Saturday 29 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જ્યારે કાવ્યની ચંદ પંક્તિઓ સાંતાક્લોઝને યુનિફોર્મ પહેરાવે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જ્યારે કાવ્યની ચંદ પંક્તિઓ સાંતાક્લોઝને યુનિફોર્મ પહેરાવે!
અભિમન્યુ મોદી

 

 

 

રાત હતી નાતાલ પહેલાની અને વાત હતી બધા ઘરોની
ન હલચલ દેખાય એક પણ માણસની કે ઉંદરની.
ઘરની ચીમની ઉપર મોજા લટકાવ્યા હતા સંભાળપૂર્વક
સેન્ટ નિકોલસના આગમનની રાહ હતી આતુરતાપૂર્વક.
બાળકો સુઈ ગયા હતા હૂંફાળી પથારીમાં
નાચતી હતી મીઠાઈઓ બધાના સપનામાં.
બહાર બગીચામાંથી આવ્યો થોડો અવાજ ખડખડાટ
પથારીમાંથી જાગી ગયો, મનમાં હતો ગભરાટ.
આ હું શું જોઈ રહ્યો મારી આંખો રહી ગઈ ફાટી
આઠ રેન્ડિયરવાળી આ તે કેવી બરફગાડી?
ઘરડો ડ્રાઈવર એકદમ ઉત્સાહી અને ઝડપી
અરે આ તો સેન્ટ નીકની સવારી આવી પહોંચી.
હું થોડો આમ ગયો ને ફરીથી ગયો ઘરમાં
સેન્ટ નિકોલસ ચીમની વાટે સીધા પ્રવેશ્યા રસોડામાં.
ગુચ્છાદાર કપડાંમાં સજ્જ, માથાથી પગ સુધી
કપડાં ખરડાયેલા હતા, રાખ અને કાળી મેશથી;
કેટલા બધા રમકડાં ઝૂલે એની પીઠ પર
એ લાગે ફેરિયા જેવા, ખોલે કોથળો દરેક સ્મિત પર.
તેની આંખો રમતિયાળ ને ગાલના ખંજન તો ગોળગોળ
તેના ગાલ ગુલાબ જેવા ને નાક જાણે હોય લાલ બોર;
તેનો રમૂજી ચહેરો જાણે દોર્યું હોય કોઈ બાણ
તેની દાઢી ધોળી સફેદ જાણે પડ્યો હોય હિમનો મેઘ.
ધુમાડાને હાર બનાવીને તે તો થયા ચાલતા.
પહોળો ચહેરો અને ગોળમટોળ પેટની જુગલબંદી
હશે ત્યારે એવી રીતે હલે જાણે હોય તે જેલી.


ખ્યાલ તો આવી જ ગયો હશે કે આ કોઈ બીજી ભાષાની કવિતાનો ડાબા હાથ વડે થયેલો ગુજરાતી ભાવાનુવાદ છે. મૂળ કાવ્ય તો બહુ લાંબું છે તેની જરૂર પૂરતી પંક્તિઓ પસંદ કરીને અછડતો અનુવાદ કર્યો છે. આ કાવ્ય મૂળ કયા કવિનું એ વાત પછી કરીએ પણ અત્યારે એટલું જાણીએ કે આ બાળકાવ્ય છે. ઓફ કોર્સ, મીટર એટલે કે છંદમાં લખાયેલો છે એટલે બે-બેની જોડીમાં રહેલી પંક્તિઓના પ્રાસ જેમ અહીં મળે છે તેમ ઓરિજિનલ બાળકાવ્યમાં પણ મળે છે. આ કવિતા 'અ વિઝિટ ફ્રોમ સેન્ટ નિકોલસ' છે જે 'ધ નાઈટ બીફોર ક્રિસમસ' તરીકે પણ ઓળખાય છે. અમેરિકનોમાં સૌથી વધુ જાણીતી કવિતા કહેવાય છે. સૌથી પહેલા ૨૩ ડિસેમ્બર, ૧૮૨૩ ના રોજ ન્યુયોર્કના એક અખબારમાં છપાઈ હતી જેમાં કોઈ કવિનું નામ લખવામાં આવ્યું ન હતું. આ કવિતાના સર્જનની ક્રેડિટ બાબતે દાયકાઓ અને સદીઓ સુધી વિવાદ ચાલવાનો હતો એ ત્યારે તો કોઈને ખબર ન હતી પણ આ એક કવિતાએ ક્રિસમસના વર્તમાન સેલિબ્રેશનના પાયા મોટા પાયે નાખ્યા છે એવું નિ:શંકપણે કહી શકાય.


સાંતાક્લોઝ ઉર્ફે સાંતા ઉર્ફે સેન્ટ નિકોલસ ઉર્ફે ક્રીસ ક્રિંગલ ઉર્ફે ફાધર ક્રિસમસ. જગતના મોટા ભાગના બાળકો જેને જાણે છે અને ખૂબ ચાહે છે એવું પાત્ર. સાંતાક્લોઝ ખ્રિસ્તી પરંપરાના છે હવે એવું કહી ન શકાય કારણ કે તે હવે સેક્યુલર બની ગયા છે, બિનસાંપ્રદાયિક. સાંતાક્લોઝનો ડ્રેસ પહેરીને ડિસેમ્બરના છેલ્લાં દિવસોમાં શોપિંગ મોલ કે શોરૂમની બહાર કે રોડ ઉપર ઉભેલા અનેક લોકો તમને લાહોરમાં પણ જોવા મળે અને જ્હોનિસબર્ગમાં પણ.


લાલ કલરના મખમલી કપડાંવાળો એક ઘરડો માણસ જેની દાઢીમાં એક પણ સફેદ વાળ નથી. કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ બાળકો તો ઠીક પણ મોટેરાઓનું પણ આટલું ફેવરિટ બની ગયું હોય તેવું આ ઉદાહરણ છે. પણ સવાલ થવો જોઈએ કે સાવ કલ્પનામાંથી આવેલું પાત્ર સાંતાક્લોઝ હંમેશા આ જ યુનિફોર્મમાં કેમ હોય છે? સિક્સ પેક એબવાળો અને સર્કસના કરતબો કરી શકતો વધુ સ્ફૂર્તીલા સાંતાનું વર્ઝન આ ફોર-જીના જમાનામાં કેમ ન આવ્યું? લાલ કપડાં પહેરેલા કોઈ દાઢીવાળા પુરુષના વાળ કાળા હોય તો તેને આપણે સાંતાક્લોઝ તરીકે સ્વીકારવા તૈયાર છીએ જ નહિ. એવું કેમ? સાંતાક્લોઝના દેખાવનો આ ગણવેશ આવ્યો ક્યાંથી?


આ સવાલનો જવાબ શરૂઆતની કવિતામાં જ આપી દીધો છે. ગ્રીક સાહિત્યના પ્રોફેસર ક્લેમેન્ટ ક્લાર્ક મુરના નામે આ કવિતા વધુ પ્રચલિત છે. આ કવિતા ઓગણીસમી સદીની શરૂઆતના ગાળામાં અમેરિકા અને પછી બ્રિટનના દૈનિકોમાં લગાતાર છપાઈ અને પછી એકસાથે સાતેક જેટલા કવિઓ તેની ઉપર પોતાનો હકદાવો જતાવવા માટે આવી ગયેલા. પણ ક્લેમેન્ટ ક્લાર્ક મુરની શાખ અને પ્રતિભા જોતાં તેમના ઉપર અવિશ્ર્વાસ કરવાનું કોઈ કારણ ન હતું. સાંતાક્લોઝ અને નાતાલ પહેલાની રાતનું વર્ણન બાળકોને મજા પડે એ રીતે છંદોબદ્ધ પંક્તિઓમાં કરાયું હતું. પણ તેના વર્ષો પછી આ કવિતા હેન્રી લિવિંગસ્ટન જુનિયરે લખી છે એવું કહેવામાં આવ્યું.


લિવિંગસ્ટનના મૃત્યુના નવ વર્ષ પછી ક્લેમેન્ટ ક્લાર્ક મુરે આ કવિતા પોતાની છે એવું કહ્યું હતું. માટે ઘણાં સ્કોલરો દૃઢપણે એવું માને છે કે આ અતિપ્રચલિત કાવ્ય ક્લેમેન્ટ મુરનું નહિ પણ હેન્રી લિવિંગસ્ટનનું છે પરંતુ સાહિત્યની દુનિયામાં, પુસ્તકોમાં કે ઇન્ટરનેટ ઉપરની વેબસાઈટો ઉપર આ કાવ્યના કવિ તરીકે ક્લેમેન્ટ મુરનું નામ જ દેખાય છે.


ખેર, હકીકત જે હોય તે આપણે જોવાનું એ રહ્યું કે એક કવિતાએ ક્રિસમસનો મૂડ આખી દુનિયામાં સેટ કરી નાખ્યો. સાંતાક્લોઝ પાત્રનો પ્રેરણાસ્ત્રોત તો ચોથી સદીમાં થઇ ગયેલા સેન્ટ નિકોલસ છે જે અત્યારના તુર્કીના પ્રદેશમાં થઇ ગયેલા. ઈતિહાસમાં એવું કહેવાયું છે કે સંત નિકોલસ ગરીબોને ભેટસોગાદો આપતા. ખાસ તો તેમણે ત્રણ ગરીબ દીકરીઓને કરિયાવર આપ્યો હતો જેથી તેઓને દેહવ્યાપાર કરવો ન પડે. પણ સાંતાક્લોઝના ઈતિહાસ પાછળ માત્ર એક આ જ વાત નથી. બહુ બધા પ્રદેશોમાંથી જુદી જુદી દંતકથાઓ, લોકકથાઓ, સાહિત્ય બધામાંથી ધીમે ધીમે આજે જે દેખાય છે તેવા સાંતાક્લોઝ નામના પાત્રનો જન્મ અને વિકાસ થતો ગયો. 'ફાધર ઓફ ધ અમેરિકન કાર્ટૂન' ગણાતા થોમસ નાસ્ટે છાપા માટે ઉપરની કવિતા ઉપરથી સાંતાક્લોઝનું કાર્ટૂન/કેરીકેચર બનાવ્યું હતું અને ત્યારથી સાંતાનો આ યુનિફોર્મ જગપ્રસિદ્ધ થતો ગયો.


દર વર્ષે અબજો ગુણ્યા અબજોની ભેટસોગાદની આપ-લે થાય છે. કરોડો મા-બાપ સાંતાની રાહમાં સુઈ ગયેલા બાળકોના મોજામાં ભેટ મૂકે છે. ક્રિસમસના મહિનામાં પાર્સલ અને કુરિયર સર્વિસ ઉપર બોજો અનેકગણો વધી જાય છે અને કાર્ગોર્શિપ કે કુરિયરના વિમાનો ચોવીસ કલાક ઉડ્ડયન કરતાં રહે છે. એક કવિતાને કારણે આજે એમેઝોન કે ફેડએક્સ જેવી ઘણી કંપનીઓનો અબજો ડૉલરનો બિઝનેસ વધ્યો છે. આખી સંસ્કૃતિ અમુક કવિતાઓ અને દંતકથાઓ ઉપર ઘડાઈ છે. પરંપરા, શ્રદ્ધા અને મનુષ્યોની મોજમજાનો ત્રિવેણી સંગમ એટલે કવિતામાંથી રચાયેલા કાલ્પનિક પાત્રની ઇર્દગીર્દ વિશ્ર્વના સૌથી મોટા પયમાના ઉપર ઉજવાઈ રહેલા તહેવારની ઉજવણી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsZ3FYst_Aa6B-ugk0yZAGd0DHWxJfvtfxZCO_YzsMepw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment