તાજેતરમાં ટીવી પર એક રીયાલીટી શોમાં શાહરૂખ ખાન ગેસ્ટ તરીકે આવેલા. શાહરુખે એક વાત કરી હતી કે, '' હું ત્રણ બાળકોનો નસીબદાર પિતા છું. જીવનમાં એવી બહુ જ ઓછી ક્ષણો આવતી હોય છે જ્યારે તમારા બાળકો તમને કહેતા હોય કે મોમ ડેડ આઈ લવ યુ. જ્યારે પણ એ ક્ષણ આવે ત્યારે એક પેરેન્ટસ તરીકે અમને થાય કે એ મોમેન્ટને જીવી લઈએ કારણ કે બાળકો માબાપ માટે પોતાનો પ્રેમ ક્યારેય એક્સપ્રેસ નથી કરતા. આજે પાછળ ફરીને જીવાયેલી જીંદગીને જોઉં છું તો એવું સમજાય છે કે હું પણ મારા માબાપને ક્યારેય કહી શક્યો નહોતો કે હું તમને કેટલો પ્રેમ કરું છું!'' આંખ બંધ કરીને ઉંડા શ્વાસ લઈને એકવાર આ વાત પોતાના તરફથી વિચારો તો સમજાશે કે આપણે કોઈ આ વાતમાંથી બાકાત નથી. શું જે લોકો આપણને ખૂબ પ્રેમ કરતા હોય એને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ ? હવે શાણા લોકો એક દલીલ એવી પણ કરશે કે ''ભઈ આ લવ યુ પપ્પા અને લવ યુ મમ્મી એ બધું પશ્ચિમનું કલ્ચર છે. આપણને લોકોને આવી જરૂર નથી. આપણે તો માતાપિતાને ભગવાન ગણીને પૂજીએ છીએ.'' હું એમ કહું છું કે ભગવાનની પણ તમે માત્ર પૂજા નથી કરતા એમની સાથે વાત તો કરો છો, ભગવાનને લાડ પણ કરો છો. તમે તમારા માબાપ સાથે બેસીને લાંબી વાતો કરો છો ખરા ? બે મિનિટના હાઈ હેલ્લો અને કામની વાત પછી તમારી બીજી વાતો થઈ શકે છે ? હું મારી આસપાસ એવા ઘણા લોકોને જોઉં છું કે એમની મોબાઈલ સ્ક્રીન પર મમ્મી કે પપ્પા એવું નામ કોલીંગમાં દેખાય કે એનો આખો મૂડ મરી જાય અને ફોન રીસીવ કરતાની સાથે જ ફોન મુકી દેવાની ઉતાવળ વધારે હોય. ફોન મૂકી દીધા પછી એમના ચહેરા પર હાશકારો હોય છે. ત્યારે મને એવું થાય કે એક સમય એવો પણ આવશે કે એ ફોનમાં માબાપનો ફોન ક્યારેય નથી આવવાનો, સુખડનો હાર ચડેલા ફોટો ફ્રેમમાંથી એ ક્યારેય નથી પૂછી શકવાના કે, '' તું કેમ છે, તું જમી કે નહીં, ભાઈ તારી તબિયત કેમ છે અને બેટા, તું ક્યારે ઘરે આવવાની છે ?'' માબાપને બહુ સરળતાથી આપણે કહી દેતા હોઈએ છીએ કે, - આમાં તમને ખબર ન પડે - મારી ચીજવસ્તુઓને તમારે અડકવાની જરૂર નથી. પછી મને મળતી નથી. - તમારી પ્રોબ્લેમ શું છે, જાસુસ બનીને મારી પાછળ લાગેલા હો છો. મારી મરજીથી હું શ્વાસ પણ નથી લઈ શકતી - તમને આટલી બધી પડપૂછ શેની છે ? મારી જીંદગી છે હું જોઈ લઈશ અને આમ પણ તમે લોકોએ અમારા માટે કર્યું શું છે.
પોતાનો ગુસ્સો સંતાનો માબાપ પર સૌથી પહેલાં ઉતારી દેતા હોય છે. દરેક વાતની અકળામણ એ માબાપ પર થોપી દે છે. જો એ સફળ થાય અને આગળ વધે તો એની મહેનત પણ જો એ સફળ ન થાય તો એના માબાપને લીધે એને નહીં મળેલા લાભોનું લાંબુ લીસ્ટ. જેમ ઘણા સંતાનોને એવું થતું હોય છે કે અમને માબાપ ચોઈસનો ઓપ્શન મળ્યો હોત તો હું આ જે છે એનાથી પણ વધુ સારા માબાપ પસંદ કરત. સંતાનોએ પણ ન ભૂલવું જોઈએ કે જો સંતાનો પસંદ કરવાની ચોઈસ એમને મળી હોત તો તો ડેફીનેટલી તમે તો આ જગ્યાએ ન જ હોત. ''મમ્મી, દરેક વખતે આ એક જ પ્રકારનું શાક બનાવે છે તું, તને તો કશું આવડતું જ નથી.'' એવું કહીને થાળી પછાડનારા બાળકો ભૂલી જાય છે એ લોકોને જન્મ આપવાની જટીલ પ્રોસેસમાં ઘણા બધા સ્વાદ એની મમ્મીથી છૂટી ગયા છે. જરા, તમારા મમ્મીને પૂછજો કે તમે પેટમાં હતા ત્યારે એણે એવું કેટકેટલુંય ખાધું છે જે એને ભાવતું નહોતું પણ તમારા સ્વાસ્થ્ય માટે સારું હતું. ''પપ્પા, તમારું ડ્રેસીંગ બહુ વિચિત્ર છે, મારી કોલેજમાં ન આવશો મારા ફ્રેન્ડસ મને ખીજવશે.'' માબાપ જેવા છે એવી સ્થિતિમાં તમને શરમ આવતી હોય તો જીવનની આનાથી મોટી કરૂણતા બીજી કઈ હોવાની.
ઘણા લોકોને માબાપની સંઘર્ષ કથાઓ પણ બહુ અકળાવતી હોય છે. માબાપ કહેતા હોય કે કઈ રીતે એ લોકોએ એક પૈસાના એકાવન કર્યા, કેવા કેવા સંજોગોમાં ઘર ચલાવ્યું, કેવી કેવી વિટંબણાઓનો સામનો કર્યો. મોટાભાગના સંતાનો આ બધી વાતોથી જ દૂર ભાગતા હોય છે. તમને જ્યારે તમારા માબાપ પોતાના સંઘર્ષોની કથા કહે છે ત્યારે એ લોકોનો અમે કેટલા મહાન છીએ એ એમને સાબિત નથી કરવું પણ જીવનમાં સંજોગો કેવા કેવા પડખા ફેરવે છે એ વાસ્તવિકતા સમજાવવાનો આશય હોય છે. માબાપ પોતાને ભૂતકાળમાં પડેલા દુ:ખો સંતાનોને એટલા માટે સંભળાવતા હોય છે કે સંતાનો જાણીને સમજી લે કે એ લોકો પર માબાપને પડ્યા હતા એવા પહાડ તો નથી તૂટી પડ્યા. સરવાળે અહીં આખી વાત પોઝીટીવીટી અને હોપની છે જે સંતાનો સમજતા નથી.
માબાપ જ્યારે દુનિયમાંથી જતા રહે છે એ પછીનો શૂન્યાવકાશ બહુ કંપારી લાવી છે એવો હોય છે, જેના જીવનમાં આ શૂન્યાવકાશ આવ્યો હશે એ લોકોને જ ખબર હશે કે ઘેર રાહ જોનારી બા ન હોય અને સંતાનો સાથે જોડાયેલા મિત્રોના બિઝનેસ અને કુટુંબની પડપૂછ કરતા બાપ ન હોય એ ખાલીપો કેવો હોય છે. જીવનમાં દરેક વખતે બધું પસ્તાઈને શીખવું જોઈએ એવું જરૂરી નથી. મોટાભાગના વૃદ્ધ વડીલોની એક ફરિયાદ હોય છે કે કોઈ એમની વાત સાંભળનારું નથી. સંતાનો પાસે મોબાઈલમાં દૂર દૂર બેસેલા અને ક્યારેય નહીં મળેલા મિત્રો સાથે કલાકો વાતો કરવાનો સમય છે પણ માબાપ સાથે પાંચ મીનીટ શાંતિથી બેસીને વાત કરવાનો સમય નથી. માબાપની વાતો કદાચ તમને બોરીંગ લાગી શકે પણ એ અર્થ વગરની નથી હોતી આપણને આ વાત સમજાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. મૃત્યું છે એ સૌથી મોટું સત્ય છે, મૃત્યું એ સૌથી મોટું વાસ્તવ છે. મૃત્યું એ ક્ષણ છે જ્યારે માણસને અચાનક એકાએક પોતાની ભૂલો સમજાઈ જાય છે.
માબાપ સંતાનો માટે રાતદિવસ મહેનત કરે અને દરેક જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનતા પ્રયત્ન કરે એના બદલામાં એને કોઈ લાંબી લાંબી થેંક્સવાળી તમારી સ્પીચ નથી જોઈતી. માણસની એ મૂળભૂત પ્રકૃતિ છે કે એના કામની, એના પ્રેમની, એના ભાવની કોઈ કદર કરે. કોઈ જ્યારે તમારા હોવાપણાની નોંધ લે એ સાથે બધા જ પ્રશ્નો અને થાક મરી પરવારતો હોય છે. કોઈને તમારી લાગણીઓની કદર છે અને તમારું હોવું એના જીવનમાં બહું અગત્યનું છે એ રીઅલાઈઝેશન જીવનની સૌથી શ્રેષ્ઠ અને સુંદર લાગણી છે.
હજું મોડું નથી થયું. માબાપ પાસે જાઓ. એમને ભેટી પડો. એમના હાથ ચુમી લો અને એમને કહો કે '' મમ્મીપપ્પા, મોમડેડ, બાબાપૂ, તમે લોકો મારા માટે સૌથી અગત્યના છે. ભગવાને મને જે કંઈ આપ્યું છે એ બધી વસ્તુઓમાં તમે લોકો સૌથી મોટી ભેટ છો. તમે લોકો મારી હિંમત છો, તમે લોકો મારી ઉર્જા છો, તમારા ચહેરા પર સ્મિત જોઉં છું તો મારો દિવસ સુધરી જાય છે. જાણ્યે અજાણ્યે મેં તમને લોકોને અનેક વખત દુભવ્યા હશે પણ મને માફ કરો...હું તમને બંનને બહું જ પ્રેમ કરું છું. મારા માટે તમે જે કંઈપણ કરતા આવ્યા છો એટલું તો હું તમારા માટે ક્યારેય નથી કરી શકવાનો પણ તમને એટલું તો જરૂર કહીશ કે થેંક્યુ સો મચ અને હું તમને હંમેશાથી પ્રેમ કરું છું એને આગળ પણ અનહદ પ્રેમ કરતો/કરતી રહીશ.'' આમાંથી અડધું પણ બોલી શકશો તોય ઘણું છે પણ આ બોલીને એનો ચહેરો જોજો...જગતની શ્રેષ્ઠ આંખો, શ્રેષ્ઠ સ્મિત અને શ્રેષ્ઠ આંસુ તમને સમજાઈ જશે!
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsJhjas_S%2B-AfuetYo_bBDOAS%2Bdq_94ZeJ8zpDUt0y2eg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment