સુખની વ્યાખ્યામાં સફળતા છેલ્લે આવે છે, સૌથી પહેલાં તો સ્નેહ અને સંવેદના જ છે. બહુ આગળ નીકળી ગયા પછી જો સાવ એકલા હોઈએ તો એનો કોઈ અર્થ હોતો નથી. જીવનના દરેક તબક્કે માણસે વિચારવું જોઈએ કે મારા સંબંધો તો જીવતા છે ને? સંબંધો મરેલા હશે તો જીવવાની મજા આવવાની નથી! વાંચો, 'ચિંતનની પળે' શમણાંઓ વિહોણી રાત નથી ગમતી મને, માણસાઈ વિનાની વાત નથી ગમતી મને, આપણી સામે અલગ ને લોકો સામે અલગ, બદલાતા માણસની જાત નથી ગમતી મને. - બરકત વિરાણી 'બેફામ સંબંધનું કોઈ શાસ્ત્ર નથી. સંબંધ કેવી રીતે ટકે તેના કોઈ નિયમો નથી. પ્રેમનાં પ્રકરણો નથી હોતાં. સ્નેહના પાઠ ન હોય. લાગણીના કાયદા ન હોય. પ્રેમ તો સામાન્ય સમજણ અને સાત્ત્વિક સંવેદનાઓથી જ જીવતો રહે. હું તને પ્રેમ કરું છું. તું મને ગમે છે, તારી સાથે મને સારું લાગે છે, તને મળવાનું મન થાય છે, તારું સાંનિધ્ય મને જીવવાનું બળ આપે છે. તું છે તો બધું જ છે. તું હોય તો મને મારા હોવાનો અહેસાસ થાય છે. દરેક સંબંધ જુદી જુદી ધરા પર જીવતા હોય છે. બધામાં જો કંઈ કોમન હોય તો એ માત્ર ને માત્ર સંવેદનાઓ છે. આપણી વ્યક્તિને શું ગમે છે એની આપણને કેટલી ખબર હોય છે? એ ઉદાસ હોય તો એને કેમ મજામાં લાવવી એની સમજ આપણને હોય છે? આપણી વ્યક્તિનો મૂડ આપણે કેટલો પારખી શકીએ છીએ? પ્રેમમાં મૂડ અને માનસિકતા પણ મેચ થવી જોઈએ. આપણને ખબર પડી જાય કે આજે એનો મૂડ બરાબર નથી, એ પછી આપણે તેનો મૂડ બદલવા કે સારો મૂડ બનાવવા શું કરીએ છીએ? એક પતિ-પત્નીની આ વાત છે. પતિ ઓફિસથી ઘરે જતો હતો. તે વિચારતો હતો કે ઘરે પહોંચીને પત્નીને કહીશ કે ચલ તૈયાર થઈ જા. આપણે લોંગ ડ્રાઇવ પર જઈએ. પતિ ઘરે પહોંચ્યો. પત્નીને કહ્યું, ચલ બહાર જઈએ. પત્નીનો મૂડ ન હતો. તેણે કહ્યું, ઘરમાં બહુ કામ છે અને બહાર જવાની ઇચ્છા પણ નથી. પતિનો મૂડ ખરાબ થઈ ગયો. તને આખો દિવસ ઘરનાં કામની જ પડી હોય છે. મારા મૂડની તને પરવા જ નથી. પત્નીએ કહ્યું, મારો મૂડ પણ નથી એનું કંઈ નહીં? તને તારા જ મૂડની પડી છે! તને એવું થાય છે કે હું કામ પડતું મૂકીને તારી સાથે આવું. તારા મૂડને પેમ્પર કરું. તને એમ કેમ નથી થતું કે, લાવ તને કામમાં મદદ કરું. છેલ્લે માણસ એમ કહે કે, ચલ આપણે સાથે મળીને ફટાફટ કામ કરી લઈએ પછી બહાર જઈશું. બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. આમ જુઓ તો ઇરાદો બેમાંથી કોઈનો ખરાબ ન હતો. પતિએ પત્નીને બહાર ચક્કર મારવા લઈ જવી હતી. પત્નીને એમ હતું કે જલદીથી કામ પતાવીને એની સાથે બેસું. મોટાભાગે તકલીફ એ થાય છે કે આપણે આપણી મરજી મુજબ કરવું હોય છે. આપણી વ્યક્તિની મરજી મુજબ નહીં! પ્રેમીઓમાં કે દંપતીઓમાં કોઈને ઝઘડવું હોતું નથી. ઝઘડો કરવો હોતો નથી. ઝઘડો થઈ જાય છે. ક્યારેક આપણે જતું નથી કરતા, ક્યારેક આપણે સ્વીકારી નથી શકતા. આપણી દાનત નારાજ કરવાની હોતી નથી. આપણી વ્યક્તિ આપણા માટે જતું કરતી હોય તેની પણ આપણને કેટલી કદર હોય છે? એક પ્રેમીયુગલ હતું. પ્રેમિકા એના પ્રેમી માટે બધું જ કરે. એણે વિચાર્યું કંઈ હોય, પણ એનો પ્રેમી જુદું જ વિચારે. પ્રેમિકાને ગાર્ડનમાં બેસવાનું મન હોય ત્યારે પ્રેમીને મોલમાં જવું હોય. પ્રેમિકાને પંજાબી ખાવાની ઇચ્છા હોય ત્યારે પ્રેમીને સાઉથ ઇન્ડિયન ખાવું હોય, પ્રેમિકાને ઇમોશનલ મૂવિ જોવી હોય ત્યારે પ્રેમીને એક્શન મૂવિમાં જવું હોય. દરેક વખતે પ્રેમિકા કહે કે, ભલે તારી ઇચ્છા હોય એ પ્રમાણે કરીએ. એક વખત બંને મળ્યાં. પ્રેમીએ પૂછ્યું, શું કરવું છે? પ્રેમિકાએ કહ્યું કે, બાઇક પર દૂર સુધી જવાની ઇચ્છા છે. પ્રેમિકાને હતું કે એ હમણાં બીજી કંઈક વાત કરશે કે એમ નહીં, આમ કરીએ. પ્રેમીએ એવું ન કર્યું. બાઇક સ્ટાર્ટ કરીને તેણે કહ્યું, ચાલ! પ્રેમિકાએ પૂછ્યું, રિયલી? બાઇક પર ચક્કર મારવા જ જવું છે ને? પ્રેમીએ કહ્યું, હા. પ્રેમિકાએ હસીને કહ્યું કે, કેમ તેં આજે ફટ દઈને હા પાડી દીધી? તારી મરજી ન કહી? પ્રેમીએ કહ્યું કે, તું દરેક વખતે મારી મરજીને માન આપે છે. સાવ સાચું કહું, હું તો ચેક કરતો હતો કે તું ક્યાં સુધી હાએ હા કરે છે. મારે એ જોવું હતું કે તું મારા માટે તારી ખુશીઓ કેટલી કુરબાન કરી શકે છે. મને હતું કે એક સમય આવશે જ્યારે તું ઝઘડો કરીશ. મને કહીશ કે તને બસ તારી જ પડી છે. તેં ક્યારેય એવું ન કર્યું. મને તારું ગૌરવ છે. મને તારી ઇચ્છાની પરવા છે. હવે આવું નહીં કરું. તારી મરજી ન હોય છતાં તેં મારી મરજીને માન આપ્યું છે. બધા આવું નથી કરી શકતા. મરજી મુજબનું કરવાના પણ કંઈ ભાગ ન પાડવાના હોય. એક વખત તું કહે એમ અને એક વખત હું કહું એમ કરવાનું એવું પણ ન હોય. બંનેને બંનેની મરજીમાં મજા આવે એ જ સાચો પ્રેમ છે. સંબંધોમાં બહુ વિચારો કરવાની પણ જરૂર હોતી નથી. સંબંધો સહજ રીતે વહેવા જોઈએ. આપણા સંબંધો રોજેરોજ વધારે ભારે થતા જાય છે. સંબંધો સાચવવાનું પ્રેશર ન લાગવું જોઈએ. હવે આપણી વ્યક્તિના ગમા, અણગમા અને ઇરાદાઓ એટલા બધા હાવી થવા લાગ્યા છે કે આપણને સંબંધો જ અઘરા લાગવા માંડે. આપણે સંબંધોથી મુક્તિ ઇચ્છવા લાગ્યા છીએ. કોઈ ઝંઝટમાં નથી પડવું. ક્યાં લગી બધાને ગમે એવું કરતા રહેવાનું? આપણે આધુનિક, સિવિલાઇઝ્ડ અને એજ્યુકેટેડ હોવાનું માનવા લાગ્યા છીએ. કોઈ અભ્યાસ, કોઈ ડિગ્રી, કોઈ સફળતા કે ગમે એટલી સંપત્તિ સંબંધો સાચવવામાં કામ નથી લાગતી. સંબંધોને જ્ઞાન સાથે પણ કંઈ ખાસ લેવાદેવા નથી. એના માટે તો બસ થોડીક વ્યાવહારિકતા, થોડીક સંવેદના અને થોડાક સ્નેહની જ જરૂર હોય છે. હાઇલી એજ્યુકેટેડ લોકોના સંબંધો પણ હાલકડોલક થતા રહે છે. ગામડામાં રહેતા અને ઓછું ભણેલા લોકોના સંબંધો પણ સ્વચ્છ અને સ્વસ્થ હોય છે. એક રોકેટ સાયન્ટિસ્ટ હતો. અઘરામાં અઘરું કામ તે આસાનીથી કરતો હતો. કોમ્પ્લિકેટેડ સિચ્યુએશનમાં તેની સલાહ લેવામાં આવતી. તેને પત્ની સાથે બનતું ન હતું. વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ. સાયન્ટિસ્ટ એક વખત તેના વતન ગયો. નાનકડું ગામ હતું. વતનમાં તેને એક જૂનો મિત્ર મળ્યો. લાઇફ વિશે વાતો થઈ. ગામડાના મિત્રએ કહ્યું કે યાર તારી તો બહુ નામના છે. નેશનલ અને ઇન્ટરનેશનલ મીડિયામાં તું છવાયેલો હોય છે. બધા તારી વાહવાહી કરે છે. એ મિત્ર તેને ઘરે જમવા લઈ ગયો. પત્ની સાથે મુલાકાત કરાવી. વાતો થઈ. મિત્રની પત્નીએ કહ્યું કે, જિંદગી જીવવાનું હું તમારા મિત્ર પાસેથી શીખી. એ સદાયે હસતો રહે છે. મહેનત કરે છે. પ્રામાણિક છે. સૌથી મોટી વાત કે મને બહુ પ્રેમ કરે છે. બંને મિત્રો છૂટા પડતા હતા. સાયન્ટિસ્ટ મિત્રએ જતાં જતાં કહ્યું કે, યાર તું નસીબદાર છે. તારી પત્નીને તારું ગૌરવ છે. તને ઘરે જવાનું મન થાય છે. મેં તો મારું દાંપત્યજીવન બચાવવા ખૂબ મહેનત કરી છે, છતાં કંઈ ન થયું. અહીંથી જઈને ડિવોર્સ આપવાનું કામ કરવાનો છું. આજે મને સમજાય છે કે, સંબંધમાં કોઈ રોકેટ સાયન્સ કામ નથી આવતું. મારી ડિગ્રી, મારું કામ, મારી નામના કે મારાં ગુણગાન મારું ઘર તૂટતાં બચાવી શકવાનાં નથી. સુખી તો તું છે. તને ખબર છે કે મારી પત્ની મને પ્રેમ કરે છે. મારી જિંદગીમાં જે થયું એમાં કદાચ મારો વાંક હશે. સુખ વાંક નથી જોતું. એ તો તમે કેટલા સહજ છો એ જુએ છે. આખી દુનિયા વાહવાહી કરતી હોય અને ઘરના લોકો નારાજ હોય ત્યારે એક તબક્કો એવો આવે છે જ્યારે તમને એવું થાય કે કશાનો કંઈ જ અર્થ નથી! કાશ મારામાં તારા જેવી થોડીક આવડત હોત! પ્રેમ કરવાની આવડત બધામાં નથી હોતી. તમારી પાસે જો એવી વ્યક્તિ હોય જે તમને પ્રેમ કરે છે, જેને તમારી ફિકર છે, જે તમારી રાહ જુએ છે, જેને તમારાથી ફેર પડે છે તો તમે નસીબદાર છો. સુખની વ્યાખ્યામાં સફળતા છેલ્લે આવે છે, સૌથી પહેલાં તો સ્નેહ અને સંવેદના જ છે. બહુ આગળ નીકળી ગયા પછી જો સાવ એકલા હોઈએ તો એનો કોઈ અર્થ હોતો નથી. હમસફર હોય તો મંજિલે પહોંચવાનો થાક લાગતો નથી. સફરની જેને મજા નથી મળતી એ મંજિલે પહોંચીને પસ્તાતા હોય છે. જીવનના દરેક તબક્કે માણસે વિચારવું જોઈએ કે મારા સંબંધો તો જીવતા છે ને? સંબંધો મરેલા હશે તો જીવવાની મજા આવવાની નથી! છેલ્લો સીન : સંબંધો ટકાવવા માટે મહેનત કરવી પડતી હોય તો સમજજો કે ક્યાંક કશોક પ્રોબ્લેમ છે. રિલેશનમાં રિલેક્સ ફીલ ન થાય તો એને રિચાર્જ કરો. –કેયુ. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov0Hdkmwoyc1qqZ9bkhV6-4Ne-Eh8Kq3s-sejxBqWtRhg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment