-------------- આપણે કેટલી ગંદકી સાથે લઇને ફરતા હોઇએ છીએ? રૂપિયાની નોટ્સમાં ઢગલાબંધ જંતુઓ હોય છે. નોટ કેટલા લોકોના હાથમાંથી ફરીને આપણા સુધી પહોંચી હોય છે? હવે એનાથી કેવી રીતે બચવું? ----------- આખો દિવસ આપણે હાથમાં રમાડતા રહીએ છીએ એ મોબાઇલમાં પણ કંઇ ઓછા જર્મ્સ હોતા નથી. થોડીક તકેદારી રાખો તો વાંધો આવે! ------------------ એક યુવાન સાથે બનેલી આ સાચી ઘટના છે. એને વારેવારે થ્રોટ ઇન્ફેક્શન થઇ જતું હતું. મહિનામાં બે-ત્રણ વખત તેને નાક, કાન, ગળાના સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડતું હતું. ડોક્ટરને પણ સમજાતું ન હતું કે તેને વારે વારે કેમ આવી તકલીફ થાય છે. એક વખત એ ટ્રીટમેન્ટ માટે ગયો ત્યારે ડોક્ટરે તેને પૂછ્યું કે, તમે શું કરો છો? પેલા યુવાને કહ્યું કે, હું બેંકમાં કેશિયર છું. થોડીક વાતો કરી તો ડોક્ટરને વારંવાર બીમાર થવાનું કારણ સમજાઇ ગયું. એ યુવાન રૂપિયા ગણીને લોકોને આપવાનું કામ કરતો હતો. સમય મળે ત્યારે એ હાથની આંગળીથી નાક સાફ કરતો અને આંખો પણ ચોળતો. ડોક્ટરે કહ્યું કે, તમને ખબર છે કે રૂપિયાની નોટમાં કેટલા જર્મ્સ હોય છે? તમારી પાસે જે નોટ આવે છે એ કેટલા હાથમાં ફરી હોય છે? બધાના હાથ કંઇ ચોખ્ખા હોતા નથી. લોકો ગમે તેવા હાથે રૂપિયાની લેવડદેવડ કરતા હોય છે.
આ તો થઇ કેશિયરની વાત, આપણે પણ દિવસમાં ક્યારેક તો રૂપિયાની નોટ લેતા કે દેતા હોઇએ જ છીએ. આપણા પર્સમાં રૂપિયાની નોટ્સ પડી જ હોય છે. આપણને એમ થાય કે, હવે એનું શું કરવું? રૂપિયાની નોટ ગંદી હોય એમાં આપણે શું કરી શકીએ? કેશ ટ્રાન્ઝેક્શન કરતી વખતે કંઇ ગ્લોવ્ઝ તો પહેરી રખાતાં નથી ને? માનો કે એવું કરીએ તો વળી રિચર્સ કરનારા એ શોધી કાઢશે કે આપણે હાથમાં જે મોજાં પહેરીએ છીએ એ પણ ચોખ્ખાં તો હોતાં જ નથી! અમેરિકાની ન્યૂ યોર્ક યુનિવર્સિટીના ધ સેન્ટર ફોર જિનોમિક્સ એન્ડ સિસ્ટમ બોયોલાજી વિભાગના જેન કાર્લટોન કહે છે કે, ગંદી નોટ અંગે વિચારવાની જરૂર છે. અમેરિકામાં 'ડર્ટી મની પ્રોજેક્ટ' હાથ ઘરાયો હતો, એવો જ સર્વે આપણા દેશમાં પણ કરવામાં આવ્યો હતો. રૂપિયાની નોટ સ્કેન કરી ત્યારે ખબર પડી હતી કે, નોટ પર જાતજાતના જીવાણુઓનો જથ્થો હોય છે, જે માણસને બીમાર પાડવા માટે પૂરતો છે. આમ તો આ વાત ભારત કે અમેરિકાને જ નહીં, દુનિયાના તમામ દેશોને લાગુ પડે છે. કારણ કે બધા જ દેશમાં કરન્સી તો ઓલમોસ્ટ કાગળની જ છે. હવે ઘણું ટ્રાન્ઝેક્શન ઓનલાઇન થાય છે. પ્લાસ્ટિક મનીની બોલબાલા વધી છે. વાત તો એવી પણ છે કે, પ્લાસ્ટિક મની પણ હન્ડ્રેડ પર્સન્ટ સેફ તો નથી જ! આપણા ડેબિટ કે ક્રેડિટ કાર્ડમાં પણ કીટાણુઓ તો હોય જ છે. એટીએમ મશીનના કી-બોર્ડમાંથી પણ જંતુઓ મળ્યા હતા. હવેના જમાનામાં મોબાઇલ, લેપટોપ અથવા તો કમ્પ્યુટર એ રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે. હવે એની વાત કરીએ તો લેપટોપ અને કમ્પ્યુટરના કી-બોર્ડ પણ ગંદા જ હોય છે. મોબાઇલની વાત કરીએ તો એ હાથવગી ગંદકી છે! તમને કોઇ કહે કે, મોબાઇલના રૂપમાં તમે ડસ્ટબીન સાથે લઇને ફરો છો તો તમને કેવું આકરું લાગે? પણ આ વાત સાચી છે. તમે ક્યારેય વિચારો છો કે, આખા દિવસમાં તમે કેવા કેવા હાથે મોબાઇલને અડો છો. વિચારી જોજો, તમને જ થશે કે વાત તો સાચી છે. નિષ્ણાતો જમતી વખતે મોબાઇલ વાપરવાની ના પાડે છે. તેનું એક કારણ એ છે કે જમતી વખતે જમવામાં જ ધ્યાન રાખવું જોઇએ. મોબાઇલમાં ધ્યાન હોય તો ઘણી વખત આપણને શું ખાઇએ છીએ અથવા તો કેટલું ખાધું તેનું પણ ભાન હોતું નથી. એના કરતાં પણ મહત્ત્વનું એ છે કે, જમતી વખતે મોબાઇલ હાથમાં લઇએ ત્યારે આપણા હાથમાં ઘણા જીવાણુઓ ચોંટે છે, પછી આપણે કોળિયો ભરીએ એટલે એ પેટમાં જાય છે. ટેલિવિઝનનું રિમોટ, લાઇટના સ્વિચ બોર્ડ સહિત અનેક વસ્તુઓમાં બેક્ટેરિયાઝ હોય છે. એમ તો એવું પણ કહેવામાં આવે છે કે, રેસ્ટરૂમ જઇને આપણે હાથ ધોઇએ છીએ, હાથ ધોઇને પછી નળ બંધ કરીએ છીએ. નળ બંધ કરીએ એ કેવા હોય છે? જાહેર સ્થળે કેટલા લોકોએ તમારા પહેલાં હાથ ધોયા હોય છે? એ પણ કંઇ ઓછા ગંદા હોતા નથી! હવે આવું બધું વાંચીને એમ પણ થાય કે, તો પછી કરવું શું? એવું જ વિચારીએ તો પછી સવાલ એ પણ થાય કે જીવાણુઓ ક્યાં નથી? રિસર્ચ કરીએ તો તમામ જગ્યાએ જંતુઓ મળી આવે. એક તરફ એવી પણ વાતો સાંભળવા મળે છે કે, કુદરતે માણસને અમુક શક્તિઓ જનમજાત આપેલી હોય જ છે. પશુ-પક્ષીઓ ક્યાં હાથ કે ચાંચ ધોઇને જમવા બેસે છે? વિજ્ઞાને માણસને ડરતા કરી દીધા છે. બીજા તરફની વાત કરીએ તો એવું પણ કહી શકાય કે માણસને આ બધી ખબર પડી એટલે તો આપણે આયુષ્યનાં વર્ષો લંબાવી શક્યા છીએ. અગેઇન, એ સવાલ કે તો પછી કરવું શું? એનો જવાબ એ જ છે કે, તમે બધી જગ્યાએથી બેક્ટેરિયા દૂર કરી શકવાના નથી. ધ્યાન એટલું જ રાખવાનું કે ગમે ત્યાં અડ્યા પછી હાથ નાક, કાન કે મોઢામાં નહીં નાખવાના. ખાતી-પીતી વખતે હાથ ધોઇને બેસવાનું. આ બધી બાબતોને વધુ પડતી ગંભીરતાથી પણ લેવાની જરૂર નથી. થોડુંક ધ્યાન રાખવું પૂરતું છે. વધુ પડતા અવેર થઇ જવાથી પણ માનસિક બીમારી થવાનો ખતરો રહે છે. તમે અમુક લોકો જોયા હશે, જે દર થોડી મિનિટે હાથ ધોઇ નાખતા હોય. ડોક્ટર કે બીજા અમુક વ્યવસાયો માટે એ જરૂરી છે પણ બધાએ એટલું બધું ધ્યાન રાખવાની પણ જરૂર નથી. તમને ખબર છે કે, આવી માનસિકતાના કારણે જ હેન્ડ સેનિટાઇઝરનો ધંધો ધમધોકાર ચાલે છે. ચોખ્ખાઇ અને સ્વચ્છતા સારી વાત છે, એનું ધ્યાન પણ રાખવું જોઇએ પણ એ મગજ ઉપર સવાર પણ થઇ જવું જોઇએ નહીં. નહીંતર મનોચિકિત્સકની સારવાર લેવી પડશે. થોડીક કેર કરો, ચિંતા ન કરો, બિન્ધાસ્ત જીવો, એમ કંઇ થઇ પણ જતું નથી. આ તો પેલી કહેવત છે ને કે, ચેતતો નર સદા સુખી, એટલે રખાય એટલું ધ્યાન રાખવાનું. બહુ ચિંતા નહીં કરવાની. ---------- પેશ-એ-ખિદમત ધડકતે સાઁસ લેતે રુકતે ચલતે મૈં ને દેખા હૈ, કોઇ તો હૈ જિસે અપને મૈં પલતે મૈં ને દેખા હૈ, મુજે માલૂમ હૈ ઉન કી દુવાએં સાથ ચલતી હૈ, સફર કી મુશ્કિલોં કો હાથ મલતે મૈં ને દેખા હૈ. -આલોક શ્રીવાસ્તવ |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuJAStU%3Di2_tvdi9h6p14ZNWpXR-hBBGPprG_bJ8qfpTg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment