| શું તમે ક્યારેય તમારી હેલ્થ ડાયરી બનાવી છે?
નવું વર્ષ આવે એટલે આપણને કેલેન્ડર અને ડાયરીની અપેક્ષા હોય. આ બે વસ્તુ ન આવી હોય તો આપણને કોઇની પાસે માગતાય સંકોચ નથી થતો. અને ન જ મળે તો આપણે ખરીદીને પણ તેમાં આવક તેમ જ ખર્ચા કે રોકાણનો હિસાબકિતાબ તો રાખીએ જ છીએ. બસ, આ જ રીતે એક હેલ્થ ડાયરી રાખવાના પણ ઘણા ફાયદા છે. તમે છેલ્લે ક્યારે બીમાર પડ્યા હતાં. તમારા પરિવારમાં કઇ કઇ બીમારી વારસાગત છે, પરિવારમાં કોને કોને કઇ દવાઓથી એલર્જી છે, ખાવા-પીવામાં તમે કઇ બાબતો પચાવી નથી શકતાં- આવી તમામ ઉપયોગી બાબતો તમે ડાયરીમાં નોંધીને રાખી શકો છો.
અગર તમારી ઉંમર 20 વર્ષની હોય તો તમારી ડાયરીમાં નાનપણ અને કિશોરાવસ્થામાં થયેલા રોગોની નોંધ રાખી શકો છો. 30 વર્ષના થાવ ત્યારે તમારી ખાણીપીણીમાં આવેલા પરિવર્તન વિશે લખો. આ હેલ્થ ડાયરીમાં તમને કોઇ વ્યસન ક્યારે વળગ્યું અને ક્યારે છોડ્યું તે વિશે ચાહો તો પણ લખી શકો છો. 40 વર્ષની ઉંમરે પહોંચતા તમે અત્યાર સુધી આવેલી બીમારીમાં કયા કયા રિપોર્ટ કઢાવ્યા હતા, ક્યા કયા ડૉક્ટરોને મળ્યા હતાં, કઇ કઇ દવાઓ લીધી હતી તેની વિગતો પણ નોંધી શકો છો.
આ ડાયરીનો એક ફાયદો એ પણ છે કે તમને ભૂતકાળમાં કઇ કઇ દવાઓની એલર્જી હતી એનો ડૉક્ટરને ખ્યાલ આવે તો એ તે દવાઓ કે તેના જેવી દવાઓ લખીને ન આપે.
એક ડૉક્ટરના કહેવા પ્રમાણે એક દર્દી તેની ચામડી સંબંધી બીમારી લઇને તેમની પાસે આવ્યો. તેની બીમારીનો ઇતિહાસ પૂછતાં હતાં, ત્યારે તેણે બનાવેલી હેલ્થ ડાયરી ડૉક્ટરને વાંચવા આપી. આ ડાયરી તેમણે વાંચતાં જ તેમને ખબર પડી કે આ દર્દીને ગ્લૂટેન સંબંધી બીમારી થઇ ચૂકી છે. આનાથી તેમને જાણવા મળ્યું કે ચામડીની બીમારી કોઇ ખાદ્ય પદાર્થની એલર્જીને કારણે થઇ છે. આમ આ દર્દીની બીમારીનો કાયમી ઉકેલ લાવવા આ ડાયરી ઉપયોગી થઇ પડી.
બીજા એક ડૉક્ટરના કહેવા મુજબ લોકો વારંવાર તેમણે લખી આપેલા પ્રિસ્ક્રિપ્શન ખોઇ નાખે છે અથવા ફેંકી દે છે, પરંતુ લોકોએ આ પ્રિસ્ક્રિપ્શન પણ ડાયરીમાં સાચવી રાખવા જોઇએ. આ ડાયરીમાં છેલ્લે ક્યારે મેડિકલ ચેક અપ કરાવ્યો, ક્યારે દવાઓ અને ડાયેટમાં ફેરફાર કરાવ્યો તેની વિગતો પણ નોંધતા રહેવું જોઇએ. ઘણા લોકોને પૂછવામાં આવે કે છેલ્લે ક્યારે બ્લડપ્રેશરની સમસ્યા થઇ હતી તો એ બતાવી નથી શકતાં કે આ બીમારી 10 વર્ષથી છે કે 15 વર્ષથી.
ડાયરી લખવામાં કોઇ વધુ સમય ફાળવવાની જરૂર નથી. કોઇ વિશિષ્ટ ભાષા કે કોઇ પણ બાબત વિસ્તારપૂર્વક લખવાની પણ જરૂર નથી. માત્ર કામપૂરતા મુદ્દા સમય મળે તે પ્રમાણે ટપકાવતાં જાવ તો ભવિષ્યમાં ફાયદામાં રહેશો.
રોગપ્રતિકારક શક્તિ વધારો. તંદુરસ્ત રહો!
આપણે જાણ્યે અજાણ્યે વિવિધ પ્રકારના રોગવાહક જીવાણુઓના સંપર્કમાં આવતા રહીએ છીએ, ન ખાવા જેવા ખોરાક પણ પેટમાં પધરાવતા હોઇએ છીએ. બદલાતી ઋતુ અને હવામાનનો પણ ભોગ બનતા રહીએ છીએ. પણ જો આપણે આપણા શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ બરાબર વિકસાવી હોય તો ભવિષ્યમાં ઘણાં ગંભીર રોગોથી બચી શકીએ એમ છીએ.બીમારી આવે પછી દોડાદોડ કરવાં કરતાં બીમારી શરીરમાં પ્રવેશે નહીં તેની તકેદારી લેવી ઘણી જરૂરી છે અને આ માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે. રોગાણુઓના ભલે ગમે તેટલા હુમલા થાય, પણ શરીરની અંદર તેમનો પ્રતિકાર કરવા માટે જરૂરી સૈન્ય હોવું જોઇએ. નીચેની બાબતો ધ્યાનમાં રાખવાથી તમે આ સૈન્યની તાકાત વધારી શકશો.
અનાજ : અનાજને હંમેશાં થૂલા સહિત ખાવા જોઇએ, પછી એ ઘઉં હોય કે જુવાર, મકાઇ હોય કે બાજરો. આનાથી શરીરમાં ફાઇબરનું પ્રમાણ વધે છે. પેટ સાફ રહે છે. કોઇ પણ બીમારી પેટ બગડવાથી જ શરૂ થાય છે. નકરા મેંદાવાળી વાનગીઓ આપણે હોટેલ કે લગ્ન સમારંભોમાં જાણે- અજાણ્યે ખાતાં હોઇએ છીએ એવા સંજોગોમાં ઘરે વપરાતા લોટ જાડા અને થૂલા સાથેના હોય તો રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
પાણી: પાણી એક પ્રાકૃતિક ઔષધિ છે. આના વિશે તો આપણે અગાઉ પણ વિસ્તૃતમાં લખ્યું હતું. પ્રચૂર પ્રમાણમાં પાણી પીવાથી શરીરના વિષયુક્ત પદાર્થો બહાર નીકળી જઇ, રોગપ્રતિકારક શક્તિ વધારે છે. યાદ રહે કે આ પાણી સામાન્ય ઉષ્ણતામાન ધરાવતું કે પછી નવશેકું ગરમ હોવું જોઇએ.ફ્રિજનું નહીં.
તુલસી: તુલસીનું ધાર્મિક મહત્ત્વ તેની જગ્યાએ છે, પરંતુ તે એન્ટિબાયોટિક પણ છે. રોજ સવારે તુલસીના ચાર-પાંચ પાન અવશ્ય ચાવી ખાવા જોઇએ. રોગપ્રતિકારક ક્ષમતા વધારતી આ તુલસીને એટલે જ આપણા પૂર્વજ અને વૈદોએ ઘર આંગણામાં સ્થાન આપ્યું હશે એમ લાગે છે. કેટલો સહેલો અને હાથવગો ઉપાય છે, નહીં?
યોગના ઉપયોગથી અસંખ્ય ફાયદા થાય છે એ હવે પશ્ર્ચિમના દેશો પણ સ્વીકારવા મંડ્યા છે ત્યારે તન-મનને સ્વસ્થ અને સ્થિતિસ્થાપક રાખતા યોગ અને પ્રાણાયમ કોઇ જાણકાર પાસેથી શીખી લઇ તે બની શકે એટલા ઘરે કરવા જોઇએ અને સંતાનોને પણ ટેવ પાડવી જોઇએ.
શિયાળામાં સૂકા મેવા: ઠંડીમાં આપણી પાચન શક્તિ વધે છે, માટે પચવામાં ભારે એવા શિંગદાણા, બદામ, કાજુ અને અખરોટ જેવા સૂકામેવા ખાઇને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ ઉત્તમ સમય છે. સૂકામેવામાં અગણિત પોષક તત્ત્વો અને એન્ટિ ઓક્સિડન્ટ્સ હોય છે.
અંકુરિત અનાજ : ઉગાડેલા કઠોળ કે ધાન્ય ખાવાથી તેમાં રહેલા પોષક તત્ત્વોની ક્ષમતા વધી જાય છે. પચવામાં સરળ બની જાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
સલાડ-કચુંબર : ભોજનને પૂર્ણપણે પચાવવા ખોરાકની સાથે કચુંબર ખાવા ઘણા જરૂરી છે. કાકડી, ટામેટાં, મૂળા, ગાજર, કોબી, કાંદા, બીટ- સિઝનમાં જે મળે તે અને કાચા પણ ખાઇ શકાય તેવા પદાર્થોનું કચુંબર બનાવીને ખાવાના ઘણા ફાયદા છે. યાદ રહે આ પદાર્થોને પણ જેમ છે તેમ ખાશો તો વધુ ફાયદામાં રહેશો, એટલે કે તેમાં ઉપરથી મીઠું ભભરાવવાની કોઇ જરૂર નથી.
રસદાર ફળો: સંતરા,મોસંબી જ્ેવા રસદાર ફળો જેમાં ભરપૂર માત્રામાં ક્ષાર અને વિટામિન સી હોય છે એ અવશ્ય ખાવા જોઇએ. આનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તમે ચાહો તો ફળ ખાવ કે પછી તેનો રસ પીઓ. હવે આપણે ભૂલ ક્યાં કરીએ છીએ કે રસને સ્વાદિષ્ટ બનાવવા મીઠું કે સાકર નાખીએ છીએ. રસ જેવો નીકળે તેવો પણ કુદરતી જ પીવો જોઇએ. બની શકે તો સીધા ફળ જ ખાવા જોઇએ જેથી ફાઇબર્સ પણ પેટમાં જાય. તમે રસ કાઢો છો ત્યારે તેમાં રહેલા અમુક વિટામિન્સ અને વોલેટાઇલ તત્ત્વો જલદીથી ઊડી પણ જાય છે. કાપેલા ફળોને પણ વધારે વાર ઉઘાડા ન રાખતાં જલદીથી ઉપયોગમાં લઇ લેવા જોઇએ.
ઘણી વાર આવી નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાથી મોટી મોટી બીમારીઓથી બચી
શકાય છે.
શિયાળાનો તડકો ઘણી રીતે ઉપયોગી છે, કૅન્સરમાં પણ
ફક્ત ઠંડકથી બચવા કે શરીરમાં ગરમી લાવવા માટે જ તડકો ઉપયોગી છે એવું નથી પણ તેનાં ઘણા ફાયદા છે. સ્ટ્રેસ, અનિદ્રા ઉપરાંત હાડકાનાં દર્દો અને ઠંડીમાં થતા સાંધાના દુખાવાથી બચવા પણ શિયાળાનો તડકો અને તેમાંથી મળતું વિટામિન ' ડી' ઘણું ઉપયોગી નીવડે છે. એટલું જ નહીં જો તમે બ્લડ કૅન્સર (લ્યૂકેમિયા)થી પણ બચવા માગો તો આ તડકો ઘણો ઉપયોગી છે.
જી હાં, હાલમાં જ થયેલા એક સંશોધન અનુસાર એક વાત સામે આવી છે કે સૂર્યકિરણોમાંથી મળતા વિટામિન ડી જો શરીરને પૂરતાં પ્રમાણમાં મળે તો એ આપણને બ્લડ કૅન્સરથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે. વિટામિન ડી તો આપણને અન્ય સ્રોતમાંથી મળી શકે, પણ આ સંશોધનમાં સૂર્યપ્રકાશથી મળતાં વિટામિન 'ડી' ને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
આ સંશોધન ઘણા મોટા પાયા પર કરવામાં આવ્યું હતું જેમાં વિશ્ર્વના 132 દેશોમાંથી પ્રાપ્ત થયેલી માહિતીનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું હતું. આમાં બે પ્રકારના દેશનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એક તો જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્ય પ્રકાશ હોય છે તેવા દેશ અને જ્યાં સૂર્ય પ્રકાશ ઓછી માત્રામાં હોય છે તેવા દેશ. જે દેશોમાં ભરપૂર સૂર્ય પ્રકાશ હતો ત્યાંના લોકોમાં વિટામિન ડી ની ઊણપ ન હતી, અને લોહીના કૅન્સરના કિસ્સા પણ બહુ જ ઓછા જોવા મળ્યા હતાં. આથી વિપરીત, જે દેશોમાં સૂર્ય પ્રકાશ પૂરતી માત્રામાં ન હતા ત્યાંના લોકોમાં વિટામિન ડી ની ખાસ્સી ઊણપ હતી અને લોહીના કૅન્સરના વધુ કિસ્સાઓ પણ ત્યાં જોવા મળ્યા હતાં. આ શોધના આધાર પર અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના સહાયક પ્રાધ્યાપક કહે છે કે બ્લડ કૅન્સરમાં સતત થતી વૃદ્ધિનું મુખ્ય કારણ
વિટામિન 'ડી' ની ઊણપ હોઇ શકે છે.
યાદ રાખો, મીઠું વધુ પડતું ઓછું ખાવાથી પણ નુકસાન થઇ શકે છે
મીઠું એ સફેદ ઝેર છે. મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઇએ. મીઠું એટલે કોલેસ્ટરોલ, હાઇબ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ વધુ. આવું બધું સાંભળીને ઘણા લોકો મીઠાનો ઉપયોગ અતિ અલ્પ કરી દે છે. ડાયેટ કરવાવાળા પણ ફેશનમાં એમ કહેતા હોય છે કે અમે ડાયેટ પર છીએ એટલે સોલ્ટી અને સુગરવાળો ખોરાક નથી ખાતાં. જોકે, મીઠાને વધુ પડતું ઓછું કરી નાખો તો પણ શરીરને નુકસાન થઇ શકે છે.
જેમ કે, મીઠું ઓછું કરવાથી શરીરને પૂરતાં પ્રમાણમાં સોડિયમ નથી મળી શકતું જેનાથી ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે. મીઠામાં રહેલું સોડિયમ ઇન્સ્યુલીનની કાર્યક્ષમતા વધારે છે જે ડાયાબિટીસથી બચવા માટે ઘણું જ જરૂરી છે.
અગર તમે હાઇ બ્લડપ્રેશરના ડરથી મીઠું ઓછું કરી નાખો તો એક વાત એ પણ યાદ રાખજો કે, વગર કારણે મીઠું બંધ કરવાથી કે ઓછું કરવાથી લો બ્લડપ્રેશર થવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. એટલું જ નહીં, પણ મીઠું ઓછું ખાવાથી શરીરમાં સુસ્તી આવવી કે ઊલટી જેવી લાગણી પણ થાય છે. વળી જે લોકો સખત મહેનત કરી પરસેવો પાડે છે તેવા શ્રમિકો માટે પણ જેટલો પરસેવો નીકળે એટલી મીઠાની વધુ જરૂરત ઊભી થાય છે.
વર્ષ 2012માં જર્નલ ઓફ હાઇપર ટેન્શનમાં પ્રકાશિત થયેલા એક સંશોધન અનુસાર તો વધુ પડતું મીઠું ઓછું કરનારાઓમાં રેનિન, કૉલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર સામાન્ય લોકોની તુલનામાં અધિક હોય છે.
માટે આડેધડ મીઠું ઓછું ન કરતાં, તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો ઘણો જરૂરી બની જાય છે. આપણી સંસ્કૃતિમાં એક અલૂણા વ્રત આવે છે જે ચૈત્ર મહિનામાં આવે છે ત્યારે મીઠું ઓછું કરવાનું હોય છે અને ચોમાસામાં પણ અમુક મીઠા વગરના ઉપવાસ કરવાનું ફરમાન છે, પણ શિયાળામાં આવા કોઇ નિયમો કે વ્રત જોવા મળતા નથી તેનો અર્થ એવો થઇ શકે કે બારે માસ મીઠું ઓછું કરી નાખવા કરતાં જરૂર પડે ત્યારે ઓછું-વત્તું કરીને શરીરની જરૂરિયાતો પૂરી થાય એ જોવું વધુ હિતાવહ છે.
વિટામિન 'સી'નો ઉપયોગ વધારો
અને શિયાળાની બીમારીઓથી બચો
વિટામિન 'સી' અન્ય વિટામિન્સની તુલનામાં શરીર માટે બેહદ જરૂરી છે. વિટામિન 'સી' આપણા સ્વાસ્થ્ય માટે તો ઉપયોગી છે જ સાથે સાથે શરીરની ચામડી માટે અને સૌંદર્ય વધારવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
શું તમે જાણો છો કે વિટામિન 'સી' નીચે પ્રમાણેના ઠંડીમાં થતાં રોગોમાં પણ લાભકારક છે.
હૃદયરોગ: વિટામિન 'સી'નો એક મોટો લાભ એ છે કે તેનામાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ તત્ત્વો હૃદય માટે બેહદ ફાયદાકારક છે અને હૃદયની સમસ્યાઓથી બચાવવા માટે ખૂબ ઉપયોગી છે. આ ઓક્સિડેન્ટ્સ ધમનીઓને ક્ષતિગ્રસ્ત થતાં રોકે છે. રક્તકોશિકાઓમાં કોલેસ્ટરોલને જામી જતાં રોકવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેનાથી હૃદયરોગ અને બ્રેઇન સ્ટ્રોકનો ખતરો ઘટે છે. આ ઓક્સિડન્ટ્સ લોહીની નળીઓમાં રક્તનો પ્રવાહ સામાન્ય રાખવામાં મદદરૂપ થાય છે.
અસ્થમા: વિટામિન 'સી' શરીરમાં અસ્થમા માટે જવાબદાર હિસ્ટામાઇનના ઉત્પાદનને ઓછું કરવામાં મદદ કરે છે, જેનાથી અસ્થમા અને શ્ર્વાસ સંબંધી બીમારીઓની શક્યતા ઓછી થઇ જાય છે. વળી,વિટામિન 'સી' માં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ ફેફસાંની સાફસફાઇ કરવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
સાંધાના દુખાવા: સાંધામાં કોલેજન અને કાર્ટિલેજને નુકસાનથી બચાવવા હોય તો વિટામિન 'સી' નો ઉપયોગ જરૂર કરવો. ઉંમર વધવાથી કે પછી કોઇ ચેપને કારણે સાંધાના દુખાવા વધતા જાય છે. એમાંય શિયાળાની ઠંડીમાં તો આ સમસ્યા ઓર વકરે છે. વિટામિન 'સી' સાંધા માટે કોલેજનનું નિર્માણ કરે છે જે દુખાવામાં રાહત આપે છે.
જખમ ભરવામાં ઉપયોગી: શરીરમાં પડતા આખડતા કે અન્ય કારણસર ઘા પડ્યો હોય તો તે જખમ ભરવા માટે વિટામિન 'સી' અત્યંત ઉપયોગી છે. વિટામિન 'સી'માં હીલિંગ પાવર ખૂબ છે.આ જ કારણસર ડૉક્ટરો પણ શરીરના જખ્મો ભરવા માટે વિટામિન સી સપ્લીમેન્ટ લેવાની દર્દીઓને સલાહ આપતા હોય છે.
કેન્સર: વિટામિન 'સી'માં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ કેન્સર કે અન્ય બીમારીઓ પેદા કરતા ફ્રી રેડિકલ્સને મારી હટાવે છે. આ સિવાય તેઓ રોગપ્રતિકારકક્ષમતા વધારી કેન્સર સામે લડવામાં મદદરૂપ થાય છે.
વિટામિન સી શોધવા માટે શિયાળામાં તમારે બહુ દૂર સુધી જવું નહીં પડે
ટામેટા, પપૈયા, મોસંબી,સંતરા, જમરૂખ (અંદરથી ગુલાબી હોય તો વધુ સારું),બ્રોકોલી,ઘોલર મરચાં વિગેરેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન સી હોય છે.
નવા વર્ષમાં ગુસ્સાને કાબૂમાં રાખવાનો સંકલ્પ અવશ્ય લો
ગુસ્સો-યે ચીજ બડી હૈ ત્રસ્ત ગ્રસ્ત!
આપણે જ્યારે અતિશય ગુસ્સો કરીએ છીએ ત્યારે એ બીજા પર તો ખરાબ અસર કરે જ છે પણ તેની પહેલાં આપણા તન-મન પર એની બહુ ખરાબ અસર થાય છે. ગુસ્સાથી માથાના દુખાવાથી લઇ હાર્ટએટેક, અને ડિપ્રેશનથી લઇને બ્રેઇન સ્ટ્રોક સુધીની બીમારીઓ થઇ શકે છે.
ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે ગુસ્સો કરવાથી સંમોહન ઉત્પન્ન થાય છે, સંમોહનથી સ્મૃતિ (યાદશક્તિ) નો નાશ થાય છે. યાદશક્તિનો નાશ થતાં જ સારાસારનો વિવેક અને બુદ્ધિનો નાશ થાય છે. (માણસ આ બુદ્ધિ વડે જ બીજા પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ ગણાય છે) બુદ્ધિનો નાશ થતાં જ સર્વનાશ થાય છે.
મતલબ કે તમારે શરીર, મન, મગજ અને હૃદયને હેમખેમ રાખવા હોય તો ગુસ્સા પર નિયંત્રણ રાખતા શીખી જાવ.
ચાલો આપણે આજે ગુસ્સાને ગાયબ કરવા માટે શું કરવું જોઇએ તે જાણીએ.
1) ગુસ્સાનું એક મુખ્ય કારણ છે તણાવ. માટેે એને શાંત કરવા માટેનો સૌથી સરળ ઉપાય છે માંસપેશીઓને રિલેક્સ કરવી. આને માટે ઊંડા શ્ર્વાસ લેવા અને થોડી વાર મૂંગા રહેવું લાભદાયી છે. બની શકે તો આ પ્રક્રિયા દરમ્યાન આંખો પણ બંધ રાખો.
2) તમને જાણીને આશ્ર્ચર્ય થશે પણ તમે કેટલાય ગુસ્સામાં કેમ ન હો, તેની શરીર અને મન પર વિપરીત અસર ન થાય એ માટે સારી મહેંક શ્ર્વાસમાં લો. કોઇ તમને મનગમતું પર્ફ્યુમ કે અત્તર છાંટો કે પછી મહેંકતા ફૂલોની સોડમ લ્યો. થોડી જ સેક્ધડોમાં ગુસ્સો ઓછો થઇ જશે.
3) ગુસ્સો આવે ત્યારે તરત જ પાણી પી લેવું અને ઊલટી ગણતરી શરૂ કરવાની એક જૂની તરકીબ છે અને હાલના સંજોગામાં પણ તે કામિયાબ નીવડે છે. તે ઉપરાંત સકારાત્મક વિચારો પણ તે દરમ્યાન કરવાથી વધુ ફાયદો થાય છે.
4) હાસ્ય ફેલાવતા ટૂચકાં સાંભળવાથી કે વાંચવાથી પણ ગુસ્સો શાંત થાય છે. ટૂંકમાં ગુસ્સાને હસી કાઢતાં શીખો.
5) કોઇ વાત પર કોઇની સામે ગુસ્સો આવે તો એ સ્થળ, થોડી વાર માટે છોડીને ચાલ્યા જાવ. મન શાંત થાય ત્યારે પાછા ફરો.
6) ચાલવાનું રાખો. વિવિધ કસરત કરો, યોગ-પ્રાણાયમ અને ધ્યાન ધરવાની વિવિધ
પદ્ધતિઓ શીખવાથી અને અમલમાં મૂકવાથી લાંબે ગાળે ગુસ્સા પર કાયમી નિયંત્રણ મેળવવું પણ શક્ય છે. |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsAc-rAf3BWyDE2XDn8%3Dxs7dcPJ4vHEcO1gi%2BoJWJwi4Q%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment