Saturday, 29 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સાન્તાક્લોઝ પુરુષ જ બની શકે? સ્ત્રીઓ નહીં? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સાન્તાક્લોઝ પુરુષ જ બની શકે? સ્ત્રીઓ નહીં?
કવર સ્ટોરી-અનંત મામતોરા

amdavadis4ever@yahoogroups.com

નાતાલના દિવસો ચાલતા હોય ત્યારે સાન્તાકલોઝ યાદ આવ્યા વગર રહે નહીં . સાન્તાકલોઝનું નામ આવે એટલે આપણી નજર સમક્ષ ધોળી દાઢી-મૂછ અને વાળવાળા, લાલ ડગલા અને પેન્ટ વાળા, માથે લાલ રંગની શંકુ આકારની ટોપી પહેરતાં, ખભે લાલ કોથળામાં બાળકો માટે ઘણી બધી ગિફ્ટસ લઇ રેન્ડિયર ગાડીમાં બેસીને આવતા દાદા જ તરી આવે. ભારતમાં નાતાલચાચા તરીકે ઓળખાતા આ સાન્તાકલોઝ શું માત્ર પુરુષ જ હોઇ શકે? શું નાતાલ ચાચાની જેમ નાતાલ ચાચી ન હોઇ શકે? આવા પ્રશ્ર્નો હવે પૂછાતા થયા છે.

એવું કોઇ ક્ષેત્ર બાકી નહીં હોય જેમાં મહિલાઓએ પગ પેસારો ન કર્યો હોય. કોર્પોરેટ ક્ષેત્ર હોય કે લશ્કર, વેપાર હોય કે રાજકારણ, દરેક વ્યવસાયમાં સ્ત્રીઓનો દબદબો વધતો જાય છે. આધ્યાત્મિક ક્ષેત્ર પણ હવે આમાંથી બાકાત નથી. ધાર્મિક ક્ષેત્રે ગુરુ હોય છે તો ગુરુમા પણ હોય છે, સાધુ હોય તો સાધ્વી પણ હોય છે, તો આ સાન્તાકલોઝ પણ બાકી કેમ રહી જાય એવો વિચાર કોઇકને ઇંગ્લેન્ડમાં આવ્યો હશે એટલે ત્યાંના ડરહામ પ્રાંતના ન્યૂટન એક્લિફ શહેરમાં એક સ્ત્રીએ સાન્તાકલોઝનો પરિવેશ ધારણ કરીને શહેરની ક્રિસમસ પરેડમાં ભાગ લીધો હતો. આપણને એમ લાગે છે કે ભારતની સ્ત્રીઓએ જ સમાન અધિકારો માટે લડત આપવી પડે છે, પણ કાગડા તો બધે જ કાળા હોય છે,આ શહેરની નગરપાલિકામાં પણ મહિલા સાન્તાકલોઝની તરફેણમાં અને વિરોધમાં જબરદસ્ત ચર્ચા વિચારણાઓ થઇ હતી. આ શહેરના લેબર પાર્ટીના એક નગરસેવક અરૂણ ચંદ્રને મહિલા સાન્તાક્લોઝના વિચારનો વિરોધ કર્યો હતો. તેમના કહેવા મુજબ સાન્તાક્લોઝનું આ પાત્ર પુરુષો માટે જ યોગ્ય છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે,' મારી સમજણ મુજબ સાન્તાક્લોઝ જે ફાધર ક્રિસમસ તરીકે પણ ઓળખાય છે એ પુરુષ પાત્ર છે. મને મહિલા સાન્તાક્લોઝ વિશે કોઇ અણગમો કે વિરોધ નથી, પણ સાન્તાક્લોઝ પુરુષ હોવા એ વર્ષો જૂની પરંપરા છે અને સમાજના બહુમતી વર્ગે આ સ્વરૂપને વર્ષોથી સ્વીકાર્યું છે. લિન્ડા ગિબ્સન નામની બીજી એક નગરસેવિકાએ પણ આ વિચારને સમર્થન આપતાં કહ્યું હતું કે બાળકો ફાધર ક્રિસમસને મળવા આતુર હોય છે અને તેઓ એમની જગ્યાએ મહિલાને જોશે તો મૂંઝવણમાં મુકાઇ જશે. જોકે, એક અન્ય મહિલા નગર સેવક સ્ટેસી સોલોમને જણાવ્યું હતું કે જ્યાં સુધી સાન્તાકલોઝનો પૂર્ણ પહેરવેશ પહેરવામાં આવે છે અને સફેદ દાઢી-મૂછ પણ ચહેરા પર લગાડવામાં આવે છે મતલબ કે વ્યક્તિ સંપૂર્ણપણે સાન્તાક્લોઝના ગેટઅપમાં હોય તો શું ફરક પડે છે એ વ્યક્તિ પુરુષ હોય કે મહિલા. આ તો સાન્તાક્લોઝનું પાત્ર ભજવવાની વાત છે, એ પુરુષ ભજવે કે મહિલા, એનાથી કશો જ ફેર પડતો નથી. આ જ વાતનું સમર્થન કરતાં ૭૦ વર્ષના બિલ બ્લેન્કિનસોપે તો ત્યાં સુધી જણાવી દીધું હતું કે અમે સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો છે કે મહિલા સાન્તાક્લોઝ બનવામાં કશું ખોટું નથી. સાન્તાક્લોઝ પુરુષ હોય કે મહિલા શો ફરક પડે છે?

પણ થોડા જ દિવસોમાં કોણ જોણે શું થયું. ન્યૂટન એક્લિફ શહેરની આ નગરપાલિકામાં થોડા દિવસ પછી પાછો ચર્ચા-વિચારણાનો દોર ચાલ્યો હતો અને ફરી પાછું મતદાન કરાવવામાં આવ્યું હતું ત્યારે બાજી પલટાઇ ગઇ હતી. નવો નિર્ણય એવો આવ્યો હતો કે સાન્તાક્લોઝ તરીકે પુરુષોને જ ચાલુ રાખવા જોઇએ.

જોકે, અહીં જે નિર્ણય લેવાયો તે ભલે હોય, પણ હવે આ વાતની ચર્ચા વિશ્ર્વ ભરના અનુયાયીઓમાં થવા તો લાગી જ છે. ભારતમાં જેમ સબરીમાલાના મંદિરમાં મહિલાઓને પ્રવેશ મળવો જોઇએ કે નહીં તે વિશે ચર્ચાઓ થાય છે. મહિલા પ્રવેશની તરફેણમાં અને વિરુદ્ધમાં એમ બેઉ બાજુ બોલવાવાળા હોય છે એમ અમેરિકા અને ઇંગ્લેન્ડમાં પણ હવે સાન્તાક્લોઝ મહિલા હોવી જોઇએ કે પુરુષ એવી ચર્ચાઓ થવા માંડી છે. તાજેતરમાં જ આ બેઉ દેશોમાં થયેલા એક અભ્યાસ મુજબ ૨૭.૮ ટકા લોકોએ એવું જણાવ્યું હતું કે તેઓ મહિલા કે નાન્યતર જાતિના લોકોને સાન્તાકલોઝ રૂપે પસંદ કરે છે. એટલે કે ચોથા ભાગ કરતાં પણ વધુ લોકો પુરુષ સાન્તાક્લોઝના અન્ય વિકલ્પ માટે તૈયાર છે. આ ૨૭.૮ ટકા લોકોમાં પણ ૧૦.૬ ટકા લોકોએ મહિલા સાન્તાક્લોઝ અને ૧૭.૨ ટકા લોકોએ નાન્યતર જાતિના સાન્તાક્લોઝની તરફેણ કરી હતી.

જોકે, આ વર્ષે પહેલી વાર આવા સર્વે કે ચર્ચા વિચારણા થઇ હોય એવું નથી. ૨૦૧૬માં પણ કેટલેક ઠેકાણે નાતાલની ઉજવણીના મહિલા સાન્તાક્લોઝ દેખાણાં હતાં. ૨૦૧૭માં તો ઘણા લોકો ચર્ચા કરી રહ્યા હતાં કે ફાધર ક્રિસમસની જગ્યાએ હવે 'પર્સન ક્રિસમસ' એવું નામ રાખવું જોઇએ.

અમેરિકા-ઇંગ્લેન્ડની જેમ ખ્રિસ્તીઓની બહુમતી ધરાવતા ન્યૂઝીલેન્ડના એક શહેર ગિસ્બર્નની નાતાલ પરેડમાં પણ મહિલા સાન્તાક્લોઝે દેખા દીધી હતી. ત્યાંના એક રહેવાસીએ તો ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ મહિલા સાન્તાક્લોઝને જોઇને અહીંનાં બાળકોને આમાં કાંઇ અજુગતું લાગ્યું ન હતું. ન્યૂઝિલેન્ડનાજ બીજા એક શહેર ઑકલેન્ડના એક શોપિંગ સેન્ટરમાં પણ એક મહિલાએ લાંબી દાઢી-મૂછ સાથે સાન્તાક્લોઝનો પરિવેશ ધારણ કરીને બાળકોને ખુશ કરી દીધાં હતાં.

મહિલા સાન્તાક્લોઝ હોવા ઉપરાંત કેટલાક લોકો એવું પણ માને છે કે નાન્યતર જાતિના સાન્તાક્લોઝ પણ હોવા જોઇએ. ૧૭ ટકાથી વધુ લોકોએ સાન્તાક્લોઝ તરીકે નાન્યતર જાતિના લોકોની ડિમાન્ડ કરી છે. અમુક લોકો માને છે કે આ જાતના સાન્તાક્લોઝથી બાળકોને પણ નાન્યતર જાતિ વિશે ઉત્તમ જાણકારી આપી શકાય. અલગ અલગ પ્રકારના એટલે કે પુરુષ, સ્ત્રી કે નાન્યતર જાતિના સાન્તાક્લોઝથી બાળકો પર કોઇ નકારાત્મક નહીં, પણ સકારાત્મક અસર જ થશે તેવું આ લોકોનું દૃઢપણે માનવું છે.

જોકે, સાન્તાક્લોઝ પુરુષ હોવા જોઇએ કે સ્ત્રી કે પછી નાન્યતર જાતિ, એવા ભાતભાતના સર્વે પશ્ર્ચિમના દેશોમાં થઇ રહ્યા છે ત્યારે અમુક લોકો તો સાન્તાકલોઝનો ગેટઅપ પણ બદલવાની સલાહ પણ આપે છે. ઘણી વાર એવું પણ બને છે કે આવા દાઢીધારી સાન્તાક્લોઝને આ ક્લીનશેવ ચહેરાના જમાનામાં જોઇને ક્યારેક ક્ેટલાંક નાના બાળકો તો ગભરાઇ પણ જાય છે. આપણે ત્યાં તો હજુ પણ બાળકને જરા ગભરાવવો હોય તો દાઢીધારી બાવાઓનો ઉલ્લેખ વડીલો એમ કહીને કરતાં હોય છે, ખાઇ લે નહીં તો બાવો આવશે. પશ્ર્ચિમી દેશોમાં પણ સાન્તાક્લોઝની હેરસ્ટાઇલ બદલાવી જોઇએ તેવા પણ મંતવ્યો હવે કેટલાક લોકો આપતાં થયા છે.

મૂળ વાત પર પાછા આવીએ તો આ વખતે તો ઇંગ્લેન્ડના એક શહેરની નગરપાલિકામાં મહિલા સાન્તાકલોઝનો પ્રસ્તાવ ઊડી ગયો, પણ હવે શહેરમાં અને દેશમાં જે રીતે સર્વે થઇ રહ્યા છે ત્યારે નજીકના ભવિષ્યમાં બાળકોને ફાધર ક્રિસમસની જેમ મધર ક્રિસમસ અને પર્સન ક્રિસમસ પણ જોવા મળે તો નવાઇ નહીં લાગે.

અમુક લોકો તો હસતાં હસતાં એમ પણ કહેતાં જોવા મળે છે કે આગામી સમયમાં સાન્તાકલોઝ ભલે મહિલા હોય કે નાન્યતર જાતિના હોય, જ્યાં સુધી તેઓ આપણા બાળકો માટે સુંદર મજાની ભેટ-સોગાદ લાવતાં રહેશે ત્યાં સુધી તો બધાં ખુશ જ રહેશે.

અને હાં, સહુને નાતાલ મુબારક એન્ડ એ હેપ્પી ન્યુ યર ૨૦૧૯.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvpWDfga4T%2BySQ_w92zKDxeH1AE5YG_3C2aKS7q87gEAw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment