Monday 31 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શરદી-શરદી-શરદી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શરદી ! શરદી ! શરદી!
અમથું અમથું હસીએ-રતિલાલ બોરીસાગર

 

 

 

જીવનનો અનિવાર્ય ભાગ હોવા છતાં શરદીના દરદીને વી.આઈ.પી. ટ્રીટમેન્ટ મળતી નથી. શરદીના બહાના


એક માણસને સખત શરદી થઈ. શરદી એટલે કેવી શરદી ! 'ચેઇન સ્મોકર' હોય છે એમ એ 'ચેઇન છીંકર' થઈ ગયો ! ભગવાને નાક છીંકો ખાવા માટે જ બનાવ્યું છે, એની એને ખાતરી થઈ ગઈ. ત્રણ દિવસમાં તો એ ત્રાહિમામ પોકારી ગયો. આખરે એ એક સંત પાસે ગયો. પોતાને કદી શરદી ન થાય એવા આશીર્વાદ આપવા વિનંતી કરી. સંતે કહ્યું, 'જન્મ્યા પછી જેને કદી શરદી થઈ ન હોય એવા માણસ પાસેથી તું ચપટી રાઈ લઈ આવી શકે, તો હું તને આવા આશીર્વાદ આપી શકું.' પેલો રિક્ષા કરીને ઠેરઠેર રઝળ્યો પણ આવો કોઈ માણસ ન મળ્યો; ઊલટું એ ચપટી રાઈ લેવા ગયો ત્યારે કેટલાંક માણસો કપાળે બામ ચોપડતાં હતાં; કેટલાંક નાસ લેતાં હતાં; કેટલાંક શેક કરતાં હતાં. પેલા માણસને સમજાઈ ગયું કે શરદી જીવનનો અનિવાર્ય ભાગ છે. રિક્ષાવાળાને ભાડા ઉપરાંત શરદી પણ વળગાડીને એણે એવો માણસ શોધવાનો ઉદ્યમ પડતો મૂક્યો.


શરદી એવો રોગ છે કે જે માણસના જન્મથી એની સાથે જોડાય છે ને મૃત્યુપર્યંત એને વળગી રહે છે. કાયમ શરદીથી પીડાતા રહેતા મારા એક મિત્રને તો એવો વહેમ છે કે એમને જન્મ પહેલાંથી શરદી વળગી છે. એમનો જન્મ થયો એ અરસામાં એમનાં માતાને શરદી થયેલી એવું એમણે એમના પિતાની ડાયરીમાં વાંચેલું. શરદી સાથેના ગાઢ-પ્રગાઢ સંબંધને કારણે એમને લાગે છે કે ખરેખર તો જન્મ પહેલાં જ એમને શરદી થઈ હશે ને એમનો ચેપ માતાને લાગ્યો હશે ! અત્યારે એમને ત્રીસમાંથી વીસ દિવસ શરદી રહે છે. ગયા મહિને વીસને બદલે અઢાર દિવસ શરદી રહી એ કારણે એ ચિંતામાં પડી ગયા હતા. આમ થવાનું શું કારણ હશે એવો પ્રશ્ર્ન એમણે એમના ફૅમિલી ડૉક્ટરને પૂછ્યો હતો, પણ ડૉક્ટરો કૅન્સર વિશે જાણે છે એટલું કબજિયાત વિશે નથી જાણતા, એ રીતે ન્યુમોનિયા વિશે જાણે છે એટલું શરદી વિશે નથી જાણતા. કોઈને શરદી થઈ હોય તો એનો ઇલાજ ડૉક્ટરો પાસે નથી. શરદીનો દરદી શરદીમાંથી ન્યુમોનિયા સુધી પ્રગતિ કરે, તો પછી ડૉક્ટર ઉત્સાહપૂર્વક એનો ઇલાજ કરી શકે છે. આ કારણે મિત્રને વીસ દિવસને બદલે અઢાર દિવસ જ શરદી કેમ થઈ એનો ખુલાસો ડૉક્ટર કરી શક્યા નહિ, પણ પછીના મહિને મિત્રને પાછી વીસ દિવસ શરદી રહી એટલે એમને નિરાંત થઈ. આ મિત્ર ટીવીમાં શરદીવાળા દરદીની જાહેરાત જુએ છે તોય એમને શરદી થઈ જાય છે. એક વાર તો એમને શબ્દકોશમાં 'શરદી' શબ્દની જોડણી જોવાને કારણે પણ શરદી થઈ ગઈ હતી એવું એ કહે છે !


શરદી જીવનનો આવો અનિવાર્ય ભાગ હોવા છતાં શરદીના દરદીને વી.આઈ.પી. ટ્રીટમેન્ટ મળતી નથી. શરદીના બહાના હેઠળ ઑફિસમાંથી રજા પણ મળી શકતી નથી. ન્યુમોનિયા થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે. આવો તદ્દન સામાન્ય ગણાતો રોગ અસામાન્ય માણસોને પણ ઢીલાંઢફ કરી નાખે છે. રામ-રાવણના યુદ્ધ વખતે રાવણને સખત શરદી થઈ ગઈ હોત અને એનાં દસ નાક્ધાાં વીસ નસકોરાંમાંથી પાણી નીકળવા માંડ્યું હોત, એનાં દસેદસ માથાં ફાટફાટ થવા માંડ્યાં હોત, તો કદાચ એ શ્રીરામને શરણે થઈ ગયો હોત ! મહાભારતના યુદ્ધના પહેલા જ દિવસથી ભીષ્મ, દ્રોણ અને કર્ણને સખત શરદી થઈ ગઈ હોત તો દુર્યોધનને સંધિ કરી લેવાની ફરજ પડત. બીજા વિશ્ર્વયુદ્ધ વખતે હિટલરને સખત શરદી થઈ ગઈ હોત, તો બીજા વિશ્ર્વયુદ્ધમાં કદાચ આટલો નરસંહાર ન થયો હોત. એકવીસમી સદીમાં કે ત્રીસમી સદીમાં (ત્રીસમી સદી સુધી આ જગતનું અસ્તિત્વ હશે તો) જે રાષ્ટ્ર શરદી-બૉમ્બ બનાવશે એ રાષ્ટ્ર કશી જાનહાનિ કર્યા વગર વિશ્ર્વવિજેતા બની શકશે.


મને જન્મથી જ શરદી વળગેલી. જીવનનાં પ્રારંભનાં ત્રીસ-પાંત્રીસ વરસ સુધી એ અત્યંત ઉત્કટતાથી મને વળગી રહી. આ પછી ફરી આવવાનો વાયદો કરીને એ જતી રહી હતી, પણ હવે જીવનના ઉત્તરાર્ધમાં વાયદો પાળી બતાવવા માગતી હોય એમ હમણાં-હમણાંથી એ વારંવાર આવી ચડે છે. શરદીને કારણે મારો એક કાન 'શહીદ' થઈ ગયો છે ને બીજા કાન પર જોખમ તોળાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલાં મને મારા જીવનની શ્રેષ્ઠ શરદીનો અનુભવ થયો. એ દિવસે બપોરે ઊંઘમાંથી ઊઠ્યો ને છીંકોના પ્રચંડ હુમલાઓ શરૂ થઈ ગયા. તદ્દન નરમ માણસ ગણાતો એવો હું એકાએક માથાભારે માણસ થઈ ગયો ! મારા માથામાં ખાસ કંઈ ભરેલું નથી એવું લાગ્યા કરતું હતું એને બદલે મારું માથું ભગવાને ઠાંસીઠાંસીને ભરી દીધું હોય એવું લાગવા માંડ્યું. જગત નિસ્સાર જણાવા માંડ્યું. (આપણા જે તત્ત્વજ્ઞાનીઓએ આ જગતને નિસ્સાર કહ્યું છે, તેમને આવું જ્ઞાન શરદી થયા પછી જ લાદ્યું હશે એવું મને લાગે છે.)


શરદી થયા પછી પહેલું કામ હું નાસ લેવાનું કરું છું. નાસ માટે કોઈ પાણી ઉકાળી આપે, ઊકળતા પાણીનું તપેલું પાટલા પર ગોઠવી આપે, પાટલા પાસે ધાબળો મૂકી આપે, તો નાસ લેવાની ઘટના ઘણી રમણીય લાગે. જીવનના પૂર્વાધમાં આ વૈભવ સુલભ હતો. પણ હવે જીવનના ઉત્તરાર્ધમાં હાલતાં ને ચાલતાં શરદી થવા માંડી એટલે ધીરે ધીરે એ વૈભવ લુપ્ત થતો ગયો. હવે તો સોમવારે શરદી થાય તે પછીના રવિવાર સુધી ચાલે. રવિવારે બપોર પછી માંડ શરદી મટી હોય ત્યાં પાછી સોમવારે સવારે છીંકો શરૂ થઈ જાય. આ સંજોગોમાં નાસ લેવા માટે સ્વાવલંબી થવાનું અનિવાર્ય બની જાય છે. નાસ લેવામાં સ્વાવલંબી બનવું અઘરું નથી એ ખરું, પણ મારા માટે બધાં કામો અઘરાં છે. તપેલામાં પાણી ભરીને ગૅસ પર મૂકવા જતાં આજ સુધીમાં મેં સાત તપેલાંને ગોબા પાડ્યા છે અને બે વાર અંગૂઠાને અને ત્રણ વાર આંગળીઓને ફ્રૅક્ચર કર્યાં છે. ઊકળતા પાણીના તપેલાને કાળજીથી ઉતારીને પાટલા પર મૂકવાનું કામ તો મત્સ્યવેધ અને ધનુષભંગ કરતાંય વધુ અઘરું છે, એમ મને હંમેશા લાગ્યું છે. મારી જન્મકુંડળીમાં પાણીની ઘાતનો નિર્દેશ છે ને અંગારયોગનો પણ નિર્દેશ છે. નાસ માટે ઊકળતા પાણીથી હું દાઝી જાઉં તો એ પાણીની ઘાતને કારણે દાઝી ગયો ગણાઉં કે અંગારયોગને કારણે દાઝી ગયો ગણાઉં એ વિશે જ્યોતિષ જાણનાર મારા બે મિત્રોમાં તીવ્ર મતભેદ છે. આ અંગેનો સાચો નિર્ણય તો હું દાઝી જાઉં એ સમયે ગ્રહોની જે સ્થિતિ હોય તેના આધારે જ થઈ શકે એવું ત્રીજા જ્યોતિષી મિત્ર માને છે. જોકે પાણીની ઘાત ન હોય કે અંગારયોગ પણ ન હોય તોય કેવળ મારી અણઆવડતને કારણે દાઝી જવાના ચાન્સીસ ઘણા વધારે છે, એમ મને ઓળખનારાં સૌ માને છે. એટલે શરદી થાય છે ત્યારે બામની શીશીની સાથે બર્નોલ કે સોફ્રામાયસિનની ટ્યૂબ પણ હું હાથવગી રાખું છું.


સામાન્ય રીતે શરદી થાય છે ત્યારે હું ઘરગથ્થુ ઉપાયો જ કરું છું, પણ તે દિવસની મારા જીવનની શ્રેષ્ઠ શરદીને દિવસે હું મારા ફૅમિલી ડૉક્ટર પાસે ગયો. મારી શરદીની ભયંકરતા જોઈ એમણે જથ્થાબંધ દવાઓ લખી આપી અને બીજા દિવસે અચૂક બતાવી જવાનું કહ્યું. બીજે દિવસે હું ડૉક્ટર પાસે ગયો ત્યારે કમ્પાઉન્ડરે કહ્યું, 'સાહેબને સખત શરદી થઈ છે. સવારથી પથારીમાંથી ઊભા જ થયા નથી. આજે એ દવાખાને આવી નહિ શકે !'


નોંધ : તમે નાસ લઈને કે બામ ચોળીને આ લેખ વાંચજો. આ લેખ વાંચ્યા પછી કદાચ તમને શરદી થઈ જાય એ તદ્દન સંભવિત છે. આ સૂચના જોકે મારે લેખની શરૂઆતમાં આપવી જોઈતી હતી, પણ સરતચૂકથી રહી ગયું. આ લેખ વાંચવાને કારણે તમને શરદી થાય, તો જાણજો કે થવાનું હોય છે તે કોઈ પણ બહાને થાય જ છે!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OucyhAWiTRqFetezz_MzTCKtCRuR-rzFV253NdiJqLMFw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment