Saturday, 29 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તમારા ઉદ્યાનનાં પુષ્પો અકાળે મૂરઝાઇ ન જાય (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તમારા ઉદ્યાનનાં પુષ્પો અકાળે મૂરઝાઇ ન જાય!
વાચકની કલમે-જયકુમાર જોષી (ંમીરા રોડ)

 

 


અખબારોમાં વારંવાર બાળકો પર થતી ઘરેલુ હિંસાના સમાચારો પ્રગટ થતા રહે છે. તેની સમાંતરે કિશોરો દ્વારા પોતાના માતા-પિતા કે દાદા-દાદીની હત્યાના સમાચારો વાંચવા મળે છે. શા માટે આવું વિરોધાભાસી દૃશ્ય જોવા મળે છે?

બાળકોમાં 'એનર્જી'નો અખૂટ ભંડાર ઈશ્ર્વરદત્ત હોય છે, અઘરી બાબતો પણ તે ઝડપભેર આત્મસાત્ કરી લે છે. બાળકો માટે આ 'એનર્જી' ક્યારેક આશીર્વાદરૂપ હોય છે, તો ક્યારેક અભિશાપરૂપ પણ બની જાય છે. બાળકો 'એનર્જી'ના ધસમસતા પ્રવાહને નિયંત્રિત ન કરી શકવાના લીધે પોતાનાં નિર્દોષ તોફાનોમાં ક્યાં તો પોતાને ઈજાગ્રસ્ત કરી મૂકે છે અથવા તો માતા-પિતા, શિક્ષકો કે બેબીસીટિંગ કરાવનારની વઢ ખાય છે અથવા તો ઘરેલુ હિંસાનો ભોગ બને છે. ઘરેલુ હિંસાનો ભોગ બનેલા એક ત્રણ વર્ષના બાળક સંબંધેની એફ.આઈ.આર. કામોઠે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી. બાળકના પગ પર અને પીઠ પર ઈજાના નિશાન મોજૂદ હતા. મીરા રોડ નયાનગર પોલીસ સ્ટેશનમાં ખાનગી ટ્યુશન કરાવતી એક શિક્ષિકા વિરુદ્ધ પણ ગયા વર્ષે ફરિયાદ નોંધાયેલી જેમાં દર્શાવાયેલું કે માત્ર બે વર્ષના બાળકને ફૂટપટ્ટીથી મારવાના લીધે ઈજાનો ભોગ બનેલું.

'બાળહક્કોની જાળવણી' સંબંધી યુનાઈટેડ નેશન્સના જાહેરનામામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ઘરેલુ હિંસાને લીધે શારીરિક રીતે બાળક ઈજાગ્રસ્ત થાય અથવા 'માનસિક ટોર્ચર'ના લીધે બાળક રોજબરોજની પ્રવૃત્તિ કરવા અક્ષમ બને તો તેને ગંભીર ગુનો ગણવો, સભ્ય દેશોને જાહેરનામામાં આ વિષયક કાનૂનો ઘડવાની હિમાયત પણ કરાયેલી. આપણે ત્યાં જુવેનાઈલ જસ્ટિસ ઍક્ટ અન્વયે 3 વર્ષથી 10 વર્ષની સખ્ત કેદ અને રૂા. 4 લાખ સુધીની દંડની જોગવાઈ કરાઈ છે. બાળક જેઓને આશ્રિત હોય જેમ કે માતાપિતા, શિક્ષકો કે બેબીસીટિંગનો વ્યવસાય કરનાર સૌને સમાન ધોરણે તે લાગુ પડે છે.

બાળહક્કની જાળવણી અર્થે 'બચપન બચાવો' જેવી ચળવળ નોબેલ પારિતોષિક વિજેતા કૈલાસ સત્યાર્થીએ શરૂ કરી અનેક રાજ્યોમાં તે અંગેનાં 'સેન્ટરો' ખોલ્યાં છે. વિશાળ જનસંખ્યા ધરાવતા ભારતમાં જ્યાં બાળકોની સંખ્યા કરોડોને આંબી જાય છે, ત્યાં આવો ઉમદા પ્રયાસ 'પાશેરમાં પહેલી પૂણી' સમાન ગણાય.

મેટ્રો સિટીમાં વિભક્ત કુટુંબમાં રહેતાં પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય એટલો પોતાના સંતાનની દેખરેખ માટે 'બેબીસીટિંગ'ની કામગીરી કરતી વ્યક્તિને સોંપે છે. એમાં કેટલાક કિસ્સાઓમાં અહીં બાળકો હિંસાનો ભોગ બનતાં જોવા મળ્યાં છે. ખાનગી ટ્યુશનો કરાવતા શિક્ષકો પણ અંગત જીવનની નિરાશાને લીધે બાળકો પર ક્રૂરતા આચરવાનું ચૂકતા નથી. શિક્ષકના ડરને લીધે બાળક માતાપિતાને આ અંગેની જાણ કરવાનું ટાળે છે, તે મનોવેદના સાથે ભયગ્રસ્ત જીવન જીવે છે. માતાપિતા પણ પોતાની મહત્ત્વાકાંક્ષાઓ અને માન્યતાઓ લાદી એક અર્થમાં દમનકારી વલણ અખત્યાર કરતાં હોય છે. આ અંગે લાલબત્તી ધરતાં ખલીલ જિબ્રાન જણાવે છે "તમારાં સંતાનો તમારાં નથી, તેઓ પોતાને ઝંખતા જીવનનાં સંતાનો છે. તમારા થકી સંસારમાં આવે છે, પરંતુ તમારામાંથી નથી આવતા, તમે સ્વપ્નમાં પણ ન પ્રવેશી શકો તેવા સ્વપ્નના ઘરમાં તેઓ વસે છે. તમે તેઓને ચાર દીવાલોમાં રાખી શકો છો, પણ તેમનો આત્મા આ દીવાલોને ઓળંગી જવા સક્ષમ છે. તેમને તમારા પ્રેમ અને હૂંફની જરૂર છે, તમારા વિચારોની નહીં.

તાજેતરમાં એક અંગ્રેજી અખબારમાં પોતાના લેખમાં સચિન તેન્ડુલકરે લખ્યું છે "એક શરારતી બાળકથી લઈ ક્રિકેટ વિશ્ર્વકપ જીતવા સુધી મારી યાત્રા દરમિયાન મારાં માતાપિતા તરફથી જો કોઈ અમૂલ્ય ભેટ મળી હોય તો તે એ છે કે તેમણે તેમની કોઈ પણ મહત્ત્વાકાંક્ષાઓ કે ઈચ્છાઓને મારી ઉપર લાદી ન હતી. મેં સેવેલાં સ્વપ્નો સાકાર કરવાની મને સંપૂર્ણ છૂટ આપી હતી.

જન્મથી કિશોરાવસ્થા સુધીનો સમયગાળો અતિ મહત્ત્વનો લેખાય છે. વ્યક્તિના ભાવિ જીવનની ઈમારતના પાયાનું ચણતર આ તબક્કા દરમિયાન જ થાય છે. આ તબક્કાને એક પ્રકારનો 'ડાઈવર્ઝન પોઈન્ટ' પણ ગણી શકાય. અહીંથી તે સફળ અને સુખી જીવનમાં ગુરુશિખરે પણ પહોંચી શકે છે અથવા યાતનાપૂર્ણ જીવનની ખાઈની ગર્તામાં પણ ધકેલાઈ જઈ શકે છે. આ સમયના આઘાતજનક બનાવો જેમ કે માતાપિતાના આંતરકલહો, માતાપિતાના છૂટાછેડા કે પ્રિયજનનું આકસ્મિક મૃત્યુનો ઘાવ તેના જીવનભર જીવંત રહેવા પામે છે. કિશોરાવસ્થા દરમિયાન અનુભવેલ આ ઘાવ તેના જીવનમાં ઊણપો સર્જવા પણ કારણરૂપ બને છે.

'મારા સત્યના પ્રયોગો'માં મહાત્મા ગાંધીએ નોંધ્યું છે કે પોતે કિશોરાવસ્થા દરમિયાન જુગારની લતનો ભોગ બન્યા હતા. આ લતને લીધે થઈ ગયેલા દેવાની ચુકવણી તેમણે પોતાના સોનાના કડાના એક હિસ્સાને વેચીને કરી હતી. તેમણે કરેલા ગુનાની કબૂલાત પિતા સમક્ષ ચિઠ્ઠી લખીને કરેલી. સમજદાર પિતાએ તેમને ન તો સજા કરી કે ઠપકો આપ્યો. ગાંધીજીએ પોતાના પિતાની આંખોમાં રહેલા દર્દને અનુભવ્યું અને એ જ કારણસર આજીવન જાહેર જીવન કલંકરહિત વિતાવ્યું. કોઈ પણ શિક્ષા કર્યા વગર એક સમજદાર પિતાને પોતાના પુત્રને ઉચ્ચ જીવન જીવવાનો પદાર્થપાઠ સહજતાથી શીખવ્યો!! સંતાનમાં રહેલી કોઈ ઊણપને જોઈ પિતા જ્યારે ગુસ્સામાં હાથ ઉપાડે છે એ અંગે ભગવાનદીન લખે છે કે, 'આવો ્રઆક્રમક પિતા પોતે નથી જાણતો કે તે કોને સજા કરી રહો છે. હકીકતમાં તો તે પોતાને અથવા પોતાની પત્નીને કે પછી બાળકનાં દાદાદાદીને જ સજા કરી રહ્યો હોય છે. સંતાન એ તો આ તમામનું પ્રતિબિંબ માત્ર જ હોય છે. ઘરેલુ હિંસાના કેન્દ્રમાં કોઈને કોઈ ગુસ્સો જવાબદાર હોય છે. પાણી જેમ ઉપરથી નીચે તરફ વહે છે તેવું જ ગુસ્સાનું છે. ઓશો જણાવે છે કે ઑફિસમાં બોસના ગુસ્સાનો ભોગ કર્મચારી બને છે. કર્મચારી પોતાનો ગુસ્સો ઘેર પત્ની પર અને પત્ની છેવટે ઘરેલુ હિંસાના આચરણ દ્વારા સંતાન પર ઠાલવે છે.

હતાશા બાળકોને જીવલેણ વ્યસનના આદી બનાવે છે જે અંતે તો કુુટુંબ માટે આફતરૂપ સાબિત થાય છે.

હતાશા તેમને ઘર છોડી ભાગી જવા પ્રેરિત કરે છે, ખાસ કિશોરીઓ માટે તો આવું પગલું ભારે જોખમરૂપ સાબિત થાય છે.

હતાશાનું વરવું સ્વરૂપ બાળકોમાં જન્મતી હિંસાત્મકતા છે. માતાપિતા કે દાદાદાદીની હત્યા કરતાં પણ અચકાતાં નથી.

હતાશા કિશોર-કિશોરીઓમાં નીરસતા અને એકલતા જન્માવે છે, તેમનો સર્વાંગી વિકાસ અટકી જાય છે.

હતાશાના વમળમાં ફસાયેલાં બાળકો આત્મહત્યા જેવા અવિચારી પગલાં ભરી બેસે છે. બાળકોની જીવનગંગાને ઘરેલુ હિંસાથી જન્મતી હિંસા પ્રદૂષિત કરે છે. બાળકો એવાં પુષ્પો છે, જેની પાંખડીઓ જબરદસ્તીથી ઉઘાડી શકાતી નથી. યોગ્ય સમય આવતાં તે આપોઆપ ખીલી અને મહેકી ઊઠે છે! તેઓ ઉદ્યાનનાં એવાં પુષ્પો છે જે અકાળે મૂરઝાવાં ન જોઈએ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov8B9fxA3Sj26JchWPC%2BgO4NViAViDX5o6uQCu5J0tFYg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment