Monday, 31 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કોઈ આંખ જો ભીની થઈ તો, કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોઈ આંખ જો ભીની થઈ તો, કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ
ડૉ. શરદ ઠાકર

 

 

'આપણી સોસાયટીમાં નવું ફેમિલી રહેવા આવ્યું છે. ધણીનું નામ લચ્છુ સુપારીવાલા છે. કોઇએ જોયો કે નહીં એને?' સોસાયટીના સેક્રેટરી શશીકાંતે પૂછ્યું. સામે બેઠેલા દસેક સભ્યોએ માથાં નકારમાં હલાવ્યા.


રાતના આઠેક વાગ્યા હતા. સોસાયટીના કોમન પ્લોટમાં એક નાનો એવો બગીચો હતો. ચોમેર છ-છ માળના ફ્લેટ્સ ઊભા હતા. બાળકોને રમવા માટે લપસણી, હીંચકો વગેરે હતાં. દીવાલ પાસે એક ચોરસ ઓટલો હતો. આ ઓટલા પર રોજ આઠથી નવ વાગ્યાની વચ્ચે નવરાઓની બેઠક જામતી હતી. સોસાયટીના સેક્રેટરી શશીકાંત એ બેઠકના અવિધિસરના પ્રમુખ હતા. બોલવાની જવાબદારી મોટાભાગે એ જ બજાવતા હતા; શ્રોતાઓમાં લગભગ બધા એમના ચમચાઓ જ હતા. સેક્રેટરીની સાથે સારા સંબંધો રાખ્યા હોય તો ક્યારેક કામમાં આવે એવું માનનારા સભ્યો શશીકાંતની બડાશો શાંતિથી સાંભળી લેતા હતા.

'દેખાવમાં તોતિંગ પહાડ જેવો છે એની ના નહીં, પણ ડરપોક છે ડરપોક! મેડમ તુષાદના મ્યુઝિયમમાં મૂકેલું મીણનું સ્ટેચ્યુ જોઈ લો જાણે!'

આજે શશીકાંતનો પ્રશ્ન સાંભળીને કોઇ કંઇ બોલ્યું નથી. એક જણ માંડ માંડ દબાયેલા અવાજમાં આટલું પૂછી શક્યો, 'હેં! લચ્છુ સુપારીવાલા? આપણી સોસાયટીમાં? સાંભળ્યું છે કે એ તો બહુ મોટો પહેલવાન છે...'


શશીકાંત જોરથી થૂંક્યો. જાણે ચાવેલી સોપારીનો રસ થૂંકતો હોય તેવી અદાથી થૂંક્યો! પછી વાંકો હોઠ કરીને વાંકું હસ્યો, 'પહેલવાન?!!! હંહ...! મીણનું બનેલું કબાટ છે કબાટ! દેખાવમાં તોતિંગ પહાડ જેવો છે એની ના નહીં, પણ ડરપોક છે ડરપોક! મેડમ તુષાદના મ્યુઝિયમમાં મૂકેલું મીણનું સ્ટેચ્યુ જોઇ લો જાણે!'


'એમ? તમને શેના પરથી એવું લાગ્યું?'


'ગઇ કાલની જ વાત. એ લોકો સરસામાન લઇને આવ્યા. સાથે ચાર મજૂરો હતા. એ બધા સામાન ઉતારીને ઘરમાં મૂકતા હતા, ત્યાં આ લચ્છુડો મને મળવા આવ્યો. એણે ફ્લેટના બારણા પર બોર્ડ વાંચ્યું હશે. શ્રી શશીકાંત શાસ્ત્રી, સેક્રેટરી-આદર્શ સોસાયટી. એટલે ધ્રૂજી ઊઠ્યો હશે.'


'લચ્છુ પહેલવાન? ધ્રૂજી જાય? તમને જોઇને!' પૂછનારની નજર શશીકાંત શાસ્ત્રીના સળેકડી જેવા શરીર ઉપર હતી.


શશીકાંત એમ તો નજર પારખું હતો. ફટાક દઇને જવાબ આપી દીધો, 'માણસની તાકાત એના મસલ્સમાં નહીં, પણ મિજાજમાં રહેલી હોય છે. લચ્છુડો ભલેને શરીરથી ભીમ જેવો હોય, પણ મને જોઇને નરમ ઘેંસ જેવો થઇ ગયો. બે હાથ જોડીને, કમરથી ઝૂકીને, જાણે કરગરતો હોય એવા ભાવથી કહેવા લાગ્યો, 'આપ ખુદ જ શશીભાઇ? મારું નામ લચ્છુપ્રસાદ છે. મૂળ અમે યુ.પી.ના પણ મારો જન્મ અને ઉછેર અહીં જ થયો છે. આપ આ સોસાયટીના સેક્રેટરી છો એવું બોર્ડમાં વાંચ્યું, એટલે શુભેચ્છા મુલાકાત માટે આવ્યો છું. આપને મળીને આનંદ...'
'પછી?'


'પછી શું? મેં કીધું- ઠીક છે, ઠીક છે, આનંદ-બાનંદ તો સમજ્યા પણ મારે લાયક કોઇ કામકાજ હોય તો કહી દેજો.' એ પણ પૂરો શરણે આવી ગયો. 'કામ તો પડવાનું જ ને, શશીભાઇ! ધંધાના કામ માટે મારે ઘરે આવતાં વહેલું મોડું થાય તો મારાં બૈરી-છોકરાંનું તમે ધ્યાન રાખજો. બીજું શું? મેં પણ એને હિંમત બંધાવી દીધી-' 'બૈરી-છોકરાંની ચિંતા છોડો; તમને પણ જો કોઇ હેરાન કરતું હોય તો મને કહી દેજો; આમ મચ્છરની જેમ મસળી નાખીશ.' બાપડો હસતો-હસતો જતો રહ્યો.'


'તમારી ઉપર હસતો હશે!'


'નહીં તો! એને લાગ્યું કે આ સેક્રેટરીસાહેબ મજબૂત મર્દ માણસ છે, એના આશરે એનો પરિવાર સલામત રહેશે એ વાતની ખુશીમાં એ હસી પડ્યો.'


ઓટલો વિખેરાઇ ગયો. પણ એ પછી એ રોજ-રોજ એવી ઘટનાઓ બનતી રહી જે સિદ્ધ કરતી રહી કે શશીકાંત શાસ્ત્રીનું અનુમાન સાચું છે. ખરેખર લચ્છુ પહેલવાન એનાથી ડરી ગયો હોય!
એક દિવસ લચ્છુની કામવાળી બાઇ કચરો ફેંકી ગઇ. સાવ શશીકાંતના બેડરૂમની બારી પાસે. મરદની મૂછનો વાળ ફરક્યો, 'એ...ઇ...! આ તારા બાપની જગ્યા છે? કોને ત્યાં કામ કરે છે? લચ્છુને ત્યાં ને? કહી દેજે તારા શેઠને કે મારી ખોપરી હટી ગઇ છે. બે દિવસ સુધી મારી સામે ન આવે, નહીંતર...'


અડધા કલાકમાં જ લચ્છુ પોતે જ ઘરમાં આવીને શશીકાંતને મળી ગયો. બારણામાંથી જ બે હાથ જોડીને, અદબથી ઝૂકીને, વિનમ્ર ભાષામાં માફી માગી ગયો. હવે પછી આવું નહીં થાય એવું વચન આપતો ગયો.


બીજા એક દિવસે ક્રિકેટનો બોલ હેન્ડ ગ્રેનેડની જેમ શશીકાંતના ઘરની બારી પર ફેંકાયો. કાચ ચૂર ચૂર! શશીકાંત બહાર ધસી ગયા. દસ-બાર ટાબરિયા ક્રિકેટ રમતા હતા. બેટ જેના હાથમાં હતું એ ટાબરિયું લચ્છુ પહેલવાનનું હતું.
શશીકાંતે એને એક લાફો ઠોકી દીધો, 'આ કાચ ફૂટ્યો એના પૈસા કોણ આપશે? તારો બાપ?' છોકરો રડતો રડતો ઘરે ગયો અને બીજી મિનિટે લચ્છુ પહેલવાન બહાર આવ્યો.


એ જ વિનીત મુદ્રા, ક્ષમાપ્રાર્થી ચહેરો, જોડાયેલા બે હાથ અને ઝૂકેલી કમર, 'શશીકાંતભાઇ, કાલે જ માણસ આવીને નવો કાચ નાખી જશે. માફ કરો. છોકરાથી ભૂલ થઇ ગઇ.' શશીકાંત શાસ્ત્રીને લાગ્યું કે આ દૃશ્યનો તો ફોટો પાડીને વિશ્વભરમાં વાઇરલ કરી દેવો જોઇએ.


શશીકાંત હવે વકરીને વાઘ બની ગયો. રોજ રોજ તો કોની ઉપર દાદાગીરી કરે? પણ પત્ની રોજ હાથવગી જ હોય. આમ પણ શશીકાંતનો ત્રાસ તો પહેલાંથી જ હતો, ગમે ત્યારે એ પત્નીની ઉપર હાથ ઉપાડી લેતો હતો. પણ હવે તો એણે હદ વટાવી દીધી.


એક વાર ભરબપોરે પત્નીનો કંઇક વાંક જોયો એટલે શશીકાંત એને ઝૂડવા માંડ્યો. આજે પહેલીવાર પત્નીથી સહન ન થયું. એણે ચીસાચીસ કરી મૂકી. પાડોશીઓ ભેગા થઇ ગયા. રવિવાર હોવાથી પુરુષો ઘરે જ હતા. પણ કોઇ વચ્ચે ન પડ્યું. ત્યાં લચ્છુ પહેલવાન પધાર્યા. એ જ મુદ્રા, બે હાથ જોડીને એણે પ્રાર્થના કરી, 'શશીભાઇ, સ્ત્રી જાત પર હાથ ન ઉપાડાય. એ તો ગૃહલક્ષ્મી...'


'તો તારી ઉપર હાથ ઉપાડું? સાલા, નામર્દ! તું અમારા ઝઘડામાં કેમ વચ્ચે પડે છે? તારે મારી બૈરીની સાથે...'


બસ, શશીકાંતના મુખેથી નીકળેલો આ છેલ્લો ડાયલોગ. પછી શું થયું એની એને કશી જ ખબર ન રહી. લચ્છુના લોખંડી હાથનો એક જોરદાર પ્રહાર, પછી બે હાથમાં બકરીને ઊંચકતો હોય તે રીતે ઉઠાવીને લચ્છુએ આ સળેકડી જેવા શશીયાને ફેંક્યો, તે સીધો કોમન પ્લોટના ઓટલા પર જઇ પડ્યો. પછી ત્યાં જ મૂર્છિત અવસ્થામાં પડી રહ્યો. ત્રણ જણાંએ ઊંચકીને દવાખાના ભેગો કર્યો.


લચ્છુએ આગ વરસાવતી નજરે ભીડ સામે જોયું, 'હું બહાર ભલે ડોન ગણાતો હોઉં, પણ સોસાયટીમાં સજ્જન તરીકે જ રહેવાની મને ટેવ છે. પણ સ્ત્રીઓનું અપમાન હું સહન નહીં કરી શકું. જ્યાં સુધી આ સોસાયટીમાં છું ત્યાં સુધી આ વાત યાદ રાખજો.'

(શીર્ષકપંક્તિ: અનિલ ચાવડા)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OspOeE8UbubS64tkOm-S5Hp1P-ZzvCnE4OcWYqp%3DcKH5g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment