Saturday 29 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ લેબલ ઉખાડી ફેંકીએ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લેબલ ઉખાડી ફેંકીએ!
નારી વિશ્ર્વ-દિવ્યાશા દોશી

amdavadis4ever@yahoogroups.com

આકવિતા કોની છે તે મને ખબર નથી. સોશિયલ મીડિયા દ્વારા મારા સુધી પહોંચી હતી. આ કવિતામાં કેટલું સત્ય છે તે દરેક સ્ત્રી-પુરુષને સમજાઈ જાય એવું છે. સ્ત્રીઓ મોબાઈલ પર હોય ત્યારે એના ઊંધા જ અર્થ કાઢવામાં આવતા હોય છે. અડધી રાત્રે સ્ત્રી બહાર તો ન જઈ શકે પણ ઓનલાઇન તો રહી શકે એવું સ્વીકારવાનું પણ પિતૃસત્તાક માનસિકતા ધરાવતા પુરુષો માટે અઘરું હોય છે. વાસ્તવિકતામાં તો સ્ત્રીઓ પર અનેક બંધનો અને નિયમો લાદવામાં આવે છે. પણ હવે ઇન્ટરનેટની દુનિયામાં પણ સ્ત્રીઓ પર નિયમો લાદવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. અડધી રાત્રે કોઈ સ્ત્રી ઓનલાઈન જોઈને શું કરે છે એ જાણવાની દરેક પુરૂષની ઈચ્છા હોય છે. જરૂરી નથી કે કોઈ સાથે ચેટ કરતી જ હોય અને કરતી પણ હોય પોતાની મિત્રો સાથે ગપ્પા ગોષ્ઠિ કે પછી દૂર રહેતા કોઈ સગા સાથે સુખ-દુખની વાતો તો શું થયું? સ્ત્રીએ અમુક કપડાં ન પહેરવા કે અમુક રીતે ન વર્તવું એ નિયમો જેમણે બનાવ્યા તેઓ દ્વારા વર્ચ્યુઅલ મીડિયા ઉપર કેટલો સમય વિતાવવો કે ન વિતાવવો ક્યારે વિતાવવો તે દરેક બાબતો ઉપર પણ પાબંદી લગાવવાની કોશિશ થતી રહેતી હોય છે. ઉપરોક્ત કવિતામાં જે રીતે સ્ત્રીએ જવાબ આપ્યો છે, એના પરથી શીખ લેવા જેવી છે. સામે જવાબ આપતા શીખવું પડશે.

સાવ ઘરરખ્ખુ અને જેણે બહારની દુનિયા જોઇ જ ન હોય તેવી સ્ત્રી જ્યારે ઘરની બહાર, દેશની બહાર જવાની હિંમત કરે છે ત્યારે તેની અંદરની સીમાઓ પણ વિસ્તરે છે. પ્રેમાળ છતાં પ્રોટેક્ટેડ વાતાવરણમાં ઊછરેલી સ્ત્રીને જો તક આપવામાં આવે તો તે સ્વતંત્રતાનો ગેરફાયદો નથી ઉઠાવતી પણ સાચા અર્થમાં પોતાના અસ્તિત્વને ઓળખતી થાય છે. સ્ત્રી કશું જ તોડવા નથી માગતી પણ જોડાવા માગતી હોય છે પોતાના અસ્તિત્વ સાથે, પોતાની વ્યક્તિઓ સાથે. અહીં ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મ યાદ કરી શકો છો. તેમાં મુખ્ય અભિનેત્રી અંગ્રેજી શીખવા માટે બહાર જવાની હિંમત કરે છે ત્યાં એની પ્રતિભાને તોડે નહીં પણ બિરદાવી શકે એવા મિત્રો મળે છે, દરેક શક્યતાઓ હોવા છતાં તે પોતાના ધ્યેયથી ચલિત થતી નથી.

બહાર જવું દરેક સ્ત્રી માટે શક્ય નથી હોતું પરંતુ હવે મોબાઈલ દ્વારા એ અનેક સીમાઓ ઓળંગી શકતી હોય છે. આખી દુનિયામાં ફરી વળી શકે એમ છે. અનેક બાબતો જોતી હોય અનુભવતી હોય કોઈ લેખ વાંચીને થાય કે આ તો મારી જ વાત છે જે ક્યારે પણ કહી શકી નહોતી.

સ્ત્રી જ્યારે સાવ તૂટી જાય છે તો ફિનિક્સ પક્ષીની જેમ નવેસરથી ઊડતાં શીખે છે. મોબાઈલ અને ઈન્ટરનેટ દ્વારા ગૃહિણીને પાંખો ફૂટે છે, તેને પણ દુનિયાને જોવા માટે એક બારી મળે છે. કેટલીય ગૃહિણીઓ મોબાઈલ નંબર જેમની પાસે હોય તેઓ મારો લેખ વાંચીને મેસેજ કરે છે કે પછી મેઈલ દ્વારા કે મેસેન્જરમા સંપર્ક કરે ત્યારે મને લખવાનું સાર્થક લાગતું હોય છે. શું આખો દિવસ ફોન ઉપર ચોંટી રહે છે એવું કેટલીય સ્ત્રીઓને સાંભળવું પડતું હોય છે. સ્ત્રીઓ પાસે હકીકતમાં તો એટલો સમય નથી હોતો કે આખો સમય ફોન પર વિતાવે. શક્ય છે કોઈ એકાદ બે દાખલા આપે જેમાં સ્ત્રી ચલિત થઈ હોય પણ એમ તો કેટલાક પુરુષો પણ એવા હોય છે કે જે આખો દિવસ-રાત ફોન ઉપર લાગેલા હોય છે યા તો દારૂ પીને રખડતા હોય છે. જ્યારે સ્ત્રીએ ઘરના કેટલાય કામ કરવાના. એક સર્વે પ્રમાણે સ્ત્રીઓ દિવસના દસ થી બાર કલાક કામ કરતી હોય છે જે પુરુષો કરતાં ઘણા વધારે હોય છે. એ બધા કામ વચ્ચે જ્યારે એ પોતાના વિશ્ર્વમાં સમય વિતાવવા માગે કે પોતાને ગમતી બાબત કરતી હોય ત્યારે એને ટોકવામાં આવતી હોય છે. ઘણીવાર મેં સ્ત્રીઓને પોતાનો વોટ્સએપ કે ફેસબુક અકાઉન્ટ બંધ કરી દેતા જોઈ છે કારણ કે તેના પતિએ કે ઘરના અન્ય સભ્યોએ એમ કહીને ટોકી હોય... આખો દિવસ ફોન ઉપર ચોંટી રહે છે તે ઘરમાં ધ્યાન આપ. ઉપરોક્ત કવિતામાં જે વાત કહેવાઈ છે તે ઘરની કોઈ વ્યક્તિઓ દ્વારા નહીં પરંતુ ઓનલાઇન જે પુરુષો સ્ત્રીઓ પર દેખરેખ રાખતા હશે કે તેમની સાથે મિત્રતા બાંધવાની ઈચ્છાએ જ ફેસબુક પર આંટો મારતા હોય છે તેમના દ્વારા. તેઓ જ્યારે સામેની સ્ત્રી પાસેથી અપેક્ષિત જવાબ મેળવી શકતા નથી કે પ્રતિસાદ મેળવી શકતા નથી ત્યારે એ લોકો સવાલો પૂછવા લાગે છે. કેટલીય વાર જ્યારે સ્ત્રી ચેટિંગ કરવાની ના પાડે ત્યારે કહેવામાં આવે છે કે કોની સાથે ચેટિંગ કરો છો અથવા તો અમારી સાથે ચેટિંગ નથી કરવી તો પછી મિત્ર શું કામ બનાવ્યા? દરેક બાબતે સ્ત્રીઓએ પુરુષોને જવાબ આપવાના જ અથવા તો સ્ત્રીઓ પર એક લેબલ લાગે જ એવું પિતૃસત્તાક સમાજે નક્કી કરીને રાખ્યું છે. સ્ત્રી જો પુરુષોના બનાવેલા નિયમો પ્રમાણે ચાલે તો સારી અને જો પોતાની મરજી પ્રમાણે ચાલે તો ખરાબ એવા લેબલ તો તૈયાર જ હોય છે. એ લેબલ સ્ત્રીઓના મનમાં પણ એટલા સ્થાપિત થઈ કરી દેવામાં આવ્યા છે કે સ્ત્રીઓ બીજી સ્ત્રીઓને પણ પુરુષોની નજરે એ લેબલ દ્વારા જ મૂલવતી હોય છે.

ટેકનોલોજી આજે દરેક સ્તરે પહોંચી ગઈ છે. એટલે ક્યાંક કોઇકે શરૂઆત કરવી પડે છે. અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાની તક ક્યારેક આપણનેય મળી શકે છે. બીજા સામે અવાજ ઉઠાવતાં એટલી તકલીફ નહીં થાય પણ પોતાની વ્યક્તિઓ જે જાણેઅજાણે તમને અન્યાય કરતી હોય તો ધ્યાન દોરવાની જરૂરત હોય છે. ચુપ રહેવાથી કશું જ બદલાતું નથી કે ન તો અન્યાય કરનારનેય સમજાય છે કે તેઓ ખોટું કરી રહ્યા છે.

ચારેક વરસ પહેલાં માર્ચ મહિનામાં વૉશિંગ્ટનમાં સ્ત્રી ફિલ્મમેકરો ભેગી થઈ હતી. દુનિયાભરમાં સ્ત્રી જાતિ વિરુદ્ધ થઈ રહેલી હિંસાને તેઓ ફિલ્મ અને કલાના માધ્યમ દ્વારા લોકો સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરી રહી હતી. કેનેડામાં જન્મેલી ચાઈનીઝ ફિલ્મમેકર ટિફ્ફની હ્રીશિંગ વિધીન એવરી વિમેન નામની ડોક્યુમેન્ટરી દ્વારા સારી દુનિયાને સંકેત આપવા માગે છે. તેની ફિલ્મ છે.. જાપાનના ભૂતપૂર્વ લશ્કરી પુરુષો કેવી રીતે શારીરિક, માનસિક હિંસાનો ભોગ બનેલી છોકરીઓમાં પ્રેમ અને સહાનુભૂતિ સાથે જીવન પ્રત્યે આશા જગાવે છે. અનેક છોકરીઓ જેમને જબરદસ્તીથી બળાત્કાર કરીને વેશ્યા વ્યવસાયમાં ધકેલી દેવામાં આવી હતી તેમની વાતો દ્વારા સ્ત્રીના મનની વાત કરવામાં આવી છે.

આરબ-અમિરાતમાં નાયલા અલ ખાજા એકમાત્ર અને પહેલી મહિલા દિગ્દર્શક છે, તેણે ચાઇલ્ડ અબ્યુઝ, અને તેમના સંકુચિત સમાજમાં સ્ત્રી અને પુરુષના સંબંધો અને સ્ત્રીઓનું શોષણ, હિંસા વગેરે અંગે ફિલ્મ બનાવવાની હિંમત કરી છે. ઇવાન ગ્રે ડેવિસે ઇટ્સ ગર્લ નામની ફિલ્મ બનાવી છે જેમાં સ્ત્રીઓ કેવી રીતે ચુપચાપ શારીરિક હિંસાનો ભોગ બને છે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

આપણે ત્યાં ફુલફ્લેજ કમર્શિયલ ફિલ્મો દ્વારા સ્ત્રીને થતાં અન્યાય, હિંસાની સામે હિંમતપૂર્વક કે કુનેહપૂર્વક સ્ત્રી ઊભી રહે છે અને સફળતાથી પોતાના અસ્તિત્વનું ગૌરવ સાચવે છે તે બતાવે છે. જમાનો બદલાઈ રહ્યો છે, ટેકનોલોજી અને શિક્ષણ ઝડપી ફેરફાર લાવી રહ્યા છે છતાં હજી પણ સ્ત્રીઓ પર શારીરિક-માનસિક હિંસાઓની ઘટનાઓ બને છે. તેના વિશે સતત મીડિયા, ફિલ્મ અને કથાવાર્તા કે કવિતા દ્વારા સંવાદ કરવાથી ધીમે ધીમે પરિસ્થિતિ બદલાશે એવી આશા રાખવી ગમે છે. ક્વીન, પાર્ચ્ડ, લિપસ્ટિક અંડર માય બુરખા જેવી ફિલ્મ જોતી સમયે કેટલાક દૃશ્યોમાં સ્ત્રીઓ જોરજોરથી તાળીઓ પાડતી હતી તે જોઇને આશા બંધાય છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtciaPe9G5_cj0B%2BguU3UJWEJEncR_QLXd_CTmfKfeXDw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment