Sunday, 30 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વોટ આ સરપ્રાઈઝ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વોટ આ સરપ્રાઈઝ!
મહેશ યાજ્ઞિક


 

 

 

''મેં સો રૂપિયા લીધા એનો તને ઝાટકો લાગ્યો હશે પણ હું લાચાર છું. સોગન તોડવાની મારામાં હિંમત નથી"

 

વોટ આ સરપ્રાઈઝ !" સવારે સાડા આઠ વાગ્યે ડૉરબેલ વાગી અને શિલ્પાએ બારણું ખોલ્યું કે તરત સામે ઊભેલી મસિયાઈ બહેન નીતાને જોઈને એ સુખદ આશ્ચર્યથી ભેટી પડી."તારા ફ્લેટના વાસ્તુમાં આવેલી. એ પછી આ ચાર મહિનામાં શાંતિથી આવવાની ઈચ્છા તો ઘણી વાર થતી હતી પણ નીકળાતું નહોતું. આજે એ મુંબઈ ગયા એટલે આખો દિવસ રહેવાય એ રીતે આવી ગઈ. "એણે ચારે બાજુ નજર ફેરવી પણ શિલ્પાના પતિ હરેશનાં દર્શન ના થયાં એટલે પૂછ્યું. "જિજુ ક્યાં?"  

"એ મોર્નિંગ વૉકમાં ગયા છે." શિલ્પાએ વ્યંગમાં જવાબ આપ્યો. નીતાનું ધ્યાન ડ્રોઈંગરૂમના નિરીક્ષણમાં રોકાયેલું હતું એટલે શિલ્પાએ કટાક્ષમાં જવાબ આપ્યો છે એનો એને ખ્યાલ ના આવ્યો. એણે તો ભોળાભાવે કદર કરી. "રેગ્યુલર ચાલવાની આદત અતિ ઉત્તમ. આ ઉંમરે પણ જિજુને બી.પી. કે ડાયાબિટિસ નથી, એનું કારણ સમજાઈ ગયું. તંદુરસ્તી માટે સભાન રહીને આ રીતે ચાલવા જાય એ સારી વાત છે."

"તંદુરસ્તી માટે સભાન ? ધૂળ અને ઢેફાં!" શિલ્પા હસી પડી. "તારા જિજુ કાઠિયાવાડમાં ઉછર્યા છે એટલે સવારના નાસ્તામાં ફાફડાની એમને આદત છે. અહીં રહેવા આવ્યા પછી આ ચાર મહિનામાં ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં ઘૂમીને ફરસાણની કઈ દુકાન સારી છે એની શોધ કરે છે. દર બે-ત્રણ દિવસે સવારમાં નીકળી પડે અને ગરમાગરમ ફાફડા લઈને રિક્ષામાં પાછા આવે, આ એમનું મોર્નિંગ વૉક!" સહેજ અટકીને એણે ઉમેર્યું. "એક ઠેકાણું શોધી કાઢેલું પણ પરમ દિવસે ત્યાંથી લાવેલા ફાફડા ખાતી વખતે બબડતા હતા કે આમાં ખારો વધારે છે. એટલે સાહેબ આજે નવી દુકાન શોધતા હશે!"

શિલ્પાની ધારણા સાવ સાચી હતી. સો ફૂટના રોડ ઉપર બંને તરફની દુકાનો ઉપર નજર રાખીને હરેશ પોતાની મસ્તીમાં ચાલતો હતો. સહકારી બૅન્કમાં જનરલ મેનેજર તરીકે નિવૃત્તિ વય વટાવ્યા પછી પણ સાહેબના આગ્રહથી વધુ બે વર્ષ સેવા આપી હતી. બંને દીકરાઓ સારું કમાતા હતા અને એમના પરિવાર સાથે જલસાથી રહેતા હતા. ચાલીસ વર્ષ નોકરીમાં જાત તોડ્યા પછી હવે પાંસઠ વર્ષની ઉંમરે બાકીની જિંદગી આરામથી માણવાનો અધિકાર હરેશ વટથી ભોગવતો હતો. શિલ્પા સાથે વર્ષમાં પંદર પંદર દિવસના બે પ્રવાસ, દર અઠવાડિયે નજીકના મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવાની અને જીભના ચટાકા દબાવી નહીં દેવાના; આ રીતે જીવવાની મજા પડતી હતી.દૂરથી જ સૌરાષ્ટ્ર ફરસાણનું બૉર્ડ જોઈને એની આંખ ચમકી અને પગની ગતિ વધી ગઈ. દુકાનની બહાર કારીગર અસલ જૂની ઢબથી ફાફડા બનાવતો હતો. લાકડાના પાટલા પર ગૂંદલું મૂકીને જમણા હાથની હથેળી દબાવીને ફાફડો વણતી વખતે એ અડધો ઊંચો થઈ જતો હતો. ગ્રાહકોની ભીડ પ્રતીક્ષાભરી નજરે તાવડા સામે તાકીને ઊભી હતી."અંદરથી કૂપન લેવી પડશે."બાજુમાં ઊભેલા ગ્રાહકે હરેશને સલાહ આપી. "પૈસા આપીને કૂપન લઈ આવો."  

ફરસાણ અને મીઠાઈની એ દુકાન એરકન્ડિશન્ડ હતી. પોતે આ તરફ આજ સુધી કેમ ના આવ્યો એ પસ્તાવા સાથે હરેશ દુકાનમાં પ્રવેશ્યો. મોંઢામાં પાણી આવી જાય એ રીતે કાચના શૉકેસમાં જાતજાતની મીઠાઈઓનો રસથાળ ગોઠવાયેલો હતો. જમણી તરફ કેશ કાઉન્ટર પર પચાસેક વર્ષનો માણસ બેઠો હતો. એની પાછળનો વિસ્તાર મીઠાઈની ફેક્ટરી જેવો દેખાતો હતો. એક કારીગર તાવડામાં તાવેથાથી કંઈક હલાવી રહ્યો હતો. બીજો કારીગર એ મિશ્રણને ઠાલવવા માટેની ચોકીને લૂછી રહ્યો હતો. શુદ્ધ ઘીમાં શેકાતા ચણાના લોટની સુવાસથી મોંઢામાં પાણી આવી જાય એવું મીઠાશભર્યું વાતાવરણ હતું. એ કારીગરો અને કાઉન્ટરની વચ્ચે ખુરશી બેઠેલા એંશી-પંચાશી વર્ષના વડીલ કારીગરોને આદેશ આપી રહ્યા હતા. કાઉન્ટર પર બેઠેલા માણસને કંઈક કહેવા માટે એ ઊભા થયા ત્યારે એમનો ચહેરો જોઈને હરેશ ચમક્યો."નટવરકાકા?" વર્ષોના અંતરાલ પછી પણ ઓળખી પાડ્યાનો ઉત્સાહ એના અવાજમાં છલકાતો હતો. એની બૂમથી ચોંકીને એ બંને એની સામે તાકી રહ્યા. એ વડીલ આવીને હરેશની સામે ઊભા રહ્યા. આંખો ઝીણી કરીને એ જોઈ રહ્યા હતા પણ એમની નજરમાં ગૂંચવાડો હતો. "મને ના ઓળખ્યો? નાનો હતો ત્યારે તમારા બહુ ગાંઠિયા ખાધા છે. હું હરેશ. બાબુભાઈ ખોખાણીનો દીકરો."

"ઉંમરના હિસાબે આંખની તકલીફ છે, દીકરા,માફ કરજે. હવે તને ઓળખ્યો."એ વડીલના ચહેરા પર આનંદ છલકાયો. હરેશના માથે હાથ ફેરવીને એ ભીના અવાજે બબડ્યા. પછી ઉષ્માથી ખભા ઉપર હાથ મૂકીને એ એમની સાથે અંદર લઈ ગયા અને બાજુની ખુરશી ઉપર બેસાડ્યો."તને ના ઓળખ્યો એ મારી બહુ મોટી ભૂલ કહેવાય, પણ કેટલા વર્ષે તને જોયો? સાવ નાનો હતો ત્યારે ચડ્ડી પહેરીને ગાંઠિયા લેવા આવતો હતો ને એ વાતનેય આજે પચાસ વર્ષ વીતી ગયાં." હરેશનો હાથ એમણે એમના હાથમાં જકડી રાખ્યો હતો. તરત ઓળખી ના શક્યાની પીડા હજુય એમના ચહેરા પર વરતાતી હતી. "તારા બાપે તો મારી જિંદગી બચાવેલી એમ જ કહેવાય" જમણો હાથ ફેલાવીને એમણે આખી દુકાન બતાવી."આ જે કંઈ છે એ બધુંય બાબુભાઈ શેઠના આશીર્વાદથી! અણીના સમયે એમણે મદદ કરેલી એ તો છેલ્લા શ્વાસ સુધી નહીં ભૂલાય. ભગવાન માથે રાખીને કહું છું. એમણે જે પૈસા આપ્યા, એ મારા હાથમાં આવ્યા, એ પછી મારું નસીબ બદલાઈ ગયું!" સહેજ અટકીને એ હરેશના ચહેરા સામે તાકી રહ્યા. "ખીજડા ચોકમાં મારી દુકાન તો તેં જોયેલી, પણ ઘર તેં નહીં જોયું હોય.."

વર્ષો જૂના ભૂતકાળનાં દૃશ્યો અત્યારે જાણે આંખ સામે દેખાતાં હોય એમ લાગણીશીલ બનીને એ બોલતા હતા. "ગાંઠિયા-ચવાણાની દુકાનમાં એ વખતે આવી આંધળી કમાણી નહોતી. ભાવસાર શેરીમાં ભાડે રહેતો હતો. મકાનમાલિક હતો વાલજી ઠક્કર. એ મારા બેટાએ ભારે કરી. તમાકુવાળા દલીચંદને એના દીકરા માટે જરૂર હતી એટલે વાલજીએ બત્રીસસો રૂપિયામાં મારાવાળું એ મકાન વેચવાનું નક્કી કરી નાખ્યું. ખબર પડી એટલે મારા  માથે તો આભ તૂટી પડ્યું. એક દીકરો ને ત્રણ દીકરીઓના વસ્તાર સાથે મારે ક્યાં જવાનું? એ રાત્રે મારા ઘેર રાંધ્યાં ધાન રઝળ્યાં. બૈરી અને છોકરીઓ તો રડ રડ જ કરે. ભલે ભાડે તો ભાડે પણ વીસ વર્ષથી જ્યાં રહેતા હોઈએ એ ઘરની માયા તો બંધાઈ જ જાયને? મારું તો મગજ કામ કરતું અટકી ગયું હતું.." લગીર અટકીને એમણે આદરભાવથી હરેશ સામે જોયું." રાત્રે મને ઊંઘ નહોતી આવી.સવારે સીધો તમારી પેઢી ઉપર ગયો. એ વખતે તારા બાપાનો મોભો નગર શેઠનો. પારકી છઠ્ઠીના જાગતલ જેવો એ માણસ બધા માટે ઘસાઈ છૂટે.                                                     
એકલા બરવાળામાં નહીં પણ આખા તાલુકામાં તારા બાપાનું નામ બહુ મોટું. તારા બાપાને વાત કહેતી વખતે મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયેલાં. એમણે મારી પીડા પારખી લીધી. પેઢીમાંથી માણસને દોડાવીને તાબડતોબ દલીચંદને બોલાવ્યો. દલીચંદ, તું બીજું મકાન શોધી લે. આ નટુના નિ:સાસા લેવાની જરૂર નથી. એ સમયે બાબુલાલ ખોખાણીના આદેશની ઉપરવટ જવાની કોઈની હિંમત નહોતી. દલીચંદને રવાના કર્યા પછી તારા બાપાએ વાલજીને પેઢી પર બોલાવ્યો. વાલજી, હમણાં આ મકાન વેચવાની માથાકૂટ મૂકી દે..એમ તારા બાપાએ કહ્યું પણ એ ઠક્કરે તરત કહ્યું કે શેઠ, હાથ ભીંસમાં છે, આબરૂનો સવાલ છે, એટલે વેચ્યા વગર છૂટકો નથી. એણે આવું કહ્યું કે તરત તારા બાપાએ મારી સામે જોયું. નટુ,તારી પાસે કેટલાની સગવડ છે? મેં કીધું કે ગાંઠિયા અને ચવાણું વેચીને, પેટે પાટા બાંધીને આજ સુધીમાં ઘર માટે બાવીસસો રૂપિયાની બચત કરી છે. કાચી સેકન્ડમાં તારા બાપે ફેંસલો કરી લીધો. પેઢીના મુનિમને કહ્યું કે આ નટુને હજાર રુપિયા આપી દો. બીજા દિવસે તો દસ્તાવેજ પણ થઈ ગયો!"  

જાણે સ્વર્ગવાસી બાબુભાઈને વંદન કરતા હોય એમ આકાશ સામે બે હાથ જોડીને એ ગળગળા અવાજે બબડ્યા."તું વિચાર કર.બત્રીસસો રૂપિયામાં બે માળનું મકાન મળતું હોય એ જમાનામાં હજાર રૂપિયાની કિંમત કેટલી ગણાય? સગો ભાઈ પણ ના કરે એવો ઉપકાર કરીને એમણે મને વગર વ્યાજે પૈસા આપ્યા અને ચાર વર્ષની મુદત આપી." લાગણીવશ બનીને હરેશના હાથ પોતાના હાથમાં જકડીને ધ્રૂજતા અવાજે ઉમેર્યું."મારા ને મારા કુટુંબ માટે તો હું એમને સાક્ષાત ભગવાન જ માનું છું." ગળે ડૂમો ભરાયો એટલે એ આગળ બોલી ના શક્યા.
નોકર ફાફડાનું પેકેટ લઈને આવ્યો.એણે એ આપ્યું એટલે હળવે રહીને હરેશ ઊભો થયો. ભારેખમ વાતાવરણમાં પણ એ વિવેક ના ચૂક્યો. "વડીલ, આ અઢીસો ફાફડાના કેટલા આપવાના છે?" પાકિટ કાઢીને એણે પૂછ્યું.

"ફાફડા ચારસો રૂપિયે કિલો એટલે અઢીસોના સો રૂપિયા કાઉન્ટર પર આપી દે." નટુકાકાએ કહ્યું એ સાંભળીને જાણે ગાલ ઉપર સણસણતો તમાચો પડ્યો હોય એવું હરેશને લાગ્યું. રુંવાડે રુંવાડે આગ લાગી હોય એવી બળતરા થતી હતી. બે મિનિટ પહેલાં મારા બાપાને સાક્ષાત ઈશ્વર કહેનારા આ માણસે સો રૂપિયા માટે પણ શરમ ના રાખી? અરે માત્ર ના પાડવા ખાતર પણ ના પાડી હોત તોય કેટલું સારું લાગતું? આવા લોભિયા ઉપર બાપાએ શા માટે ઉપકાર કર્યો હશે? ધૂંધવાટ સાથે એણે સો રૂપિયા કાઉન્ટર પર ચૂકવી દીધા અને પાછળ નજર પણ કર્યા વગર પગ ઉપાડ્યા.

"એક મિનિટ, બેટા! અહીં આવ."નટુકાકાએ બૂમ પાડીને બોલાવ્યો એટલે કમને એ ત્યાં ગયો."મારા પર રીસ ચડી છેને?" એની મનોદશા પારખીને નટુકાકાએ સીધો સવાલ પૂછીને પ્રેમથી સમજાવ્યું. "આનું કારણ તારા બાપાને આપેલું વચન. એમણે પૈસા આપ્યા એના દસેક દિવસ પછી તારાથી મોટો કીર્તિ મારી દુકાને ફાફડા લેવા આવેલો. મેં પૈસા લેવાની ના પાડી એટલે તારા બાપાએ માણસ મોકલીને મને પેઢી પર બોલાવીને તતડાવ્યો. એ દિલદાર માણસે સોગન આપ્યા કે મનુ, કીર્તિ, હરેશ કે કમલ-ચારમાંથી મારો ગમે તે દીકરો તારી દુકાને આવે ત્યારે ગાંઠિયા અને ચવાણાના પૈસા તારે લઈ લેવાના! મેં સો રૂપિયા લીધા એનો તને ઝાટકો લાગ્યો હશે પણ હું લાચાર છું. આટલા વર્ષે પણ એમના સોગન તોડવાની મારામાં હિંમત નથી."

હરેશના ખભે હાથ મૂકીને એમણે ઉમેર્યું."એ વખતે મારી દુકાને માત્ર ગાંઠિયા અને ચવાણું મળે. એ સિવાય ક્યારેક વાર-તહેવારે પેંડા બનાવતો હતો. તારા બાપે ગાંઠિયા અને ચવાણા માટે જ સોગન આપેલા. મીઠાઈ હું બનાવતો નહોતો એટલે એની મનાઈ નહોતી કરી..." એમણે ઈશારો કર્યો એટલે કારીગર દોઢેક કિલોનું પેકેટ લઈને ત્યાં આવ્યો. એમણે એ હરેશના હાથમાં પકડાવ્યું. "એ છટકબારીનો લાભ લઉં છું.આવો તાજો ચોખ્ખા ઘીનો મોહનથાળ આખા અમદાવાદમાં ક્યાંય તને ચાખવાય નહીં મળે.." એ ભીના અવાજે બોલતા હતા. હરેશ આળા હૈયે સાંભળતો હતો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OutdnirfqU9fTTtUZksKsNjO9VK5C6JDMSYkrz-i_gr2Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment