Saturday 29 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શાંતિ સાવ મફતમાં જોઈએ છે, તમારે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શાંતિ સાવ મફતમાં જોઈએ છે, તમારે?
વિનોદ ભટ્ટ

 

 


આપણા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જમ્મુ-કાશ્મીરના પ્રવાસેથી પાછા ફરતાં પત્રકારોને માહિતી આપી કે ગયા વર્ષના મુકાબલે આ વર્ષે કાશ્મીરના ખીણ પ્રદેશના વિસ્તારમાં સ્થિતિ ઘણી સુધરી છે. જોકે આ વાતની તો આપણને મીડિયાએ જ જાણ કરી છે કે એ વિસ્તારમાં આતંકવાદીઓ તેમજ પથ્થરબાજો અને જે લોકો ઘરની બહાર નીકળ્યા નથી એમને બાદ કરતાં વધારે માણસો પોલીસ ગોળીબારમાં મર્યા નથી.


રાજનાથસિંહજીએ તો વધુમાં ખોંખારીને એવું પણ કહ્યું છે કે આ વર્ષે સરકાર સામે દેખાવ કરનારાઓની સંખ્યા ગયા વરસ કરતાં ઘટી છે. આ કારણે પેલેટગનનો ઉપયોગ પણ ઓછો થયો છે, ઘણી ગોળીઓ બચી છે, ગમે ત્યારે ખપમાં આવી શકશે. જોકે છેલ્લું દોઢ વાક્ય તે નથી બોલ્યા. મારા ગીધુકાકા મનમાં બોલ્યા છે. આ સામસામા ગોળીબાર કરવા છતાં બંને પક્ષે એકબીજા તરફની સહાનુભૂતિ, પ્રેમ, સંવાદ અને વિશ્વાસ વધે ને શાંતિ સ્થપાય એ ગૃહમંત્રીશ્રીની સર્વોચ્ચ ઇચ્છા છે.


થોડા સમય અગાઉ સરકાર એવી ઉદાર હતી કે ધારો કે કોઇ પિયક્કડ દેશી ઝેરી દારૂ પીવામાં ખતમ થઈ જાય તો તેનાં નિર્દોષ પરિવારજનોને આર્થિક ટેકો કરતી. આ કારણે પીનારાઓને એ મુદ્દે નિરાંત થઈ ગઈ કે તું તારે નિરાંતે પીધા કર, પરંતુ પીવામાં એમ વધુ પડતો આગળ વધીને ઊકલી જઈશ તો પાછળવાળાઓનું ધ્યાન રાખનાર સરકાર-માબાપ હાજર છે. સરકારની આવી ઉદાર મનોવૃત્તિને લીધે પીનારાઓને તો જાણે લહેર પડી ગઈ, પીનારા ઘટવાને બદલે વધવા માંડ્યા. આથી સરકારે છેવટે કંટાળીને આ રીતે આત્મહત્યા કરનારનાં કુટુંબીજનોની પડખે ઊભા રહેવાનંુ કાયમી ધોરણે માંડી વાળ્યું.


અને આપણે ત્યાં ટ્રેનોની આવન-જાવન ભલે ટાઇમટેબલ પ્રમાણે નથી થતી, પરંતુ ટ્રેન અકસ્માતો તો વગર ટાઇમટેબલે છાશવારે થયા કરે છે ને મરનારના પરિવારને મોટું વળતર ચૂકવાય છે. આ વળતર ચૂકવતી વેળાએ એનીય ચકાસણી કરાતી નથી કે તે સીધો સાદો મુસાફર હતો કે ખુદાબક્ષ! ફક્ત એટલું જ જોવાય છે કે તે રેલવેનો મુસાફર તો હતોને! બાકી ટિકિટ ખરીદવી અને એ બધી તો ગૌણ બાબત છે.


અને ભારતભરનાં તમામ રાજ્યોમાં એક કાશ્મીર જ એવું રાજ્ય છે જે વિશિષ્ટ દરજ્જો ભોગવી રહ્યું છે અને દાયકાઓથી આપણા નેતાઓ આ પ્રદેશની પ્રજા માટે વિશેષ પ્રેમ ધરાવે છે. એટલું જ નહીં એ વહાલ જાહેર પણ કરે છે. સત્તાપક્ષના લગભગ બધા રાજનેતાઓ સમયાંતરે એક જ સૂરમાં જણાવતા રહે છે કે કાશ્મીરના દિશાશૂન્ય થઈ ગયેલ યુવાનો શસ્ત્રો ત્યજીને રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાવા ઇચ્છતા હશે તો તેમને ઉદાર શરતોથી પુનર્વસવાટ કરી આપીશું. (હા, આ સવલત માર્ગ ભૂલેલ યુવાનો માટે જ છે. બાકી ઘરડા આતંકીઓને અમે અમારી રીતે ઠેકાણે પાડી દઇશું. લશ્કરને અપાયેલ બંદૂકોને કાટ ન લાગે એ પણ જોવાની અમારી ફરજ ખરી કે નહીં!) આપણા પ્રધાનમંત્રી ન.મો.એ પણ ભાન ભૂલેલાં બાળુડાંને પ્રેમ કરવાનો લશ્કરને આદેશ આપ્યો છે.


'પ્રોડિગલ સન' માટેનું આ પેકેજ પુનર્જીવિત થઈ ગયું છે એવું માનીને ચાલીએ તો પછી શું બને?- એક કાલ્પનિક સંવાદ:
'તમે 'પ્રોડિગલ સન' પ્રોજેક્ટના મંત્રીના P.A. છોને? આગંતુક યુવાનની સામે જોઈને:'
'હા, બંધુ હું જ એ મંત્રીના P.A.નો P.A. છું, બોલો...'


'હું કાશ્મીરનો એક ગુમરાહ યુવાન છું. વચ્ચે તમારા કોઈ મોટા પ્રધાન, પણ મોટાથી નાના પ્રધાને વચ્ચે કાશ્મીર આવ્યા ત્યારે રસ્તો ભૂલેલા છોકરાઓને તેમણે આજીજી કરેલી કે જો તમે પોલીસ પર પથ્થરમારો અને આતંકવાદના ખોટા રસ્તેથી નીકળીને દેશના લોકો સાથે ભળી જાવ તો તમને ઉદારતા દાખવી તમે ઇચ્છશો ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપીશું. તમારી એ શરતો મને માફક આવશે તો હું મારાં હથિયારો ત્યજી દઈશ...'

'તો તમે કાશ્મીરના ઉગ્રવાદી છો?'


'કેમ, લાગતો નથી?'
'તમારું શુભ નામ?'
'લાન્સ નાયક અબ્દુલ કરીમ...'
'તમે ત્રાસવાદી છો એનું પ્રમાણપત્ર?'
'હિઝબુલ મુજાહીદ્દીન સંગઠનનો સક્રિય કાર્યકર છું. પાકિસ્તાનના ત્રાસવાદી કેમ્પમાં મેં બે વર્ષ ટ્રેનિંગ લીધી છે. લો, આ છે એનું સર્ટિફિકેટ...'
'સાહેબ, હું એમ. કોમ. ફર્સ્ટક્લાસ છું ને નોકરી માટે આવ્યો છું.'


'તમે વચ્ચે ન બોલો, અત્યારે અહીં માર્ગ ભૂલેલા આતંકવાદીઓને સાચા રસ્તે લાવવાનું અભિયાન ચાલે છે એ જોતા નથી? તમારા જેવા સેંકડો બેકારો અહીં રોજ આંટા મારીને અમને કામ કરવા દેતા નથી. હાં તો લાન્સનાયક, શરણે આવવા માટેની તમારી શરતો શી છે એ જણાવશો, પ્લીઝ?'

'એક તો મારે સરકારી નોકરી જોઈએ, રૂપિયા 35થી 40 હજાર સુધીના પગારની, એની સામેનો મારો ત્યાગ જુઓ.'


'અરે ભાઈ, એટલો બધો પગાર તો મનેય નથી મળતો...'
'એ તો જેવી જેની ઔકાત. પાકિસ્તાનમાંથી હેરોઇન ને શસ્ત્રોની હેરાફેરી કરતો હતો તેમાંથી મહિને દા'ડે ત્રીસેક હજાર તો હસતા રમતા કૂટી ખાતો, એટલે મને એનાથી ઓછું કેવી રીતે પરવડે, તમે જ કહો...'

'સાહેબ, મને બે-અઢી હજારની નોકરી આપશો તો પણ તમારો હું સદાય ઓશિંગણ રહીશ. એમ.કોમ.માં હું યુનિવર્સિટીમાં ત્રીજા નંબરે આવ્યો છું, જુઅો, આ સર્ટિ.'

'તમે એમ. કોમ. ફર્સ્ટ ક્લાસ છો એનું ગાણું ક્યાં સુધી ગાયા કરશો? મને મારું કામ કરવા દો પ્લીઝ... તો લાન્સ નાયક, તમારો અભ્યાસ? કેટલું ભણ્યા છો?'

'આઠમી ક્લાસમાં હું ત્રણ વાર ફેલ થયેલો, હેટ્રિક, એટલે પહેલાં ટીચરને ને પછી સ્ટડીને ગોળી મારી દીધી.'


'તમે કોઈ મંત્રીને ઓળખો છો ખરા?'
'હા, પણ ઘણાં વર્ષો થયાં એ વાતને. હમણાં હમણાં તો મંત્રીઓ કમાન્ડોને લઇને આવે છે, પણ એ વખતે તે એકલો કાશ્મીર આવ્યો ત્યારે તેના પર ફાયરિંગ થયેલું, એ ફાયરિંગ કરનારાઓમાં એક હું પણ હતો. મંત્રી સહેજમાં બચી ગયો.'
'આ હિસાબે તમારી નિશાનબાજી એટલી કાચી કહેવાય. આ તો અમથી મજાક કરું છું, પાછા અમારા બોસને કહેતા નહીં, પણ મિત્ર, કાશ્મીરની ખીણમાં શાંતિ સ્થાપવામાં તમે કેવી રીતે અમને મદદ કરી શકશો?'


'દિલ્હીમાં રહીને, હું મારા પાંચ ભાઈઓ, છ બહેન ને સાત સાળાઓ અહીં રહીશું એટલે કાશ્મીરમાં એટલે અંશે શાંતિ થવાની કે નહીં? અમે તો પાછા પથ્થરબાજો પણ છીએ, તમારે એટલી નિરાંત નહીં?'
'પણ દિલ્હીમાં મકાનોની તંગી ખૂબ જ છે.'
'એ મારો નહીં, તમારો પ્રશ્ન છે. મારું કુટુંબ ઘણું મોટું છે, એટલે ચાર ચાર બેડરૂમવાળા પાંચેક ફ્લેટ તો મારે જોઈશે જ. સમજ્યા તમે?'
'હા, પણ દિલ્હીમાં ફ્લેટનાં ભાડાં બહુ વધારે છે.'


'ભાડાની ક્યાં માંડો છો. મારે તો માલિકીના ફ્લેટો જોઈએ. આ સોદો બિલકુલ કિફાયતી છે. પણ તમારી દલીલો સાંભળતાં મને એવું લાગે છે કે કાશ્મીરમાં તમારે તદ્દન મફતમાં શાંતિ જોઈએ છે. પણ એક વાત સમજી લો, શાંતિ ખપતી હોય તો તેની આકરી કિંમત ચૂકવવી પડે છે. તો પણ યુદ્ધ કરતાં શાંતિ પ્રમાણમાં ઘણી સસ્તી પડે છે. એમાં લોહીનું એક ટીપુંય જમીન પર પડતું નથી. એની સામેના અમારા શસ્ત્રત્યાગનું નહીં વિચારો?-અમારા જીવથી પણ વહાલાં શસ્ત્રો છોડીને અમે પાંખ વગરના પંખી જેવાં સાવ સામાન્ય નાગરિક બની જઇએ છીએ એ કેમ ભૂલો છો?'


'સાહેબ, હું તો સાહેબ, તમે જે પગાર ઠરાવશો એમાં કામ કરવા તૈયાર છું, પ્લીઝ-'
'મિસ્ટર એમ. કોમ., તમે મારી આગળ વારંવાર તમારી જ નોકરીનું ગાણું ન ગાયા કરો. તમે જુઓ છો કે અત્યારે હું દેશના એક મહાન અશાંત પ્રશ્નને ઉકેલવામાં પડ્યો છું ને તમે તમારી નોકરી જેવી એક ક્ષુલ્લક માગણી માટે તમે ક્યારના મારું માથું ખાઈ રહ્યા છો!'


સોરી લાન્સ નાયક, આ છોકરો આપણને ક્યારનો વચ્ચે પજવી રહ્યો છે. એમ.કોમ. ફર્સ્ટ ક્લાસમાં પાસ કરી એમાં તો જાણે મોટી ધાડ મારી! કાશ્મીરની હાલની પરિસ્થિતિ જોતાં તમારી માગણી ખાસ વધારે પડતી ન ગણાય, આ સિવાય?
'રક્ષણ...'
'રક્ષણ એટલે કોને કોનાથી રક્ષણ, ચોખવટ કરશો?'


'મારે મારા જ માણસોની સામે રક્ષણ જોઈશે. મારા કુટુંબ સાથે હું અહીં આવી જઈશ, એટલે મારી સાથે કામ કરનાર આતંકવાદીઓ મને ગદ્દાર ગણી મને ને મારા ફેમિલીને શોધવા ને પછી પતાવવા દિલ્હી ધસી આવશે, એટલે એમનાથી બચવા મારે ને મારા કુટુંબને લગભગ ચાલીસ કમાન્ડોની ટુકડી જોઈશે, સાથે એક ડઝન જેટલી એ.કે. ફોર્ટીસેવન પણ ખરી. કમાન્ડોને એ લોકો પતાવી દે તો એમનો સામનો કરવા મારી પાસેય હથિયાર તો હોવાં જોઈએ કે નહીં! - મારી વાત તમને સમજાય છે?'
'હા, તમારી વાત મને તો જાણે બરાબર સમજાય છે, પણ સરકાર આ પ્રકારની માગ નહીં સ્વીકારે.'


'તો પછી તમારી મરજી, પરંતુ મારી નાની અમથી માગો પણ નહીં સ્વીકારો તો પછી માંડ હાથમાં આવેલું કાશ્મીર તમારે ખોવું પડે તો એને માટે તમે ને તમારી જીદ જ જવાબદાર ગણાશે. આમ તમારે શાંતિ ખરીદવી છે ને એ પણ ખાસ કશું જ ચૂકવ્યા વગર?'
'ઓ.કે. તમારી બસ, આટલી જ માગણીઓ છે ને?'


'તમે તો યાર, બહુ ઉતાવળા, બહુ ઉતાવળા, મને તો એ નથી સમજાતું કે સરકારી ખાતામાં હોવા છતાં તમે કેમ આટલા બધા અધીરિયા છો? મારી વાત પૂરી થયા પહેલાં જ ફાઇલ બંધ કરો છો!'
'ઓહ સોરી, વેરી સોરી, ફરમાવો...'
'મારે બુલેટપ્રૂફ મોટરકાર પણ જોઈશે...'


'ઇમ્પોસિબલ. આ તો પ્રધાનમંત્રીનું માથું મોટું કહેવાય એટલે તેમને બુલેટપ્રૂફ કાર મળે, એ સિવાય કોઈને પણ નથી આપતા. જુઓને, વચ્ચે ગૃહમંત્રી કાશ્મીરની મુલાકાતે આવેલા ત્યારે તેમને પણ બુલેટપ્રૂફ કાર નહોતી મળી.'
'એ મારે નહીં જોવાનું. આ તો તમારા મંત્રીએ ઉદાર શરતોનાં બણગાં ફૂકેલાં એટલે મેં તો મારી શરતો મૂકી. બાકી તમારા P.M.ના માથા કરતાંય મારું માથું ઘણું મોટું છે, કીમતી છે. તમે જૂનાં છાપાં વાંચશો તો તમને ખબર પડશે કે સરકારમાં મારા માથાનો શો ભાવ ચાલે છે. જો હું શરણાગતિ સ્વીકારીશ તો પાકિસ્તાનમાં મારા માથાનો ભાવ 25 લાખ થઈ જશે.'


'સર, આપને હું મારી અરજી સાથે એમ.કોમ.ના સર્ટિ.ની ઝેરોક્ષ આપી રાખું?'
'અલ્યા ભૈ એમ.કોમ. તારું સ્વમાન તું ઘેર મૂકીને આવ્યો લાગે છે. તને મેં ચોખ્ખું કહ્યું છે કે અત્યારે હું આ પ્રોડિગલ સનને ઠેકાણે લાવવા માગું છું ને તું બસ, તારા સ્વાર્થની પીપૂડી વગાડ્યા કરે છે? રાષ્ટ્રની તને લેશમાત્ર પડી નથી? કેવો માણસ છે તું?'


'તો ભાઈ પી.એ.ના પીએ, હું અત્યારે તો જાણે જઉં છું. લો, આ મારો પી.પી. નંબર છે, તમારા મંત્રીને પૂછીને જે હોય તે મને જણાવજો. સારું એ તમારું...'
'અલ્યા એ એમ.કોમ. લાન્સ નાયકની પાછળ પાછળ તું ક્યાં જાય છે?'
'કાશ્મીરની ખીણમાં... એમ.કોમે જવાબ દીધો.'


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsH%3DgsQfTuryb2rVKhP%2B-qWx5zFF7peSuwC%3DfmeLYK0AQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment