Sunday, 30 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અપેક્ષા વિના સેવાકાર્ય (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અપેક્ષા વિના સેવાકાર્ય!
વિશેષ-અનંત મામતોરા

 

 

 


કર્ણાટકનો ગ્રેજ્યુએટ રિક્ષાવાળો ગર્ભવતી મહિલાઓ કે દર્દીઓને સામે ચાલીને લેવા જાય છે અને પોતાની રિક્ષામાં બેસાડીને હૉસ્પિટલ સુધી પહોંચાડે છે એ પણ એક પૈસો લીધા વગર

મુબઇમાં ચોમાસું બરાબર જામી ગયું છે ત્યારે ઘણી વાર મુસાફરોની રિક્ષાવાળા સાથે પણ જામી જતી હોય છે, અલબત્ત મૈત્રી નહીં લડાઇ. અચાનક આવેલા વરસાદના ઝાપટાં વખતે જો છત્રી પાસે ન હોય તો આપણે નજીકના અંતરે પણ રિક્ષામાં બેસીને જવાનું પસંદકરીએ જેથી શરીર કે કપડાં ભીંજાઇ ન જાય. જોકે, ઘણા રિક્ષાવાળા તો ચોમાસું હોય ક્ે ન હોય નજીકના અંતરે જવાની ના જ પાડી દેતા હોય છે. મુસાફરો પર શું વીતે છે તેની દરકાર તેમને બિલકુલ નથી હોતી. કેટલાક રિક્ષાવાળા તો પ્રવાસીને જ્યાં જવુ હોય છે ત્યાં નહીં પોતાને જ્યાં જવું હોય છે ત્યાં જ જતા હોય છે. મોં પર કોઇ સહકાર કે સહાનુભૂતિની લાગણી જ જોવા ન મળે. ઘણી વાર કોઇ ચિત્રકારને ભાવશૂન્ય કે લાગણીવિહિન ચહેરો કોઇ કેનવાસ પર કંડારવો હોય તો આવા રિક્ષાવાળાનો ચહેરો કામ લાગી શકે ખરો.

જોકે, દરેક રીક્સાવાળા આવા લાગણીશૂન્ય નથી હોતા. મુંબઇમાં તમને એવા રિક્ષાવાળા પણ જોવા મળે જે પોતાની રિક્ષાને રાણીની જેમ શણગારીને રાખતા હોય, વાચકો માટે અખબાર પણ ઉપલબ્ધ હોય, વાળ ઓળવા માટે અરીસો પણ હોય, સંગીત સાંભળવા માટે મ્યુઝિક સિસ્ટમ હોય. રાતના અંધારામાં પણ વાંચી શકો તે માટે પૂરતા પ્રકાશવાળી લાઇટની વ્યવસ્થા હોય. આવી એક રિક્ષામાં એક વાર બેસવાનુ થયું ત્યારે એક નજીકના સ્થળે જ જવાનું હતું. મનમાં તો એમ કે રિક્ષાવાળો ના જ પાડશે,પણ એણે તો આનંદાશ્ર્ચર્યમાં ગરકાવ કરી દીધા, એણે હા પાડી દીધી. ગ્રાહકોને પ્રવાસ કરવાનું મન થાય તેવી સુંદર રિક્ષાના માલિક-ડ્રાઇવરે જણાવ્યું કે એ સવારથી નીકળે ત્યારે કોઇ પણ મુસાફરને ક્યારેય ના પાડતો જ નથી, પછી એ સવારી લાંબા અંતરની હોય કે ટૂંકા અંતરની. ઉપરવાળાએ મારે માટે જે ઘરાક મોકલ્યો હોય તેને વધાવી લઉં છું. અને મહિને દાડે એટલું જ કમાઇ લઉં છું, જેટલા બીજા રિક્ષાવાળા કમાય છે.

કેટલાય એવા રિક્ષાવાળા વિશે તમે વાંચ્યું હશે જેમની રિક્ષામાં કોઇ પ્રવાસીનો કીંમતી માલસામાન રહી ગયો હોય તો તકલીફ વેઠીને, ગાંઠનું ગોપીચંદન કરીને પણ તેમને તેમનું સંપેતરું સુપરત કર્યું હોય.

જોકે, આજે જે રિક્ષા ડ્રાઇવરની વાત કરવી છે તે મુંબઇનો નહીં પણ કર્ણાટકનો વતની છે. સામાન્ય રીતે અભણ કે ઓછું ભણેલા લોકો રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હોય છે, પણ મુન્નૈસા મંગોલી નામના આ 42 વર્ષના સેવાભાવી ભાઇ તો ગ્રેજ્યુએટ છે. બી.એ. પાસ છે, પણ તેમને મનગમતી નોકરી ન મળવાથી છેલ્લા અગિયાર વર્ષથી ઑટોરિક્ષા ચલાવે છે.

આજથી 26 વર્ષ પહેલાં કર્ણાટકના બસવનબાગેવાડી તાલુકાના નારાયણપુરા ગામની એક હૃદયદ્રાવક ઘટનાને તેઓ આજે પણ ભૂલ્યા નથી. એક ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી. તે ભારે દર્દ સાથે રોઇ રહી હતી. ચીસો પાડી રહી હતી. પણ એની બદ્કિસ્મતી હતી કે તેને હૉસ્પિટલ જવા ન તો કોઇ એમ્બ્યુલન્સ મળી હતી કે ન કોઇ અન્ય વાહન સુલભ થયું હતું. આખરે મંગોલીની નજર સામે જ તેણે દર્દથી હારીને સ્થળ પર જ દમ તોડ્યો હતો. એક સાથે બેઉ જીવોનું કમોત થયું હતું. મંગોલી કહે છે કે બેમોત મરેલી પેલી ગર્ભવતી મહિલાનો કણસતો ચહેરો એ આજે પણ ભૂલ્યો નથી. મંગોલી જ્યારે ઑટો ડ્રાઇવર બન્યો ત્યારે એ જ દિવસે તેણે ફેંસલો કર્યો હતો કે આવી કોઇ પણ ઘટના બને ત્યારે એ જરૂરતમંદ પ્રવાસીને પોતાની રિક્ષામાં તો બેસાડશે જ સાથે સાથે તેમની પાસેથી એક પૈસો પણ નહીં લે. વળી, નવી નવાઇની વાત તો એ છે કે તે એવું નથી વિચારતો કે કોઇ જરૂરિયાતવાળો રસ્તામાં મળી જાય તો એને જ મદદ કરશે. બલ્કિ એણે તો એવા લોકોને મદદ કરવાનું પોતાનું રોજનું લક્ષ્ય બનાવ્યું જેમની પાસે કટોકટી દરમ્યાન પ્રવાસ માટે ઉચિત સાધન નથી. એ શોધી શોધીને એવા જરૂરતમંદો સુધી પહોંચે છે.

મંગોલી આ સત્કાર્ય કોઇ પ્રશંસા કે વખાણ કરે કે પછી પુરુસ્કાર આપે એ માટે હરગીઝ નથી કરતો, પણ એ કહે છે કે આવું કામ કરવામાં મારો આત્મસંતોષ અને સામાજિક જવાબદારી બન્ને જોડાયાં છે.

બીજી એક મનને સ્પર્શી જાય એવી વાત એ છે કે તે કોઇ આર્થિક રીતે સંપન્ન પણ નથી. અરે, આ રિક્ષા પણ તેની ખુદની નથી પણ ભાડેથી ચલાવે છે. રોજના 250 રૂપિયા ભાડુ ચૂકવતો મંગોલી ઘણી વાર તો આખો દહાડો એવા સેવા કાર્યમાં ઘુસી જાય છે કે એક રૂપિયો પણ કમાવા નથી મળતો ઊલટું ભાડું પોતાના ખિસ્સામાંથી ભરવું પડે છે. પણ આ રિક્ષાવાળાની ઝિંદાદિલી તો જુઓ. એ કહે છે કે આવું થાય એ વાતનો મને ક્યારેય અફસોસ નથી થતો. કારણકે મને ખબર છે કે લોકોને મદદ કરવામાં હું જે હાંસલ કરું છું તેનું કોઇ મૂલ્ય નથી. પ્રવાસીઓની સગવડતા માટે તેણે તેની ઑટો પર જ પોતાના સંપર્ક વિવરણવાળુ પોસ્ટર ચોંટાડી રાખ્યુ છે, જેથી કોઇ પણ કટોકટીમાં ફસાયેલી વ્યક્તિ તેનો સંપર્ક કરી શકે.

અન્ય સામાન્ય પ્રવાસીઓ પાસેથી એ મીટરના હિસાબથી ભાડું લે છે, પણ કોઇ પણ સમયે જો કોઇ જરૂરતમંદ વ્યક્તિનો ફોન આવે તો એ પૈસા વાળી સવારીને છોડીને તાત્કાલિક એની પાસે પહોંચી જાય છે. મંગોલી જે લોકોની મદદ કરે છે, ભવિષ્યમાં એમના ક્ષેમકુશળ પૂછવા તેમના વિશેની જાણકારી એક ડાયરીમાં નોંધી રાખે છે. ડાયરીમાં લખેલી જાણકારીના હિસાબે તે 2000થી પણ વધુ લોકોને આ રીતે મદદ કરી ચૂક્યો છે.

આ માણસની નિ:સ્વાર્થપણાની કોઇ સીમા જ નથી. કેટલાંક વર્ષ પહેલાં કોઇ કારણવશ તેના મોટાભાઇનું અવસાન થયું એટલે તેની ભાભી અને તેમની ચાર દીકરીઓના પાલન પોષણની જવાબદારી તેના માથે આવી પડી. એ એમ માને છે કે આ સંજોગોમાં એ લગ્ન કરે તો આવી પડેલી આ જવાબદારીને અસર થાય એટલે તેણે લગ્ન કરવાનું જ માંડી વાળ્યું છે. તે નથી ઇચ્છતો કે તેના ભાઇના પરિવારને કોઇ મુશ્કેલીઓનો સામનો કરવો પડે. પોતાના પિતાને ભરપૂર પ્યાર અને સલામત પરિવાર મળે તે માટે દેવવ્રતે રાજગાદી પર ન બેસવાનો અને લગ્ન સુધ્ધાં ન કરવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારથી તેઓ ભીષ્મ પિતામહના નામે ઓળખાયા. બસ, આવી ભીષ્મ પ્રતિજ્ઞા જાણે કર્ણાટકના આ મુન્નૈસા મંગોલીએ પણ લીધી હોય એવું લાગે છે. આ વાતનો એને કોઇ વસવસો પણ નથી. એ તો ઊલટાનું કહે છે કે મારા સેવાકાર્યો બદલ જ્યારે લોકો આનંદ અનુભવીને આભાર પ્રગટ કરે છે, કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ત્યારે જ મને એવો પરમ સંતોષ મળે છે જે મારા પર પડતી બધી મુશ્કેલીઓને ભૂલાવી દેવાની હિંમત આપે છે.

ઘણા લોકો કહેતાં હોય છે કે આ હળાહળ કળિયુગમાં પૃથ્વી પર પાપનો ઘડો ભરાઇ ચૂક્યો છે અને ગમે ત્યારે પૃથ્વીનો પ્રલય થશે, પણ લાગે છે કે જ્યાં સુધી આવા નિ:સ્વાર્થ અને પરગજુ,એવા સેવા વૃત્તિ ધરાવનારા મંગોલી જેવા માણસો પૃથ્વી પર મોજૂદ રહેશે ત્યાં સુધી પૃથ્વી ક્યારેય રસાતાળ નહીં થાય.

દિવસ - રાત અન્યોની સેવા કરનાર અને ભાઇના પરિવારને ચલાવનાર આ માણસને કોઇની પાસેથી કોઇ જાતની અપેક્ષા નથી. બસ, તેનું એક જ સપનું છે કે રિક્ષા હાલ તો ભાડેથી ચલાવે છે, પણ ભવિષ્યમાં તેની પોતાની ઑટરિક્ષા હોય જેથી પોતાનાં સેવાકાર્યો વધુ સરળતાપૂર્વક થઇ શકે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OveXMp3-uJP_-wu%2Bza4ScWej0%3DkZKzS7Smh5nZ1PJ4Pjg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment