્રી તરીકે પણ અને વ્યક્તિ તરીકે પણ ! પાછી ફરીને જોઉં છું તો મને દેખાય છે એક છોકરી, જેને એના અમેરિકન મિત્રો દબડાવતા, જેને અસ્થમા હતો. સહુને લાગતું હતું કે મને સતત પ્રોટેક્ટ કરવી પડશે. એક મારા પપ્પા જ હતા જે હંમેશા મને કહેતા, 'તું નક્કી કરીશ, ત્યાં પહોંચીશ, પણ નક્કી તારે જ કરવું પડશે.' ૨૦૧૨માં મારા પપ્પાના હેન્ડ રાઈટિંગમાં મેં ટેટુ કરાવેલું. એમાં લખ્યું હતું, 'ડેડીઝ લીટલ ગર્લ.' હું આજે પણ એ ટેટુ વાંચું છું તો આંખો ભીની થઈ જાય છે. મારી માએ મારી કારકિર્દીને સપોર્ટ કરવા ખૂબ મહેનત કરી છે. બરૈલીની એની ધીક્તી ગાયનેકોલોજિસ્ટની પ્રેક્ટિસ છોડીને એણે મારી સાથે એ બધે જ પ્રવાસ કર્યો જ્યાં હું જતી... મારી કારકિર્દીની શરૂઆત કંઈ બહુ અધધધ થઈ જાય એવી નહોતી. ૨૦૦૨માં અબ્બાસ-મસ્તાનની ફિલ્મ 'હમરાઝ'માં મને રોલ મળ્યો. જોકે એ ફિલ્મમાં પછીથી મને કાઢી નાખવામાં આવી. પ્રોડ્યુસર અને મારી તારીખો કે વિચારો મળ્યા નહીં, એટલું જ કહી શકું. એ પછી કેટલાય પ્રોડ્યુસર્સની ઓફિસમાં મારા ઓડિશન્સ અને સ્ક્રીન ટેસ્ટ કરાયા. અંતે ૨૦૦૨માં તામિલ ફિલ્મ 'થામીઝાન'માં મેં ડેબ્યુ એપિયરન્સ કર્યો. જોકે મારો રોલ બહુ નાનો અને મહત્ત્વપૂર્ણ નહોતો. હું બોલીવૂડના જુદા જુદા પ્રોડ્યુસર્સને મળતી રહી, પણ સમ હાઉ એક વર્ષ સુધી મને ફિલ્મ ન મળી. ૨૦૦૩માં અનિલ શર્માની ફિલ્મ 'ધ હીરો'માં મને એક રોલ મળ્યો. આજે વિચારું છું તો સમજાય છે કે એ દિવસોના સંઘર્ષે મને આજની સફળતાનું મહત્ત્વ સમજાવ્યું છે. એ પછી રાજકંવરની ફિલ્મ 'અંદાઝ'માં મને લોકોએ પહેલી વાર નોટિસ કરી. બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મફેર એવૉર્ડ પણ એ વર્ષે મને મળ્યો. ૨૦૦૪માં મારી ત્રણ ફિલ્મો રિલીઝ થઈ, 'પ્લાન', 'કિસ્મત' અને 'અસંભવ', બોક્સ ઓફિસ પર ત્રણેય ફેઈલ થઈ ગઈ.

પહેલી વાર જો એક સારા રોલમાં અભિનેત્રી તરીકે લોકોએ મને ઓળખી હોય તો તે હતી ડેવિડ ધવનની રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'મુઝસે શાદી કરોગી'.

એ પછીના વર્ષે અબ્બાસ-મસ્તાનની ફિલ્મ 'એતરાઝ'માં મેં નેગેટિવ રોલ કર્યો. ઓરિજિનલ અંગ્રેજી 'ડિસક્લોઝર'માં એ રોલ ડેમી મૂરે કરેલો, મારા અભિનયમાં મેં એટલી તો જાન રેડી કે લોકો એ ફિલ્મની ઓરિજિનલ ફિલ્મ ભૂલીને પ્રિયંકાને જ યાદ રાખી શક્યા ! કાજોલ પછી હું પહેલી અભિનેત્રી હતી જેને નેગેટિવ રોલ માટે ફિલ્મફેર મળ્યો.

એ પછી મેં અનેક ફિલ્મો કરી. સારી-ખરાબ, સફળ-નિષ્ફળ... 'વ્હોટ્સ યૉર રાશિ'ના બાર રોલ હોય કે 'સાત ખૂન માફ'ની નેગેટિવ હીરોઈન ! મેં હંમેશા કશુંક જુદું કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ જ્યારે ડૉન-૨માં અભિનય કરવા માટે મને ફરહાન અખ્તરે આમંત્રણ આપ્યું ત્યારે એણે શર્ત મૂકી, 'તારે તારા શરીરને અદ્ભુત બનાવવું પડશે. ડૉન જેવા માણસની સાથે કામ કરનારી છોકરી માત્ર રૂપાળી હોય એવું નહીં ચાલે. તારે ફિટ અને ફાઈટરનો રોલ કરવાનો છે.' ત્યાં સુધી હું મારા શરીર વિશે બહુ સજાગ નહોતી એવું કહું તો ચાલે. સારા દેખાવાનું મને ગમતું, પણ આવી ફિટનેસ વિશે મેં ઝાઝો વિચાર કર્યો નહોતો. એક ફિટનેસ ટ્રેઈનર અબ્બાસ સાથે મારી ટ્રેઈનિંગ શરૂ થઈ. શરૂઆતમાં કંટાળો આવતો, થાક લાગતો. શૂટિંગની વચ્ચે આ ટ્રેઈનિંગ...

આજે એ જ ફિટનેસ અને ટ્રેઈનિંગને કારણે મને અમેરિકામાં 'કોન્ટીકો' સિરિયલમાં કામ મળ્યું છે. એબીસીઝ સ્ટુડિયોની આ સિરિયલ મારા જેવી ભારતીય છોકરીને મળે એ વાત જ નવાઈ લાગે એવી હતી. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૫ના દિવસે આ સિરીઝનું પ્રીમિયર થયું અને હું પહેલી સાઉથ એશિયન અભિનેત્રી બની જેણે અમેરિકન નેટવર્કમાં હેડલાઈન લીધી... ક્યારેય વિચાર્યું નહોતું. અમેરિકામાં કામ કરતી હતી ત્યારે સંજય લીલા ભણશાલીનો ફોન આવ્યો. એણે સેક્ધડ લીડ રોલ માટે ઓફર કરી. મેં સીધી ના જ પાડી દીધી, પણ સંજય જેનું નામ ! એણે કહ્યું કે એક વાર રોલ સાંભળી લે, પછી ના પાડજે. કાશીબાઈનો રોલ સાંભળ્યો કે તરત મેં હા પાડી. હીરોઈન કરતાં વધુ સ્કોપ હતો, આ પાત્રમાં ! અંતે થયું પણ એમ જ. બાજીરાવ મસ્તાનીમાં મારો રોલ ખૂબ વખણાયો. મને ફિલ્મફેર, આઈફા અને લક્સ સિને એવૉર્ડ મળ્યા. પછી 'જય ગંગાજલ', 'મેરી કોમ' એક પછી એક એવી ફિલ્મો કરવાની મજા આવી જે મેં મારા આનંદ માટે કરી.

એક દિવસ મને રાજેશ માપુસકરે 'વેન્ટિલેટર'ની વાર્તા સંભળાવી. મેં નક્કી કર્યું કે હું આ ફિલ્મ પ્રોડ્યુસ કરીશ. મેં રાજેશને આ ફિલ્મ હિન્દીમાં બનાવવાનું કહ્યું, પણ રાજેશે ઘસીને ના પાડી. એણે આશુતોષ ગોવારીકરને આ ફિલ્મમાં રોલ કરવા મનાવી લીધા. ફિલ્મ અદ્ભુત સફળતાનું ઉદાહરણ બની. મરાઠી ફિલ્મોના નવા યુગની શરૂઆતમાં મારી ફિલ્મે મહત્ત્વનો ફાળો આપ્યો છે એમ કહું તો જરાય ખોટું નથી.

એ દિવસોમાં શાહરુખ ખાન સાથે મારા અફેરની અફવાએ જોર પકડ્યું હતું. શાહરુખ સાથેનો મારો અફેર એટલો બધો ચર્ચાના ચકડોળે ચઢ્યો કે મારે ગૌરીને મળીને સફાઈ આપવી પડી. આજે વિચારું છું તો સમજાય છે કે આ દેશમાં હજીયે એક સ્ત્રી-પુરુષની મૈત્રીને નોર્મલી લેવામાં આવતી નથી. શાહરુખ મજાનો માણસ છે. એની સાથે વાતો કરવાની મજા પડે છે. સ્ત્રીઓ માટે સન્માન છે, એના મનમાં. મને એની સાથે ફાવે છે. તમે વિચાર તો કરો, તમે જેને એક ફૅનની જેમ મુગ્ધભાવે જોયો હોય એ માણસ તમારી સાથે કામ કરતો હોય, હસતો-મજાક કરતો હોય તો કઈ છોકરી એ આકર્ષણથી બચી શકે ? શાહરુખ ખાન સાથેના અફેર જેવું કશું હતું કે નહીં એ વિશે હવે વધુ સફાઈ આપવાની મારી તૈયારી નથી... પણ નવાઈની વાત એ છે કે મીડિયાથી ચાલુ કરીને મિત્રો સુધીના લોકોએ મને આ અંગે સવાલો પૂછેલા, એક નિકે મને કોઈ દિવસ આ વિશે હજી સુધી કશું જ પૂછ્યું નથી !

નિકને હું કેવી રીતે મળી એ પણ નિયતિની એક રમત જ કહી શકાય. અમે એકબીજાને ક્યાંય સુધી સામસામે મળ્યા જ નહોતા. નિક જોનાસે મને મારા એક મ્યુચ્યુઅલ ફ્રેન્ડ ગ્રેહામ રોજર્સના ટ્વિટર પરથી મેસેજ લખ્યો. મેં એને જવાબ આપ્યો, 'તમે મને ડાયરેક્ટલી પણ વિશ કરી શકો છો.' નિક પાસે ત્યારે મારો નંબર નહોતો. એણે રોજર્સ પાસેથી મારો ફોન નંબર લઈને મને મેસેજ લખ્યો. અમારી વચ્ચે ટેક્સ્ટની આપ-લે શરૂ થઈ. અમે પહેલી વાર તો લગભગ આઠ મહિના પછી મળ્યા. વેનિટી ફેરની આફ્ટર ઓસ્કાર પાર્ટીમાં નિક મને જોઈને ઘૂંટણિયે બેસી ગયો. એણે મારો હાથ પકડીને કહ્યું, 'તું કેટલી સાચી અને પ્રામાણિક છે. મારી આખી જિંદગી સુધી ક્યાં હતી તું ?' મને નવાઈ લાગી, હસવું પણ આવ્યું, પણ પછી સમજાયું કે એ ગંભીર હતો. જોકે એ સાંજે અમે પાંચ જ મિનિટ વાત કરી શક્યા, મારે ફ્લાઈટ પકડવાની હતી.

એ પછી રાલ્ફ લોરેને અમને સાથે ફેશન વૉક માટે ઈન્વાઈટ કર્યા.. એ દિવસે અમે એકબીજાને સારી રીતે મળ્યા. એ પછીના અઠવાડિયે નિકે મને ન્યૂયોર્કની રેસ્ટોરાં કાર્લિલેમાં ડ્રિંક્સ માટે ઈન્વાઈટ કરી. અમે સાંજના લગભગ ત્રણેક કલાક સાથે ગાળ્યા. એ પછી હું એને મારા એપાર્ટમેન્ટ પર લઈ ગઈ, મારી મૉમ ઘરમાં હતી. એ મારી મૉમને મળ્યો અને અમે કંઈ સમજીએ એ પહેલાં એણે મને પ્રપોઝ કરી દીધું. મેં એને કહ્યું કે હું વિચારીને જવાબ આપીશ...

એ પછીનું આખું અઠવાડિયું એણે મારા જવાબની પ્રતીક્ષા કરી... એક દિવસ સાંજે એણે ઘરે આવીને મને ચોંકાવી દીધી. હું સમજી નહોતી શક્તી કે એક અમેરિકન, મારાથી દસ વર્ષ નાના સિંગિંગ સ્ટારને પરણીને હું સુખી થઈશ કે દુ:ખી એ વાતનો જવાબ નિકે બહુ સરસ આપ્યો. એણે કહ્યું, 'લગ્ન કર્યા પછી સુખી કે દુ:ખી થવું એ આપણા હાથમાં છે. તું ઈચ્છીશ તો સુખી થઈશ એવું હું તને વચન આપું છું.' હું એના જવાબ પર આફરીન થઈ ગઈ. એ મારી જેમ કર્મમાં માનવાવાળો માણસ છે. એને પોતાની મહેનત પર, આત્મવિશ્ર્વાસ પર વધુ શ્રદ્ધા છે.

એ પછી અફવાઓનું બજાર ગરમ થયું. હું મારા આખા પરિવાર સાથે નિકને લઈને ગોવા રજાઓ ગાળવા ગઈ. ત્યાંથી પરિણીતીએ ટ્વિટર પર શૅર કરેલો ફોટો આખા બજારમાં ફરવા લાગ્યો. નિક સાથે હું લગ્ન કરી રહી છું એ વાતની જાહેરાત હું કરું એ પહેલાં તો મીડિયાએ કરી દીધી. મેં વિરોધ નથી કર્યો, કારણ કે હું એને પ્રેમ કરવા લાગી હતી. નિક સાથેના મારા લગ્ન સાચે જ કોઈ સ્વપ્નની જેમ હકીક્તમાં પલટાયા.

૨જી ડિસેમ્બરે અમે લગ્ન કર્યા. બાકીનું જીવન અમે સાથે જીવીશું એમ ધારીને અત્યારે તો અમે સ્વિત્ઝરલેન્ડ હનીમૂન પર જઈ રહ્યા છીએ. અમારા લગ્ન કેટલા સુખી અને કેટલા દુ:ખી પુરવાર થશે એ તો સમય જ કહેશે. અત્યારે તો હું આંખો મીંચીને એક સ્વપ્ન જીવી રહી છું. સાચું પૂછો તો જાગવાની ઈચ્છા પણ નથી મને.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtXVpWtnurmZ1ecfJSufM5BT_VBH69VMiVa%2BgpV2ctGCw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment