Saturday, 29 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ગામ ધણી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગામ ધણી!
મુકેશ સોજીત્રા

 

 


"સાદુળ કાકા આ વખતે તમારી સામે સંદીપ ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છે!! ટિકલાએ સાદુળને કીધું.


"એમ,?? વાત તો મનેય સંભળાય તો છે જ, પણ છોકરાંથી છાસુ નો પીવાય છાસુ ટીકલા!! ગામ   ભલેને વાતું કરે, પણ એને ટેકોય કોણ આપે,?નવું લોહી છે ને એટલે થોડું ફૂંફાડા મારે!!,પછી એય ટાઢું થઈને બેસી જાશે ખૂણામાં આમેય યુવાનીના ઝાડવાને અનુભવના ફળ મોડા આવે મોડા ટીકલા!! "સાદુળે કીધું તો ખરું પણ મનમાં ફડક બેસી ગયેલ કે ગામમાં જે રીતે લોકો સંદીપને બોલાવે છે અને વાતો થાય છે એ રીતે જો એ ચૂંટણી લડેનો તો જીતી જાયેય ખરો, ને જો એવું થાય તો એનાં બાપા ગભા મેરા અને  દાદા મેરા માધાની આબરૂ ધૂળમાં મળી જાય.


મહુવા પંથકના એક ગામમાં આ સાદુળ ગભા સરપંચ અને એય બિનહરીફ, સતત ચાર વાર, એની પહેલા એનો બાપ ગભા મેરા ય સતત છ વાર બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાયેલો. ટૂંકમાં પચાસ વરસથી આ ગામમાં સરપંચની  ચૂંટણી નથી થઇ.  સાદુળનો બાપ પૂરો ભારાડી, બધા જ અપલખણ એનામાં,ગામના સારા સારા ઘર એની મેલી નજરથી નહોતા બચ્યા. ગભો ગામમાં નીકળે ને ત્યારે સોપો પડી જાય. કોઈ એની સામે નજર ના મિલાવી શકે એમાં ચૂંટણીમાં તપ કેમ કરીને  ઉભા રહે. ગામને પાદર જ એની વાડી. વાડી હતી તો વિસ વિઘા જ પણ આજુબાજુનું ગૌચર દબાવી દબાવીને એંશી વિઘા સુધી પહોંચી ગયેલ. ગામને પાદર પંચાયતનો કૂવો અને એ કૂવામાં એક મોટર પાણી કાઢવાની  તે એ કુવાનું પાણી જાય સીધું આ ખેતરમાં!! વાડી પીવે પછી વધે તો ગામ પીવે!! આવી જ લુખ્ખાગીરી ગભા એ પુરા ત્રીસ વરસ ચલાવી હતી. ગભાનો બાપ મેરા માધા પણ ચાર ચાચણી ચડે એવો હતો. રજવાડા વખતે માધા મેરાનો દબદબો હતો.જાણકારો તો એવું કહેતા કે મહુવા બંદરે માધા મેરા જે દાણચોરીનો માલ ઉતરતો એ સગેવગે કરતો અને ત્યારનું આ ખોરડું પૈસા વાળું બની ગયેલ.પછી તો સ્વરાજ આવ્યું અને માધા મેરાએ ધંધા બદલ્યા ખરા પણ મૂળ ધંધા તો જાકુબના જ રહ્યા.આજુબાજુના ગામડામાં દેશી દારૂના અડ્ડા આ માધા મેરાએ જ શરુ કરાવેલા અને એ વારસાગત લખણ એના  છોકરામાં સુપેરે ઉતર્યા હતાં.  અને આવો  હવે આ વારસાગત જવાબદારી એનો છોકરો સાદુળ સુપેરે નિભાવતો. સાદુળમાંય બાપાના અપલખણ નાનપણ થી જ આવી ગયેલાં, અપલખણ ની એક બાબત મે નોંધી છે કે અપલખણ બીકણ હોય છે એટલે એક અપલખણ ક્યારેય એકલું ના આવે!! અપલખણ હંમેશા જથ્થાબંધ આવતાં હોય છે. તે સાદુળમાં પણ નાની ઉંમરે આ બધા જ અપલખણ આવી ગયેલ. એ નાનો હતો ને ત્યારે બાર બાપની વેજા સાથે પાણી શેરડે રાજદૂત લઈને લીમડાના છાયે ઉભો હોય!! અને જો કોઈ વહુ દીકરીને પાણી ભરવા જવું હોય કૂવે ને તો એના ઘરનું કોઈ પહેલા તપાસ કરે કે સાદુળની ગેન્ગ કૂવે છે કે નહીં જો ના હોય તો જ ગામની બેન દીકરી પાણી ભરવા જાય બાકી ઘરે બે કલાક તરસ્યા બેસી રહે!! આવી વ્યક્તિ છેલ્લા વિસ વરસથી સરપંચ!! અને એ પણ ચૂંટણી વગર!! અને ઉપરથી સમરસનાં નામે વધારે પૈસા પણ મળે!! પણ આ વખતે જરાક જુદું વાતાવરણ જોવા મળે છે, વાયરો થોડો અવળો વાય એવું લાગે છે, ગામ ધૂંધવાઈ તો રહ્યું હતું દસ વરસથી પણ બધા જોઈ રહેલાં અને એમાંય સંદીપે ફૂંક મારી ને થયો ભડકો!! ગામમા પેલી વાર પડકાર ઉભો થયો!! એટલું જ નહિ મીટીંગો પણ થવા માંડી!!  સંદીપ એક ગાંધીવાદી અને ખાદીધારી સંસ્થામાં ભણીને આવ્યો હતો. બધું જ જાણતો હતો .યુવાનો સાથે ચર્ચાઓ કરતો. સંદીપ પાસે બધાંજ પ્રશ્નોના જવાબ હતાં . સંદીપ રોજ રાતે ગામને પાદર વડલા નીચે મીટીંગ ભરતો અને કહેતો.


"લોકશાહી એટલે લોકોનું રાજ,જ્યાં લોકો જ સર્વોપરી હોય. બાકી બધાં જ પ્રજાના સેવકો છે.તમે તલાટી મંત્રીથી માંડીને મામલતદાર સુધીના બધાને સાહેબ કહો છો.એ કોઈ સાહેબ નથી જાહેર સેવકો છે. મૂળ તો આપણી ગળથૂથીમાં જ ગુલામીનીઆદત પડી ગઈ છે. એટલે આજીજી અને લાચારી સિવાય આપણને કશું જ નથી આવડતું.મૂળ તો આમાં શિક્ષણનો જ અભાવ છે, બાકી તમને ખબર પણ નથી કે સરકારી ચોપડે આપણા ગામમાં ડામરનો પાકો રોડ બની ગયો છે અને ચાર વાર રીપેર પણ થઇ ગયો છે. ગામમાં અવેડા માટેની રકમ ગામના પંચાયતી ખુંટીયા ખાઈ ગયાં છે.મારી પાસે તમામ વિગતો છે.છેક જીલ્લા સુધી મિલીભગત ચાલે છે મારે તમારો ટેકો જોઈએ છે. તમારા વિકાસમાજ ગામનો વિકાસ સમાયેલો છે.બહાર નીકળીને જુઓ કેટલાય ગામડા ક્યાંના ક્યાં પહોંચી ગયાં અને હજુ આપણા ગામમાં સંડાસ પણ નથી. સરકારે એની પણ ગ્રાન્ટ આપેલી જ છે પણ એ મારા બટા ખુટીયા ખાઈ ગયાં છે.ખાવાનું તો ખાઈ ગયાં પણ આ લોકો જાવાનુય ખાઈ ગયાં બોલો.પણ આ વખતે એનું કશું નહિ ચાલે તમે બધાં મક્કમ બનો.હું તમને મહીને મહીને હિસાબ આપીશ પણ એક વખત આ ગામની સિકલ બદલે જ છૂટકયો છે" સંદીપની વાતમાં લોકોને રસ પડતો ગયો કારણકે એનું કુટુંબ ગામમાં સારી આબરૂ ધરાવતું હતું,વળી સંદીપની કોઈ મોળી વાત ગામે સાંભળી નહોતી.     


યુવાનો સાથે સંદીપ ઘરે ઘરે જવા લાગ્યો, કેટલા પૈસા આવે છે દર  વરસે, અને એ ક્યાં વાપરવાના હોય અને એ કયાં વપરાયા છે!! આ બધું થવા માંડ્યું જાહેર!!!! અમુક ને તો ત્યારે જ ખબર પડી કે લે આપણાં ગામમાં તો શેરીએ શેરીએ પાકા રોડ સરકારી ચોપડે બની ગયા છે!! શાળામાં ઓરડા પણ બની ગયાં છે અને પાછા રીપેરીંગ માટે પણ તૈયાર થઇ ગયાં છે. ગામમાં એક સહકારી મંડળીની ઘાલમેલ પણ સંદીપ બહાર લાવ્યો.જેમાં પાંચ વરહ પહેલા મારી ગયેલાં ખેડૂતના નામે મંડળીઓ પણ ઉપડી હતી અને પાક વીમો પણ ઉપડી જતો હતો બારોબાર અને લોકો બરાબરના ધૂંધવાયા વાતાવરણ જામતું ગયું તો સાદુળે પણ આ વખતે પૈસાની થેલી છૂટી મૂકી. મોટી ઉંમરના અને અમુક આડા ધંધા વાળા સાદુળની સાથે દેખાવા મંડ્યા. તૂટલાં બાકસ અને ખોટી દિવાસળીઓ સાદુળ ગભા બાજુએ હતી જયારે  ગામના યુવાનો અને સ્ત્રી વર્ગ સંદીપની સાથે. એક વર્ગ એવો હતો કે જે વર્ષોથી સાદુળ ને એનાં બાપની સાથે જ હતો... ગુલામી એક એવી કુટેવ છે કે જે લગભગ જલ્દી નથી જાતી!!


ગામનાં વણિક તલકચંદ મહિનાથી આ બધો ખેલ જુએ!! કોઈને કહે નહિ પણ આખા ગામની રજે રજ માહિતી સાંજે મળે !! આ તલકચંદ પણ મોકાની રાહમાં જ હતાં. તલકચંદ ના ઘણાં રૂપિયા આ સાદુળ ગભા એ ખોટા કર્યાં હતાં. વીસ વરસ પહેલાની ઘણી મોટી રકમ આ સાદુળ ગભા દબાવીને બેઠો હતો. બહુ ઉઘરાણી કરીને ત્યારે એક લાખના દેણા સામે સાદુળે વિસ હજાર આપ્યાં ત્યારે શેઠ બોલ્યાં.


"ગામ ધણી કહેવાવ સાદુળભાઈ  તમે આમ કરો ઈ નો હાલે પાંચ હજાર ઓછા આપો ઈ હાલે પણ આ તો એંશી હજાર ઓછા આવું નો પોહાય સરપંચ, અમારે પણ બાયડી છોકરા હોયને આમ ધંધો કરીએ તો તો મરી જ જઈએ ને!!??


"તે ગામમાં ધંધો કરવો છે કે નહિ, જે આપે ઈ લઇ લેવાનું નહીંતર...... પછી લઇ લેજે લે....  હિંગ તોલ્ળ માપમાં રહેવાનું"સાદુળે પોતાની જાત બતાવી. શેઠ તલકચંદ ઠરેલ બુદ્ધિના વણિક,ગમ ખાઈ ગયાં, પણ મગજમાં શબ્દો અંકિત થઇ ગ્યાં. તે લાગ જોઈને તલકચંદ શેઠે સોગઠી મારી.  સંદીપને એક રાતે બોલાવ્યો.


"સાંભળ્યું છે કે તુંયસરપંચનું  ફોર્મ ભરશ આ વખતે તે ગામના સારા ભાગ્ય કહેવાય "


"હા શેઠ આજુ બાજુના ગામ જુઓ તો તમને ખ્યાલ આવે કે કેવા ગામ હતા અને અત્યારે ક્યાં છે, પણ આપણું ગામ પચાસ વરસ થી આના ને એના બાપના તળિયા ચાંટ્યા તે મળ્યું શું?


"સાચી વાત છે પણ સાદુળે ભેગું બહુ કર્યું છે ને તે બે હાથે પૈસા વાપરશે, ગફલતમાં ના રહેતો, જરૂર હોય તો કેજે"


એમ કહીને વિસ હજારનું બંડલ પરાણે સંદીપને આપ્યું. અને આપી કેટલીક ટિપ્સ!! એવી ટીપ્સ કે સંદીપની પણ આખો પહોળી થઇ ગઈ.  અને પછી ચૂંટણી જાહેર થઇ ને પ્રચાર શરૂ થયો... ને ફોર્મ પણ ભરાઈ ગયા.. ગામનું વાતાવરણ સાવ બદલાઈ ગયું.. સંદીપની સાથે ગામના યુવાનો અને સારા માણસો હોય ને સાદુળની  સાથે ગામના ઉતાર સિવાય કોઈના હોય...સાદુળ બધાય ના માતાજીના મઢે જાય પગે લાગે અને માતાજીના ચરણે પૈસા મુકે!! સાંજે સંદીપ અને તેની ટુકડી ત્યાં ડબલ પૈસા મૂકી આવે. તલકચંદ વાણીયાએ પૈસાની કોથળી છૂટી મૂકી દીધેલી અને મનમાં નક્કી જ કરી નાંખેલું કે આ વખતે તો સાદુળ ગભાનું બારમું જ કરી નાંખવું છે. વાણીયા હતાં એટલે રાજ ટક્યા તા બાકી બે બદામનો સાદુળ મને હિંગ તોળ્ય કહી જાય!! સાદુળે ઘણા ધમપછાડા કર્યાં પણ સામેની પેનલમાંથી કોઈ ફોર્મ પાછું ખેંચવા તૈયાર ના થયું..સંદીપની ટુકડી બરાબર તૈયાર હતી. ઘણાં દબાણ આવ્યા પણ એકેય ફોર્મ પાછું ના ખેંચાણું. ફોર્મ પાછું ખેંચવાના આડે હવે માંડ બે દિવસ જ હતાને એક ઘટના બની...!!!


વાડીએથી ભજિયાનો પ્રોગ્રામ પતાવીને સંદીપ અને તેના ચાર પાંચ મિત્રો આવતા ને તે રસ્તામાં જ આઠેક બુકાનીધારી આડા ઉતર્યા ને લૂંટફાટ કરી શરુ બધા પાસે તલવારો ને આ લોકો ખાલી હાથે, ધોલ થપાટ થઇ, ને ત્યાં સાદુળ ગભાનું રાજદૂત આવ્યું. એની સાથે બીજા રાજદૂત પણ હતા    પડકારો થયો


"અલ્યા કોણ છે,? અને આ અડધી રાતે શું છે?"


"કોણ સાદુળ ગભા?? ગામધણી?? "એક બુકાનીવાળા એ પૂછ્યું


"હા પણ તું કોણ તારો અવાજ ઓળખાતો નથી"સાદુળે કીધું


"તે જરૂરેય નથી ઓળખવાની અને આમાં શું કામ પડય છો ભાઈ...?? આ તો તારો દુશ્મન છે તારે તો ખુશ થવું જોઈએ"બુકાની વાળો બોલ્યો..


'"પણ અત્યારે તો હું ગામનો ગામ ધણી, મારી નજર સામે મારા ગામનાને કોઈ મારે ઈ હું નો જોઈ શકું, માટે જીવતા રહેવું હોય તો વેતીના પડો"


કહીને સાદુળ સામે દોડ્યો, અને બટાઝટી  બોલી. દસેક મિનિટ ચાલ્યું ને પેલા બુકાનીધારી ભાગ્યા. સાદુળ ને પગે તલવાર વાગેલી ને એક હાથે ચરકો પડેલો. પણ સંદીપને પણ થોડું વાગ્યું  અને તેના માણસો બચી ગયા. ગામ આંખમાં વાયુવેગે વાત ફેલાઈ ગઈ કે સાદુળે બહાદુરીનું કામ કર્યું છે. આ તો થોરે કેળા ઉગ્યા જેવી વાત થઇ.. બીજે દિવસે ટોળું ઉમટ્યું સાદુળ ને ઘેર... વાહ !!!... ગામધણી.... વાહ...!!! આમેય ટોળાને મગજ તો ના હોયને!!! આ એક જ પ્રસંગમાં સાદુળ હીરો બની ગયો... એય ને સાદુળ ની ડેલીએ ખાટલા નંખાણાં.... ઉભા ગળે જેને ખવરાવ્યુંતું એ અધિકારી ઓ આવ્યા ખબર કાઢવા.. ગામ ફાટી આંખે જોઈ રહ્યું.. આને ઓળખાણ કેટલી!!!?? આતો દેવનો દીકરો!!! પછી સાંજના સમયે ગામના કહેવાતા ડાહ્યા માણસોને બોલાવ્યા અને સાદુળ બોલ્યો..


"કાલે હું અને મારી પેનલ ફોર્મ પાછા ખેંચીએ છીએ.. આમેય હવે પેલા જેવો કોઈ રસ નથી અને ગામને પણ હવે કાંઈ રસ નથી અને તમને તો ખબર્ય જ છે કે મારા બાપાએ અને મેં ગામ હાટુ જિંદગી ખર્ચી નાંખી તે મને આજ વિચાર આવ્યો કે સંદીપ હોંશિયાર છોકરો છે, ગામનું ભલું કરશે, અને આમેય મને હવે થાક જ લાગે છે, અને મારી અવસ્થા થઇ ગઈ છે હવે તો આ બધું મુકીને ચારધામ ની જાત્રાએ જાવું છે. ખુબ ગામની સેવા કરી.ગામે સહકાર પણ સારો આપ્યો. મારું ગામ એટલે સોનાનું ગામ!!  આ ગામમાં જો ચૂંટણી આવે તો મારા બાપ ગભા મેરા અને મારા દાદા મેરા માધાનો જીવ સ્વર્ગમાં પણ દુભાય એટલે હું તમને હાથ જોડું છું કે મને રોકશોમાં ભલા થઇ ને,!! હું કાલે ફોર્મ પાછા ખેંચું છું!! બોલતાં બોલતાં આંખમાં ઝળઝળીયા આવી ગયાં. અને થોડીક ઉધરસ પણ ખાધી અને પછી જાણે દુઃખ સહન નાં થાતું હોય એમ મોઢે અને આંખુએ રૂમાલ રાખીને એક ડૂસકું પણ ખાધું!!! અને પછી વિનવણી નો દોર શરુ થયો... સોગંદ દેવાણા!! તમે જ અમારા ગામ ધણી!! તમે જો ફોર્મ પાછું ખેંશો તો અમે ગામ મૂકીને જતા રહીશું એવો પણ સુર શરુ થયો.. પાછો સાદુળ બોલ્યો..


"આતો મરતી વખતે મારો બાપ કહેતો ગયો હતો કે બેટા ગામની સેવા એ જ સાચી સેવા !!!એટેલે બાકી મારે આમાં ઘરનાં રોટલા જાય છે, !ઝ!! કાંઈ વધતું નથી, પણ બાપાએ કીધેલું એટલે કરવું પડે છે, પણ ગામ માં વિખવાદ થાય એ મને નો પોહાય બાકી ગામમાં ચૂંટણી નો આવવી જોઈ.. ચૂંટણીમાં મનદુઃખ થાય, તડા પડે, ગામ સળગે અને આ બધું થાય તો મારા બાપા ગભા મેરાનો આત્મા સરગે બેઠા બેઠા રોવે કે અરેરે મારા ગામની આ દશા!! મારા ગામમાં ચૂંટણી આવે!!!!  અને એટલે જ કહું છું કે આ વખતે સંદીપ ભલે થાય સરપંચ!! હું એની હારે જ હઈશ.. લાવો તાંબાનું પતરું તમને લખી દવ કે સંદીપની હારો હાર હું કામ કરીશ એને તાલુકામાં ને જિલ્લામાં  બધી ઓળખાણો કરાવી દઈશ. અને એ બીવે નહિ હું એને નડીશ નહિ!! નડે એ બે બાપનો હોય!! પણ હવે હું ચૂંટણી ના લડું એ નક્કી છે."


અને રોઈ પડ્યો સાદુંળ!! લોકોની આંખમાં પણ આંસુડાં!!! માણસોના હૃદય દ્રવી ઉઠ્યા!!! લોકો દોડ્યા ગયાં સંદીપના ઘેર એને રીતસરનો ઘઘલાવ્યો!!!... અને લાવ્યા દબાણ અને સંદીપ અને તેની પેનલના ફોર્મ ખેંચાવ્યા પાછા!!  અને સાદુળ ગભા  બીજા પાંચ વરસ માટે બિનહરીફ,!!સમરસ ગામ સાદુળ ગભાને નામ!!!!! સાંજે  જ સાદુળ ગભાનું સરઘસ નીકળ્યું. બગલાની પાંખ જેવા સફેદ કપડામાં સાદુળ વધારે પડતો લળી લળી ને નમતો હતો. આમેય દગાબાઝ તો દોઢો જ નમેને!! ભારત આઝાદ થયું એ સાચું પણ હજુય અમુક ગામડાઓમાં ગુલામી તો શરુ જ છે!!


અને એ રાતે સાદુળની વાડીમાં ઓલ્યા બુકાની વાળા આવ્યાં...!! સાદુળ ને ભેટ્યા... સાદુળે પૈસા આપ્યા....રોયલ સ્ટેગની બોટલો ખુલી,   બાઈટિંગ ના પડીકા આવ્યા.... તારા સમ ને, મારા સમ!! બે બાપનો હોય, ને એવા બધા સોગન્દ દેવાણાં!! પેગ પર પેગ જામ્યા. મહેફિલ જામી અને સાદુળ બોલ્યો

 

"ટિકલા હું નો તો કેતો કે છોકરાથી છાસુ નો પીવાય ટીકલા છાસુ નો પીવાય!!  એ નાનકડાં સંદીપડાનું શું ગજું!! એ મારી સામે ટકી શકે વાતમાં માલ નહિ ટીકલા વાતમાં માલ નહિ!! હું કોણ  આ તો સાદુળ ગભા!! ભાઈ સાદુળ ગભા!! ત્યાં એક બુકાની વાળો પેગ મારીને બોલ્યો.


"અલ્યા સાદુળ તું લખણ ખોટીનો છો એ તો ખબર હતી જ પણ કલાકાર નો દીકરો છો એ તો હવે જ ખબર પડી... અને પછી ખીખીયાટા અને બખાળા થી ગામની સીમ પણ ધ્રુજી ઉઠી!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou_94bSsTjmF8ajJy2jqvy48fC_VOpbSOM7rEPUB2yVNw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment